શું કહું તને! મૃગતૃષ્ણા mrigtrushna" દ્વારા પુષ્તક અને વાર્તા PDF

Featured Books
શ્રેણી
શેયર કરો

શું કહું તને!

અસ્વીકરણ: આ રચનાનાં સ્થળ તથા પાત્રો સંપૂર્ણ કાલ્પનિક છે જેનો કોઈ સજીવ-નિર્જિવ કે ઘટના સાથે સંબંધ નથી.)
*****************
પાત્રો : તરુણવયની મીઠ્ઠુ, મીઠ્ઠુના માતા-પિતા
સ્થળ : હૉસ્ટેલ અને ઘર

(દ્રશ્ય: પંદરેક વર્ષની મીઠ્ઠુ હોસ્ટેલનાં બગીચામાં બેઠી-બેઠી એની મનગમતાં પુસ્તકનાં પાનાં ઉથલાવતી હોય છે અને એને પુસ્તક વચ્ચેથી એક છબી અને પત્ર મળે છે. છબી જોઈ મીઠ્ઠુ થોડીક ભાવુક થઇ જાય છે, આંખોથી ઉભરાવા મથતી લાગણીઓને પાછી વાળી એણે પત્ર ખોલ્યો.)

મારી મીઠ્ઠુ,

હાલ તું તારા સપનાનાં શહેરમાં ઠરીઠામ થઇ ગઇ હોઇશ. તને થતું હશે કે સીધે સીધી વાત કરવાને બદલે આ પત્ર કેમ? તો જણાવી દઉં કે જે વાત હું કરવા જઇ રહી છું એ એક સંભારણું છે અને એક એવાં વ્યક્તિની લાગણી છે જે તે અનુભવી છે પણ ક્યાંક ભૂલાઇ ગઇ છે, ગેરસમજણની પરત ચઢી ગઇ છે.

પત્રની સાથે એક ફોટો મૂક્યો છે એમાં એક પીળાં રંગના કપડાંમાં વાંકળીયા વાળની બે ફ્લાવર ચોટી બનાવેલી નાનકડી ગોળમટોળ છોકરી એ તું અને તને ઊંચકીને કાળા ટી-શર્ટ, બ્લૂ જીન્સ અને બિયર્ડ લૂકમાં, એ નાનકડી પરીને જોઈ દુનિયાભરના પ્રેમ આંખોમાં વસાવીને સૌથી નિખાલસ હાસ્ય વેરતાં જોઈ રહેલ વ્યકિત એટલે તારા પપ્પા...

તને તો યાદ જ નહીં હોય પણ મને બરાબર યાદ છે કે આ ફોટો પાડતી વખતે બંને હાથ ફેલાવી મસ્તીમાં ગોળ ફરતાં તે કેટલીવાર તારા પપ્પાને થપાટો અને લાતો મારેલી. તું એટલી ચંચળ હતી કે ઊચકેલી હોય તો પણ આમતેમ ફર્યા કરતી, થોડી હેલ્ધી પણ ખરી ને!...તને ફક્ત તારા પપ્પા જ સંભાળી શકતાં. તું ખુશ થઈ તાળીઓ પાડતી ને સાથે સાથે એમનાં કાનમાં ચીસો પણ પાડતી. કોઈનો જરાક ઊંચો અવાજ સહન ન કરનાર તારી એ તીણી ચીસો કેમ સહન કરતાં એ મોટું આશ્ચર્ય ખરું!

એ બે ફ્લાવર ચોટલીઓ વાળતાં મને પરસેવો વળેલો, એ તો તારા પપ્પા તારા હાથ અને માથું પકડી રહેલા. મને છોકરીઓનાં કપડાંમાં ન સમજણ પડે એમ મને દરવખતે કહી મારી સાથે ખરીદી કરવાની ના પાડનાર, તારી માટે એ ફુગ્ગા બાંયવાળું ટોપ અને એમ્બ્રોઈડરી વાળો ઇન્ડિયન એથનિક સ્કર્ટ લાવેલા જે પહેરીને તું ખૂબ ખુશ થયેલી અને તને જોઈને એ. તારી દરેક દવા તારા મોંમાં જાય એ એમણે પહેલાં ચાખેલી.

રાત્રે જમતી વખતે તું એમની થાળીમાં જ જમતી એ યાદ છે તને! ગમે તેટલાં થાકેલાં હોય તો પણ તારી સાથે રમવાની કે બાગમાં જવાની જીદ હંમેશા પૂરી કરતાં. એમણે કોઇ દિવસ બિમાર છું એવું કહી તારી સાથે આવવા ના પાડી હોય એવું યાદ છે તને!

ધીરે-ધીરે તું તરુણાવસ્થામાં પ્રવેશી એટલે તમારા બંને વચ્ચે એક મર્યાદા આવી ગઇ. એ મર્યાદા થોડુંક અંતર લાવી, નાનપણ જેવી સહજતા ન રહી. એક ઉંમર બાદ દિકરી બાપને ખોળે ન શોભે, એક ઉંમર બાદ બાપનો હાથ દિકરીનાં ખભે કે માથે જ હોય એવી સમજણ કદાચ દરેક બાપને થઈ જતી હશે કે અપાતી હશે. પણ એ વર્તનથી ક્દાચ એ તારા માટે થોડાં અણજાણ્યા અને અળખામણા પણ બન્યાં કારણ એમની થોડી સખ્તાઈ કે તને એકલાં ન જવા દેવું કે સાથે આવવા તૈયાર થવું, જે સાચું કહું તો અવિશ્વાસ નહીં પણ એમની તારા માટેની ચિંતા હતી. તારા મુજબ તું મોટી થઇ ગઇ પરંતુ તારા પપ્પા માટે તો તું આજે પણ આ ફોટામાં દેખાતી એમની નાનકડી મિઠ્ઠુ જ છે.

એ રાત્રે તે હોસ્ટેલ જવા જીદ કરી ને લડી, તારા પપ્પા જમ્યાં નહોતાં. 'તમે કંઈ નથી સમજતાં. મને મારી રીતે જીવવા દો.' એ વાક્ય એમને શૂળની જેમ ખૂચ્યું. બે-ત્રણ દિવસ સુધી તું એમની સાથે ન બોલી તો એમનો ચહેરો જોયો હતો! કમને તને પરવાનગી આપીને તારા ખુશીથી ખિલતા ચહેરાને જોઈ થોડું મરકી શક્યાં હતાં.

તું જશે એ દિવસે પણ એમનાં ચહેરે કે આંખોમાં નૂર નહીં રહે કારણ એમનું નૂર તો તું છે, તું જશે એટલે એમનો એક ખૂણો શું આખેઆખું અસ્તિત્વ ખાલીપો અનુભવશે પણ કહેશે નહીં. દિકરી બાપનું હ્રદય હોય છે પણ તું તો એમનું કાળજું પણ છે.

આ બધું હું તું ખોટી ને તારા પપ્પા સાચાં એવું કંઈ પૂરવાર કરવા નથી લખી રહી કે નથી તારી પાસે માફી મંગાવવા, મારે તો બસ તને અહેસાસ કરાવવો છે તારા પપ્પાના વ્હાલનો, એમનાં પ્રેમનો જે એ દુનિયામાં સૌથી વધુ તને કરે છે.

મારા માટે એ કદાચ કોઈને ટોકશે પણ નહીં પણ તારી માટે એ આખી દુનિયા શું પોતાની જાતથી પણ લડશે. મારા તારી માટેનાં દરેક સવાલનો જવાબ એ છે. ગમેતેવી પરિસ્થિતિ હશે, ગમે તેટલું અંતર હશે, તું એક અવાજ કરશે તો એ તારી બાજુમાં હશે.

એક વાત હંમેશાં યાદ રાખજે મિઠ્ઠુ કે એક પુરુષ કોઈ પણ સ્ત્રીને દગો દઈ શકે છે પણ એક પિતા ક્યારેય પોતાની દિકરીને દગો નહીં આપે. હા... દિકરીની ભલાઈ માટે કદાચ છેતરે, જેમ નાનપણમાં ચોકલેટ છે એમ કહી ગોળ-ઘીની લાડવી ખવડાવી દેતાં.

તમારી વચ્ચે જે અંતર છે એ તારે જ ઓછું કરવું પડશે એ નહીં કરે. કોઈ વાર એમને સ્પેશિયલ ફોન કરજે, તારી દિનચર્યા કહેજે, તારી ઉપલબ્ધિઓ જણાવજે, એમને યાદ કરે છે એમ કહેજે ને એમનાં ચહેરાની ખુશી હું તને વર્ણવીશ. કોઈકવાર કહે કે ખોટું કર્યું તો શાંતીથી સાંભળજે, સલાહ લેજે, સમજાવજે. હું હવે તમારી વચ્ચેનો દુભાષિયો નહીં બનું. હા... જે તું એમને કહેતાં ક્ષોભ અનુભવશે એ વાત હું ચોક્કસ પહોંચાડીશ પણ સામાન્ય વાતો નહીં.

બસ, મારે આટલું જ કહેવું હતું જે રૂબરૂ ન કહી શકી એટલે પત્ર લખ્યો. હવે, નિર્ણય તારો...

મમ્મા-પપ્પાનો ખૂબ ખૂબ પ્રેમ...

- મૃગતૃષ્ણા
🌼🌼🌼