ધ મોર્નિંગ શાક સ્ટોરી મૃગતૃષ્ણા mrigtrushna" દ્વારા પુષ્તક અને વાર્તા PDF

Featured Books
શ્રેણી
શેયર કરો

ધ મોર્નિંગ શાક સ્ટોરી

સવારની પહોરમાં શાકમાર્કેટમાં શાકનાં પોટલાંઓ વિવિધ અવાજો સાથે આમઆમથી તેમ ફેંકાયાં અને લારીઓમાં શાકને નવડાવીને સરસ ગોઠવાયાં. પરંતુ, એક લારીએ ગોઠવાયેલાં બધાં શાક આજે નાખુશ છે.


ટામેટા: અરે... આ કોઈ નવું આવ્યું લાગે છે. મને આ કરેલાની બાજુમાં શું કામ ગોઠવ્યો? મારે આ કડવા સાથે જરાય બનતું નથી. એ મારો કટ્ટર વિરોધી છે.


કરેલા: હા...હા... જાણે મને તારી બાજુમાં ગોઠવવાનો શોખ છે! અહીંયા મળ્યું છે ભૂલેચૂકે પેટમાં ના મળતો નહિં તો વલોવીને પેટની બહાર ફેંકી દઈશ.


દૂધી: ચૂપ.. બંને ચૂપ... તમારે કંઈ એટલો મોટો વાંધો નથી, મારી બાજુમાં જુઓ કાંદો ગોઠવાયો છે, મારાથી તો વાસ જ સહન નથી થતી.


કાંદો: (ગુસ્સામાં) વાંસ સહન નથી થતી! હુહ... તો શું પરફ્યુમ લગાવીને આવું! મને તો કોઈ વાંધો નથી તારી સાથે.


કાકડી: તને ક્યાંથી વાંધો હોઈ! તને તો મરચાં સાથે પણ ફાવે, તકલીફ તો અમને છે.


કાંદો: એમ! તો મળ હવે કચુંબરના બાઉલમાં, તારો ટેસ્ટ જ બગાડી ન મુકું તો કહેજે. મારી હાળી અડધી કડવી અડધી સારી... તારા લીધે અમે પણ ફેંકાયા છીએ કેટલીયવાર ડસ્ટબીનમાં.... તકલીફ તો મને અને મરચાંને હોવી જોઈએ તારાથી હે ને મરચાં?


બટાકા: શું છે તમારું સવાર સવારમાં, શાંતિથી સુવા દો ને!


સરગવાની સીંગ: આ લો બોલ્યા ઊંઘણશી... આખો દિવસ અહીંયા ઊંઘે છે પછી થેલીમાં પણ ઊંઘે છે. જગ્યા પણ કેટલી રોકે થેલીમાં... અમારે તો અડધા બહાર રહી જ જવાનું ઘર સુધી. માત્ર ડાઇંનિંગ ટેબલ પર થોડું આડું પડવા મળે છે કોઈ વાર.


ભીંડા: અલ્યા, મને કોઈ પડખું તો ફેરવાવો. ક્યારનો એક જ બાજ પડ્યો છું.


રીંગણ: આ ભીંડો તો આખો તે આખો જ રહેવાનો. ના...ના... કોઈ શાકને આટલો આળસુ જોયો, કે પડખુંયે જાતે ના ફેરવે.


ભીંડો: લે. આજ તું બાજુમાં છે ચાલ સારું... તારે તો વારેઘડીયે ગબડવાનું હોય, તો સાથે સાથે મને પણ પડખું ફેરવાવી દેજે.


રીંગણ: ઓહોઓઓ...! અહીંયા શું તારા પપ્પાએ નોકર રાખ્યા છે? શાકનો રાજા છું રાજા..!!! એવી લાત મારીશને કે સીધો નીચે જ જશે.


ભીંડી: વાંધો નઈ... એમ પણ પીઠમાં દુખાવો છે. તારી લાતથી કદાચ થોડો આરામ મળે.


રીંગણ: જાને હવે! એય તમે બે શું મંડી પડ્યા છો?


કોબીજ: ડોન્ટ ડિસ્ટર્બ... અમારું ઈમ્પોર્ટન્ટ રેસેપી ડિસ્કશન ચાલે છે.


રીંગણ: રૅસેપી ડિસ્ક્શન !!!... મોટાં જોયાં ના હોઈ તો...! એ વાયડી પાપડી તો મારી સાથે જ શોભે અને સ્વાદિષ્ટ લાગે તારી સાથે નહિ એટલે ખોટેખોટી રૅસેપીય ડિસ્ક્સ કરવાનું રહેવા દો.


કોબીજ: હુહ... અરે ફ્લાવર, તારી શું હાલત થઇ ગઈ છે. કેટલા ડાઘ છે તારા ચેહરા પર.


ફ્લાવર : શું કરું? આ લોકો ખાલી તમને જ નવડાવે છે. મને તો સરખી રીત નવડાવતા જ નથી. આ ઈયળોએ મન ઘર બનાવી લીધું છે પણ કોઈને દેખાતું જ નથી. મારુ તો જીવતર ઝેર થઇ ગયું છે.


રીંગણ: તારે કરચલીઓ જ એટલે કે ખાંચો જ એટલી છે કે ઈયળો ઘુસી હોઈ તો દેખાય જ નહિ.

ઓ મા... મરી ગયો... મારો તાજ દબાઇ ગયો.... કોણ છે આ આટલું ભારીભરખમ?


ફ્લાવર : સુરણદાદા આવ્યા છે.


રીંગણ: આ...આ....આ.... એમને મુકો બટાકા પર. મારો તાજ ચગદાઈ જશે, તૂટી જશે. અરે... શાકનાં રાજાની પણ ઈજ્જત ના કરી. લાગે છે ટામેટા સાચ્ચું જ કહેતાં હતાં, ખબર નઈ કોણ અડબંગ આજે શાક ગોઠવવા આવ્યું છે.


હાશ! બચી ગયો મારો તાજ. અરે... સિમલા મરચાં તમે ક્યારે આવ્યાં?


સિમલા મરચાં: બસ હમણાં જ સુરણદાદા સાથે.


રીંગણ: કેવી રહી મુસાફરી અને આ વખતે કેટલાં રંગોમાં આવ્યાં છો?


સિમલા મરચાં: સુરણદાદા સાથે અથડાતાં, દબાતા, ઉછળતાં આવ્યા છીએ અને રંગ તો દરવખતની જેમ ત્રણ - લાલ, લીલા ને પીળા. આવતે વખતે કદાચ પર્પલ કલર પણ એડ થશે.

(એટલાંમાં આદુએ રડવાનું ચાલુ કર્યું.)


આદું : આઆઆહુહ.... આઆઆહ.... મારે મારા મિત્ર મરચાં પાસે જવું છે નહિ તો હું સુસાઇડ કરીશ.


(એની આ વાતથી લીંબુને ચક્કર આવી ગયાં ને એ ગબડીને રીંગણની બાજુમાં આવી ગયું.)


દૂધી: એ ચૂપ...ચૂપ... અક્કલ વગરનાં... ટામેટાં જેવા નાજુક શાક સુસાઇડ કરે તો મરે, તારાં તો હાથ પગ, જે છે જ નહિ એ પણ નહિ ભાંગે એટલે રહેવા દે નાટક.


રીંગણ: (લીંબુને સંબોધીને) ઇન્ટેલીજેન્ટ... બુદ્ધિ તો દુધી પાસ જ હે ને...!! પણ આ સેનાપતિ વટાણા કેમ નથી દેખાતાં?


વટાણા: અરે... હું અહીંયા છું નીચે.


દૂધી: ઓહ્હ્હ....!! હા...હા... હા... આજ વટાણા સાચેસાચ જ વેરાઈ ગયાં.


તુવેર: ખાલી વટાણા નહિ, મને પણ વેરી નાંખી. રાજા રીંગણ જુઓ, તમારા રાજમાં અમારી હાલત. ક્યાં ગયા રાજા રીંગણ?


ભીંડા: કોઈ નવી ફોરેનર ગુલાબી શાકભાજી સાથે વાત કરે છે.


રીંગણ: હેલો... હું શાકભાજીનો રાજા રીંગણ. તંમને કોઈ દિવસ લારીમાં જોયાં નથી. ફોરેનર લાગો છો. તમારું નામ શું?


નવું ફોરેનર: એક્સક્યુઝમી!! મને શાકની વચ્ચે કોણ મૂક્યું? હું શાક નથી, હું ફ્રૂટ છું. ડ્રેગન ફ્રૂટ..


(ડ્રેગન નામ સાંભળત જ બધા શાક ડરી ગયા.)


રીંગણ: (ગભરાયને) ડ્રેગન ફ્રૂટ..... એટલે તમે ચીનથી આવ્યાં છો!!!


ડ્રેગ ફ્રૂટ: ચીન !!! ના...ના... હું તો મેક્સિકોથી આવ્યું છું. હવે, અહીં જ રહીશ. મારું અહીંનું નામ કમલમ્.


(બધાં એકસાથે): હાશ!!!!!


ત્યાં જ કોઈ માણસનો અવાજ સંભળાયો એટલે શાક ચૂપ થઇ ગયાં. એ કોઈને ખીજવતો હતો શાક ગમેતેમ ગોઠવવા માટે. ફરી શાકની ગોઠવણી થઇ અને બધાં શાક ખુશ થઇ ગયાં.

- મૃગતૃષણા