પરિતા - ભાગ - 10 Parul દ્વારા પુષ્તક અને વાર્તા PDF

Featured Books
  • ફરે તે ફરફરે - 37

    "ડેડી  તમે મુંબઇમા ચાલવાનુ બિલકુલ બંધ કરી દીધેલુ છે.ઘરથ...

  • પ્રેમ સમાધિ - પ્રકરણ-122

    પ્રેમ સમાધિ પ્રકરણ-122 બધાં જમી પરવાર્યા.... પછી વિજયે કહ્યુ...

  • સિંઘમ અગેન

    સિંઘમ અગેન- રાકેશ ઠક્કર       જો ‘સિંઘમ અગેન’ 2024 ની દિવાળી...

  • સરખામણી

    સરખામણી એટલે તુલના , મુકાબલો..માનવી નો સ્વભાવ જ છે સરખામણી ક...

  • ભાગવત રહસ્ય - 109

    ભાગવત રહસ્ય-૧૦૯   જીવ હાય-હાય કરતો એકલો જ જાય છે. અંતકાળે યમ...

શ્રેણી
શેયર કરો

પરિતા - ભાગ - 10

'મમ્મીને કેવી રીતે સમજાવવું ?' એ વાતની પરિતાને સમજ નહોતી પડી રહી. મમ્મી માટે તો છૂટાછેડા માટે કાં તો પરસ્પરની લડાઈ, દહેજની માંગણી, કાં તો મારઝૂડ.., વગેરે જેવાં જ કારણો હોય શકે. મમ્મીનો ચહેરો ચિંતાગ્રસ્ત બની ગયો હતો. મનમાં હાયકારો પેસી ગયો હતો. હજી તો દીકરીનો સંસાર માંડ - માંડ શરૂ થયો છે ને એનાં મોઢાં પર છૂટાછેડાની વાત...!


'પતિ સાથે ન ફાવવાનું કારણ ઝગડો, કંકાસ કે પછી મગજમારી જ હોય શકે...? વિચારોમાં ભિન્નતા, રીતભાતમાં તફાવત કે પછી જુદી - જુદી માન્યતાઓ ન હોય શકે...?' પરિતાએ મનમાં વિચાર્યું.

"બેટા..., તને સાસરામાં કોઈ જાતની તકલીફ નથી, હેરાનગતિ નથી તો પછી છૂટાછેડા લેવા જેવી વાત ....."

"મમ્મી છૂટાછેડા લેવા માટે માત્ર શારીરિક કે માનસિક તકલીફ નહિ પણ આંતરિક તકલીફ પણ જવાબદાર હોય છે, ને હેરાનગતિ નહિ પણ હેરાન કરવાની મતિ પણ છૂટાછેડા લેવાનું કારણ બની શકે છે...."

"આમ નજીવી બાબતમાં છૂટાછેડા લેવાની વાત ન વિચારી શકાય..., ને તારાં કિસ્સામાં તો કોઈ વાત જ નથી...! તો પછી...?"

"વાત છે...., વાત છે મારી મહત્તવકાંક્ષાની....., મેં જોયેલાં મારાં સપનાની..., મારી સ્વતંત્ર ઓળખની.....,"

"પરિતા...., લગ્ન પછી તો.....,"

"લગ્ન પછી જ તો ..., મહત્તવકાંક્ષાને પીગાળી દેવી પડી.... ! સપનાંનો ભૂક્કો કરી દેવો પડ્યો..! શું કામ....? લગ્ન કરતાં પહેલા સમર્થે જાતે પોતે જ મને કહ્યું હતું કે લગ્ન પછી મને આગળ ભણવા માટે, નોકરી કરવા માટે એનાં તરફથી કોઈ પણ પ્રકારની અડચણ નહિ નડે..., તો પછી...?"

"તું એની સાથે આ બાબતે વાત કર ને....,"

"એક નહિ પણ હજાર વાર કોશિશ કરી છે મેં એની સાથે આ બાબતે વાત કરવાની, પણ દર વખતે કામનું પ્રેશર હોય એને એટલે એને છેડવાનો નહિ...., નહિ તો પાછુ આવી જ બને....!"

"બેટા...., તારાં સપનાંઓનાં આડે સમર્થ નહિ પણ સમય અડચણ બનીને ઊભો છે....એટલે દોષ સમર્થને નહિ પણ સમયને આપ....."

"શું....??!!"

"હા....., આમ પોતાનાં સપનાં પૂરા કરવા પાછળ પોતાનું સુખી લગ્ન જીવન દાવ પર ન લગાડાય....! ને દીપનો તો વિચાર કર...., એને મોટો કરવામાં તને તારાં સપનાં કે તારી ઓળખની જરૂર નહિ પડે પણ સમર્થનાં સાથની જરૂરત છે. નાનાં બાળકનાં સારાં ઘડતર માટે એનાં માતા - પિતાનો જ ખૂબ મોટો ફાળો હોય છે એ પણ એકસાથે જ રહેતાં માતા - પિતાનો....!"

પરિતાનું મન પાછું ચકરાવે ચડી ગયું. મમ્મીની વાતમાં દમ તો હતો ને મમ્મીની વાત સાવ સાચી પણ હતી. 'દીપનાં સારા ઘડતરનાં ભોગે તો પોતાનાં સપનાંની પાછળ ન જ ભગાય..' એણે મનમાં વિચાર્યું.

"શું વિચારે છે....?" મમ્મીએ પૂછ્યું.

"મમ્મી તારી વાત તો સાચી જ છે..., એવું તો હું પણ નથી ઈચ્છતી કે દીપનાં ઘડતરમાં કોઈ એકનો જ, એટલે કે ક્યાં તો માતા કે ક્યાં તો પિતાનો હાથ હોય...! હું પણ દૃઢપણે એ વાત માનું છું કે સંતાનનાં ઉછેરમાં માતા અને પિતા એમ બંન્નેનો એક - સરખો હાથ હોવો જોઈએ...., પણ....,"

"પણ....શું....?"

"પણ સમર્થ સાથે..., એનાં માતા - પિતા સાથે...., રહેવું....!! દિવસે ને દિવસે અઘરું થતું જાય છે. એવું લાગે છે કે જાણે એ લોકોનો મારી સાથે મેળ નથી બેસતો ને મારો એ લોકોની સાથે મેળ નથી જામતો......"

"જ્યારે તું શાળામાં ભણતી અને ગણિત વિષયમાં તને કોઈ દાખલાનો જવાબ ન મળે ત્યારે તું શું કરતી....?"

"પ્રયત્ન...."

"કેટલી વાર....?"

"જ્યાં સુધી જવાબ જવાબ ન મળતો ત્યાં સુધી વારંવાર..."

"બસ તો પછી આ લગ્ન જીવનનું પણ એવું જ છે, જ્યાં સુધી કોઠે ન બેસી જાય ત્યાં સુધી પ્રયત્ન કરતાં રહેવું...."

"મમ્મી......, ખબર નહિ પણ કેમ..., એવું લાગે છે કે આ કોયડો
ઉકલવો મારાં માટે ખૂબ જ અઘરો છે...."

"એ તું પાંચ વર્ષ સુધી મુંબઈમાં એકલી રહેતી હતી ને એટલે કદાચ બની શકે...., પણ દીપ માટે તારે આ અઘરો દાખલો ગણવો તો પડશે જ..."

"હા..., મમ્મી..., અઘરો તો છે પણ આ દાખલો મારે મારાં દીપ માટે ગણવો તો પડશે જ.."

આમ પરિતાએ પોતાની મમ્મી સાથે એક લાંબી અને ખૂબ જ સમજદારભરી ચર્ચા પછી સમર્થ સાથે છૂટછેડા લેવાનો નિર્ણય માંડી તો વાળ્યો ..., પણ હવે એ દાખલો કેવી રીતે ગણે છે..., એ જાણવા માટે વાંચતાં રહો આનાં પછીનાં ભાગો..

(ક્રમશ:)