મહેશભાઈએ ગૌરીભાભીને નાસ્તાનું કહ્યું, એ વખતે નયનનું ધ્યાન ભલે ગાંઠિયામાં હોય પરંતુ શ્રેણીકનું ધ્યાન તો વાત વાતમાં છોકરીને જોવા માટે આતુર હતુ, જે હેતુથી એ આવ્યો હોઇ એ માટે આતુરતા હોવી માનવ સહજ છે, એની આંખો ઘરની અંદર નજર કરી રહી હતી કે કોણ છે શ્યામા? એનું મન એ પણ ધારતું હતું કે કાશ એ છોકરી સામે મળેલ પેલી સુંદરી જ હોય જેણે એને ઘાયલ કરી દીધો હતો. એને મનોમન નક્કી જ કરી લીધું હતું કે એને તો એ અણિયાળી આંખોમાં જ ગમે છે અને એની જોડે જ એકરાર કરવો છે!
પરંતુ અહી શ્યામાને જોવા માટે આવેલો માટે એને જોવી પણ જરૂરી હતી તોય મનમાં રમી રહેલી એ અજાણી યુવતી કેમ જાણે એના કામણરૂપી બાણથી શ્રેણીકને વિંધ્યે જતી હતી, આ અવઢવ રૂપી દુવિધા શ્રેણિક કોઈને કહી પણ નહોતો શકતો, એક બાજુ નયન થોડી મદદ કરી શકે એમ હતો પણ એણે ઓલી ચિબાવલી માયા જોડે ખોટો પાલો પડી ગયો હતો તો એની સામે એ વાત નીકળતાની સાથે એ રોષે ભરાઈ જતો જતો ને હવે તો નાસ્તાની મહેકમાં એ મશગૂલ હતો એ શ્રેણિક બહુ સારી રીતે સમજી ગયો હતો.
" દીકરા, બોલ કેમ છે તારા મમ્મી પપ્પા? ઘરમાં સૌ કુશળ મંગળ તો છે ને?"- દાદાએ શ્રેણીકને પૂછ્યું.
" જી દાદાજી!"- એણે ઔપચારિક જવાબ આપતા કહ્યું, આવી રીતે કોઈ દિવસ મહેમાનગતિ કરવા ન ટેવાયેલા યુવાનની વ્યથા એનામાં ઉભરાઈ રહી હતી.મોટી કોર્પોરેટ મિટિંગમાં એણે પૈસો જોયો હતો, પાવર જોયો હતો પરંતુ આવી આવકારભર્યો પ્રસંગ નહોતો જોયો.
" ભલે, જો તારા આવવાના નામથી ઘરમાં બધા હરખપદુડા બની ગયા છે, તારા બળવંતદાદા તો અહી બહુ આવતાં, એમને તો તમારા ઘર કરતાં અહી જ ફાવતું, એ ગયો ત્યારે મને એમ જ કહેતો કે કેમેય નીકળશે ત્યાં દિવસો!"- દાદાએ એમની દોસ્તી સંભારતા કહ્યું.
" હા તેઓ પણ તમને ઘણી વાર યાદ કરતા હોય છે! તમારી જોડે બેસીને મોડી રાત સુધી વાતો કરવાની એમને બહુ મજા આવતી તેવું કહેતાં હતાં!"- શ્રેણીક બોલ્યો.
"તો તારે એમને પણ ભેગા લઈ આવવા હતા ને?"
" એમને તો આવવું હતું પરંતુ એમનું ડાયાબિટીસ હમણાંથી કંટ્રોલમાં નથી રહેતું માટે.."
" ના જ રહે ને? જલેબી અને મોહનથાળમાં જ રચ્યોપચ્યો રહેતો હશે!"- એમ કહી દાદા હસવા માંડ્યા.
"જી, આપને એ પણ ખબર?"- શ્રેણિકે અચંબા સાથે પૂછ્યું,અહી તો સવારે પોતે શું જામ્યું એ પણ રાત સુધી ક્યાં પોતાને યાદ હોય છે!
" હાસ્તો! જીગરીજાન છે એ..." દાદાએ ગર્વ કરતાં કહ્યું.
વાતો ચાલતી રહી, બેઠકમાં બેઠેલાં સૌ દાદાની અને એમનાં મિત્રની વાતોની મહેફિલ માણી રહ્યા, ત્યાં તો ગૌરીવહુ નાસ્તાની પ્લેટ્સ લઈને આવી, જોડે બીજી બે ચાર છોકરીઓ પણ આવી, શ્રેણીકે તેઓ પર નજર કરી પરંતુ એને કોઈ શ્યામા નહોતી લાગી રહી, એણે નીચી મુંડી રાખી પ્લેટ લઈ લીધી અને નિસાસો નાખ્યો.
ત્યાં તો ઘરમાં કોઈ એવી યુવતી નહોતી દેખાતી જેને જોવા માટે એ આવ્યો હોય, એને તો ઘડીક વાર એમ લાગવા માંડ્યું કે માટે દાદાના મિત્રને જ મળવા આવ્યો છે, કોઈ લગ્ન વિશે વાતચીત કશું જ નહોતું થતું, ના કોઈ એવી હલચલ જેનાથી તેને ખબર પડે કે યુવતી આવશે!
હવે તો દાદાજી એ એમનાં પરિવારમાં બધાની એક પછી એક ઓળખાણ કરાવવા માંડ્યું, શ્રેણિક મનોમન વિચારવા માંડ્યો કે આ બધા તો પછી જેની ઓળખાણ કરવાની હોય એને તો લઈ આવો!
ક્રમશઃ