અંગત ડાયરી - લાઇફ ઇઝ અ ડ્રામા Kamlesh K Joshi દ્વારા પુષ્તક અને વાર્તા PDF

Featured Books
શ્રેણી
શેયર કરો

અંગત ડાયરી - લાઇફ ઇઝ અ ડ્રામા


શીર્ષક:- લાઈફ ઇઝ અ ડ્રામા
©લેખક:- કમલેશ જોષી

એક મિત્રે કહ્યું ‘લાઈફ ઇઝ અ ડ્રામા’ વાક્ય સાથે હું સહમત નથી, કારણ કે ડ્રામામાં તો દરેક કલાકારને એની ફર્સ્ટ એન્ટ્રીથી અંતિમ એક્ઝીટ સુધીના દરેકે દરેક ડાયલોગ, ઘટનાઓ, એક્શન-રીએક્શન બધું જ ખબર હોય જયારે લાઈફમાં એવું નથી થતું. પૃથ્વીના રંગમંચ પર જિંદગીનો સિત્તેર-એંસી વર્ષ ચાલતો ડ્રામા ભજવવા બાળક સ્વરૂપે ફર્સ્ટ એન્ટ્રી કરી રહેલા કલાકારને એય ખબર નથી હોતી કે એણે કયું પાત્ર ભજવવાનું છે. એને એના ડાયલોગ તો શું કેવી રીતે બોલવું એ પણ મમ્મી-પપ્પાનું પાત્ર ભજવતા સિનીયર કલાકારો ચાલુ નાટકે શીખવે છે. અંતિમ એક્ઝીટ સુધી કોઈ બ્રેક વગર ચાલતા આ નાટકનું ઓડીયન્સ તો કોણ જાણે ક્યાં હશે, કોઈ ડાયરેક્ટર પણ ક્યાંય દેખાતો નથી. બસ સૌ કોઈ ભજવ્યે જાય છે. દિવસ-રાતના અજવાળા, અંધારાની લાઈટીંગ ઈફેક્ટ, ક્યારેક ઠંડી તો ક્યારેક ગરમી, ક્યારેક વરસાદ તો ક્યારેક ત્રણેય એક સાથે. નવું પાત્ર શીખતું જાય છે અને ભજવતું જાય છે. કોઈ પાત્ર મુંઝાયેલું છે તો કોઈ ઓવર કોન્ફીડન્સમાં છે, કોઈ કારણ વગર કોમેડી કર્યા કરે છે તો કોઈ કારણ વગરની ટ્રેજેડી. કોઈ બુમો પાડે છે તો કોઈ આંખો બંધ કરીને બેઠું છે. કોઈ લખી રહ્યું છે તો કોઈ વાંચી રહ્યું છે.

તમારા ઘર, શેરી, સોસાયટીમાં દસ-પંદર સેકન્ડ નજર ફેરવો. બાળકો રમી રહ્યા છે, શાકવાળો રેકડી લઈ નીકળ્યો છે, કૂતરું અને ગાય ડોકું ધુણાવતા કાં ભોજન શોધી રહ્યા છે કાં કશુંક ખાઈ રહ્યા છે. મંચ પર ચોતરફ બનાવો બની રહ્યા છે. કેટલાક બનાવો તો કારણ વગર બનતા હોય, ભૂલથી બનતા હોય એવુંયે લાગે. કોઈ ભૂલથી પાછલી શેરીની બદલે આપણી શેરીમાં આવી ચઢ્યું હોય, કોઈ શેરી વટાવી ગયું હોય એ પાકીટ કે માસ્ક લેવા પરત ઘરે આવ્યું હોય, કોઈ ચાલતા ચાલતા ઠેબું ખાઈ ઢળી પડ્યું હોય તો કોઈને કોઈએ પડતા પહેલા ઝીલી લીધું હોય. શા માટે આ ઘટનાઓ બની રહી છે?
જો એકવાર શેરીના દૃશ્યોનું, ઘરના દૃશ્યોનું દસ દિવસ રેકોર્ડીંગ કરીને જુઓ તો તમને નવાઈ લાગ્યા વિના નહિ રહે. રોજ એકનું એક જ દૃશ્ય ભજવાઈ રહ્યું છે. પથારી છોડી ઉઠવું, બ્રશ કરવું, ચા પીવી, ધ્યાન-યોગ, સ્નાન, પૂજા, નાસ્તો કરવા. ઓફિસે જવું. રોજની જેમ જ પાનાં ચીતરવા. દસ વાર હસવું, પાંચ વાર બુમ પાડવી, બે વાર ‘સોરી’ કહેવું અને બે વાર ‘થેંકયુ’ ફેંકવું. ‘આ આવો છે અને પેલો તેવો છે, ઓલી આમ છે અને ઓલી ઓમ છે...’ જેવા રોજીંદા ડાયલોગ બોલવા. ‘કળિયુગ છે, કળિયુગ છે’ એ ડાયલોગ દેશ આખાના દરેક મહોલ્લાની દરેક શેરીઓમાં, ઘરોમાં અને ઓફીસોમાં રોજ એક-બે વાર ફંગોળાય છે.
ફિલ્મી સ્ટુડીયોમાં ડાન્સ અને ફાઈટીંગ ચાલી રહ્યા છે તો સમાચારની ચેનલો રાજનેતાઓની સભાઓ, ભાષણો, એકસીડન્ટના જાપ જપી રહ્યા છે. અદાલતોમાં જજો હથોડા પછાડે છે અને વકીલો ઓબ્જેકશન લીધે રાખે છે, હોટેલોના રસોડામાં વઘારો થઈ રહ્યા છે અને સ્કૂલમાં શિક્ષકો બોર્ડ પર ચોક ઘસડી રહ્યા છે. ડ્રાઈવરો ગેર બદલી સ્ટીયરીંગ ફેરવી રહ્યા છે અને ટ્રાફિક પોલીસો સિસોટી વગાડી રહ્યા છે. બાળકો પી-પી, છી-છી, એકડા બડગા કરી રહ્યા છે, યુવાનો પૈસા કમાતા, પ્રેમગીતો ગાતા નાચી રહ્યા છે અને વૃધ્ધો ખાટલામાં ઉધરસ ખાતા ખોં -ખોં કરી રહ્યા છે.

જો ‘લાઈફ ઇઝ ડ્રામા’ જ હોય તો આ ડ્રામામાં ભરપૂર સસ્પેન્સ છે. આવતીકાલે તો શું આવતી ક્ષણે શું બનવાનું છે એ પણ કોઈ જાણતું નથી. સાવ અચાનક જ તમારો આખરી સીન આવીને ઉભો રહી જાય છે. લાસ્ટ ડાયલોગ, અંતિમ શ્વાસ. ડ્રામા પૂરો. તમને ક્યાં લઈ જવાશે એ મંચ પર કોઈને ખબર નથી. બધા અંદાજ લગાવી રહ્યા છે. ઉપર ક્યાંક સ્વર્ગ કે નર્ક છે. અહીં એ સારું પરફોર્મ કરે, કોઈ સંતનું કે સજ્જનનું પાત્ર ભજવે એને ઉપર સ્વર્ગ મળે છે, દુર્જન કે બદમાશને નર્ક મળે છે. આખરી દૃશ્ય ભજવી જે પાત્ર જતું રહે છે એ પાછું કદી નથી આવતું. એ ક્યાં ગયું એવી કોઈ ચિઠ્ઠી કે સંદેશ, એસ.એમ.એસ. કે વોટ્સઅપ પણ નથી કરતું. દરેક પાત્ર એક્ઝીટ લઈ ગાયબ થઈ જાય છે. જુના કલાકારો જતા રહે છે. નવા એમના સ્થાને ગોઠવાય છે. ફરી એ જ એક્શન, એ જ ડાયલોગ અને એ જ રીતે અચાનક એક્ઝીટ. ઓડીયન્સ વગર ભજવાતી એકની એક ફિલ્મ બસ ચાલ્યા જ કરે છે. કલાકારો બદલાય છે. કોઈ જાનદાર-શાનદાર અભિનય કરે છે તો કોઈ જેમ તેમ માંડ માંડ ફિલ્મ પૂરી કરે છે. એકડો ઘૂંટાયા કરે છે.
એક મિત્રે કહ્યું ‘ડ્રામા ચાલતો હોય ત્યારે સ્ટેજ પર લાઈટીંગ ચાલુ હોય, ઓડીયન્સમાં લાઈટ્સ ઓફ કરી દેવામાં આવે એટલે ઓડીયન્સ દેખાતું ન હોય એમ પૃથ્વી ગ્રહના સ્ટેજ પર સૂર્યની લાઈટીંગના પ્રકાશમાં જે નાટક ચાલી રહ્યું છે એનું ઓડીયન્સ અંતરીક્ષના ગાઢ અંધારામાં બેઠું બેઠું કદાચ નાટક નિહાળતું પણ હોય!’ સમજું વડીલનું પાત્ર ભજવતા કલાકારો તો માને જ છે કે આ નાટકની સ્ક્રીપ્ટ, સ્ટોરીલાઈન, ડાયલોગ્સ અને મેસેજ બધું જ બહુ સ્પષ્ટ અને સુપર-ડુપર છે. દરેક જીવને ત્યાં સુધી રીપીટ કરવામાં આવશે જ્યાં સુધી એ શિવને પામવા જેવો પરફેક્ટ અભિનય ન શીખી લે. એ માટે જરૂર પડે તો નાટકનો કર્તા-ધર્તા-સમાહર્તા કૃષ્ણ કનૈયો ખુદ પણ ‘સમયાન્તરે કે યુગે યુગે’ નાટકમાં એન્ટ્રી મારે છે. બદમાશી પર ઉતરી ગયેલા પાત્રોને સીધા દોર કરે છે. જીવમાંથી શિવ થવા માટેનો સ્પષ્ટ ડેમો આપે છે.
તમે અને હું અત્યારે આ નાટકમાં કોઈ પાત્ર ભજવી રહ્યા છીએ. આજે વર્લ્ડ થિયેટર ડે છે. જો રોલ-અભિનય કે ડાયલોગ વિશે મુંઝવણ કે ગેરસમજ થતી હોય તો શ્રીમદ્ ભગવદ્ ગીતાની સ્ક્રીપ્ટ બે-ચાર વાર વાંચી લઈ, સ્પષ્ટ થઈ, જાનદાર-શાનદાર અભિનય સાથે જીવીએ તો જીવ તરીકે જીવનનું લેવલ ‘પાસ’ કરી શિવત્વ માટે ચોક્કસ ક્વોલીફાય થઈ શકીએ, નહિતર રી-એન્ટ્રી તો છે જ. યથેચ્છ્સિ તથા કુરુ...
- kamlesh_joshi_sir@yahoo.co.in