angat diary - hamari adhuri kahani books and stories free download online pdf in Gujarati

અંગત ડાયરી - હમારી અધૂરી કહાની

અંગત ડાયરી
============
શીર્ષક : હમારી અધૂરી કહાની
લેખક : કમલેશ જોશી
ઓલ ઈઝ વેલ

“ત્યારે હું અગિયારમું ભણતો. સાયકલ લઇને હું અને મારો મિત્ર સંજીવ, સંજીવની સાયકલમાં ડબલ સવારી કરી સ્કૂલે જતા ત્યારે એ રસ્તાના એક બસ સ્ટેન્ડ પર બસની રાહ જોતી એની એક બહેનપણી સાથે ઉભી રહેતી. એક દિવસ સંજીવ નહોતો આવવાનો એટલે હું બસમાં સ્કૂલે જઈ રહ્યો હતો. પેલું બસ સ્ટોપ આવ્યું. એ અને એની બહેનપણી બસમાં ચઢ્યા. એ દિવસે પહેલી વખત મેં એની આંખો ધ્યાનથી જોઈ. હું જોતો જ રહી ગયો.. ‘એની બોલકી આંખો’. પણ પછી મને ગિલ્ટી ફિલ થઇ. હું સજ્જન છોકરો હતો. મારાથી આમ કોઈ છોકરી સામે ન જોવાય. મારી બાજુમાં બેઠેલા કાકા ઉતર્યા એટલે એ અને એની બહેનપણી સાથે બેસી શકે એટલા માટે હું પેલા કાકા જોડે ઉતરી ગયો. મારી સ્કૂલ તો બે સ્ટેન્ડ આગળ હતી. ત્યાં સુધી ચાલીને ગયો.

બસ, પછી હું રોજ બસમાં જ આવવા-જવા લાગ્યો. સંજીવ પણ મારો પાક્કો ભાઈબંધ. જીવનમાં પહેલીવાર મેં ‘છોકરી મને ગમે છે’ એવો ઈઝહાર મિત્ર સંજીવ પાસે કર્યો. પહેલા એ હસ્યો. પછી એણે આંખ મીચકારી. અને મારી સાથે બસમાં અપડાઉન શરુ કર્યું.

દર બુધવારે એ અને એની બહેનપણી એના સ્કૂલડ્રેસની બદલે અન્ય રંગબેરંગી વસ્ત્રો ધારણ કરી આવતી. કદાચ બુધવારે સ્કૂલમાં ‘ઓફ ડ્રેસ’ હશે. કો’ક બુધવારે ગ્રીન ડ્રેસ તો કો’ક વાર પિંક, કો’ક વાર બ્લુ તો કો’ક વાર રેડ. મને એનો રેડ ડ્રેસ વિથ વ્હાઈટ ફ્લાવર ડીઝાઇન ગમતો.

એક દિવસ સંજીવ કહે ‘પાર્ટી આપ તો ગુડ ન્યુઝ આપું.’ મેં પાર્ટીનું પ્રોમિસ આપ્યું. એ કહે ‘ભાભીને મેં ગુરુવારે સાંજે દતાત્રેય મંદિરે જોયા હતા.’ હું ચોંક્યો. ‘ક્યા ભાભી...?’ એ રહસ્યમય રીતે હસતા ધીમા અવાજે બોલ્યો ‘પેલી બસવાળી...’ હું બે ધબકાર ચૂકી ગયો. પહેલીવાર કોઈ છોકરી મારી પત્ની હોય એવો ઉલ્લેખ મેં સાંભળ્યો હતો. જાણે બસવાળી એ ‘પરી’ મારી માલિકીની હોય એવો ભાવ મારા દિલને હરખાવી ગયો. સંજીવને મેં તે દિવસે એક ચા પીવડાવી. એ પછી હું અને સંજીવ દર ગુરુવારે દતાત્રેયના મંદિરે દર્શન કરવા જવા લાગ્યા.

એક દિવસ બસમાં બબાલ થઇ ગઈ. એક રૂપાળા હેન્ડસમ છોકરાને ચારેક ટપોરીઓએ ખૂબ ધમાર્યો. પછીથી અમને ખબર પડી કે એમાંનો એક ટપોરી બસમાં અપડાઉન કરતી કોઈ છોકરીનો ભાઈ હતો. હું અને સંજીવ ચિંતામાં પડી ગયા. થોડા દિવસો ફરી સંજીવની સાયકલમાં અમે સ્કૂલે જવા લાગ્યા. પણ એક ગુરુવારે નસીબ આડેનું પાંદડું ખસ્યું.. એ પીળા રંગનો ખૂબસુરત ડ્રેસ પહેરી દતાત્રેયના મંદિરે આવી. હું અને સંજીવ પણ ત્યાં જ હતા. અમારી આંખ પણ મળી.. મને લાગ્યું કે એ મને ઓળખી ગઈ.. કદાચ એ મારો ભ્રમ પણ હોય.. પણ એ ગુરુવાર મને ફળ્યો હોય એવું મને લાગ્યું. ફરી એકવાર મેં સંજીવને ચા પીવડાવી.

એક દિવસ સ્કૂલમાં અમારા શિક્ષક અમને સમજાવતા ‘દસમું, બારમું અને કોલેજના ત્રણ વર્ષ જો સખત મહેનત કરો, બેંક, રેલ્વેની સાથે-સાથે એક્ઝામ આપો, તો ગવર્મેન્ટ જોબ મળી જાય.. એક વાર કેરિયર સેટ થઇ જાય પછી જિંદગી આખી જલસા જ છે.. પણ જો અત્યારે આ વર્ષોમાં જલસા કરશો તો જિંદગી આખી ઢસરડો જ કરશો.’ કહ્યું અને અમે ગંભીર થઇ ગયા. સંજીવ અને હું સારા ઘરના છોકરા હતા. થોડો સમય અમે ફરી સાયકલ સવારી શરુ કરી દીધી.

પણ એક દિવસ અમારો એક ચોકલેટી મિત્ર રોકી અમારી પાસે આવ્યો અને અમને એક વોટ્સઅપ મેસેજ વંચાવ્યો ‘રોકી.. યુ આર સ્માર્ટ એન્ડ હેન્ડસમ. એમાંય જીન્સ-ટીશર્ટમાં તો તું ટાયગર શ્રોફથીયે વધુ ચોકલેટી લાગે છે... જો તું આ વખતે નવરાત્રિમાં પ્રિન્સ બનીશ તો હું તને પેલા ત્રણ શબ્દો કહીશ.’ રોકીની આંખોમાં ગજબ નશો હતો. એ મારા અને સંજીવ કરતા તો વધુ સુંદર હતો જ. એના ગયા પછી હું અને સંજીવ કોણ જાણે કેમ ભીતરથી ગમગીન હતા. જોકે સંજીવ બોલ્યો ‘રોકીડો ખોટા રસ્તે છે, આપણા સાહેબ કહે છે ને એમ રોકીડો પાંચ વર્ષ બગાડ્યા પછી જિંદગી આખી ઢસરડા જ કરવાનો છે.’ ત્યારે મેં કહ્યું ‘સાચી વાત’ પણ બંનેના અવાજમાં ઢીલાશ વધુ હતી. આખરે સંજીવે કહ્યું ‘કાલથી પેલી બસમાં અપડાઉન શરુ કરશું?’ અને મારી આંખ ચમકી.

પહેલા ત્રણ નોરતા અમે નાની-મોટી ગરબીઓ જોવા ગયા. ખાસ તો હું પેલી બસવાળીને શોધતો રહ્યો. ચોથા નોરતે એ અમને મોટા ગ્રાઉન્ડની મોંઘી ‘મેગા નવરાત્રિ’માંથી બહાર નીકળતી જોવા મળી. ચણીયાચોળીમાં એ આખે-આખી મને ‘મિસ યુનિવર્સ’ લાગી. હું થીજી ગયો. બીજા દિવસે સંજીવ તપાસ કરી આવ્યો. એ ગરબીના એન્ટ્રી પાસ લેડીસ માટે નવ દિવસના પચાસ રૂપિયા છે અને જેન્ટ્સ માટે પાંચસો રૂપિયા. ફરી અમે ગમગીન બની ગયા. જો કે અમે અટક્યા નહિ. પાંચમાં નોરતેથી અમે ત્યાં જવા લાગ્યા. મારી ‘મિસ યુનિવર્સ’ના આવવાના સમયથી પંદરેક મિનીટ પહેલા અમે એન્ટ્રી ગેટથી થોડે દૂર, એને જોઈ શકાય એમ ઉભા રહેતા અને ગરબી છૂટે ત્યારે એક-દોઢ વાગ્યે, અમે એ જ જગ્યાએ પહોંચી જતા. આઠમા નોરતે ફરી ભાગ્ય ખુલ્યું. અમે એન્ટ્રીગેટમાં પ્રવેશ કરી રહેલા એક ગ્રુપમાં મારી ‘મિસ યુનિવર્સ’ની સાથે રોકીડાને પણ જોયો. અમારા દિમાગમાં ઘંટડીઓ વાગવા માંડી. આવતીકાલ સવારે રોકીડાને પકડી ‘પેલી’ વિષે માહિતી કઢાવવાના વિચારોમાં આખીરાત મને ઊંઘ ન આવી.

‘સંજરી... એનું નામ સંજરી છે.’ રોકીડો બોલ્યો અને મારી નસેનસમાં ખંજરી વાગવા માંડી. ‘રામમંદિર પાછળની કોલોનીમાં રહે છે, એસ.એસ.સી.માં ભણે છે.’ રોકીડો અમને પણ બગડેલા જોઈને ખુશ હતો. મેં એને ચા સાથે એક વેફરનું પેકેટ ખવડાવ્યું. અને રોકીને ‘પ્રિન્સ’ બનવાની શુભકામના આપી. એક જ અઠવાડિયામાં અમે સંજરીનું ઘર શોધી કાઢ્યું. મારા ઘર કરતા સહેજ મોટું હતું. ડેલાને બંને તરફની પાળી પર રંગબેરંગી ફૂલોના કુંડા હતા. રોજ સવારે એ એને પાણી પાતી. એ પછી નાહીને એના છુટા વાળ એની અગાસી પર એ ખુલ્લા રાખી ઝાટકતી ત્યારે, રૂપાળા ચહેરા પર ફેલાતી કાળી જુલ્ફો, એની સુંદરતાને એક અનોખો આયામ આપતી. ‘શાંત ઝરૂખે વાટ નીરખતી રૂપની રાણી’ કહો કે ‘જેસે ખીલતા ગુલાબ, જેસે ઉજલી કિરણ, જેસે વન મેં હિરણ’ એ બધું મને સાક્ષાત દેખાવા લાગ્યું હતું.

દિવાળીના વેકેશનમાં મારા પર જાણે આભ તૂટી પડ્યું. ન સંજરી બસમાં દેખાઈ કે ન એની સોસાયટીમાં કે ન દતાત્રેય મંદિરે. ભીતરેથી હું વ્યથિત થઇ ગયો. જાણે મારું સર્વસ્વ લૂંટાઈ ગયું હતું. સંજીવ મારી વેદના સમજતો હતો. કિશોર કુમાર, લતા-રફી અને મુકેશના દર્દીલા ગીતો મને ગમવા લાગ્યા. ‘યે દિલ તુમ બિન કહી લગતા નહિ હમ ક્યા કરે..’ કે ‘તડપ તડપ કે ઇસ દિલ સે આહ નીકલતી રહી.. મુજકો સજા દી પ્યારકી તો એસા ક્યા ગુનાહ કિયા.. જો લુટ ગયે...હમ તેરી મહોબ્બત મેં...’ જેવા ગીતો મને કંઠસ્થ થઇ ગયા.

પણ કહે છે ને કે ‘ઘનઘોર રાત્રિ બાદ દિવસ ઉગે છે.’, ‘નિષ્ફળતા પછી સફળતા મળે છે.’ એમ લાભપાંચમના દિવસે એક રિક્ષા રામમંદિરવાળી સોસાયટીમાં પ્રવેશી અને એના ઘર પાસે ઉભી રહી. અને એમાંથી ‘સંજરી’ ઉતરી ત્યારે મારી આંખોમાં ઝળઝળિયાં આવી ગયા. દોડીને એની પાસે પહોંચી જવાનું મન થઇ ગયું. મેં સંજીવને બથ ભરી લીધી. બરોબર ત્યારે જ એની નજર અમારા પર પડી. એ મર્માળુ હસી. મેં એને હસતી જોઈ. કયાંક એ મારો ભ્રમ તો નહોતો ને...?

તમે માનશો નહિ, મારી છાતીમાં જોશ ભરાયું હતું. મને હવે ભણવાનું સ્પષ્ટ સમજાતું હતું. સંજરીમાં કેન્દ્રિત થયેલું મારું ધ્યાન મારા અભ્યાસમાં મને મદદરૂપ થતું હતું. મને કાચું સરવૈયું, ભાગીદારી પેઢીના હિસાબો, દેશી નામું વગેરે જબ્બરદસ્ત રીતે સમજાવા લાગ્યા હતા. ચારેબાજુ ભટકતું મારું મન હવે એક જ જગ્યાએ કેન્દ્રિત હતું. સંજરી હવે મને જાજ્વલ્યમાન લાગતી હતી. સંજરી હવે મારી આરાધ્ય બની ગઈ હતી. સંજરી માટે મારી આંખોમાંથી વહેલા આંસુએ જાણે મારામાં રહેલી પવિત્રતાનો પુરાવો આપ્યો હતો. હવે મને છીછરી વાતો ગમતી નહિ. વિરહની એક વેદનામય અવસ્થામાંથી પસાર થયા પછી જાણે સંજરી પ્રત્યેની મારી લાગણી પરિપક્વ બની હોય એવું મને લાગતું હતું.

અગિયારમા ધોરણની પરીક્ષા આપ્યા બાદ હું અને સંજીવ ફિલ્મ જોવા ગયા. સંજરી પણ એના ફેમિલી સાથે આવેલી. પહેલીવાર મેં મારા સાસુ સસરાને સોરી, સંજરીના મમ્મી-પપ્પાને જોયા. હું મનોમન એમને નમ્યો. તેઓનું તો ધ્યાનેય ન હતું. ટોકિઝમાં સીટ એક્સચેન્જ કરીને મેં સંજરીની પાછળની સીટમાં જગ્યા મેળવી લીધી. આખું ફિલ્મ સુપર હિટ, રોમેન્ટિક લાગ્યું મને. જોકે લોકોએ, એ ફિલ્મને કરુણ ફિલ્મ ગણાવી હતી.
કરુણ...!

તે દિવસે હું મસ્ત તૈયાર થયો હતો. સંજીવ એની સાયકલ લઇને આવ્યો. અમે બંને સંજરીની સોસાયટી તરફ ગયા. એના ઘરને આખે-આખું જોઈ શકાય એવી એક ચાની કેબિન અમે શોધી કાઢી હતી. ચાનો ઓર્ડર આપી, મેં સંજરીના ઘર તરફ જોયું. મારા હોશ ઉડી ગયા. એના ઘર પાસે એક ટ્રક ઉભો હતો. એમાં માલ-સામાન ગોઠવાઈ રહ્યો હતો. ‘કો’ક ઘર બદલાવતું લાગે છે.’ સંજીવે સહજતાથી ચાવાળાને પૂછ્યું. ‘હા, ટ્રકમાં માલ ભરાય છે.’ ચાવાળો બોલ્યો.

મારા હોશ ઉડી ગયા. ચાના ઝેરી ઘૂંટ, એક-એક કરી હું ગળા હેઠે ઉતારી રહ્યો હતો. સંજીવ પણ સૂનમૂન થઇ ગયો હતો. ચા પી લીધા પછી કેટલીયે વાર સુધી અમે બેસી રહ્યા. આખરે પેલો ટ્રક ઉપડ્યો. પાછળ જ એક ટેક્સીમાં સંજરી અને એના મમ્મી-પપ્પા ગોઠવાયા. સંજરીએ સફેદ ડ્રેસ પહેર્યો હતો. હું એકીટશે એ દ્રશ્ય જોઈ રહ્યો. અચાનક એ દ્રશ્ય ધૂંધળું બન્યું. મારી આખોમાં ફરી ઝળઝળિયાં હતા. ટેક્સી હોર્ન વગાડતી જતી રહી."

આટલું કહી ટ્રેનના એ ટિકિટ ચેકરે ટાઇ સરખી કરી મારી સામે જોતાં કહ્યું. ‘ તમે માનશો સાહેબ, આજેય સંજરીની એ બોલકી આંખો મને ખોટા રસ્તે જતો અટકાવે છે અને સચ્ચાઈના રસ્તે ચાલવાની પ્રેરણા આપે છે." જરા અટકી એણે ગળું ખંખેરી વાત પૂરી કરતા કહ્યું. "આ મારી પ્રેમ કહાની, તમે લેખક છો એટલે શેર કરી. તમે શેર કરજો તમારા ફેસબુક પર. જેટલા વાચકો હશે એ બધાને આમાંથી કંઈ ને કંઈ લાગુ પડતું હશે. પણ કોઈ સજ્જન વાચક.. પોતાની સંજરી કે રોકી કે સંજીવને યાદ કરી આ લાઈક કરવાની હિમ્મત નહિ કરે."
કેટલીયે વાર સુધી અમે હસતા રહ્યા...

"નસીબ ઇન્સાન કા ચાહત સે હી સંવરતા હૈ..
ક્યા બુરા હૈ ઇસમેં અગર કોઈ કીસી પે મરતા હૈ..”
તમે લાઈક ભલે ન કરી શકો.. મનોમન હસી લો તોયે ઘણું વ્હાલા... પણ આવું તે કંઈ લખાતું હશે કહી બહુ ડાહ્યા હોવાનો ઢોંગ ન કરતા...

સૌને નવા સાલ મુબારક..

બીજા રસપ્રદ વિકલ્પો

શેયર કરો

NEW REALESED