Featured Books
શ્રેણી
શેયર કરો

પ્રેમ ક્ષિતિજ - ભાગ -૧૩

શ્રેણિક એકીટશે શ્યામાના ચહેરાને જોઈ જ રહ્યો, સવારે જોયેલી એ જ બેનમુન યુવતી એની સમક્ષ રજુ થઇ એ જોઈને એ ખુશ થઈ ગયો, એના હાથમાં રહેલો ગાંઠિયાનો ટુકડો છટકી ગયો, એને ભાન થયું કે એની આજુબાજુ બધા બેઠાં છે અને આ એક સામાજિક પ્રસંગ છે, એની આંખો માત્ર શ્યામાને જોઈને પૂછી રહી કે 'તું અહી?'

શ્યામા પણ એની નજર જુકાવીને સામે સોફા પર બેઠી, એણે ચોર નજરથી શ્રેણીકને જોયો અને તસલ્લી કરી કે આ તો એ ગાડીમાં સવાર હતો એ યુવક જ છે, એ એની પર્સનાલિટીથી જાણે મોહાઈ ગઈ પરંતું આવો નવયુવાન એના જેવી ગામડાની ગોરીને કઈ રીતે પસંદ કરશે એનો ભય હતો છતાંય એ એના આત્મવિશ્વાસને સાથે રાખીને બેઠી.

પરંતુ શ્રેણીકની બાજુમાં બેઠેલો નયન આગબબુલો થવા માંડ્યો, શ્યામાની બાજુમાં ઊભેલી એની બહેનપણી માયાને જોઈને! એની આંખોમાં જાણે ફરી ઝગડવાનુંઝુનુન જાગ્યું, એણે શ્રેણીકને કોણી મારી ને ઈશારો કર્યો કે આ તો પેલી ચીબાવલી જ છે જે સવારે મળી હતી, પરંતુ શ્રેણીક તો શ્યામામાં મશગુલ હતો, એણે નયનને ચૂપ રહેવા ઈશારો કર્યો, નયને મોઢું બગાડ્યું ને ગાંઠિયા અને જલેબી ખાવા માંડ્યો ને મરચું ખાતા ખાતા માયા પર દાજ કાઢતો હોય એમ કરવા માંડ્યો.

" શ્રેણિકબેટા, આ અમારી શ્યામા!"- વિમલસિંહએ શ્યામાની ઓળખાણ કરાવતા કહ્યું, વિમલે સ્મિત સાથે એનું મોઢું હલાવ્યું.

"યાહ... હેલ્લો!"- શ્રેણીક આટલું જ બોલી શક્યો.

" હેલ્લો... !"- કહીને શ્યામાએ અભિવાદન સામુ આપ્યું.

" શ્યામા, આ આપણા મિત્ર બળવંતબાપુ જેમની મેં વાત કરી હતી ને એમનાં પુત્ર અનિકેતના પુત્ર શ્રેણિક છે, મારા લંગોટિયા મિત્રનો પૌત્ર!"- દાદાએ ગર્વભેર એમને મિત્રના નામ સાથે ઓળખાણ કરાવતા કહ્યું.

" જી દાદાજી!"- એણે માત્ર એટલો જવાબ આપી આંખોની પલકને નીચી નમાવી દીધી, એની શરમ એનું એક અસ્સલ ઘરેણુ હતું ને એમાં શ્રેણિક મોહી ગયો, એ શ્યામા જોડે વાત કરવા માટે આતુર બન્યો પરંતુ પરિવારમાં બધાંની વાતોનો પાર આવે તો ને? એની નજર આજુબાજુ બધું જોઈ રહી હતી, ઘરનો શણગાર જાણે શ્યામાની માફક સુંદર લાગી રહ્યો હતો, એની આગળ તો કદાચ કોઈ મોટા ઇન્ટિરિયર ડિઝાઇનર પણ પાછો પડી જાય એમ હતો.

શ્રેણીક હવે માત્ર એ જ રાહ જોઈ રહ્યો હતો કે ક્યારે વડીલો એમને એકલામાં મોકલે વાત કરવા અને શ્યામા જોડે વાત કરે, પરંતુ અહી રૂઢિચુસ્તતા હજીય થોડી હતી એટલે એકલામાં વાત કરવાની કદાચ છૂટ ન પણ આપે પરંતુ એકબીજા જોડે વાત કર્યા વગર કઈ રીતે નક્કી કરી લેવાય કે તેઓ એકબીજા જોડે રહી શકશે કે નહીં?

એટલામાં પ્રયાગ સરલાને લઈને આવ્યો, એના માથે પટ્ટી બાંધેલી જોઈને બધાનું ધ્યાન એની પર ગયું, શ્યામા પણ એનાથી અજાણ હતી, સરલાને જોતાં જ એ એની જગ્યાએથી ઉભી થઇ ગઈ, " કાકી, તમને શું થયું?"

"શ્યામા, બેસ તું...હું સારી જ છું, આ તો જરા પડી ગઈ હતી તો વાગ્યું, પણ હવે સારું છે." સરલાએ કહ્યું ને શ્યામાની બાજુમાં રહેલી જગ્યા પર બેઠી.

" દીકરા, હું તને કહેતો હતો ને કે તારા માસી થાય છે એ આ અમારા સરલાવહુ!"- શ્રેણીકને કહેતાં દાદાએ ઓળખાણ કરાવી.

" નમસ્તે બેટા, કેમ છો? અને શું કરે છે પ્રતિમાબેન? મજા છે ને એને પણ?"- સરલાએ ઉમળકાભેર જવાબ આપીને એકીશ્વાસે પૂછી લીધું, ઉમળકો હોય જ ને વળી, પિયારપક્ષનો સબંધ હતો તે શ્રેણિક જોડે!

" જી માસી...મજા માં એકદમ..."- શ્રેણિક જવાબ આપ્યો.

" આ થઈ ને સાચી વાત .. માસી પહેલાં પછી બીજા સગપણ!" કહેતાં સરલા હસી પડી ને બીજા પણ!

" હા...મમ્મીએ કહ્યું હતું તમારા વિશે...તમને યાદ આપી છે." - શ્રેણીકને પણ જાણે અજાણ્યા લોકો જોડે એક આત્મીયતા મળી હોય એમ લાગ્યું, એને હવે વિશ્વાસ આવ્યો કે એની આ માસી કદાચ શ્યામા જોડે એની વાત કરાવે!


ક્રમશઃ....