Sorry books and stories free download online pdf in Gujarati

અફસોસ

૧/૪/૨૦૨૨

પ્રિય ડાયરી,
આજ ની તારીખ મને વર્ષો પેલાનો એક હ્રદયસ્પર્શી કિસ્સો યાદ કરાવી ગઈ, જે હું તને જણાવી ચોક્કસ મારુ મન હળવું કરીશ જ.. કારણ કે, જ્યાં સુધી તારી સાથે હું મારી વ્યથા રજુ ન કરું ત્યાં સુધી મને ચેન ન જ પડે.

એપ્રિલફૂલ બનાવવાના ચક્કરમાં આગલા દિવસે જ અમે બધા પરિવારના સદશ્યોએ ભેગા થઈ ને મારા પપ્પાને એપ્રિલફૂલ બનાવવાનું નક્કી કર્યું હતું, તેઓ હંમેશા એપ્રિલફૂલ બનતા જ નહીં અને અમારું પોપટ થઈ જતું. આથી આ વખતે અમે બધાએ ભેગા થઈને એમને એપ્રિલફૂલ બનાવવાનું નક્કી કર્યું હતું. અમારા પ્લાન મુજબ સૌથી પહેલા મમ્મી એમ કહેશે પપ્પાને કે, 'તમારા મિત્ર મણીભાઈ આજ આપણા ઘરે આવવાના છે, બપોરે અહીં જમશે એમ પણ કહ્યું છે, તો તમે બપોરે ટાઈમે આવી જશો ને?' અને ત્યારબાદ બે કલાક પછી દાદા ફોન કરીને કહેશે પપ્પાને કે, 'બેટા! તું જલ્દી આવ! મણી આવી ગયો છે, પણ એનું જોરદાર એક્સીડંટ થયું છે.' અને પછી જયારે પપ્પા ઘરે આવે કે આપણે એમને એપ્રિલફૂલ કહીને સાચી વાત કહેવાની..

આજની સવાર બધા માટે ખુબ રોમાંચક હતી. પપ્પા ઓફિસ જવા માટે તૈયાર થઈ ગયા હતા. પ્લાન મુજબ મમ્મીએ પપ્પાને કીધું. પપ્પાએ ઓફિસે જવાની ઉતાવળમાં સારું હું આજ ૧વાગ્યે જ આવીશ, તું મણી ને જે ભાવે એ જમવામાં બનાવજે, એટલું કહીને નાસ્તો કરીને ફટાફટ ઓફિસે જવા નીકળ્યા..

હું અને મારા ભાઈબહેન તથા દાદા હવે બે કલાક પછી દાદા ફોન કરશે ત્યારે કેમ વાત કરવી એની તૈયારી કરી રહ્યા હતા. હજુ તો અડધી કલાક પણ નહીં થઈ હોય ત્યાં પપ્પાનો કોલ દાદા પર આવ્યો, એમણે કીધું, ' પપ્પા મણીનું અહીં આવતા રસ્તામાં જ એક્સીડંટ થયું છે, એની હાલત બહુ ગંભીર છે, મને થયું એ ક્યાં પહોંચ્યો એ હું જાણી લઉં તો મારી મીટીંગનું એ પ્રમાણે સેટ કરું, આથી લાસ્ટ મેં જ એની સાથે વાત કરી હતી, તેથી એક્સીડંટ થયું ત્યારે એ તો બેભાન જ છે પણ જે ત્યાં હાજર હશે એ રાહદારીએ લાસ્ટ કોલમાં કોલ કર્યો આથી એ બધી માહિતી આમ મારા સુધી એમના થકી પહોંચી છે, તો હું ઘરે આવું છું એના ઓપરેશન માટે બે લાખ રૂપિયા તૈયાર રાખો હું હમણાં જ આવ્યો.. જરા જલ્દી કરજો હો પપ્પા, હોસ્પિટલ રૂપિયા જમા થશે પછી મણીનું ઓપરેશન થશે.' આટલું કહી પપ્પાએ ફોન મુક્યો હતો.

અમે બધાએ દાદા ને પૂછ્યું કે શું ફોન આવ્યો? દાદાએ બધી વાત કરી, પણ અમને બધાને એમ કે પપ્પા અમારો પ્લાન જાણી ગયા લાગે છે આથી પપ્પા આપણને આપણા પ્લાન માં જ એપ્રિલફૂલ બનાવે છે. આવું વિચારી અમે બધા તો નિસફીકર આરામ થી બેઠા હતા, અને રાજી થતા હતા કે પપ્પા નો પ્લાન આપણને સમજાય ગયો.. એટલા બધા મજાકના મૂડમાં હતા કે, અમારા માંથી કોઈને એમ ન થયું કે, મણીઅંકલને કોલ કરીને સાચું શું એ જાણવાનો પ્રયાસ તો કરીયે.. બસ બધા જ ખુબ મસ્તીના મૂડમાં હતા. આથી કોઈએ હકીકત જાણવાની કે સમજવાની જરૂરિયાત ન ગણી.

૨૫ મિનીટમાં પપ્પા આવ્યા, અમને બધાને એકબીજા સામે હસતા જોઈને એ ભડક્યા, શું હસો છો? તમને આ સમયે હસવું આવે છે? અને પપ્પા તમે લાવો રૂપિયા મોડું થાય છે, ચાલો જલ્દી કરો, તમે પણ આવો છો ને હોસ્પિટલ??

દાદા હસતા હસતા બોલ્યા, અમારા પ્લાનની તને કેમ ખબર પડી? તે અમારા પ્લાન નું જ અમને એપ્રિલફૂલ બનાવવાનું સરસ આયોજન ગોઠવ્યું, પણ અમને તારો પ્લાન સમજાય ગયો. માટે આજ તારું પોપટ..

દાદાના મોઢે આવું સાંભળીને પપ્પા ખુબ વધુ ગુસ્સે થયા અને બોલ્યા, આ તમારા એપ્રિલફુલમાં એનો જીવ વયો જશે, હું સાચું કહું છું શું પપ્પા તમે પણ.. ઉભા થાવને જલ્દી રૂપિયા તિજોરી માંથી કાઢો અને આપો મને.. જલ્દી કરો. આટલું બોલતા પપ્પાની આંખ ભીની થઈ ગઈ, અમને પણ હવે પપ્પા સાચું જ કહે છે એ વિશ્વાસ આવ્યો, બધાના મોઢા કાપો તો લોહીના નીકળે એવા શરમજનક થઈ ગયા. દાદા રીતસર તિજોરી તરફ દોડ્યા, ફટાફટ બે લાખ રૂપિયા આપ્યા, અને પપ્પા જોડે જ હોસ્પિટલ દોડ્યા હતા. પપ્પા ખુબ ઝડપે કાર દોડાવી રહ્યા હતા, દાદા મનમા ને મનમાં ભગવાનને પ્રાર્થના કરી રહ્યા હતા કે, મણી નો જીવ બચાવી લેજે, અમારી મસ્તીનું ફળ એને ન આપ, ભગવાન ક્યારેય હું હવે કોઈનેય એપ્રિલફૂલ બનાવીશ નહીં. દાદાની આંખમાંથી આંસુ સરી રહ્યા હતા.

હોસ્પિટલે પહોચ્યા અને રૂપિયા જમા કરાવ્યા, પણ હજુ ઓપરેશન કરવા અંકલને લઇ જાય એ પહેલા જ અંકલ પ્રભુ ચરણ પામી ગયા હતા. એક ઊંડો ઘા દાદાને લાગ્યો અને દાદાને પણ હાર્ટએટેક આવ્યો, એમને તરત સારવાર મળી આથી એતો બચી ગયા પણ અમારા અંકલ આ દુનિયામાંથી કાયમી વિદાય લઇ ચાલ્યા ગયા હતા. અમારા બધાનું હસવું એ કારમો ઘા સમાન બની ગયું હતું. સતત બધાને એજ અફસોસ હતો કે કદાચ રૂપિયા સમયે પહોંચ્યા હોત તો આજ અંકલ જીવિત હોત. લગભગ બે મહીના સુધી સતત એ વાતનો બધાને અફસોસ જ થતો હતો. ધીરે ધીરે બધા એમાંથી બહાર તો આવ્યા પણ જયારે જયારે મણીઅંકલના પત્નિ અને બાળકો સામે આવે અમેને હજુ એ બનાવ જળમૂળથી હચમચાવી જાય છે. ત્યારથી લઇને આજ દિવસ સુધી એપ્રિલફૂલ જ નહીં બાકીના દિવસોમાં પણ ખોટું બોલવાનું સૌ ભૂલી જ ગયા.

ખરેખર આ મારા જીવનનો એવો દુઃખદ અને જાત પર શરમ આવે એવો અનુભવ છે કે એ અફસોસમાં આજ પણ આંખમાં ભીનાશ છવાઈ જ જાય છે.

હું આ મારી ડાયરી જે પણ વાંચે એમને પણ અપીલ કરીશ કે ક્યારેય અપ્રિલફુલના દિવસે કદાચ કોઈ આવો ભલેને સાચો મજાક કરે પણ એકવાર હકીકત જાણવાની જરૂર કોશિશ કરજો, કારણ કે એપ્રિલફૂલ બનવા કરતા કોઈક મણીનો કદાચ જીવ બચશે તો એ આનંદ અલગ જ હશે..

રાધે ક્રિષ્ના 🙏🏻

બીજા રસપ્રદ વિકલ્પો

શેયર કરો

NEW REALESED