શ્રેણિક અને શ્યામાએ એકબીજાને જોયા, જોતાવેંત જાણે એમણે મનમાં એમ થઇ ગયું કે જાણે એકબીજાને વર્ષોથી એકબીજાનો ઇન્તજાર હતો, આંખોથી તો મિલન થઈ ગયું પરંતુ વાણીથી મિલન બાકી હતું, બન્ને એકબીજા જોડે વાત કરવા આતુર હતા, પરંતુ તેઓને વાત કરવા માટેની સીડી કોણ મને? ઘરમાં વડીલને કહીએ ને તેઓ ના પાડી દેશે એ ડર હતો, આ બાજુ નયનને કહે પરંતુ એને તો હવે ખાવામાં અને માયા જોડે ઝગડવામાં જ રસ લાગી રહ્યો હતો, તો હવે એક નજર ઉડીને સરલાકાકી સામે પડી, દૂરના આ માસી ક્યારે કામે આવશે?
શ્રેણીકે એમની સામે જોયું, જાણે એની આંખો કાકીને શ્યામા જોડે વાત કરાવવા માટે કહી રહી હતી, તેઓ પણ જાણે બધું સારી રીતે સમજી ગયા હોય એમ લાગ્યું, એમને ઊભા થતાં કહ્યું, " હાલો...હું જાઉં જરા આરામ કરું, મને હજીય માથું દુખે છે! શ્યામા એક કામ કર તો મને મારા રૂમ સુધી દોરી જા ને!"
"હા કાકી, ચાલો." શ્યામા એમનો હાથ પકડીને લઈ જતી હતી, ત્યાં તો કાકી એ શ્રેણીકને ઈશારો કર્યો કે એ કઈક કરશે એમની વાત કરાવવા સાટું, શ્રેણીકને મનમાં હાશકારો થતો.
તેઓ ગયા, થોડી વારમાં શ્યામા પાછી એવી ને મહેશકાકા અને એની મમ્મીને રૂમમાં મોકલ્યાં, સરલાએ તેઓને બન્ને છોકરા છોકરીઓને વાત કરવા માટેની રજૂઆત કરવા કરી, તેઓ એમની સાથે સહમત થયા, પરંતુ દાદાને મનાવવા અઘરા હતાં, મહેશભાઈ બહાર આવ્યા, " દાદા, હું શું કહું છું કે આપણી વાડી કુમારને દેખાડવી જોવે, શું કે'વું?"
" હા ઇ તો દેખાડીએ, હાલ્યો...જાઓ આવીએ!"- કહેતાં દાદા પોતે ઊભા થઈ ગયા, આ તો શ્યામાને મોકલવાને બદલે પોતે જોડાઈ ગયા.
" બાપુજી.... આટલા તડકે તમે ક્યાં જાશો? એક કામ કરું હું છોકરાઓને ભેગો લેતો જાઉં, એમને કુમાર વિદેશની વાતું સંભળાવશે ભેગા ને વાડીએ જોવાઈ જાહે!"- મહેશે એમને રોકાતા કહ્યું.
" બાપુજી, ઈ લોકો જતાં આવે ત્યાં સુધીમાં તમે તમારી દવાઓ લઈને આરામ કરી લ્યો, હું જમવાનું તૈયાર કરવી રાખું, આવે એટલે જોડે જમી લેશું!"- ગૌરીવહુએ પાછો એમાં ન્યાય પૂર્યો.
" ઈ એ સે! હાલ તો હું ઘરે રોકાણો, છોકરાયુ તમે જતાં આવો ત્યારે!"- દાદાએ સહમતી આપતાં પાછા સોફા પર બેસી ગયા.
શ્રેણિક તો જાણે ખુશીનો ઉછળી પડ્યો હોય એમ લાગ્યું, પણ અત્યારે આવી ભાવના જતાવી શકાય એવો માહોલ નહોતો, છતાંય એની ખુશી એના મોઢા પર સ્પષ્ટ ઝળકી રહી હતી, બીજી બાજુ શ્યામા પણ ખુશ જણાતી હતી.
પરંતુ, નયનને લાગ મળી ગયો હતો માયા જોડે ઝગડવાનો, એ અહીંથી ઊભો થાય ને માયાને ઝલે અને બરાબર સીધી કરે, એણે શ્રેણિક ને પણ કહી દીધું પરંતુ શ્રેણિકે એને ચૂપ રહેવા ઈશારો કર્યો.
સૌ ઘરની બહાર આવ્યા, પ્રયાગ આગળ ચાલ્યો શ્રેણિક અને નયનને લઈને, પાછળ શ્યામા, માયા અને કૃતિ જોડાયા, બાકી રહેલા ભાર્ગવ અને મયુર મહેશભાઈ જોડે ગયા, ચાલતા જ જવું પડે એમ હતું માટે ગાડી લેવાનો કોઈ સવાલ નહોતો, ગામ જોતાં જોતાં પ્રયાગ ભેગા મહેમાન આગળ વધ્યા, પાછળ રુમઝુમ કરતી છોકરીઓ એમની વાતોમાં હતી, શ્યામાની ચોર નજર શ્રેણીકને જોઈને આડું જોઈને શરમાઈ જતી ને શ્રેણિક પણ વધતા પગલાંને ધીમા કરીને નજીક રહેવાય એવી કોશિશ કરી રહ્યો હતો.
મહેશભાઈ હોવાથી બધા મર્યાદાભેર આગળ વધી રહ્યા હતા, જાણે એક શિક્ષક સાથે એના વિદ્યાર્થીઓ હોય! આ વાતની ખબર મહેશભાઈને થઈ, તેઓએ સમજીને બહાનું કર્યું, " મયુર, તને જાતા થાઓ, હું મંડળીમાં એક કામ છે એ પતાવીને આવું!"
" પણ કાકા ..મહેમાન છે તો તમે રહો તો સારું ને!"- મયુરે જવાબ આપ્યો.
" અલ્યા...તમે છોવ જ ને..સાચવી લેજો ને અને હું હોવ તો કુમાર અને શ્યામાને વાત કરતા પાછો સંકોચ થાય ને!"- એમણે સીધી વાત કરી.
" ભલે, જઈ આવો તો! પણ દાદા કઈ બોલે તો નહિ ને?"
" એમને ખબર ન પડે એટલે તો વાડીનું બહાનું કર્યું ને!" કાકાએ હસતાં હસતાં કહ્યું.
તેઓ અડધે રસ્તેથી મંડળી તરફ જતા રહ્યા, એમનાં જતાની સાથે ભાર્ગવ અને મયુર પ્રયાગ અને શ્રેણિક જોડે પહોંચી ગયા,બધા જુવાનિયાઓ હવે જાણે એકદમ બંધનમુક્ત થઈ ગયા હોય એમ હાસ્ય કિલ્લોલ કરવા માંડ્યા, શ્યામા થોડી ગંભીર લાગી રહી ને શ્રેણિક પણ જે ઘડીનો ઇન્તજાર કરી રહ્યો હતો એ સામે આવતાં હળવાશ અનુભવવા માંડ્યો.
ક્રમશ: