હીરોપંતી ૨ Rakesh Thakkar દ્વારા પુષ્તક અને વાર્તા PDF

Featured Books
શ્રેણી
શેયર કરો

હીરોપંતી ૨

હીરોપંતી ૨

-રાકેશ ઠક્કર


ટાઇગર શ્રોફની એક્શન ફિલ્મ 'હીરોપંતી ૨' જોયા પછી કોઇપણ સવાલ કરી શકે છે કે તે ક્યાં સુધી આવું જ કરતો રહેશે અને તેને આપણે જોતાં પણ રહીશું? ટાઇગરની 'હીરોપંતી' થી 'હીરોપંતી ૨' સુધીની ફિલ્મી યાત્રામાં કોઇ નવીનતા જોવા મળી નથી. સોશ્યલ મિડીયા પર ચાહકો વધુ છે ત્યારે એમની અપેક્ષા પર ખરા ઉતરવા તેણે કંઇક નવું કરવું જોઇએ. ડાન્સ અને એક્શનથી ક્યાં સુધી દર્શકોને દીવાના બનાવી શકશે? એ પ્રશ્ન છે. તે ભૂમિકામાં ટાઇપકાસ્ટ થયો હોત તો પણ વાંધો ન હતો. પરંતુ તે પોતાના કામનું જ પુનરાવર્તન કરી રહ્યો છે. તેના એક્શન દ્રશ્યો અને ડાન્સ હવે સામાન્ય લાગે છે. અને એ તો સોશ્યલ મિડીયા ઉપર પણ તે બતાવી જ દે છે. નિર્દેશક અહમદ ખાને માત્ર તેની એક્શન હીરોની ઇમેજને વટાવવા જ આ ફિલ્મ બનાવી છે. ટાઇગરે હવે પોતાને એક્શનમાં સાબિત કરી દીધો હોવાથી અભિનયની તક મળે એવી ફિલ્મો કરવાનો સમય આવી ગયો છે. નહીંતર લાંબા સમય સુધી ટકી શકશે નહીં.
ફિલ્મની વાર્તામાં કંઇ નવું નથી. ટાઇગર બબલૂ નામનો હેકર હોય છે અને વિલન બનતા નવાઝુદ્દીનની બહેન તારા સુતારિયા સાથે પ્રેમ કરવા લાગે છે. વળી બબલૂ લૈલાનો સાથી બની જાય છે. એક મા ઠગાયા પછી તેનો આત્મા જાગે છે. છેલ્લે હીરો અને વિલન વચ્ચેની ટક્કર અને ધમાચકડી વર્ષોથી જોતા આવ્યા છે એવી જ હોય છે. વર્તમાન અને ભૂતકાળ વચ્ચે વાર્તા સતત ઝૂલતી રહે છે. એ કારણે ગુંચવાડો ઊભો થાય છે. ફ્લેશબેક શરૂ થયો એની ખબર પડી જાય તો ક્યારે પૂરો થયો એ સમજાતું નથી. ફિલ્મના ટ્રેલરમાં જ વાર્તા આવી ગઇ હોવાથી વધારે ઉત્સુક્તા રાખવા જેવી ન હતી. ફિલ્મમાં વિલન ઘણા છે. એ મજબૂત છે છતાં ટાઇગરનું પાત્ર ઉભરી આવતું નથી એ નિર્દેશકની ખામી છે. ટાઇગર પાસે આમ પણ બધાં અભિનયની નહીં એક્શનની જ અપેક્ષા રાખે છે. ઇમોશનલ દ્રશ્યોમાં તે કોમેડિયન જેવો લાગતો હોવાનો અભિપ્રાય એના માટે આંચકા સમાન ગણી શકાય. એક્શન અને ડાન્સમાં તે કોઇ કસર બાકી રાખતો નથી એ માટે જરૂર દાદ આપી શકાય. ફિલ્મમાં હવે તેના ચવાયેલા સંવાદ 'છોટી બચ્ચી હો ક્યા' કે 'સબકો આતી નહીં ઔર મેરી જાતી નહીં' કમાલ કરી શકતા નથી. વધુ પડતા ઉપયોગથી આ સંવાદોની કિંમત ઘટી ગઇ છે.
ટાઇગરની હીરોપંતી કરતાં નવાઝુદ્દીનની વિલનપંતી મજેદાર છે. ટાઇગરના એક્શન દ્રશ્યો કરતાં 'લૈલા' બનતા નવાઝુદ્દીનના ગજબના અંદાજને કારણે પૈસા વસૂલ થાય છે. નવાઝુદ્દીન છોકરીઓની જેમ ઘરેણા પહેરે છે. પોતાના ગજબના અંદાજને કારણે પડદા પર આવતાની સાથે જ છવાઇ જાય છે. તારા સુતારિયાને ઓવર એક્ટિંગ કરતા પણ આવડતી નથી. તેને સ્ક્રીનટાઇમ વધારે મળ્યો હોવા છતાં કોઇ રીતે ઉપયોગી સાબિત થતી નથી. ટાઇગર સાથે તેની કેમેસ્ટ્રી બહુ જામતી નથી. 'હીરોપંતી ૨' ને પાંચમાંથી જે બે સ્ટાર મળ્યા છે એમાં અડધો નવાઝુદ્દીન સિદ્દીકીને કારણે છે. અમૃતા સિંહને માતાની ભૂમિકામાં ખાસ તક મળી નથી. ગમે ત્યારે ટપકી પડતા ગીતોમાં એ. આર. રહેમાનનું જ સંગીત છે? એવો સવાલ જરૂર થાય છે. રહેમાને હિન્દી ફિલ્મોના સંગીતમાં અગાઉ પોતાની સારી છાપ છોડી છે ત્યારે 'દફા કર' જેવા ગીતો સાંભળીને નવાઇ લાગશે. સંગીતકાર તરીકે એ.આર. રહેમાનની આ સૌથી ખરાબ ફિલ્મ ગણવામાં આવી છે. નિર્દેશકને લોજિક સાથે કોઇ લેવાદેવા નથી તેનું એક ઉદાહરણ જોઇએ તો બોમ્બ વિસ્ફોટથી ટ્રેનના ટુકડા થાય છે એ દ્રશ્ય પછી ટાઇગર ઊભો થઇને પોતાની માતાનો ફોન સાંભળે છે એ દ્રશ્ય હાસ્યાસ્પદ લાગે છે. મસાલા ફિલ્મ હોય એટલે કંઇ પણ બતાવી શકાય એવી માન્યતા થઇ ગઇ છે. હિન્દીભાષી દર્શકો જે આપીશું એ જોઇ લેશે એવી માનસિકતામાંથી જ 'હીરોપંતી ૨' નીકળી છે. જ્યાં સુધી બોલિવૂડના દર્શકો આવી ધડ-માથા વગરની વાર્તાવાળી ફિલ્મો જોવાનું બંધ નહીં કરે ત્યાં સુધી આવી ફિલ્મો આવતી જ રહેશે. 'હીરોપંતી ૨' માં દર બે-ત્રણ દ્રશ્યો પછી મારધાડ અને ગીતો જ છે. તેને 'હીરોપંતી' ની સીક્વલ કહી શકાય એમ નથી. ટાઇગરના ચાહકો અને મસાલા ફિલ્મો જોનારાને 'હીરોપંતી ૨' પસંદ આવી શકે છે.