Featured Books
શ્રેણી
શેયર કરો

પ્રેમ ક્ષિતિજ - ભાગ -૧૦

એક બાજુ મહેમાનની રાહ જોતો આખો પરિવાર ચિંતાતુર બની ગયો હતો ને અહી નયનનાં કરનામાએ ગાડી લઈને શ્રેણિક ગોથે ચડી ગયો હતો
એ તો સારું થયું કે પેલો સાયકલ સવાર તરુણ એમની વહારે આવ્યો, અહીંના ગામડામાં જોવા મળતી એકદમ નિખાલસ મદદ કરવાની ભાવના વિશે શ્રેણીકે એના દાદા જોડે ઘણી વાર સાંભળી હતી પરંતુ આજે એણે એ અજાણ તરુણની આંખોમાં સાક્ષાત જોઈ લીધી.
તરુણ એની મસ્તીમાં સાયકલ ચલાવે જતો હતો, એની પાછળ મોંઘીદાટ લક્ઝુરિયસ ગાડી નીચું મોઢું કરીને જઈ રહી હતી, તરુણની ઊંચી ઉઠેલી ડોક સામે મોંઘીદાટ ગાડીમાં બેઠેલા યુવાનો વામળા લાગી રહ્યા હતા. એ અજાણ્યા તરુણના ઠંડા પવનમાં લહેરાતાં વાળ એસીની ઠંડકથી વધારે સંતોષજનક લાગી રહ્યા હતા.
એ તરુણ તેઓને પાછો ચોરા નજીક લઈ આવ્યો, ત્યારબાદ તેણે સાયકલ સામે જતાં એટલે કે ડાબી બાજુની સાચી દિશામાં લઈ ગયો, નયનને સ્ટ્રાઇક થઈ જે હા તેઓ અહીથી જ રસ્તો ખોટી બાજુ ચડી ગયા હતા.
"જો અહીથી ડાબી બાજુ જવાનું હતું..."- નયને બહાર બાજુ જોતાં કહ્યું.
" હા પંરતુ તમે ખોટું બાજુ વળાવવા કહ્યું ને..."- ડ્રાઈવરે કહ્યું.
"ભલે કંઈ વાંધો નહિ...હવે તો ખબર પડી ગઈ ને નયન?"- શ્રેણીકે એને કહ્યું.
"મારે ક્યાં અહી રોજ આવવું છે?" - નયને ઠાવકાઈ સાથે કહ્યું.
"હા મહાશય! ધન્યવાદ મારી જોડે આવવા માટે!"
" અરે યાર...તું તો ખોટું માની ગયો...તારા માટે તો જાન પણ હાજર છે જાન!!"- નયને હસતાં હસતાં કહ્યું.
ત્યાં તો શેરીનું પાંચમું મકાન દેખાયું, મકાન પાસે માણસોની ભીડ હોય તેવું જણાઈ રહ્યું, બધાં તેઓની સામે જ તાકીને જોતા હોય એમ જણાયું, સાયકલ સવાર ત્યાં થોભ્યો અને નયનને ઈશારો કર્યો કે આવી ગયું એમનું મુકામ!
ડ્રાઈવરે ગાડી રોકી, ગાડી રોકતાંની સાથે નયને એના ગોગલ્સ ચડાવ્યાં અને તે બહાર નીકળ્યો અને ઓલા તરુણને ધન્યવાદ કહી રહ્યો.
એની સાથે જ શ્રેણિક એનું લેપટોપ સટડાઉન કરીને બહાર આવ્યો, ડ્રાઈવર બંનેને ઉતારીને ગાડી ઢાળની કોરે મૂકવા જતો રહ્યો. તેઓને જોઈને પરિવારના દરેકને હાશકારો થયો.
" જયશ્રી કૃષ્ણ! આવો આવો... શ્રેણિક બેટા! કોઈ દુવિધા તો નથી પડી ને આવવામાં?"- હેમલરાય શ્રેણીકને જોતાં આવકારભેર કહ્યું.
" જયશ્રી કૃષ્ણ બાપુજી!" એ સંસ્કારસભર દાદાને પગે લાગ્યો, જોડે નયન પણ એની સાથે આશિષ લેવા પ્રેરાયો.
"દીકરા ભલે તું બહાર ઉછર્યો પણ અહીંના સંસ્કાર ભૂલ્યો નથી એ જાણીને ખુશી થઈ."- દાદાએ એના સંસ્કારના વખાણ કરતા કહ્યું.
"એ તો બળવંતદાદાનો પ્રભાવ!" - નયને કોઈ ના સંભાળે એમ જરા આડું જોઈને કહ્યું.
" હા તો મારા મિત્રના દીકરાનો દીકરો છે! તો કયાંથી ભૂલે ઇન્ડિયા?"- દાદાએ જાણે નયનને સાંભળી લીધો હોય એમ જવાબ આપતા કહ્યું.
" જી દાદાજી! દાદાએ તમને ખૂબ ખૂબ યાદી આપી છે!"- શ્રેણીકે કહ્યું.
" એ તો તું આવ્યો એટલે મારે મન તારા દાદા આવ્યા હોય એમ જ છે! આવ દિકરા અમારા કૂબામાં તારું સ્વાગત છે!" દાદાએ તેઓને ઘરમાં આવવા માટે કહ્યું.
તેઓ અંદર ગયા, અંદર જતા જતા નયને ઈશારામાં શ્રેણીકને કહ્યું,"કુબો?"
"આઈ ડોન્ટ નો!" એને ધીરેકથી કહ્યું અને ઈશારામાં ચૂપ રહેવા કહ્યું.
ઘરમાં પ્રવેશ સાથે જ તેઓને કાઠિયાવાડી રજવાડી મહેમાનગતિ મળી, મનમોહક સુશોભન એમને કોઈ મહેલથી ઓછું નહોતું લાગી રહ્યું, ઘરમાં બનેલી અવનવી વાનગીઓની સુગંધ નયનનાં નાક સુધી ટકરાઈ રહી હતી, સ્વભાવે ભુક્કડ કહી શકાય એવા નયનને હવે તો કાઠિયાવાડી ગાંઠિયા અને તળેલાં મરચાની સુગંધ હેરાન કરી રહી હતી,ત્યાં તો મહેશભાઈએ રસોડે બૂમ પાડી, " ગૌરીભાભી, નાસ્તાની તૈયારી થઈ ગઈ સે?"
" હા દિયરજી! લાવી દઉં ઝટ!"- ગૌરીએ સ્મિત સાથે જવાબ આપ્યો.
આટલું સાંભળતા નયનને આંખમાં ચમકારો થયો કે હાશ હવે ગાંઠિયા આવશે!

ક્રમશ...