Helper books and stories free download online pdf in Gujarati

મદદગાર

આ કથા સંપૂર્ણ કાલ્પનિક છે જેનો કોઈ વ્યક્તિ કે ઘટના સાથે સંબંધ નથી. જો ક્યાંક સમાનતા જણાય તો એ એક સંયોગ માત્ર હશે.
**************************

સ્થળ: પ્લોટ નં. ૭

ગરમ પાણીની વરાળમાં ઉઠતી અવનવી આકૃતિઓ
કેટલાંય વિસરાયેલા, અંતરના ઊંડાણે ધરબાયેલા ચહેરા બનાવતી હોય એવું લાગ્યું.... એ ધૂમ્રરુપી શરીરો એકમેકમાં ઓગળતા રહ્યા અને નવા ચહેરાઓ બનાવતાં ગયા.

મારો ખુદનો ચહેરો કેટલીયવાર બદલાયો.. માસૂમમાંથી તોફાની એમાંથી ડરપોક એમાંથી ડફોળ એમાંથી ગુસ્સેલ એમાંથી ક્રૂર એમાંથી રોતલ એમાંથી શાંત એમાંથી ઠરેલ એમાંથી સૌમ્ય અને છેલ્લે વૃદ્ધ... એ પણ ભૂલ્લક્કડ વૃદ્ધ...

કેટલાક ડરામણા ચહેરાઓ યાદોનાં શ્મશાનેથી બેઠાં થઇ સામે આવ્યા ફરી ડરાવવા પણ આજેપણ એ અજાણ્યા જ રહ્યાં, એમને નિષ્ફળતા જ હાથ લાગી...

પાણી ખૂબ ઉકળવા માંડ્યું, એનાં અવાજે તંદ્રા તૂટી ને માથે હાથ દેવાય ગયો, સ્વગત બબડાઈ ગયું... "તુલસી, ફૂદીનો, આદું નાખવાનું તો રહી જ ગયું, દિવસે દિવસે ભૂલક્કડ થતું જવાય છે."

રોજ સવારે ચાલવા જવું છે પણ પાણી કોણ ભરશે એ વિચારે આ વિચાર દબાય જાય છે. દાળઢોકળી બનાવવાનાં વિચારે કૂકરમાં દાળ બાફવા મૂકી બીજી તૈયારીઓ શરું કરી. લોટ બાંધતા બાંધતા એક પંક્તિ ઊગી.... લોટવાળા હાથે કેવીરીતે નોટ કરું એવું વિચારી બે ત્રણવાર ગણગણી પણ જેવી કૂકરની સીટી વાગી, કૂકરમાંથી નીકળતી વરાળની જેમ પંક્તિ પણ બાષ્પ બની ઉડી ગઈ. હાથ ધોઇ પેપર પેન લીધી પણ પંક્તિ યાદ ન આવી તે ન જ આવી..... એટલે હવામાં બાષ્પ બની ભળી ગયેલી પંક્તિ પાછી મેળવવા માટે હવાને જ અનુરોધ કરવો ઉચિત લાગ્યો.

"એ હવાઓ, મારી કેટલીયે પંક્તિઓ તમારામાં ગુમનામ થઈ છે
જો ફરી આ તરફ આવો તો આપતાં જજો."

આટલું માંડ હવાને કહી લખ્યું ત્યાં ફરી કૂકરની સીટી વાગી, મને હાશકારો થયો કે, આ વખતે તો લખાય ગયું.

ઘણાં શબ્દો આ રીતે હવામાં ખોવાઈ ગયાં હતાં જે મેળવવા લગભગ અશક્ય હતાં એમ વિચારી અરિસામાં દાઢી પર અંગૂઠો ફેરવતાં પોતાને તાકી રહ્યો. કેટલો બદલાઇ ગયો છું હું! લોકો સાચું જ કહે છે હવે, મારે મારું ધ્યાન રાખવું જોઈએ. સ્વાસ્થ્ય સાથે સમાધાન ન ચાલે. "પહેલું સુખ તે જાતે નર્યા" એમ જ થોડું કહેવાય છે.

ત્યાં જ કોઈનું આગમન થયું, ઔપચારિક વાતો થઈ. એમણે જે કામ મને સોંપ્યું હતું એની પૂછપરછ કરી. મેં કહ્યું, "હા રેડી જ છે... આપે કહેલું એ મુજબ કવરમાં લખાણ તૈયાર જ રાખ્યું છે, હમણાં લઈ આવું."

"કવર ક્યાં મૂક્યું છે?" સ્વગત બબડતાં જ ઉઠીને અડધે રસ્તે જ જાણે શૂન્યતા ફેલાઈ ગઈ, મારી ગતિ સ્થગિત થઈ ગઈ. કંઈ યાદ નહોતું આવતું. મેં થાંભલાને હાથ લગાડ્યો ને થાંભલાનું અને મારું અસ્તિત્વ એકાકાર ભાસ્યુ.

આવેલ મહેમાનનાં સાદે ફરી વર્તમાનમાં પ્રવેશ કર્યો. કામ યાદ આવ્યું, કવરનું ઠેકાણું પણ યાદ આવ્યું એટલે બની શકે એટલી ઝડપથી ચાલી કવર ઝડપી લીધું અને આગંતુકને સોંપી દીધું. કાર્ય પૂર્ણ થતાં હળવાશ અનુભવી. આગંતુકે પૂછ્યું, "તબિયત તો ઠીક છે ને?"
મેં માત્ર હકારમાં માથું ધૂણાવ્યું.
હવે, એમને કઈ રીતે કહું કે મારી અંદર ખબર નઈ શું ચાલી રહ્યું છે, ક્યો સંગ્રામ ખેલાઈ રહ્યો છે? કોની વચ્ચે ખેલાઈ રહ્યો છે? શું કામ ખેલાઈ રહ્યો છે? મને કોઈ જ જાણ નથી.

આ જ મનોમંથન સાથે છાપું હાથમાં પકડ્યું પણ બાળપણમાં સરી જવાયું... ઘણીવાર કોઈ અજુગતી ઘટનાઓનાં મૂળ બાળપણમાં હોય છે. મેં યાદ કરવાનો પ્રયાસ કર્યો. આછું આછું યાદ આવ્યું, બાલ્યાવસ્થામાં રમતાં રમતાં જમવાનું, ભણવાનું, રાત્રી-દિવસ બધું જ ભૂલાઇ જતું પણ એ તો બધાં જ બાળકો સાથે થાય, એને અસામાન્ય ના ગણી શકાય.

હા... લગભગ ઘરમાં બધાં જ મને વારેઘડીએ કહેતાં કે, તારે મગજ જેવું કંઈ છે જ નહીં. થોડાં વર્ષો બાદ મને પણ શંકા તો ઉપજી હતી પણ ચેક કઈ રીતે કરવું. શાળામાં વિજ્ઞાનના શિક્ષકે છાતીએ હાથ મૂકાવી કંપન અનુભવાવેલા અને કહ્યું હતું કે આ કંપન ધક ધક ધક ધક હ્રદયનાં હોય છે એટલે મારે પણ હ્રદય છે એ ખાતરી તો સ્કૂલમાં જ થઈ ગયેલી. એમણે મગજ ચેક કરવાનું કેમ નહીં શીખવ્યું? આ મગજનાં પણ કોઈ કંપન ડબ ડબ ડબ ડબ એવાં હોવાં જોઈતા હતાં ને ! એ આવેશમાં લમણે હાથ મૂક્યો તો ત્યાં પણ હ્રદય જેવા કંપન ધક ધક ધક ધકનો અનુભવ કર્યો. મનમાં ફાળ પડી. પરસેવો વળી ગયો.
"હે ભગવાન! તે મને માથામાં મગજનાં બદલે બીજું હ્રદય આપી દીધું કે શું?"

પાછું યાદ આવ્યું, ના..ના.. આ શક્ય નથી. એક કામ કરું ગામના ડોક્ટરને બતાવું. હા... એજ રસ્તો છે સત્ય સુધી પહોંચવા માટે. મેં દવાખાના તરફ દોટ મૂકી. સદ્દનસીબે ડોક્ટર એકલાં જ હતાં. મેં દરવાજેથી જ કહ્યું, "મારે મગજ છે કે નહીં તે જરા ચેક કરી આપોને!"
આ સાંભળતાં જ ડોક્ટરની અમી દ્રષ્ટિ મારા પર પડી. એમના હાથ ઝડપથી કામે લાગી ગયા. એમની એ અમી દ્રષ્ટિ અને હાથમાં રહેલ પારદર્શક સિરિન્જમાં રહેલ અર્ધપારદર્શક ઘેરાં લાલ પ્રવાહીએ મારા સુધી પહોંચતા પહેલાં જ મારા પગને જાણે શું બળ આપ્યું રામ જાણે, એ બારણેથી જ પાછાં વળ્યાં અને સીધાં ઘર પહોંચીને જ રોકાયા પણ સાંજે ડોક્ટરનાં ઘરે આવવાથી જે મેથીપાકનો ચટપટો પણ મારી માટે તો અટપટો જ વણજોઇતો સ્વાદ ચાખવા મળ્યો ત્યારપછી મગજ શોધવાની મગજમારી મૂકી દીધેલી.

કંઇક અવાજ થતાં બાળપણનાં ભોળપણથી વળી નજરો હાથમાં રહેલ છાપાંના સમાચાર પર પડી અને ફરી એકવાર શૂન્યતા વ્યાપી ગઇ. કોઈ આતરદ્વંદ્વનાં રણશિંગા સંભળાવા લાગ્યાં. એ જ બે અવાજો સામસામે આવી ગયાં, બીજો અવાજ બુદ્ધિ અને પહેલો અંતરઆત્મા.

બીજો અવાજ કહેતો હતો કે, "આવી ઘટનાઓને તો વખોડવી જ જોઈએ. લખાણ પ્રગટ કરવું જ જોઈએ."

પહેલો અવાજ કહેતો હતો કે, "લખાણ પ્રગટ કરવાથી કદાચ વ્યથા વ્યક્ત કરી શકાશે પણ શું જે ખરેખર આ ઘટનાથી વ્યથિત છે, ઘા ખાઈને બેઠું છે એની વ્યથા મારા લખાણથી ઓછી થશે? મારા લખાણથી આવાં અધમ કૃત્યો કરનારનું હ્રદય પરિવર્તન થશે? અરે.. જે એક માસૂમની આંખોનું દર્દ ના વાંચી શક્યાં, ના ખુદને રોકી શક્યાં એ એક લખાણથી શું બદલાશે!!"

"તારી સંવેદનાઓ મૃત્યુદ્વાર તરફ પ્રયાણ કરતી મને દેખાય છે. તારામાં ધીરે ધીરે જડતા પ્રસરી રહી છે એવું જણાય છે. લોકો શું કહેશે કે એક સંવેદના પણ પ્રગટ ના કરી!!" બીજાં અવાજે છણકા સાથે કહ્યું.

"માત્ર સંવેદના પ્રગટ કરવાથી શું બદલાશે? લોકોની માનસિકતા બદલાશે કે ગુનેગારોની માનસિકતા બદલાશે. આજે સંવેદના પ્રગટ કરી ભૂલી જવું મને નહીં ફાવે. રેલી કાઢી કે માત્ર લખાણ લખી કોઈનાં વિખરાયેલા અસ્તિત્વ પર માત્ર સંવેદના પ્રગટ કરવા કરતાં પોતાની આસપાસ સંસ્કારોનું સિંચન કરવું મને વધુ યોગ્ય લાગે છે. જ્યાં ગુનેગારો વખોડાય અને પીડીત માનભેર માથું ઊંચકીને જીવી શકે એવાં સમાજનું ઘડતર કરવું માત્ર સંવેદના પ્રગટ કરવા કરતાં લાખ ગણું સારું હશે ને!!" પહેલાં સ્વરે શાંત રહી જવાબ આપ્યો અને આગળ કહ્યું,
"આજે પીડીત માટે સંવેદના વ્યક્ત કરનાર કાલે એને વખોડશે, ચૂથશે, વારંવાર એનાં જખ્મો ખોતરશે, વારંવાર લખાણો છાપીને એને એ અંધારાં કૂવામાંથી બહાર જ નહીં આવવા દેશે. આવી સંવેદનશીલતા શું કામની?"

બીજો સ્વર મૌન રહ્યો પણ ફરી એણે દુનિયાદારીની દુહાઈ આપી. સમાજને આગળ ધર્યો પણ પહેલાં સ્વરને કંઈ ફરક ના પડ્યો એટલે એણે છેલ્લો વાર કર્યો, "સૌથી ચેતનવંતુ તું અચેતન બની રહ્યું છે."

આ સ્વર પહેલાં અવાજમાં સમાઇ ગયો અને પડઘાયો જે છાપામાં સમાચાર પર ચોંટેલી નજરોમાં ઝીલાયો ને એક ઝાટકા સાથે આખાયે શરીરમાં ફરી વળ્યો.

એ પડઘો એટલો તીવ્ર હતો કે, સમગ્ર અસ્તિત્વમાં ઉથલપાથલ મચી જવા પામી, કંઇક કેટલાયે જ્વાળામુખીઓ એક સાથે ફાટ્યા, કંઈ કેટલાંય ઝંઝાવાતો વીજળીનાં કડાકા સાથે ત્રાટક્યા, બધું અસ્તવ્યસ્ત થવા પામ્યું અવિસ્મરણીય વિધ્વંસ થયો અને છેલ્લે બચ્યો માત્ર શૂન્યાવકાશ.....

આ આખાયે ઘટનાક્રમમાં ખુરશીમાં ખોડાયેલુ શરીર યંત્રવત્ બેસી રહ્યું પણ શૂન્યતાની ક્ષણો સમાપ્ત થતાં થતાં એક અલગ જ આભા એમાં પ્રગટી ને શમી ગઈ.

મેં ઘણાં સમયથી હથોડા મારતાં બીજાં સ્વરની વાત માની મનોચિકિત્સકની મુલાકાત લીધી. બધાં જ રિપોર્ટ નોર્મલ આવ્યાં, એક રિપોર્ટની રાહ જોવી પડશે. ઘરે આવીને મા દ્રારા ઘણીવાર કહેવાયેલો શબ્દ યાદ આવ્યો "ગનગુવાર"

ના...ના... આ શબ્દ કરતાં "શૂન્યમનસ્ક" શબ્દ જરા સભ્ય લાગે છે. "પોતાની અંદર જ ખોવાઇ જવું એ શૂન્યમનસ્કતા. મનોમંથન પણ કહી શકો."

થોડાં દિવસો પછી રિપોર્ટ હાથમાં હતો. સ્થિતિનાં પણ સમયાંતરે નામકરણ થતાં રહે છે. આજે ગનગુવારપણા અને શૂન્યમનસ્કતાને એક મેડિકલ નામ મળ્યું, "અલ્ઝાઇમર"

ડોક્ટરે દવાઓ લખી આપી, શરૂઆત છે એટલે દવાઓ અને સુનિયોજિત જીવન પદ્ધતિ અપનાવી કાબૂ મેળવી શકાશે એમ જણાવ્યું, મેં યંત્રવત્ બધું સાંભળ્યું, યંત્રવત્ દવાઓ ખરીદી. બધું યાંત્રિક બની ગયું. રિપોર્ટ પછી વધું ભૂલાવા લાગ્યું. હું પોતાનાં જ અસ્તિત્વને બ્લેક હૉલની જેમ પોતાને જ ગળતાં અને છિન્નભિન્ન થતાં નિ: સહાય જોઈ રહ્યો. મારી અંદર બધું તૂટી ગયું. માણસને સૌથી મોટો આધાર પોતાનો હોય છે. અહીં તો એ જ.... કોનાં આધારે જીવવું? એ પ્રશ્ન સતત વમળની જેમ ઘૂમરાયા કરતો. મારી તો દશા, દિશા અને અસ્તિત્વ બધું જ ગુમ થઈ જવાની અણીએ હતું.

વર્તમાન સમયનો પ્રખ્યાત લેખક થોડાં સમય પછી પોતાને જ ભૂલી જશે. દુનિયામાં હું એક લાચાર બનીને રહી જઈશ. જેમણે મને એક અડગ, સ્વાભિમાની અને લડાયક રૂપમાં જોયો એની સામે મારાથી હારીને નહીં ઉભું રહેવાય. પરવશતા મને માન્ય નથી, મારી એ દશા મને માન્ય નથી. હું એ પરિસ્થિતિ એ પહોંચું એ પહેલાં જ આ દુનિયામાંથી વિદાય લઇ લેવી ઉચિત.... એમ વિચારી એ ક્ષણિક આવેશને ઓઢી ઘરની બહાર નીકળી ગયો. ચાલતાં ચાલતાં ખબર નહીં ક્યાં જઇ પહોંચ્યો, સમયનું ભાન નહોતું માત્ર ખાત્મો જ મગજ પર હાવી હતો. એક બ્રીજ પર આવી "આ જ મંજિલ" એમ કરી ઝંપલાવવા પગ ઉંચો કર્યો ને એક રુદન સંભળાયું. કુંઠિત બુદ્ધિની મગજ પરની પકડ ઢીલી પડી, મન એ તરફ દોડ્યું. "આ કાળ જેવાં અંધકાર અને મારા મન જેવાં ખાલીપામાં કોણ રડે છે?" પગ આપોઆપ એ દિશામાં વળ્યાં.

જોયું તો, એક ખૂણામાં એક બાળક પોતાની તમામ શક્તિઓ લગાવી કદાચ ભૂખથી કકડી એની જનેતાને પોકારી રહ્યું હતું. મેં આસપાસ જોયું કોઈ નહોતું. બે-ચાર બૂમો પાડી એ આશાએ કે કોઈ આવી એ બાળકને સાચવી લે ને હું મારું ગંતવ્ય પામું. પરંતુ, કોઇ ન આવ્યું. છેવટે કંટાળી મેં જ એ બાળકને તેડી લીધું. બ્રીજ પરથી નીચે આવ્યો. એક કીટલી વાળા પાસે દૂધ લીધું બાળકને પાયું. તેનાં ખાલી પેટને શાતા વળી એટલે એ શાંત થયુને મારા ખોળે જ નિરાંતે સૂઈ ગયું. સદ્ભાગ્યે પહેરેલા કપડામાં પૈસા હતા એ સમયે કામ આવ્યાં.

હવે, પ્રશ્ન હતો કે આ બાળકનું શું કરવું?
ફરી મારામાં રહેલા બંને અવાજો હુંસાતુંસી કરવા લાગ્યા.
"શું કરવું એટલે મદદ કર એની?" પહેલાં અવાજે કહ્યું.
"એ ના ના... આ બધાં જમેલામા ન પડ. તારું જ ઠેકાણું નથી. છોડ એને અહીં, ચાલી જા."

"ના... એક નિઃસહાય બાળકને છોડી જવું અમાનવીય છે. એનાં કરતાં તું જ એનો મદદગાર બન."

"પણ એ મુસીબતને સાથે લઇ ક્યાં ફરીશ? પોલિસ સ્ટેશને જઈશ તો હજારો સવાલો ઊભાં હશે. તને યાદ રહ્યું હશે કંઇ? એક કામ કર કોઈ અનાથ આશ્રમ શોધ અને કોઈને પણ જાણ કર્યા વગર ત્યાં મૂકી આવ."

"અનાથ આશ્રમમાં આ બાળકનું શું ભવિષ્ય?"

"તારી સાથે પણ આનું શું ભવિષ્ય. તારું ખુદનું ભવિષ્ય ભૂલભૂલામણીમાં ભટકી રહ્યું છે તો... એનાં કરતાં બાળક ત્યાં જીવતું તો રહેશે."

મેં બીજાં અવાજને કાને ધર્યો. એક જાણીતી દિશામાં અણધાર્યું ચાલી મૂક્યું. રાતનાં અંધકારને ચીરી એક દરવાજે પગ થંભ્યા. બહાર રાખેલાં પારણે સુપ્રત કરવા નીચે નમ્યો તો એ બાળકની પકડ મારા કપડાં પર એટલી મજબૂત હતી કે છોડાવી ન શક્યો. ઉલ્ટાની એ કોમળ પકડ મારા મન પર હાવી થવા લાગી. એક સાઠેક વર્ષનાં હારેલા વૃદ્ધને એક છ એક અઠવાડિયાનાં બાળકે જીતી લીધો કે જીતાડી દીધો. ખબર નહીં પણ... હવે, સમય હતો પહેલાં સ્વરને સાંભળવાનો, મેં બાળકને ગળે લગાવી ઘર તરફ ચાલી મૂક્યું. જ્યાં મેં વર્ષો ગાળ્યા હતાં, જ્યાંનું કણ કણ મને ઓળખતું હતું. જેણે મને આટલાં વર્ષો સાચવ્યો હતો. આ ક્ષણે ફરી એની જ શરણમાં જવા ડગ ભરી રહ્યોં, એક જ આશે કે ફરી એ ચાર દિવાલો ને છત મને અને આ નવાં આગંતુકને આશરો આપશે, સાચવી લેશે.. રસ્તે સળગતી લાઈટોમાં મારા અદ્રશ્ય નકારાત્મક ભારો પાછળ છૂટતાં ગયાં અને મને મળી એક ભારહીન પીંછાં સમાન, કોરાં કાગળ જેવો આશાસ્પદ વ્યક્તિ. ફિનિક્સની જેમ પોતાની જ રાખમાંથી નવો જન્મ લઇ ઉભો થતો એક ચિનગાર જે બાળવા નહીં પણ એક દિપકને પ્રગટાવવા જઈ રહ્યો છે.

ઘરે આવીને સૌથી પહેલું કામ બાળકને પથારીમાં મૂકી એનાં વિશે વિગતવાર નોંધ લખવાનું કર્યું. બીજાં દિવસે સૂર્ય નારાયણનાં આગમન સાથે નવી સવારની શરૂઆત કરી. કેટલાક પરિચિતોની મદદથી પોલીસને જાણ કરી. બાળકનાં સ્વજનોની શોધખોળ આદરી. કમાયેલું નામ અને સંબંધો કામ આવ્યાં ને બાળકનાં વાલી-વારસ મળે ત્યાં સુધી પોતાની પાસે જ રાખવાની પરવાનગી મળી. જ્યારે કોઈ આગળ ન આવ્યું તો બધાનાં માર્ગદર્શન હેઠળ બાળકને દત્તક લેવાની તૈયારી શરૂ કરી. ડોક્ટરની મદદથી જીવન પદ્ધતિમાં બદલાવ લાવી ફરી જીવવાનું શરૂ કર્યું. ફરી લખવાનું શરૂ કર્યું.

આજે બે વર્ષ બાદ આ યુવાન બુઢ્ઢો એકદમ ખુશખુશાલ રીતે જીવે છે, પોતાનાં સોલ્ટ એન્ડ પેપર ડેપર લૂક સાથે, પાછળ ઠેલાતા અલ્ઝાઇમર સાથે અને એની આંગળી પકડી "પપ્પા... પપ્પા..." કરી આગળ લઇ જતાં નાનકડાં મદદગાર રુદ્ર સાથે... પ્લોટ નં. ૭ માં...

- મૃગતૃષ્ણા
🌼🌼🌼


બીજા રસપ્રદ વિકલ્પો

શેયર કરો

NEW REALESED