Angat Diary - Jamnagar books and stories free download online pdf in Gujarati

અંગત ડાયરી - જામનગર

અંગત ડાયરી
============
શીર્ષક : જામનગર
લેખક : કમલેશ જોશી
ઓલ ઈઝ વેલ

[મારી ડાયરીના આ પાનાને ઐતિહાસિક દસ્તાવેજ સમજ્યા વિના ખુબ હળવાશથી માણવા નમ્ર વિનંતી]
સૌને પોતાનું શહેર ગમતું હોય એમાં બેમત નથી, પણ ભારતના પશ્ચિમ કિનારે આવેલું, ગુજરાતના મોટા શહેરોમાં પાંચમો નંબર ધરાવતું અમારું જામનગર છે જ એવું જેના પર સૌને ગૌરવ જ નહિ ગર્વ થાય. જો તમે રાજકોટથી આવતા હો તો હાપા હજુ એકાદ કિલોમીટર દૂર હોય ત્યાં સુંદર મજાનું શિવ મંદિર આપનું સ્વાગત કરતું ઉભું હોય. મારુતિ, મહિન્દ્રા, હ્યુન્ડાઈ, હોન્ડા જેવા અનેક વેહિકલના શો રૂમ વટાવતા તમે જેવા રેલ્વે ઓવર બ્રીજ પરથી જુઓ તો તરત જ, જો રાત્રિ હોય તો ઝગમગતી લાલ-લીલી-પીળી લાઈટો અને જો દિવસના ભાગમાં હો તો ઉંચી ઉંચી બિલ્ડીંગો અને વિશાળ સોસાયટીઓના જાજરમાન દ્રશ્યો આપને ચોક્કસ પ્રભાવિત કરી મૂકે.
અમારી સવાર સાતેક વાગ્યે પડે. પણ કેટલાક ગણ્યા ગાંઠ્યા વોકિંગ શોખીન જામનગરીઓ છ વાગ્યે ઉઠી શહેરના માર્ગો પર આવવા જવાના શરુ થઇ જાય ખરા. વહેલી સવારે અમારી શાક માર્કેટમાં છકડા, છોટા હાથી અને ટ્રેક્ટર ભરી ભરીને તાજાં શાકભાજીઓના ઢગલાં થયાં હોય એટલે એ રસ્તે ભીડ બહુ હોય. એય..ને દરબારગઢ કે ચાંદીબજારની આસપાસ મળતા ઘૂઘરા કે દાલ પકવાન કે ગાંઠિયાની એક-બે-પ્લેટ દાબી ધંધાર્થીઓ આખા બજારમાં ફરી વળતા હોય છે. જોકે અમે મુંબઈગરા જેવા અતિ સ્ફૂર્તિલા નહિ, પણ એમ તો રાજકોટીયનની જેમ બપોરે એક થી ચાર ‘કર્ફ્યું’ જેવો સજ્જડ બંધ પણ અમે નથી પાળતા.
અમારું જામનગર સવારે નવ વાગ્યે તો ધમધમવા જ માંડ્યું હોય છે. બાળકો સત્યસાંઈ, ડી.સી.સી., સેન્ટ ઝેવિયર્સ કે રતનબાઇ જેવી સ્કૂલોમાં તો યુવાનો એમ.પી.શાહ, હરિયા કે મહિલા જેવી કોલેજોમાં, કારીગરો ઉદ્યોગનગર ફેસ-૧-૨ કે ૩ માં અથવા રિલાયન્સ જેવી કંપનીઓની બસોમાં ખાવડી પહોંચી ગયા હોય છે. વડીલો પણ વહેલી સવારે જ અખંડ રામધૂન માટે વિશ્વ પ્રસિદ્ધ એવા બાલા-હનુમાન મંદિર, સિદ્ધનાથ મહાદેવ મંદિર, ભીડ ભંજન મહાદેવ મંદિર, દાંડિયા હનુમાન મંદિર કે સ્વામીનારાયણ મંદિર કે જૈન દેરાસર જવાનું ક્યારેય ચૂકતા નથી.
જો તમારે કપડાં ખરીદવા હોય તો શહેરની વચ્ચે જ સુપર માર્કેટ કે બર્ધન ચોકની મુલાકાત અવશ્ય લેવી. ત્યાંથી સોના ચાંદીની ખરીદી માટે, ચાંદી બજાર બે જ મિનીટના અંતરે છે. જો તમે કોઈ બીમાર સગાની ખબર કાઢવા આવ્યા હશો તો એ તમને જામનગરની મધ્યમાં આવેલી જી.જી.હોસ્પિટલમાં અથવા ખંભાલીયા-દ્વારકા તરફના છેડા બાજુની સમર્પણ હોસ્પીટલમાં અને જો દર્દી દેશી દવામાં શ્રદ્ધા ધરાવતા હશે તો વિશ્વની પ્રસિદ્ધ આયુર્વેદ યુનિવર્સીટીની નજીકમાં જ આવેલી આયુર્વેદ હોસ્પિટલમાં મળી જશે. જો દર્દી પ્રાઈવેટ હોસ્પિટલમાં હોય તો અમારો એસ.ટી. રોડ એવા અનેક પ્રાઈવેટ ડોકટરો અને હોસ્પિટલોનું ‘હબ’ કહી શકાય એમ છે.
બપોરે તમને ભૂખ લાગે તો જામનગરમાં હોટેલો-ભોજનાલયોનો તો તોટો જ નથી. શહેરની અંદર આરામ, સેલિબ્રેશન, બ્રાહ્મણીયા, ચેતના અને હાઈવે પર માનસી, સહયોગ, કેશવારા, આશીર્વાદ, આશાપુરા એક સે બઢકર એક વ્યંજનો પીરસતી જામનગરી ટેસ્ટની (તેમજ પંજાબી, ચાઇનીસ અને સાઉથ ઇન્ડીયન) વાનગીઓ તમને સો ટકા સંતોષ આપે. જમીને ફિલ્મ જોવાની ઈચ્છા હોય તો શહેર મધ્યે અંબર સિનેમા થી શરુ કરી મેહુલ સિનેમેક્સ કે આઈનોક્સ આપની સેવામાં હાજર જ છે.
સાંજે છ વાગ્યાથી જામનગરીઓનું ફેવરીટ પ્લેસ હોય છે : તળાવની પાળ કે લાખોટા તળાવ. મ્યુઝીક સાંભળતા વોક કરવું કે ફિયાન્સ (કે ફિયાન્સી) કે જીવનસાથી સાથે ત્યાંના ઝરુખામાં બેસી તળાવની રંગીન લાઈટોના રોમાંચ સાથે ઘોડા પર અસવારની શૌર્યવર્ધક પ્રતિમાને જોયા કરવાની મજા જુદી જ છે. એમ તો એન્ટરટેઈનમેન્ટ માટે એમ્યુઝમેન્ટ પાર્ક, રણજીત સાગર જેવા સુંદર સ્થળો અમે વિકસાવ્યા છે. એક તરફ રાજકોટ, એક તરફ દ્વારકા અને એક તરફ જુનાગઢના છેડા ધરાવતા જામનગરની ચોથી બાજુ વિશાળ અરબી સમુદ્ર છે. એ ખરું કે અમારા જામનગરમાં જુનાગઢ જેવો ઊંચો ગઢ ગિરનાર નથી પણ એની સામે અમારી પાસે અરબ સાગરનો વિશાળ દરિયા કિનારો છે.
અમારા જામનગરમાં કોઈ મહેમાન આવે એને અમે એક દિવસ તો બાલાચડી બીચ પર જરૂર લઇ જઈએ. જો તમે અમદાવાદ કે કચ્છ-ભુજથી આવતા હો તો અમારું લખોટા તળાવ તમને ભુજના ‘હમીરસર’ અને અમદાવાદના ‘કાંકરિયા’ના ‘કઝીન બ્રધર’ જેવું લાગે. અમારા ડી.કે.વી.ના ફુવારાની તો વાત જ નિરાળી છે. રાત્રિના સમયે ત્યાંની લારીઓમાં મળતી સીઝનલ વાનગીઓ જેમકે ચીકી, બોર, જીંજરા, ખીચું, ડોડા, કાવો વગેરેનો આસ્વાદ માણતાં માણતાં ફુવારાની ફરતે બિછાવેલી બેન્ચીસ પર બેઠે બેઠે ટ્રાફિક જોયા કરવામાં જામનગરીઓના કલાકો આરામથી નીકળી જાય. અમને એમ ઊંધી જવાની ઉતાવળ નથી હોતી. દસ-અગિયાર વાગ્યા પછીયે જામનગરીઓ રાજકોટ રોડ પર ‘જય માતાજી’ માં કે ખંભાલીયા રોડ તરફના ‘ટી-પોસ્ટ’ પર ચા-ગાંઠિયાનો સ્વાદ માણતાં મોડી રાત સુધી મહેફિલ જમાવતાં હોય છે.
હા, અમને એ વાતનો અફસોસ ખરો કે અમે અમદાવાદીઓ કે ઉત્સવ પ્રિય રાજકોટવાસીઓની જેમ મકર સંક્રાંતિના દિવસે આખું આકાશ ભરીને પતંગ નથી ચગાવી શકતાં પણ અમને એ વાતનો સંતોષ પણ છે કે ઉનાળામાં એમના જેવી ગરમી પણ અમારા જામનગરમાં નથી હોતી. વરસાદ બાબતે અમે એવરેજ છીએ. અમારો મસ્ત મજાનો રણજીતસાગર એક વાર ભરાઈ જાય એટલે પાણીની ચિંતા અમે નથી કરતા.
અમારે ત્યાં પણ નાટક કે મોટા કવિ-લેખક સંમેલન કરવા માટે મસ્ત મજાનો ‘ટાઉન હોલ’ અને ‘ધન્વન્તરી ઓડિટોરિયમ’ પણ છે અને રોજબરોજના સમાચારો માટે ‘નોબત’,’આજકાલ’ જેવા ન્યુઝ પેપર પણ છે. અમારી પાસે ગર્વ લઇ શકાય એવા ‘રવિન્દ્ર જાડેજા’ પણ છે અને જેમના બાળ કાવ્યો છેક મહારાષ્ટ્રના પાઠ્ય પુસ્તકોમાં મૂકાય એવા નમ્ર કવિ ‘કિરીટ ગૌસ્વામી’ પણ છે. અમારી પાસે દેશ આખાની રક્ષા કરનાર ત્રણેય પાંખો ‘હવાઈદળ’, ‘નૌકાદળ’ અને ‘પાયદળ’ના કેન્દ્રો પણ છે અને વિશ્વમાં સૌથી મોટી કંપનીઓના લિસ્ટમાં આવી શકે એવી ‘રિલાયન્સ’ પણ છે. જેમ પાટણના પટોળા વખણાય એમ અમારી બાંધણી-કંકુ-કાજલ-સુરમો અને સૂડી વિશ્વમાં નામ કમાયા છે. જેમ કચ્છની દાબેલી અને વડોદરાનું સેવ-ઉસળ વખણાય એમ અમારા જામનગરની કચોરીનો સ્વાદ પણ તમારે માણવો ફરજીયાત છે.
અમારે ત્યાં પણ શનિ-રવિમાં ‘ગુજરીબજાર’ ભરાય છે અને સાતમ આઠમમાં મસ્ત મજાના ‘મેળા’ પણ ભરાય છે. અમારા જેવા ‘ગાંઠિયા’ અને ‘મીઠો-તીખો સંભારો’ આખા ગુજરાતમાં મળવો મુશ્કેલ છે. અમારે ત્યાં ત્રણ ફ્લાય ઓવર છે : એક હાપા નજીક, એક રેલ્વે સ્ટેશન પાસે અને એક દિગ્જામ સર્કલથી સમર્પણ હોસ્પિટલ વચ્ચે. અમારે ત્યાં મંદિરો છે, મસ્જીદો છે, ચર્ચ છે, અગિયારી છે, ગુરુદ્વારા છે. અમારે ત્યાં એરપોર્ટ પણ છે, બસ ડેપો પણ છે અને રેલ્વે સ્ટેશન પણ છે. એ.બી.સી. એવા પોલીસ ડીવીઝનો, પોલીસ હેડક્વાર્ટર, હોમ ગાર્ડ, એસ.એસ.બી. જેવા અનેક રક્ષક દળો અમારા જામનગરની સતત સુરક્ષા કરી રહ્યા છે.
રાજકોટમાં ગાંધીગ્રામ છે તો જામનગરમાં ગાંધીનગર છે, રાજકોટમાં જાગનાથ પ્લોટ છે તો જામનગરમાં દિગ્વિજય પ્લોટ છે, અમદાવાદમાં લાલ દરવાજા છે તો જામનગર માં ત્રણ દરવાજા છે, અમદાવાદમાં સાબરમતી નદી છે તો જામનગરમાં રંગમતી નદી છે, વડોદરામાં મંગળબજાર છે તો જામનગરમાં લીંડીબજાર (કે લેડી બજાર) છે. આંકડાકીય નામોની વાત કરો તો અમારી પાસે તીનબતી, પંચેશ્વર ટાવર અને સાત રસ્તા વિસ્તાર છે. અમારા પવન ચક્કીના સ્ટોપ પર ઉતરીને ચશ્માં શું દૂરબીન લગાવો તોયે ક્યાંય પવન ચક્કી જોવા નહિ મળે, તો હવાઈ ચોકને હવાઈ અડ્ડા એટલે કે એરપોર્ટ સાથે કોઈ સંબધ નથી. જૂના રેલ્વે સ્ટેશન વિસ્તારમાં ક્યાંય પાટા નથી અને પંચવટીમાં રામ કે સીતા નથી.
‘સૌરાષ્ટ્રનું પેરીસ’ અને ‘છોટીકાશી’ ગણાતાં અમારા જામનગરમાં સાયલન્ટ ક્રાંતિ-ચૂપચાપ પ્રગતિ થઇ રહી છે. ઘણું થઇ ગયું છે અને ઘણું બાકી છે.
શું તમને પણ કૈંક યાદ આવ્યું જામનગર વિષે? તો થઇ જાય એકાદ સંસ્મરણ કોમેન્ટમાં?
હેપી સન્ડે, આવજો.
(મિત્રો, આપની કમેન્ટનો અમે આતુરતાથી ઈન્તેજાર કરીએ છીએ હો...!)

બીજા રસપ્રદ વિકલ્પો

શેયર કરો

NEW REALESED