પરિવારનો સાથ Falguni Dost દ્વારા પુષ્તક અને વાર્તા PDF

Featured Books
શ્રેણી
શેયર કરો

પરિવારનો સાથ

પ્રિય સખી ડાયરી,

આજ તો હું તારી સાથે એજ વાતો કરવા આવી છું જે હું સદંતર કરતી આવી છું. હા, મારા પરિવારની જ વાત જે વારંવાર વાગોળવી ગમે જ. અને તું હંમેશા મને સાંભળે અને સમજે પણ છે. હું તારી સાથે મારો ગુસ્સો, પ્રેમ, ચિંતા, દર્દ, અને ક્યારેક મારા અધૂરા સપનાના અહેસાસ આ બધું જ તને જણાવીને હું સાવ હળવી થઈ જાઉં છું.

આજ મન પરિવાર શબ્દ પર જ કેન્દ્રિત થઈ ગયું છે. હરીફરીને એમ જ થાય છે કે પરિવાર દુનિયાનું એવું સ્થળ છે કે જ્યાં વ્યક્તિ પોતે નિરાંતનો શ્વાસ અને અનહદ શાંતિ મેળવી શકે છે.

મારા જીવનમાં તો કેટકેટલા ઉતારચઢાવ આવ્યા, આ દરેકમાં મારો પરિવાર મને ખુબ ઉપયોગી અને હૂફરૂપ રહ્યો છે. મેં મારા લગ્નજીવનના ૧૧વર્ષ બાદ ડિવોર્સ લીધા અને મારે પિયર આવી એ ઘટના સામાન્ય સાધારણ તો ન જ કહેવાય ને! છતાં મારો પરિવાર મારી લાગણી અને દર્દને સમજીને મારા આ સમયના માનસિક તણાવને દૂર કરવા મને સાથ આપી રહ્યો હતો.

મારા પપ્પા કે જે સાવ નરમ હૃદયના એને મારા કસોટીના સમયે કઠણ કલેજે સાથ આપ્યો હતો. ડૂબતાને એક તણખલું પણ મદદરૂપ થાય એમ હું અનુભવી હતી. મારા મમ્મીતો હંમેશા મને હિમ્મત અને જુસ્સો જ આપતા આવ્યા છે. એના બદલામાં એને ક્યારેક ખુબ અપમાન સહન કરવું પડે છે. 'દીકરીને મોઢે ચઢાવી છે ને તો એ પણ ભોગવે અને આપણે પણ વગર કારણે ભોગવવાનું!' પણ ખરેખર તો મમ્મી એક મા ની ફરજ બજાવતા, ક્યારેય કોઈ ખોટું પ્રોત્સાહન કે ગેર રસ્તો એમણે મને સૂચવ્યો જ નથી. પણ એક સામાજિક કહેવત કે, 'સાસરે ગયેલી દીકરીને એની મા જ ચડાવે.' બસ, આજ વાત ભાગ ભજવતી અને મારા મમ્મી કારણ વગર બધાના મેણાં સાંભળતા હતા. બાકી મારા મમ્મીએ મને ત્યારે જેટલી સમજાવવાનો પ્રયત્ન કર્યો એટલો કોઈએ નહીં કર્યો હોય! પણ મારા વિધાતાના લેખ કામ કરી રહ્યા હતા. એમાં કોઈ થી કઈ જ થાય એમ નહોતું, બસ બધું સ્વીકારવાનું જ હતું. મારી બેન અને મારો ભાઈ કે જે મારે માટે યોગ્ય હોય એવો એ મને રસ્તો કરી આપતા અને મને સાથ આપતા હતા. પરિવારના આ સબંધતો લોહીના હોય એ સાથ આપે જ પણ મારા જીજાજી અને મારા ભાભી પણ મને સમજી સકતા હતા અને કહેતા કે, તમે મુંજાતા નહીં અમે છીએ ને તમારી સાથે. મારી નાની નાની દરેક બાબતનું ધ્યાન રાખતા અને મને ખુશ રાખવાનો પ્રયત્ન કરતા હતા. આ સિવાય મારા કાકા-કાકી, મામા-મામી, ફુવા-ફૈબા અને મારા બધા જ ભાઈબહેનોએ મને સાથ આપી મારા આ ખરાબ સમયમાંથી મને બહાર કાઢવામાં ખુબ મદદ કરી હતી.

ક્યારેક બધું જ સુખ રૂપિયા નથી આપતું, પણ પરિવારના સાથની હૂંફ જરૂરી બને છે. મારા એ સમયે મારા પરિવારનો જે મારા માથા પર હાથ હતો એ મારી અનુભૂતિ વર્ણવી અશક્ય જ છે. લખું એટલા શબ્દો ખૂટે એ તો બસ મહેસુસ જ કરી શકાય! હું ખુબ ખુશ છું કે હું આ પરિવારનો હિસ્સો છું. મારા પરિવારે સમાજ શું કહેશે? એ વાતને મહત્વ આપ્યું નહીં પણ એમના કાળજાના કટકા સાથે થતા અન્યાયને સામે અવાજ ઉઠાવવા એને મદદ કરી અને એની જિંદગી સુધારવા સાથ આપ્યો. મને મારાઆખા પરિવાર માટે ગર્વ છે.

મારી આ ડાયરી વાંચીને કોઈ અન્ય દીકરીને પણ એનો પરિવાર એની સાથે થતા અન્યાયમાં સાથ આપશે, એને પણ દીકરીની લાગણીને સમજવાની પ્રેરણા મળશે તો મારી ડાયરીનું લેખેન સફળ જશે.

કેમ મારી સખી ડાયરી આજ તું પણ મારા પરિવારની વાત સાંભળીને રાજી થઈ ગઈ હોઈશ ખરું ને?