અંગત ડાયરી
============
શીર્ષક : બટાટાવડા
લેખક : કમલેશ જોશી
ઓલ ઈઝ વેલ
દરેક ગ્રુપમાં એક વ્યક્તિ એવી હોય છે જે બાજી સંભાળી લેતી હોય છે. ગ્રુપ આખાની એ માનીતી હોય છે. સૌને આવા ‘માનીતા’ બનવાની ઈચ્છા તો હોય છે પરંતુ એ સ્થાન પર પહોંચવા માટે એ વ્યક્તિએ જે તન-તોડ મહેનત કરી હોય, ઝેરના ઘૂંટડા પીધા હોય કે જીવનભર જે કંઈ જતું કર્યું હોય એ કરવાની તૈયારી બહુ ઓછાની હોય છે. એક સંતે આ સમજાવતા એક સરસ ઉદાહરણ આપ્યું હતું.
એકવાર ભજીયાઓની સભા મળી. કતરી, લસણીયા, ભરેલા મરચાના, ફૂલવડી, કેળાના, ડુંગળીના જાત-જાતના ભજીયા આ સભામાં ઉપસ્થિત હતા. માનવ સમાજમાં સૌથી લોકપ્રિય ભજીયાને ‘બેસ્ટ ભજીયા’ એવોર્ડ આપવાનો હતો. નોમીનેશન ઘણાંએ કર્યું હતું. થોડી ઔપચારિકતા બાદ સર્વ સંમતિથી આ એવોર્ડ ‘બટાટાવડા’ને આપવામાં આવ્યો. સભામાં તાળીઓનો ગડગડાટ થયો.
એન્કરે એવોર્ડ વિનર ‘બટાટાવડા’ને એની લોકપ્રિયતાનું રહસ્ય પૂછ્યું ત્યારે બટાટાવડા એ જે વાત કહી તે કાન ખોલી સાંભળવા જેવી છે :
‘આદરણીય ભજીયા સમાજને મારા નમસ્કાર’ થી પોતાની વાત શરુ કરતા બટાટાવડાએ કહ્યું કે ‘માનવ સમાજના દરેક વર્ગમાં લોકપ્રિયતા પ્રાપ્ત કરવા માટે મેં મારા દેહના કણે કણનું બલિદાન આપ્યું છે. મારો જન્મ બટાટા સ્વરૂપે થયો હતો. એય..ને બાકીના શાકભાજીઓની જેમ હું પણ ખેતરમાં મારા ભાઈ ભાંડુઓ-મિત્રો પરિચિતો-સ્નેહીઓ સાથે ઉગ્યો હતો. એક દિવસ અમને અમારા મૂળથી વિખુટા પાડીને મોટા મોટા કોથળામાં ભરવામાં આવ્યા. ત્યાંથી અમે માર્કેટમાં પહોંચ્યા. ત્યાં મસ્ત ટોપલીમાં અમને મિત્રો સાથે સજાવીને ગોઠવવામાં આવ્યા. એક વ્યક્તિ એની થેલીમાં અમને ઘરે લઇ ગઈ. એણે પહેલા તો અમને પાણીમાં જબોળ્યા, પછી કુકરમાં પાણીમાં ડુબાડી ગેસ પર ચઢાવ્યા. અસહ્ય ગરમીમાં અમે બફાઈને કુણા પડી ગયા. એ પછી એ વ્યક્તિએ અમારી છાલ ઉતારી લીધી. એટલું ઓછું હોય એમ અમને મસળીને અમારો છૂંદો કરી નાખવામાં આવ્યો. અમારી વેદના અમે વ્યક્ત કરીએ એ પહેલા અમારામાં જાત-જાતના મસાલા નાખી એની સાથે અમને મસળવામાં આવ્યા. અમારા ગોળા વાળી ચણાના લોટના પ્રવાહીમાં અમને ડૂબાડવામાં આવ્યા. એ પછી અમારી તપસ્યાનો આખરી પડાવ એવા ઉકળતા તેલમાં અમને નાંખવામાં આવ્યા. ગરમાગરમ તેલમાં અમે તળાઈ ગયા એટલે અમને પ્લેટમાં પીરસવામાં આવ્યા. સોળે કળાએ ખીલેલા અમારા આવા ઐશ્વર્યવાન રૂપ ને જોઈ સૌ કોઈ અમારી સામે માનથી, રસ પૂર્વક જોઈ રહ્યું. આ સ્ટેજ સુધી પહોંચવામાં અમે અમારી જાતને ઘસી નાખી કહો તો ખોટું નથી.’ બટાટાવડાએ વાત પૂરી કરી. સૌએ એમને તાળીઓના ગડગડાટથી વધામણી આપી.
તમારા જીવનમાં, તમારી આસપાસ પણ કોઈ આવું વડીલ, મિત્ર, કર્મચારી કે સ્નેહીજન અવશ્ય હશે જેણે બધી જ બાજીઓ સંભાળી હોય. એના માટે એ કેટલું ઉકળ્યો હશે, ઘસાયો હશે, છોલાયો હશે, બફાયો હશે એની કલ્પનાયે કરવી અઘરી છે. પરિવારોમાં, જ્ઞાતિઓમાં, સમાજમાં, ઓફિસોમાં આવા ‘બટાટાવડા’ જેવા એકાદ બે જ હોય છે જે હસતા ચહેરે સદાય સૌનું ‘ભલું’ કર્યે જતા હોય છે.
આજના રવિવારે આવા કોઈ પરિચિતને મળીને એક પ્લેટ બટાટાવડાની જમાડીએ તો કેવું?
હેપી સન ડે, આવજો. (મિત્રો, આપની કમેન્ટનો અમે આતુરતાથી ઈન્તેજાર કરીએ છીએ હોં...!)
"અંગત ડાયરી" એટલે જીવનના એવા અનુભવો જે તમને, મને અને આબાલવૃદ્ધ સૌ કોઈ ને એકસરખાં જ થયા હશે. આ અનુભવો જો વાંચવા ગમે તો ગમતીલાઓ સાથે શેર કરજો. શક્ય છે એમાંથી એમની કોઈ અંગત ડાયરી ઉઘડે અને જીવન ના તમામ ઘા બસ માત્ર એને શેર કરવાથી રુઝાઈ જાય. મારા જીવનમાં પણ બટાટાવડાની જેમ પોતાનું જીવન ખર્ચી મને પગથિયાં ચઢાવનાર તમામ ને અઢળક વંદન..