કાકાને મંડળી તરફ જતાની સાથે ભાર્ગવ અને મયુર દોડતાંની સાથે પ્રયાગ અને શ્રેણિક જોડે આવી ગયા, " હાશ! કાકા વયા ગયા!"- મયુરે હાશકારો લેતાં કહ્યું.
બધા એ આ વાક્યની સાથે જ પાછળ જોયું ને મહેશકાકા નહોતા, " ઇ શીદ ગયા?"- પ્રયાગ બોલ્યો.
" મંડળી જવું કહીને જતાં રહ્યા, કે શ્યામા અને કુમારને વાત કરવી હોય તો.." ભાર્ગવે આંખ મારતાં કહ્યું.
" હા તો એવું નથી લાગતું કે આપણે પણ આઘા જતાં રહેવુ જોઈએ!"- પ્રયાગ શ્રેણિક સામે જોતાં બોલ્યો.
" ડોન્ટ વરી...આઇ વિલ મેનેજ!"- શ્રેણિક બોલ્યો.
" શું મેનેજ? છોકરી જોવા આવ્યો ને એમ જ જતું રહેવાનું? ભેગમાં શું પૂછીશ?"- નયને એને હળવેકથી કહ્યું.
" હા પણ..અહી રસ્તામાં તો ના વાત કરું ને! વાડીએ પહોંચવા તો દે!"- શ્રેણિકએ એની સમજદારી દાખવી.
" સાચું છે હા કુમાર! અહી કોઈ જોઈ ગયું ને તો દાદા સુધી વાત પહોંચતા વાર નહિ થાય!"- ભાર્ગવ સાંભળી ગયો ને હસતાં હસતાં બોલ્યો ને જોડે નયન અને શ્રેણિક પણ હસી પડ્યા.
વાડી નજીક જ હતી, દૂરથી દેખાતા આંબા જાણે તેઓનું સ્વાગત કરતાં ઊભા હતા, એમાં લટકતી ક્યાંક ક્યાંક નાની કેરીઓ અને કેરીના ફૂલ જે મોરની વાત થઈ રહી હતી એ રળિયામણા લાગી રહ્યા હતા, હજી પાકી સીઝન આવવાની વાર હતી માટે માત્ર મોરથી જ મન ભરવાનું હતું, પરંતુ આંબા નીચેની શીતળતા માણવા માટે બધી ઋતુ સરખી જ હોય, એને તો ગમે ત્યારે માણો મજા જ અલગ હોય, ગરમી લાગતી હોય ને આંબાની ઓથ જાણે મોંઘા એસી કરતાંય વધારે મીઠી લાગે.
બધા ચાલતા ચાલતા પહોચવાના જ હતાં ત્યાં નયનને વાંકુ પડ્યું, એ ભાઈ તો થાકી ગયા, કોઈ દિવસ જહેમત ઉઠાવવા ના ટેવાયેલા એ વિદેશીને શ્વાસ ચડ્યો, " હેય ગાઇસ...આઇ એમ ટાયર્ડ!"- કહેતાં એ તો રસ્તામાં એક પથ્થર હતો ત્યાં જઈને બેસી ગયો.
"લે આટલામાં થાકી જવાનું? હવે તો સામે આવી જ ગયું છે."- પ્રયાગે એને સાંત્વના આપતા કહ્યું.
" પાણી મળશે?"- એણે ચડેલા શ્વાસે કહ્યું.
" હા...મળશે ને! ત્યાં ઢાળીયમાં એકદમ મીઠું ને ટાઢું પાણી આવે જ છે! ચાલો ન્યાં સુધી!"- મયુરે કહ્યું.
" ઢાળીયો? મીન્સ?"
" આવો એટલે ખબર પડે!"- મયુરે એ બાજુ જવાનો ઈશારો કર્યો.
" હમ... અંગ્રેજીની જોડે થોડું ગુજરાતી આવડે તો ક્યાંય પાછા ના પડીએ!"- આ બધામાં માયાએ મોઢું મચકોડીને તેલ રેડ્યું.
" માઈન્ડ યોર લેન્ગવેજ!"- નયને એની સામે ઘૂરકતા કહ્યું.
" મારી લેન્ગવેજ તો ગુજરાતી જ સે....પાક્કી કાઠિયાવાડી!"- માયાએ રોફ જમાવ્યો.
" તે મારેય ક્યાં રોજ અહી આવવું છે કે શીખવું પડે!"- નયને એની કોલર ઊંચી કરવાં કહ્યું.
" હા તે તમારા ભાઈબંધને ખબર, અમારી શ્યામા ગમી ગઈ તો આવવાનું થશે જ ને!"- માયાએ શ્રેણિક સામે ઈશારો કરતા કહ્યું.
" ચાલ અલ્યા, શ્રેણિક... આપણે કઈ લગન નથી કરવા અહી...."- નયને શ્રેણિક સામે જોતા કહ્યું.
" એલ્યા એ જનાબ! તે કોઈ તમારી જોડે લગન નથી કરવાની વાત કરતું, અહી તો શ્યામા એને શ્રેણિકકુમારની વાત થાય છે!"- માયાએ ફરી એની ફિરકી લીધી, એ ગિન્નાયો.
" નયન! શી ઇસ જસ્ટ કિડિંગ! ચાલ હવે પાણી પીવું હોય તો..." કહી ને શ્રેણિકએ એને સમજાવીને ચાલવા કહ્યું.
" ચાલોને નયનભાઈ....હવે આવી જ ગયું સમજો!"- પ્રયાગે એને જોડે આવવા કહ્યું, એનો થાક થોડો ઓછો થયો એટલે એ ફરી ચાલ્યો.
નયન જોડે વાત કરી રહેલા શ્રેણિકને શ્યામા એકીટશે જોઈ રહી, એની બોલવાની ઢબ,એક જ વખતમાં સમજાવટની કળા જાણે એને ગમી ગઈ,એની કાળી ભમ્મર આંખોમાં જાણે શ્રેણીક અંજાઈ ગયો.
ક્રમશઃ