શીર્ષક : જીવનનો ખેલ કોઈ પાસ કોઈ ફેલ..
©લેખક : કમલેશ જોષી
મારા ભાણીયાએ પૂછ્યું, "મામા આ પરીક્ષા શું કામ રાખતા હશે?"
મેં કહ્યું, "આખું વર્ષ જે કંઈ ભણ્યા એ ખરેખર યાદ રહ્યું કે નહિ, આવડ્યું કે નહિ એની ચકાસણી કરવા."
એ બોલ્યો, "મને તો પરીક્ષા જરીયે ન ગમે."
ખેર.. એક વડીલે કહ્યું, "જિંદગી પણ એક પરીક્ષા જ છે. નિશાળની પરીક્ષામાં રોજ નવું પેપર હોય જયારે જિંદગીની પરીક્ષામાં થોડા થોડા સમયે નવા નવા પ્રશ્નો આપણી સામે આવીને ઉભા રહે છે." સોસાયટીના દસ ઘરનું ઓબ્ઝર્વેશન કરો. દરેક ઘરમાં કોઈ ને કોઈ પ્રશ્ન ઉભો છે: કોઈનો પગાર ટૂંકો પડે છે તો કોઈની દીકરી પરણવાની ઉંમર ચૂકી રહી છે, કોઈની નોકરી ખતરામાં છે તો કોઈનું લગ્ન જીવન. ઘરનો જવાબદાર વડીલ કે સમજુ સભ્ય પ્રશ્ન સોલ્વ કરવા મથી રહ્યો છે. એક સુવિચાર વાંચેલો યાદ આવે છે: કાં તો તમારા પ્રશ્નનું સોલ્યુશન છે અને કાં તો નથી. જો હોય તો શોધી કાઢો અને ન હોય તો ચિંતા છોડી આગળ વધો. નિશાળિયાને પ્રશ્નનો જવાબ યાદ ન આવે તો એ એને પડતો મૂકી આગળ વધી જાય એમ..
એક મિત્રે કહ્યું: એમ પ્રશ્ન છોડી શકાતો નથી. જિંદગીના પ્રશ્નોના જવાબ એટલે જવાબદારી નિભાવવી. જિંદગીમાં તમે એક પ્રશ્ન છોડી દો, તો એ નવી રીતે, નવા પ્રશ્ન સ્વરૂપે, અઘરો બનીને તમારી સામે આવે. એણે ઉદાહરણ આપ્યું. ભણવાનું અઘરું લાગે અને ભણવાનું છોડી દો, તો નોકરી મેળવવાનો નવો પ્રશ્ન વિકરાળ બની જાય. જો લગ્ન કરવાનું પ્રશ્નપત્ર ડ્રોપ કરો તો એકલવાયી જિંદગીના પ્રશ્નો વિકરાળ બની જાય. પ્રશ્ન છોડવા કરતા ફેસ કરવા સહેલા હોય છે. શાકની લારી લઇ શેરીએ શેરીએ ‘ગુવાર, ભીંડો, બટાટા, ટામેટા, ડુંગળી, લસણ..’ની બુમો પાડવાની મહેનત કરવા કરતા, નોટબુકમાં પેનથી સુંદર અક્ષરે લખવાની કે રોજ છ સાત કલાક વાંચન ગણન કરવાની મહેનત વધુ સહેલી નથી? છેક જિંદગીના છેલ્લા શ્વાસ સુધી એકલા એકલા જીવવા કરતા, રિસામણા-મનામણા કરતા ચકો ચકી બની મગનો અને ચોખાનો દાણો લાવી ખીચડી બનાવવાની મહેનત સહેલી નથી? એક વડીલે કહ્યું તમારે જીવવું હોય તો કોઈ ને કોઈ પ્રશ્ન તમારે હાથમાં લેવો જ પડશે. પ્રશ્ન છે તો જીવન છે અને જીવન છે તો પ્રશ્ન છે જ.
નિશાળમાં અમારા શિક્ષક સમજાવતા: ઘણા નિશાળીયાઓ પ્રશ્ન સમજ્યા વિના જવાબ લખી આવતા હોય છે: પૂછ્યા હોય ‘ફાયદા’ અને લખી આવે ‘મહત્વ’. મેડીકલ લાઈનમાં એક શબ્દ છે ‘ડાયગ્નોસિસ’ એટલે કે ‘રોગને ઓળખવો’. તમે હોસ્પિટલ કોઈ સગાને મળવા ગયા હો તો એના પરિવારજનો પાસેથી જાણવા મળે કે ‘હજુ તો ડાયગ્નોસિસ પણ નથી થયું.' દર્દીના અલગ અલગ રીપોર્ટ કરાવવામાં આવતા હોય. જ્યાં સુધી સાચો રોગ ખબર ન પડે ત્યાં સુધી દવા કઈ આપવી એ કેમ નક્કી થાય? એક વડીલે કહ્યું : જીવનના પ્રશ્નોનું પણ એવું જ છે. જો પ્રશ્નનું સાચું ડાયગ્નોસિસ થઈ જાય તો દવા એટલે કે સોલ્યુશન સાચું અને અસરકારક મળી જાય. મોટા ભાગના જીવનો સાચા ડાયગ્નોસિસના અભાવે ખોરંભે ચઢી ગયા છે. શું આપણે આપણા જીવનના પ્રશ્નોનું સાચું ડાયગ્નોસિસ કરી શક્યા છીએ ખરા? શું ક્યાંયથી કોઈ ડોક્ટર આપણને મદદ કરી શકે એમ છે ખરા?
એક વડીલે કહ્યું: વિશ્વાસ રાખજો, પરીક્ષા છે, પરીક્ષા ખંડ છે, પેપર છે તો સુપરવાઈઝર પણ છે, પેપર કાઢનાર પણ છે, પેપર ચેક કરનાર પણ છે અને પરિણામ આપનાર પણ છે, છે અને છે જ. જિંદગીના પેપર નો સિલેબસ શ્રીમદ્ ભગવદ્ ગીતા છે. એક ‘મનુષ્ય’ને જે જે આવડવું જોઈએ એ બધું જ જિંદગીના પેપરમાં પૂછવામાં આવે છે. પેપર ફુલ્લી પ્રેક્ટીકલ છે. પરીક્ષા પહેલા શ્વાસથી જ શરુ થઈ જાય છે તે છેક છેલ્લા શ્વાસ સુધી ચાલે છે. ચોવીસે કલાક કાનુડો તમારી સામે ધ્યાનથી જોતો હોય છે. જેમ પેપર ચેકર ધ્યાનથી જવાબો વાંચે એમ જ કાનુડો તમારા વાણી, વર્તન અને વિચારોનું માર્કિંગ કરી રહ્યો હોય છે.
થોડા દિવસો બાદ એક દિવસ મારા ભાણીયાએ મારી સામે પેંડાનું બોક્સ ધર્યું: ‘મામા, હું ફર્સ્ટ ક્લાસ માર્કે પાસ થઈ ગયો અને ઉપલા ધોરણમાં આવી ગયો’. મેં મોં ગળ્યું કર્યું. મને વિચાર આવ્યો. ગયા જીવનમાં આપણે કેવી રીતે વર્ત્યા હોઈશું કે જેથી ભગવાને આપણને પાસ કરીને ઉપલા ધોરણમાં એટલે કે મનુષ્યના ક્લાસમાં જન્મ આપ્યો. સંતો સમજાવે છે કે માનવ દેહ એટલે શ્રેષ્ઠમાં શ્રેષ્ઠ જીવન. એનાથી આગળ ‘નારાયણ’ બનવાનું જ બાકી રહે. શું મનુષ્ય તરીકે આપણે જે આડેધડ જવાબો લખી રહ્યા છીએ એ સાચા છે ખરા? ક્યાંક આપણે ફેલ તો નહિ થઈએ ને?
દોસ્તો, પરીક્ષા હજુ ચાલુ છે. જ્યાં સુધી અંતિમ શ્વાસ ન છોડીએ ત્યાં સુધી આપણને પેપરના પાનાઓ ભરવાનો અધિકાર છે. હૃદયનું દૌર્બલ્ય ત્યજી, આવનારા તમામ શ્વાસોમાં સત્ય, ઈમાનદારી અને પ્રમાણિકતા ભરીએ તો કેવું? ઓલ ધી બેસ્ટ.
- kamlesh_joshi_sir@yahoo.co.in