ભૂતનો ડાન્સ Rakesh Thakkar દ્વારા પુષ્તક અને વાર્તા PDF

ભૂતનો ડાન્સ

ભૂતનો ડાન્સ

-રાકેશ ઠક્કર

ઘણા વર્ષો પછી અમરતભાઇના ઘરનો દરવાજો ખુલ્લો જોઇ નજીકના પડોશીઓને નવાઇ લાગી. લગભગ એક દાયકા પહેલાં અમરતભાઇ ગામનું આ ઘર છોડીને પોતાના પુત્ર રોહિતના ભવિષ્ય માટે મોટા શહેરમાં જતા રહ્યા હતા. શરૂઆતમાં બે-ત્રણ વર્ષ અવાનવાર એકાદ કલાક માટે આવતા હતા. ઘરની સાફસફાઇ કરીને જતા રહેતા હતા. એ પછી ધીમે ધીમે આવવાનું ઓછું થઇ ગયું. રોહિત તો આવતો જ ન હતો. તે કોઇ કામ પર લાગી ગયો હતો. શહેરમાં એમને ફાવી ગયું હતું. છેલ્લા કેટલાક વર્ષોથી કોઇ અજાણ્યો માણસ જ આવતો અને સાફસફાઇ કરીને જતો રહેતો હતો. એક વખત કોઇએ એને ઘર વેચવા બાબતે પૂછ્યું ત્યારે એણે કહ્યું હતું કે અમરતભાઇ આ ઘર વેચવા માગતા નથી. એમના બાપ-દાદાના ઘરને રહેવા દેવા માગતા હતા. વારસામાં મળેલું એમના ઘરની બાજુનું ખેતર પણ હવે સાવ સુકાઇ ગયું હતું.

આજે એમનું ઘર ખુલ્લુ દેખાતું હતું. પણ એમાં કોઇ સાફસફાઇ થતી હોય એવું લાગતું ન હતું. થોડે દૂર રહેતા નવીનભાઇના પુત્ર મયંકે ઘર ખુલ્લુ જોયું એટલે ડાંગ લઇને તપાસ કરવા ગયો. એક પડોશી તરીકે તેને ત્યાં જવાની પોતાની ફરજ લાગી હતી. તેણે ચોરને પડકારતો હોય એમ બહારથી જ બૂમ પાડી. 'કોણ છે?'

કોઇ અવાજ આવ્યો નહીં. મયંક દરવાજા પાસે જઇ બોલ્યો:'કોણ છે ઘરમાં?'

'હું?' કોઇ પુરુષ સ્વર આવ્યો અને એ ભાઇ બહાર આવ્યો ત્યારે તેને જોઇને મયંક બોલી ઊઠ્યો:'અરે! તું રોહિત તો નહીં?'

'હા, મને ઓળખી કાઢ્યો ખરો...તું મયંક જ ને?'

'હા, પણ તું સાફસફાઇ માટે આવ્યો છે કે રોકાવાનો છે?'

'અઠવાડિયું રોકાવાનો છું....'

'કોઇ ખાસ કામથી આવ્યો છે?'

'આમ ખાસ ખરું અને નહીં પણ. તું કહે કેવું ચાલે છે ગામમાં?'

'તમારા શહેર જેવું નહીં...'

'શહેરમાં હવે મજા નથી. તાપ અને પ્રદૂષણથી માણસો હેરાન પરેશાન છે. મારી જ વાત લે ને...ડોકટરે મને આ ઉનાળામાં આરામ માટે ગામમાં રહેવાની સલાહ આપી છે. શરીરમાં ગરમી વધી ગઇ અને શ્વાસમાં પણ તકલીફ થતી હતી એટલે કુદરતી હવા-પાણી લેવા આવ્યો છું...'

'સરસ! ચાલ અઠવાડિયું મજા આવશે! તારા ખાવા-પીવાની વ્યવસ્થા અમારા ઘરે થઇ જશે... બારમું પાસ કરીને તું ગયો પછી આવ્યો જ નથી...'

'ખાવા-પીવાની ચિંતા ના કરીશ. મારે જાતજાતની પરેજી પાળવાની છે. હું મારી વ્યવસ્થા કરી લઇશ.'

'એવું છે? ચાલ વાંધો નહીં. પણ આપણે રાત્રે ચોરા પર મળીશું અને બીજા મિત્રો સાથે ગપ્પા મારીશું...'

મયંકને વર્ષો જૂનો સહાધ્યાયી મળ્યો એનો આનંદ હતો. રાત્રે બીજા મિત્રો પણ રોહિતને જોઇને ખુશ થયા. બે દિવસ રાત્રે ભેગા મળીને બાળપણની યાદોને વાગોળતા રહ્યા. ત્રીજા દિવસે વાતવાતમાં રોહિત કહે:'મેં કાલે કૌતુક જોયું...'

'કેવું કૌતુક?' મયંક નવાઇથી પૂછવા લાગ્યો.

'કાલે આપણે અહીંથી છૂટા પડ્યા પછી હું જંગલવાળા રસ્તે થોડું ટહેલવા ગયો હતો...' રોહિતના અવાજમાં ડર હતો.

'અચ્છા! કાલે તું મારી સાથે આવવાને બદલે પછી આવવાનું કહેતો હતો ત્યારે મને એમ થયું કે તું રાજેશ સાથે ગપ્પા લડાવવા હજુ બેસવાનો હશે. એ જંગલવાળા રસ્તે શું કામ ગયો હતો?' મયંકના અવાજમાં પણ ડરની ધ્રૂજારી હતી.

'મને ડોકટરે કહ્યું હતું કે વધુ વૃક્ષો હોય ત્યાં વધુ ઠંડક મળતી હોય છે. હું અમસ્તો જ ચાલતો ગયો હતો. પણ એક ખતરનાક અનુભવ થયો...મને ભૂ...ત મળી ગયું...' તે પોતાનો અનુભવ યાદ કરતાં થથરતો હતો.

'ભૂ...ત?' મહેશથી ચીસ પડાઇ ગઇ.

'એ જંગલવાળા રસ્તા આગળ તો ભૂત-પ્રેત હોવાની વાયકા છે જ...આપણા વડીલો પસેથી મેં સાંભળ્યું છે. હજુ કોઇને ભૂતનો ભેટો થયો હોય એવું સાંભળ્યું નથી...' મયંક કાળજું કઠણ કરતાં બોલ્યો.

'હા, પણ એ ભૂતથી ડરવા જેવું નથી...' રોહિત હવે થોડો નિશ્ચિંત થઇને વાત કરતો હતો.

'ભૂત પર વિશ્વાસ ના કરાય. જો એ લોહી તરસ્યું હોય તો આપણાને ત્યાં જ પૂરા કરી નાખે. તું ખરેખર ભૂતને મળ્યો હતો? કે પછી અમને ડરાવે છે?' મયંક ડર પર કાબો કરતાં બોલ્યો.

'તને સાચું ના લાગતું હોય તો અત્યારે જ મારી સાથે ચાલ. એનાથી ડરવા જેવું નથી. કેમકે એ મારું ગુલામ બની ગયું છે. હું એની પાસે ડાન્સ પણ કરાવી શકું છું...' રોહિત હવે પોતાનો વટ પાડતો હોય એમ ખુશ થઇને બોલ્યો.

'નક્કી તેં કોઇ હોરર ફિલ્મ જોઇ છે અથવા ભૂતની વાર્તા સાંભળી છે. કે પછી સપનું જોયું છે. અસલ જીવનમાં આવું બની જ ના શકે...' પોતાને પહેલવાન તરીકે ઓળખાવતા ગજેન્દ્રએ હવે હિંમત સાથે ઝંપલાવ્યું હતું.

'પહેલાં મારી આખી વાત સાંભળો પછી તમારો મત વ્યક્ત કરજો. કાલે રાત્રે હું જંગલવાળા રસ્તે જતો હતો ત્યારે ઘણો દૂર ગયો એ પછી મેં કોઇના પગલાનો અવાજ સાંભળ્યો. મને બહુ ડર લાગ્યો. પાછળ ચોર કે ભૂત હોવાની શંકા થઇ. પણ કોઇ દેખાતું ન હતું. અચાનક એક વિચિત્ર હાસ્યનો અવાજ આવ્યો. મેં પાછળ ફરીને જોયું તો એ ખરેખર ભૂત હતું.

તે મને જોઇને બોલ્યું:'આકા, તમે અહીં?' એનો સવાલ સાંભળીને હું વધારે ડર અને ગભરાટ અનુભવવા લાગ્યો. તેણે મારા જવાબની રાહ જોયા વગર આગળ કહ્યું:'આકા, મારાથી ડરશો નહીં. તમે મને ઓળખી નહીં શકો. ગયા જનમમાં તમે શેઠ અને હું નોકર હતો. તમારું મારા પર બહુ મોટું ઋણ રહ્યું છે. એ ચૂકવવા હું તમે કહેશો એ કરવા તૈયાર છું. મને તમારું ગુલામ બનાવી લો.' મને મારા ગયા જન્મની કોઇ વાતની ખબર ન હતી. મેં એને કહ્યું:'હું કોઇને ગુલામ બનાવતો નથી.' એણે કહ્યું:'તો તમે મારો ડાન્સ જુઓ...' મને એની વાતો સમજાતી ન હતી. ન જાણે કેમ એ ખરેખર ગયા ભવનો મારો નોકર હોય એમ મારા મનમાં કોઇ ડર ન રહ્યો. મેં કહ્યું કે તું ડાન્સ કેમ કરવા માગે છે?' તે કહે:'મને બીજું કંઇ આવડતું નથી. અમારા ભૂતોના જગતમાં હું ડાન્સર તરીકે કામ કરું છું. જુઓ...' અને એમ બોલીને તે ડાન્સ કરવા લાગ્યું. હું તો એને જબરદસ્ત ડાન્સ કરતા જોઇ આભો જ બની ગયો. થોડીવાર ડાન્સ કરીને એ ભૂત કહેતું ગયું કે મજા આવતી હોય તો દરરોજ આવજો. મારા નસીબ કે તમે અહીં આવ્યા અને મળી ગયા. મારાથી આ જંગલની બહાર નીકળી શકાશે નહીં. તમે રોજ રાત્રે આવતા રહેજો. હું તમારું મનોરંજન કરીશ.'

'આ તો ગજબનું ભૂત છે. આવું તો પહેલી વખત સાંભળ્યું. મયંક ચાલ આપણે પણ એનો ડાન્સ જોઇએ. અને આ રોહિત સાચું બોલે છે કે ખોટું એ પણ જોઇએ...' ગજેન્દ્રને પોતાની બહાદુરી પર કોઇ શંકા ન હતી એટલે બોલ્યો.

'મને તો બીક લાગે છે.' કહી મયંક થથરવા લાગ્યો.

'તો તું અહીં બેસી રહે...' કહી ગજેન્દ્રએ પોતાના મજબૂત બાહુથી રોહિતને ખેંચ્યો અને જંગલ તરફ ચાલવા લાગ્યો.

ગજેન્દ્રએ જ્યારે ભૂતનો ડાન્સ જોયો ત્યારે એ પણ ખુશ થઇ ગયો. આવું પણ બની શકે એની તેને કલ્પના ન હતી. અને ભૂત ખરેખર રોહિતનું ગુલામ જેવું હતું. એનું કહ્યું જ કરતું હતું.

ગજેન્દ્રએ અનુભવ કહ્યા પછી બીજા દિવસે મયંક તૈયાર થઇ ગયો. એ ત્યાં ગયો અને એને પણ ભૂતનો ડાન્સ ગમ્યો. ભૂત રોહિતના ઇશારે ડાન્સ કરતું હતું એ જોઇ બધાંને નવાઇ લાગી રહી હતી. ભૂતને અડધા હાથ અને અડધા પગ ન હતા. તે એક લાંબું વસ્ત્ર પહેરીને ગજબનું નાચતું હતું. તેના ચહેરા પર બે આંખ અને કાનની જગ્યાએ કાણા હતા. મોં ખુલે ત્યારે એમાં કાણું જ દેખાતું હતું. તે બહુ ભયાનક ન હતું એટલે એક વખત તેને નાચતું જોયા પછી ડર લાગતો ન હતો.

ચાર દિવસમાં તો ઘણા બધાં મિત્રોએ ભૂતનો ડાન્સ બિંદાસ જોયો. બધા જ હવે તો ભૂતનો ડાન્સ જોવા ઇચ્છા કરવા લાગ્યા. ભૂત સંગીત વગર ચિત્ર –વિચિત્ર અવાજો સાથે જબરદસ્ત ડાન્સ કરતું હતું. રોહિતે બધાને હૈયાધારણા આપી હતી કે આ ભૂત આજ્ઞાકારી છે. તે કોઇને નુકસાન કરે એવું નથી. ગયા જનમના પુણ્યના પ્રતાપને કારણે જ તે સારું ભૂત છે. આખા ગામમાં વાત ફેલાઇ ગઇ. કેટલાક વડીલોએ યુવાનોને ડાર્યા પણ એમની ભૂતનો ડાન્સ જોવાની ફરમાઇશો વધવા લાગી ત્યારે રોહિતે એક ઉપાય કર્યો. તેણે કહ્યું કે પચાસ –પંચાવન લોકો એકસાથે જઇએ. રોજ બે-ચાર જણ આવશે તો બીજાનો નંબર જલદી લાગશે નહીં.

એ રાત્રે પચાસથી વધુ યુવાનોનું ટોળું એક ઉત્સાહ અને રોમાંચ સાથે ભૂતનો ડાન્સ જોવા રવાના થયું. બધા જંગલવાળા રસ્તે આગળ વધવા લાગ્યા ત્યારે કેટલાકના મનમાં રોમાંચ સાથે ડર હતો. જિંદગીમાં પહેલી વખત તેઓ કોઇ ભૂતને જોવાના હતા એટલું જ નહીં એનો ડાન્સ જોવાના હતા.

બધાં પહોંચ્યા ત્યારે રાતના દસ વાગ્યા હતા. વાતાવરણમાં ઘોર અંધારું હતું. ટમટમતા તારાનો પ્રકાશ ફેલાયેલો હતો. કેટલાક યુવાનો મોબાઇલની બેટરીના પ્રકાશથી રસ્તા પર આગળ વધતા હતા. બધાંનો ધીમો ગણગણાટ ચાલુ હતો. 'આટલા બધા લોકોને જોઇ ભૂત ગુસ્સે તો નહીં થાય ને?; એવું કોઇએ પૂછ્યું ત્યારે રોહિત કહે:'એણે તો કહ્યું છે કે તમે જેટલા લોકોને મારો ડાન્સ બતાવવો હોય એટલાને બતાવી શકો છો. મારું કામ જ એ છે. તમારા ઉપકારો એટલા છે કે તમારી ઇચ્છા ટાળી શકું નહીં.'

થોડીવાર સુધી રાહ જોયા પછી પણ ભૂત ના આવ્યું. જે પહેલી વખત આવ્યા હતા એમના દિલમાં ડર હતો. ક્યાંકથી આવતો શિયાળની લાળી અને બિલાડીનો અવાજ ભય પેદા કરતા હતા. એ ભયને દૂર કરવા યુવાનો મજાક કરવા લાગ્યા... આજે ભૂતની ઘડિયાળ બંધ પડી ગઇ હશે! ભૂતને આજે હાથમાં દુ:ખતું હશે! ભૂતની આજે ઇચ્છા નહીં હોય! એક પછી એક વિચાર વ્યક્ત કરતા હતા ત્યાં ઝાંઝરનો અવાજ આવ્યો અને બધાંની જાણે બોલતી બંધ થઇ ગઇ.

કોઇએ પૂછ્યું:'ભૂતને તો પગ જ નથી. ઝાંઝર કેવી રીતે પહેર્યા છે?'

રોહિત કહે:'ભાઇઓ, તમે તો બહુ વાતો કરી દીધી. ભૂત ઝાંઝર પહેરતું નથી. આ તો મેં જ ખિસ્સામાં ઝાંઝર રાખી મૂકી છે. એ વગાડું છું. આજે તે ડાન્સ કરે ત્યારે સાથે અવાજ કરવા લાવ્યો છું... એ હવે આવતું જ હશે....લો આવી ગયું...'

બધાંએ જોયું કે રોહિત અને બીજા મિત્રોએ વર્ણન કર્યું હતું એવા જ દેખાવવાળું ભૂત આવ્યું. એણે જમીનથી બે ફૂટ ઊંચા ચાલતા આવી બધાંનું અભિવાદન કર્યું. રોહિતે બીજી કોઇ વાત કર્યા વગર આદેશ કર્યો:'ડાન્સ રજૂ કર...'

ભૂત ડાન્સ કરવાની શરૂઆત કરે એ પહેલાં જ ગામનો યુવાન અંબર દોડતો આવ્યો અને હાંફતા કહ્યું:'ભાઇઓ, ભાઇઓ બચાવો...'

ગજેન્દ્રએ તેની તરફ ફરીને કહ્યું:'અંબર, શું થયું? કોને બચાવવાની વાત કરે છે?'

અંબર ગભરાતા બોલ્યો:'બધાના ઘરને બચાવો. ગામના એક ઘરમાં આગ લાગી છે. તે નજીકના ઝૂંપડાઓમાં ફેલાઇ શકે છે...સૌ ચાલો' અને તે દોડતો ગામ તરફ પાછો ભાગવા લાગ્યો.

બધાંએ ગામ તરફ દોડવાનું શરૂ કરી દીધું હતું. ભૂત અટકી ગયું હતું. રોહિત મૂંઝવણમાં પડી ગયો હતો.

આગના સમાચારથી યુવાનો પોતાની ફરજ બજાવવા ભૂતનો ડાન્સ ફરી જોવાનું નક્કી કરી ગામ તરફ ભાગવા લાગ્યા. અંબર આગળ જઇને અટકી ગયો અને બીજા યુવાનોને પાણી લાવી આગ ઝડપથી બુઝાવવા જવા માટે બૂમો પાડવા લાગ્યો. બધાં નીકળી ગયા પછી રોહિતને વિચારમાં પડેલો જોઇ અંબર કહે:'રોહિત, ચાલ જલદી...તારું ઘર પણ નજીકમાં છે...'

રોહિત જાણે કમનથી તેની સાથે આવવા તૈયાર થયો. તેણે ભૂતને જતા રહેવા અને કાલે ફરી આવવા કહ્યું.

અંબર અને રોહિત પહોંચ્યા ત્યારે બધાં યુવાનો રોહિતના ઘર પાસે શાંતિથી ઊભા હતા. રોહિતે નવાઇથી પૂછ્યું:'આગ ક્યાં લાગી હતી?'

ગજેન્દ્ર કહે:'આખા ગામમાં...'

રોહિતે વધારે નવાઇથી પૂછ્યું:'પણ આગ તો દેખાતી નથી?'

'તું પણ ક્યાં દેખાય છે...?' કહી યુવાનો વચ્ચે છુપાયેલા બાજુના ગામના ભૂત ભગોડી બાબાએ પોતાના હાથમાંનું મંત્રેલું પાણી રોહિત પર નાખ્યું અને તેના શરીર પર ભડકો થયો. રોહિત તરફડવા લાગ્યો:'મને માફ કરો...મેં ભૂતોની માગણીથી બધાને ફસાવવાનો કારસો રચ્યો હતો...' ભગોડી બાબાએ ઝડપથી ખિસ્સામાંથી મંત્રેલા દાણા રોહિત પર નાખ્યા. તેનું શરીર હવામાં ઓગળી ગયું.

ત્યાં સુધીમાં આખું ગામ જ આવી ગયું હતું. સરપંચ વજુભાઇએ અંબરની પીઠ થાબડીને કહ્યું:'ગામવાસીઓ, આ યુવાનની સમયસૂચકતા અને બહાદુરીથી આપણા યુવાનોના જીવ બચી ગયા છે. અસલમાં રોહિત જીવીત નથી. આ તેનું ભટકતું ભૂત હતું. એને ભગોડી બાબાએ ભગાડી દીધું છે. એ પાછું આવી શકશે નહીં. અંબર આજે સાંજે શહેરથી પાછો આવતો હતો ત્યારે એને બસ ડેપોમાં અમરતભાઇ મળી ગયા. એમની સાથેની વાતચીત પરથી ખબર પડી કે એક અઠવાડિયા પહેલાં રોહિત એક અકસ્માતમાં ગુજરી ગયો હતો. અંબરને ગામમાં રોહિત આવ્યો હોવાની અને તે ભૂતનો ડાન્સ બતાવતો હોવાની માહિતી હતી. તેણે મને ફોન પર માહિતી આપી એટલે મેં બાજુના ગામમાંથી ભૂત ભગોડી બાબાને બોલાવી લીધા હતા. તેમણે ઘણા ભૂત ભગાડ્યા છે. રોહિતને આ વાતનો ખ્યાલ આવવા દેવાનો ન હતો. તે બધાને ભૂતનો ડાન્સ જોવા લઇ ગયો એટલે આયોજન મુજબ અંબર આગના ખોટા સમાચાર લઇને આવ્યો અને બધાંને અહીં બોલાવી રોહિત જ ભૂત હોવાની વાતથી અવગત કરી દીધા. અંબરે રોહિતને ચાલાકીથી અહીં બોલાવ્યો. રોહિતને પણ તમને બધાંને ફસાવવાની યોજના સાકાર કરવી હતી એટલે પોતે ભૂત હોવાની વાત છુપાવીને અહીં આવી ગયો. બાકીનું કામ આપણા ભગોડી બાબાએ પૂરું કરી દીધું. અસલમાં આપણા ગામની બાજુના જંગલમાં રાત્રે ભૂત ફરતા હોવાની વાયકા છે જ. યુવાનોને ચેતવવામાં આવ્યા હતા પણ એ વાતને એમણે ગંભીરતાથી લીધી ન હતી. ગામના પાદરે જંગલ પાસે જે હનુમાનનું મંદિર છે એ સ્વયંભૂ છે અને એ કારણે જંગલમાંથી રાત્રે ગામમાં ભૂત આવી શકતા નથી. એટલે ગામના યુવાનોને ભૂતના ડાન્સનું આકર્ષણ ઊભું કરી જંગલમાં લઇ જવામાં આવી રહ્યા હતા...'

સરપંચે બધું રહસ્ય ખોલ્યું એ પછી બધાં મોંમાં આંગળા નાખી ગયા. યુવાનોને કલ્પના ન હતી કે રોહિતનું ભૂત તેમને ભૂતોની લોહીની તરસ બુઝાવવા લઇ જઇ રહ્યું હતું.

સરપંચે છેલ્લે હસીને કહ્યું:'આપણા ગામમાં સ્ત્રીઓના નાચગાન કરવા અને જોવા પર પ્રતિબંધ હતો એમાં હવે ભૂતનો ડાન્સ પણ જોઇ શકાશે નહીં એવો નવો ઠરાવ પસાર કરવામાં આવે છે!'

***


રેટ કરો અને રિવ્યુ આપો

Megha

Megha 3 અઠવાડિયા પહેલા

Vaishu

Vaishu 1 માસ પહેલા

NAUPAL CHAUHAN

NAUPAL CHAUHAN 3 માસ પહેલા

Hiten Parmar

Hiten Parmar 3 માસ પહેલા

Bhakti Thanki

Bhakti Thanki 3 માસ પહેલા