રૂપક કથાઓ મૃગતૃષ્ણા mrigtrushna" દ્વારા પુષ્તક અને વાર્તા PDF

Featured Books
શ્રેણી
શેયર કરો

રૂપક કથાઓ

મથામણ

(આ ઘટના આમ તો સાવ આભાસી નથી. ક્યાંક ને ક્યાંક જોયેલી છે છતાં, એક કલ્પના માત્ર છે.)
************

નવાં ઘરે રહેવા આવ્યાને હજું છ-એક કલાક જ થયાં અને એક ઓરડાની કાંચની બારી પર ટક-ટક, ટક-ટક ટકોરા પડ્યાં.

પરદાની આડશેથી જોયું તો, એક પક્ષી, કાચ અને પરદાથી બનતાં આભાસી અરિસામાં પોતાનું પ્રતિબિંબ જોઈ ચાંચ મારી રહ્યું હતું. આવું કેટલાંય દિવસો સુધી ચાલ્યું. પહેલાં તો એક મુર્ખ પક્ષીની પોતાના જ પ્રતિબિંબ સાથેની રમત લાગી, પછી નિર્દોષતા, પછી એની ઈર્ષા હોય એવું લાગ્યું કે પછી દુશ્મનાવટ!!!

પરંતુ, એકદિવસ મથામણ પછી લોખંડની જાળીએ એ સ્થિર થયું ત્યારે એનાં હાવભાવ અને ફફડાટ આંખોથી ઉતરી, વિચારોમાં પરિવર્તન પામી મનની દિવાલોએ અથડાઇ અસંખ્ય વાર પડઘાયા ને દરેક સંભાવનાઓનું અંતરે અજાણ્યે જ ફરી આંકલન કર્યું.

અચાનક ચહેરે પ્રશ્નનો વિષાદ ફેલાયો.... ક્યાંક એની એ ચેષ્ટા, કાચમાં પૂરાયેલા એ પંખીને આઝાદ કરાવવાની મથામણ તો નથી ને! અને એની વિહ્વળતા મને ઘેરી વળી....

-મૃગતૃષ્ણા
🌻🌻🌻


____________________________________




અનોખી પ્રણયગાથા

એક દિવસ છોડ પર ઉગેલા ફૂલે પ્રશ્ન કર્યો કે એને સૌથી વધુ પ્રેમ કોણ કરે છે.


"હું જ તો. હું તારું પાલન પોષણ કરું છું." છોડે પ્રેમાળ શબ્દોથી કહ્યું.


"તો પછી હું સૂકાઇ જાવ છું ત્યારે કેમ ખેરવી દો છો?" ફૂલે પ્રતિપ્રશ્ન કર્યો.


"હું જ તને સૌથી વધુ પ્રેમ કરું છું. હું તારી રક્ષા કરું છું." કંટક ગર્વથી બોલ્યો.


"તો પછી તું મને ઘણીવાર આહત શાં માટે કરે છે?" ફૂલે નિર્દોષતાથી પૂછ્યું.


ત્યાં જ ફૂલ પાંખડી નો રંગ બોલ્યો, "જોને, હું તને કેટલું સુંદર અને આકર્ષક બનાવું છું માટે હું જ તને સૌથી વધુ ચાહું છું."


"તો પછી જ્યારે હું સૂકાઇ જાઉં છું ત્યારે તું મારો સાથ કેમ છોડી દે છે?" ફૂલે કુતુહલવશ પૂછ્યું.


છેલ્લે ફૂલે લહેરખી સાથે ચાલી જતી સુવાસને પૂછ્યું, "તારે કંઈ નથી કહેવું?"


"કહેવું તો છે પણ તું સાચું માનીશ! હું તને સૌથી વધુ ચાહું છું એમ નહીં કહું. હું તો બસ તને ચાહું છું." સુવાસે સૌમ્યતાથી કહ્યું.


"તું મને ચાહે છે, પ્રેમ કરે છે, કંઈ રીતે? તું તો મને છોડીને જાય છે." ફૂલે ગુસ્સે થઈ કહ્યું.


"હા, હું જાઉં છું પણ તારાથી ભિન્ન ક્યાં થાવ છું! મારું અસ્તિત્વ તો તારી સાથે જ જોડાયેલું છે ને! અને આ જ તો છે આપણો પ્રેમ." એટલું કહી સુવાસ પ્રેમની સુગંધિત અનુભૂતિ વહેંચવા નીકળી ગઈ છતાં ફૂલ એને અનુભવી રહ્યું.


ત્યાં જ કોઇનો ગણગણવાનો અવાજ આવ્યો.


"આઓ મિલ જાયે હમ સુગંધ ઓર સુમન કી તરહા..."


*****************

સુગંધ અને સુમન જેવી, આગ અને તપીશ જેવી બીજી કેટલીય પ્રેમકથાઓ હશે ને પ્રકૃતિમાં ! જેમનું અસ્તિત્વ આદિથી અંત સુધી રહેતું હશે. એમને ભિન્ન કરવું શક્ય જ નથી.


- મૃગતૃષ્ણા

🌻🌻🌻🌻🌻





_______________________________






પથ્થરબાજ


"એક બાળક !!! અહીં કેવી રીતે છે?"


"તે પથ્થરબાજોમાં હતો."


"તમે તેને પથ્થર ફેંકતા જોયો?!"


"હા ખરેખર."


એ અધિકારી એક નાના બાળક તરફ વળ્યો.


"તેં મારા માણસ પર પથ્થરમારો કર્યો છે?"


"અમ્મ .... હા."


"કેમ?"


"એક માણસે મને આવું કરવા માટે થોડા રૂપિયા આપ્યા."


"કયો માણસ?"


"મને ખબર નથી. હું કંઈક કામ મેળવવા ફરતો હતો અને તેણે મને કામ આપ્યું અને અગાઉથી ચૂકવણી પણ કરી દીધી."


"ઓહ ... શું તું જાણે છે કે તે શું કર્યું છોકરો?"


"હા .... મેં ફાળવેલ કામ પૂરું કર્યું છે."


એ અધિકારી માત્ર હસ્યો.


"દેખીતી રીતે, પણ તેં કાયદો તોડ્યો છે. તમે ફરજ પરના અધિકારીઓ પર પથ્થરમારો કર્યો છે. તે ગુનો છે."


"હોઈ શકે. પરંતુ મારા માટે તે સમયે ભીખ માંગવી એ મોટો ગુનો હતો તેથી મેં મારું પેટ ભરવા માટે કામ કરવાનું નક્કી કર્યું અને તમારા માણસોને પૂછો કે મેં પથ્થર ફેંક્યા છે પણ વગાડ્યા નથી."


"ખરેખર!!!"


"હા ... મારું કામ પથ્થર ફેંકવાનું હતું. તે વ્યક્તિએ મને કોઈને વગાડવાનું કહ્યું નહોતું."


"તે વ્યક્તિએ તને કોઈને ન વગાડવું એમ કહ્યું હતું?"


"ના. પણ મારા આત્માએ મને આવું કરવા માટે કહ્યું અને મેં તે કર્યું પણ શક્તિવિહીન બાળક હોવાને કારણે તમારા માણસે મને તે માણસની જગ્યાએ પકડી લીધો. જે સરળ હતું એ તમે જાણો છો."


"હાહાહા .... તું ખૂબ હોશિયાર છે! પણ પ્રામાણિક અને નિષ્ઠાવાન છે. તું શક્તિહીન નથી, તું એક રત્ન છે છોકરા, બુદ્ધિ અને હિંમત વાળો."


"આભાર અધિકારી સાહેબ."


"પરંતુ ભવિષ્યમાં ધ્યાન રાખજે. આવી કાયદાવિરુદ્ધ પ્રવૃત્તિઓમાં સામેલ ન થતો. તું તારી બુદ્ધિથી રોટલી મેળવવા માટે સક્ષમ છે."


"વચન આપું છું ... હું મેળવીશ."


એ પથ્થરબાજ ચાલ્યો ગયો અને અધિકારી સ્મિત કરતો હતો ....


- મૃગતૃષ્ણા


🌻🌻🌻


__________________________________






બે કિનારા વચ્ચેનું ખાબોચિયું


વર્ષો પહેલાંની વાત છે. બે સૂકાયેલા કિનારા પોતપોતાનું થોડું થોડું આબ સંકેલી લઈ એકબીજાને તાકી રહ્યા હતા. કેમ? વારિનો સેતુ મૃતઃપ્રાય બન્યો હતો. એક પક્ષી દરરોજ બંને કિનારાનું પાણી વારાફરતી પોતાની ચાંચમાં લઈ એ સૂકાં કિનારાની વચ્ચે ઢોળે પછી બંને તરફ એક આશાભરી મીટ માંડે. આવું કેટલાંય સમય સુધી ચાલ્યું છતાં બંને કિનારા જ્યાંનાં ત્યાં જ.


એકદિવસ પક્ષીએ રોજ મુજબ ચાંચમાં પાણી લાવી બંને કિનારા વચ્ચે ઢોળ્યું અને પોતે પણ ઢળી પડ્યું.


પોતાનાં જ મિત્રને આ રીતે ઢળી પડેલ જોઈ બંને કિનારાનાં હ્રદયમાં સૂકાયેલી ઉર્મિઓ ફરી જીવંત થઈ ઉઠી. બંને એક જ ગતિએ, સમભાવ સાથે પોતાનાં મિત્ર પક્ષી તરફ દોડ્યાં. બંનેએ સંઘરેલુ પાણીએ મૃત પક્ષીની ચાંચ માંથી નીકળેલાં પાણી સાથે ભળી ગયું ને બંને વચ્ચે લાગણીનો સેતુ ફરી સધાયો પણ એ સેતુ સાધવા એમનાં મિત્રએ કુરબાની આપવી પડી.


કદાચ ત્યારથી જ બે સૂકાં કિનારાની વચ્ચે પાણી નું એક નાનું ખાબોચિયું અવશ્ય દેખા દે છે. જે લગભગ ક્યારેય સૂકાતુ નથી કારણ એમાં મિત્રતાની લાગણીનું પાણી હોય છે જેને ધોમધખતો તાપ પણ નથી સૂકવી શકતો.


- મૃગતૃષ્ણા

🌻🌻🌻