છાનીછૂપી મુલાકાતનો અંત આવ્યો, બધાય ભેગા થઈને પાછા ઘર તરફ વળ્યા, વાડી તો માત્ર બહાનું હતું, નયનરમ્ય દૃશ્ય તો એકબીજાને જોવાનું હતું, લગ્ન કરવા કે નહિ એ વાતને વધારવાનું હતું, મહેશકાકાની સમજદારી શ્યામા અને શ્રેણિક વાત કરી શક્યા, બાકી નયનને મોર જોવાનું તો માત્ર બહાનું જ હતું, નયને મોર જોયો કે ના જોયો પરંતુ શ્યામા એને શ્રેણિકએ એકબીજાના મનના ટહુકા સાંભળી લીધા.
તેઓના વિચારોના આદાનપ્રદાન બાદ તેઓએ વિચાર્યું તો ખરું કે તેઓની સમજ એકબીજા માટે યોગ્ય છે, પરંતુ શ્યામાના સપના એની આડે ના આવી જાય એની બીક શ્રેણિકને ક્યાંક મનમાં કોરી ખાતી હતી, તેને શ્યામા પસંદ તો આવી ગઈ હતી, એના સપનાં સાથે એને સ્વીકારવા તૈયાર હતો પરંતુ જો આ વાતની દાદાને ખબર પડે તો શું થાય? અને એના દાદાના ખાસ મિત્ર એટલે આ વાત ખબર પડતાં વાર લાગે એમ હતું નહિ, અને એ શ્યામા જોડે એટલો ફેમિલિયર નહોતો થયો કે એને આ વાતને છૂપાવવા માટે કહી શકે અને છેવટે આ બધાનો છેલ્લો નિર્ણય તો દાદા જ લેવાના હતાં.
વિચારોના વૃન્દ સાથે એ ફરી ઘર તરફ વળ્યો, રસ્તામાં શ્યામા જોડે વાત થઈ શકી નહિ, ઉપરથી નયન થાકી ગયો હતો એટલે એને અકળામણ થતી હતી," યાર...ક્યારે આવશે ઘર?"
"બસ થોડી જ દૂર છે શેરી, બસ થોડું..."- શ્રેણિક એને સમજાવી રહ્યો.
"નયનભાઈ, તમારે કંઈ ખાવું છે? અહીં ગામના ગલ્લે મસ્ત પાન મળે છે, ચાલો સોપારીવાળુ સરસ મજા પડશે!"- ભાર્ગવે એને એક ઓફર આપી.
પાન ખાવાનું નામ પડતાની સાથે એ ખુશ થઈ ગયો, એ શ્રેણિક જોડેથી સીધો ભાર્ગવ જોડે જતો રહ્યો,તેઓ સામે ગલ્લે પાન ખાવા ગયા, શ્યામા અને એની સખીઓ ગલ્લે ઊભા ન રહ્યા, તેઓ આગળ ચાલતા થયા," તમે ઘરે જતાં થાઓ, અમે આવીએ છીએ!"- પ્રયાગે એમને કહ્યું.
"હા ભાઈ!"- કહીને તેઓ આગળ વધ્યા.
" અમારે અહી છોકરીયું ગલ્લે નો ઉભી રહે!"- એમ કહેતાં મયુરે ગલ્લા આગળ પડેલી પાટલીઓ આગળ કરતાં કહ્યું, ને ત્યાં બધાં બેઠાં.
"કેમ?"- નયનને સમજ ન પડી એટલે એ બોલ્યો.
"ગામના ગલ્લે છોકરીઓ આવે તો બાપની ઈજ્જતનો ધજાગરા થાય!"
"લે..એમાં શું? તેઓને મીઠું પાન ના ખાવું નહોય?"-નયન બોલ્યો.
"આ અહીંના સંસ્કાર કહેવાય!"- શ્રેણિકે એને સમજાવતા કહ્યું.
" હાશ...હું છોકરી નથી!"- કહીને નયન જોર જોરથી હસવા માંડ્યો.
"ભલે..."- કહીને શ્રેણિકે એને ચૂપ રહેવા ઈશારો કર્યો.
"લ્યો...નયનભાઈ..તમારું મીઠું પણ.. ખાઓ!"- પ્રયાગે પાન ધરતાં કહ્યું.
"હા..લાવો...મને તો સુગંધથી જ મોઢામાં પાણી આવી ગયું."
"કુમાર...તમારામાં સોપારી નખાવડવું?" પ્રયાગે શ્રેણિકને પૂછ્યું.
"ના...મારે પાન નથી ખાવું!"- એને ના પાડી.
" એવું થોડી બને? કાઠીયાવાડમાં આવો ને પાન ખાધા વગર વયા જાઓ? તમારે તો ખાવું જ જોહે!"- મયુરે માવો ખાતા કહ્યું.
"જી પણ સોપારી ઓછી!"- શ્રેણીક બોલ્યો.
" હા તને કહો એમ.... મનુભઈલા સોપારી ઓછી નાખજો હા કુમારના પાનમાં!"- મયુર બોલ્યો, ગલ્લાવાળા મનુભાઈએ સોપારી કાતરતા મુંડી હલાવી, ત્યાં લગાવેલો એક રેડિયો જેમાં લેટેસ્ટ ફિલ્મી ગીતો વાગી રહ્યા હતા, ચાર પાંચ જણ ત્યાં બેઠેલા હતા, તેઓ શ્રેણિક સામે જોઈ રહ્યા હતા, જાણે તે કોઈ અજાયબી ના હોય, શ્રેણિકને જોઈને એમાંથી એકે પૂછ્યું, " મહેમાન લાગો છો!"-
"જી!" શ્રેણિકે ટુંકમાં જવાબ આપ્યો.
"હા... છેક ન્યુઝીલેન્ડથી આવ્યા સે.... પાન ખવડાવીએને!"- મયુરે કટાક્ષમાં બોલતાં કહ્યું.
"ઇ તો સાંભળ્યું તું, શ્યમાબેનને જોવા આવવાના સે મહેમાન!"- એમાંથી એક બાતમી આપતાં હોય એમ કહ્યું.
"ગામપંચાત! તને તો બધી ખબર નહિ?"- મયુરે હસતાં હસતાં એ યુવાનને સંભળાવ્યું.
" ગલ્લે બેસીએ ને ગામની ખબર ન રાખીએ તો પાન કેમેય હજમ થાય?" એ અજાણ્યા યુવાને કહ્યું, ને બધા હસી પડ્યા.
" હાલો ..તો મહેમાન રોકવાના હોય તો લેતા આવજો અમારી ડેલીએ!"- એમાંથી એકે ઘરે આવવા આમંત્રણ આપ્યું.
" ભલે, નાનુભાઈ...આભર!"- કહીને મયુરે એમનું આમંત્રણ સ્વીકાર્યું.
ક્રમશ:....