angat diary - big boss books and stories free download online pdf in Gujarati

અંગત ડાયરી - બિગ બોસ

અંગત ડાયરી
============
શીર્ષક : બિગ બોસ
લેખક : કમલેશ જોષી
ઓલ ઈઝ વેલ


તમે ગમે તે હો, તમારી છેલ્લી ઓવર નક્કી છે.. છેલ્લો દડો પણ નક્કી છે... એ પડશે... એટલે ફીનીશ..! ખેલ ખતમ...! ગામડાઓમાં મૃત્યુ બાદ, મરનારના ઘરે ગામડિયો ભજનિક રોજ આવી પાંચેક ભજન ગાય એવો રિવાજ હોય છે. એક ગામડિયાએ કરેલી વાત મને યાદ આવી : શું તમે ભણી ગણી લો, ગ્રેજ્યુએટ કે માસ્ટર કે સી.એ. કે એન્જીનીયર થઇ જશો એટલે નહિ મરો એવું છે? શું તમે વિદેશ જતા રહો, અમેરિકા, ઓસ્ટ્રેલિયા કે દુબઈ સેટલ થઇ જાઓ એટલે નહિ મરો? કે સરકારી નોકરી મળી જશે એટલે નહિ મરો? કે મોટા રાજકારણી બની જશો એટલે અમર થઇ જશો? કે મોટા સંત, ફકીર બનશો એટલે નહિ મરો? કે આતંકવાદી બનશો એટલે નહિ મરો.. કે ફિલ્મ સ્ટાર બનશો એટલે અમર થઇ જવાના... તમે ગમે તે હો, તમારી છેલ્લી ઓવર નક્કી છે.. છેલ્લો દડો પણ નક્કી છે... એ પડશે... એટલે ફીનીશ..! ખેલ ખતમ...!
ઈ.સ. ૧૭૫૦માં ભારતની વસ્તી લગભગ ૧૮ કરોડની હતી. એ ૧૮ કરોડ લોકોને બિચારાને કલ્પનાયે ન હતી કે સાત જ વર્ષ બાદ ઈ.સ. ૧૭૫૭માં પ્લાસીનું યુદ્ધ થશે અને ભારતમાં અંગ્રેજી સલ્તનતના પાયા નંખાશે. બ્રિટીશરાજની ઘનઘોર અંધકારમય ગુલામીનો પહેલો વહેલો માર ખાનારી એ આપણી પહેલી આખી પેઢીએ જે વેઠયું એની કલ્પના પણ કરવી આજે મુશ્કેલ છે. બરોબર સો વર્ષ બાદ ૧૮૫૭માં વિપ્લવ થયો અને એના ૯૦ વર્ષ બાદ ૧૯૪૭માં અંગ્રેજોએ ભારત છોડ્યું. આમ લગભગ 200 વર્ષ બાદ ભારતમાં ૧૫ મી ઓગસ્ટ ૧૯૪૭ના દિવસે આઝાદીનો સોનાનો સૂરજ ઉગ્યો. બિચારા પેલા ૧૭૫૦ વાળા ૧૮ કરોડ લોકોના ભાગ્યમાં આ સોનાનો સૂરજ જોવાનું લખ્યું ન હતું, એ તો રિબાયા, પિલાયા અને પીસાયા. આખી જિંદગી એમની અંગ્રેજી શાસનના કાળા ડિબાંગ કર્ફ્યુંમાં વીતી ગઈ. ક્યારેક તેઓ વિચારતા હશે : ‘ખોટા સમયે જન્મ થયો, જો મોડા જન્મ્યા હોત, ૧૯૫૦ કે ૨૦૦૦ની સાલમાં તો આઝાદીના ઉજાસમાં જિંદગીનો સાચો સ્વાદ તો માણી શકાત. એ લોકો કેવા ભાગ્યશાળી હશે કે જેઓ આઝાદ ભારતમાં જન્મ લેશે..! કેવા પુણ્યશાળી હશે કે જેઓ સ્વતન્ત્રતા દિવસ ઉજવશે....!” એ લોકો જેને ભાગ્યશાળી કહેતા હતા એ લોકો એટલે આપણે, હું અને તમે..! આજે ભારતમાં સ્વતંત્રતાનો સોનેરી સૂર્ય ૭૩મી વખત ઉગી ચૂક્યો છે. માનવ આયુષ્ય સાથે સરખાવીને વાત કરું તો આપણી સ્વતંત્રતા પણ હવે વૃદ્ધાવસ્થામાં પહોંચી ગઈ.

જો સરેરાસ માનવ-આયુષ્ય સો વર્ષનું ગણીને વાત કરું તો અઢારેક કરોડ ભારતીયોની એક આખી પેઢી અંગ્રેજ શાસનમાં જન્મી અને એમાં જ મરણ પામી, જે લોકો ઈ.સ. ૧૯૦૦ની આસપાસ જન્મ્યા એમણે ગુલામી પણ જોઈ અને આઝાદી પણ જોઈ. પણ આપણા જેવા આઝાદ ભારતમાં જન્મેલા એકાદ અબજ લોકોએ ગુલામીનો માર બિલકુલ ખાધો નથી. (અને કદાચ એટલે જ આપણને આઝાદીની એટલી બધી કદર પણ નથી..!)

આપણને ગુલામ બનાવી રાખનાર અંગ્રેજ સલ્તનતના બેક પ્યાદાઓની અવદશા કદાચ તમારી આંખ ઉઘાડી દેશે...! કર્મફળના, ગુરુત્વાકર્ષણના નિયમથી એ વધુ શક્તિશાળી, નિયમનું ચુસ્તપણે પાલન કરાવનાર શ્રી કૃષ્ણની નજરેથી ભારતનો ઈ.સ. ૧૭૭૨ થી ૧૭૮૫ સુધીનો પ્રથમ અંગ્રેજ ગવર્નર જનરલ વોરન હેસ્ટીંગ્સ પણ બચી શક્યો ન હતો. એ જયારે ભારત છોડી ઇંગ્લેન્ડ પરત ગયો ત્યારે ત્યાં તેના પર ભારતમાં મિસ-મેનેજમેન્ટ અને ભ્રષ્ટાચારનો આરોપ લાગ્યો. કેસ આઠ વર્ષ ચાલ્યો. એ બિચારો અહીં રાક્ષસ તરીકે કુખ્યાત થયો અને એના દેશમાં પણ કોઈએ એનો હાથ ન ઝાલ્યો. અંતે એ ૨૨ ઓગષ્ટ, ૧૮૧૮માં મરણ પામ્યો.

ભારતમાં અંગ્રેજ સત્તાનો પાયો નાખનાર રોબર્ટ ક્લાઈવને તો તમે નહિ જ ભૂલ્યા હો. ગરીબ ભારતીયોના ભોળપણનો લાભ લઇ અહીં બેફામ બદમાશી કરનાર રોબર્ટ ક્લાઈવની બદમાશી બિગબોસ શ્રી કૃષ્ણના કેમેરાથી છુપી ન રહી. એ અંગ્રેજ, ઇંગ્લેન્ડ પરત ફર્યા બાદ, ભયંકર બિમારીમાં પટકાયો અને એ બિમારીના ત્રાસથી એણે સુસાઈડ કરી લીધું....

મિત્રો, આપણે હજુ આઉટ થયા નથી. હજુ બેટ હાથમાં છે, હજુ બોલ પડી રહ્યા છે, હજુ દર્શકો આપણી સામે ‘જીત’ની આશથી જોઈ રહ્યા છે... આપણી દરેક વર્તણૂંકનું બારીકાઇથી નિરીક્ષણ કરનાર બિગબોસ શ્રી કૃષ્ણના કેમેરા ચોવીસ કલાક આપણી આસપાસ ઘૂમી રહ્યા છે... ક્ષણેક આંખ બંધ કરી વિચારી જુઓ.. ઉપરી અધિકારીથી, જીવનસાથીથી, માતા-પિતાથી, અંગત મિત્રથી કે દીકરા-દીકરીથી કે ભોળી જનતાથી છુપાવીને જે કરી રહ્યા છો એ બિગબોસ શ્રી કૃષ્ણ થી છૂપું છે ખરું?

આજે રવિવારની સવારે ગાંઠિયા ખાતા-ખાતા.... શ્રી કૃષ્ણના ‘કર્મફળના સિદ્ધાંત’ને ‘સ્વતંત્ર’ રીતે વિચારજો... સાંજ મસ્તાની જશે.

બીજા રસપ્રદ વિકલ્પો

શેયર કરો

NEW REALESED