પરિતા - ભાગ - 11 Parul દ્વારા પુષ્તક અને વાર્તા PDF

Featured Books
શ્રેણી
શેયર કરો

પરિતા - ભાગ - 11

પરિતાએ પહેલાં તો પોતાનું મનોબળ એવું મજબૂત કરી લેવાનું નક્કી કર્યું કે સાસુ - સસરા કે સમર્થનાં સારાં કે નરસા વિચારો, સુટેવો કે કુટેવો, ગમતી વાતો કે અણગમતી વાતો, વગેરેની અસર પોતાનાં મન પર ન થાય. એ માટે એણે રોજ સવારે યોગ કરવાનું શરૂ કર્યું. એણે પોતાનું બધું જ ધ્યાન દીપનાં ઉછેર માટે અને એને યોગ્ય શિક્ષણ મળી રહે એ માટે જ બસ કેન્દ્રિત કરી રાખ્યું હતું. ઘરમાં બધાંને સહન કરવા એનાં માટે સરળ તો નહોતું જ ને એટલે જ એને પોતાની જાતને એવી એક પ્રવૃત્તિમાં વ્યસ્ત રાખવી હતી કે એનું મન બીજે વળી જાય.

એવું નહોતું કે સમર્થ અને એનાં સાસુ - સસરાને એ ખરાબ માનતી હતી, બસ એ લોકોનાં વિચારો સાથે પોતાનાં વિચારોની સામ્યતા નહોતી એટલે એટલે જ એણે પોતાનાં મનને બીજે વાળવાની કોશિશ કરવી હતી. એ માટે એ ઈન્ટરનેટ પર ઘણું સર્ચ પણ કરી રહી હતી. એને એની આવડત અને શિક્ષણ પ્રમાણેનું ઓનલાઈન કામ મળી પણ ગયું. એણે એ કામ કરવાની શરૂઆત કરી. આ બાબતે એણે કોઈને પણ કશું જ કહ્યું નહોતું. ઘરનાં કામ, રસોઈ, દીપની સંભાળ, સાસુ - સસરાએ સોંપેલાં કામ, સમર્થનું નાનું - મોટું કામ, વગેરે જેવાં બધાં જ કામો પરવારીને એ પોતાનું આ કામ કરવા માટે બસી જતી હતી. ખૂબ જ નાના પાયે એણે કામની શરૂઆત કરી હતી. એણે ઓનલાઈન માર્કેટિંગનું કામ શરૂ કર્યું હતું.

ધીરે - ધીરે એનું ધ્યાન હવે પોતાનાં કામ તરફ વળી રહ્યું હતું. સમર્થ સાથે ન તો કોઈ વાતે હવે જીભાજોડી થતી હતી કે ન કોઈપણ પ્રકારની મગજમારી. સમય મળે ત્યારે પોતાનું કામ લઇને બેસી જતી હતી.

દીપ મોટો થયો, શાળાએ જવા લાગ્યો હતો એટલે હવે એને વધુ સમય મળવા લાગ્યો હતો ને આ કારણે એનું કામ વિકસિત પણ થઈ રહ્યું હતું. સમર્થને એની જિંદગીમાં રચ્યો - પચ્યો રહેવા દેતી અને પોતે પોતાનાં કામમાં રચી - પચી રહેવા લાગી હતી. પહેલા તો ન કહી શકાય એટલી ઓછી કમાણી જ થતી હતી પણ હવે ધીરે - ધીરે એની કમાણી પણ વધી રહી હતી. એનાં બેંક એકાઉન્ટમાં સારી એવી રકમ જમા થવા લાગી હતી. આ રીતનું પોતાનું સ્વતંત્ર રીતે કામ કરવાની વાત અને પૈસા કમાવવાની વાત એણે પોતાની મમ્મીને પણ કહી નહોતી.

આ રીતે સ્વતંત્ર રીતે કામ કરવાથી અને પૈસા કમાવવાથી સ્ત્રીઓમાં આત્મવિશ્વાસનો વધારો થાય છે, મનોબળ મજબૂત બને છે, સ્વાવલંબીપણું આવે છે ને સૌથી મહત્તવની વાત કે ઓશિયાળી જિંદગીમાંથી મુક્તિ મળે છે. પરિતાએ પણ ઓશિયાળી જિંદગીમાંથી મુક્તિ મેળવી લીધી હતી. પોતાનાં નાનાં - મોટાં ખર્ચાઓ માટે હવે એને સમર્થની જરૂર પડતી નહોતી. પોતાની જિંદગીને પોતાની રીતે જીવવા માટે હવે એને કોઈ જાતની માથાકૂટ કે કટકટ પણ કરવી પડતી નહોતી. કારણ પોતાની જિંદગી જીવવા માટે એ હવે સમર્થ કે એનાં માતા - પિતા પર અવલંબિત હતી નહિ.

એકદમ જ નાનાં પાયે શરૂ કરેલું કામ હવે મોટા પાયે વિકસિત થઈ રહ્યું હતું. પરિતાનું કામ વધવા લાગ્યું હતું. એ પોતાનો સમય, પોતાની બુધ્ધિ, પોતાની આવડત, બધું જ પોતાનાં કામ પાછળ ખર્ચી રહી હતી. સમર્થ સાથેનું લગ્ન જીવન હવે એનાં માટે માત્ર નામ પૂરતું જ રહ્યું હતું. પોતાનું કામ અને પોતાનો દીકરો દીપ.., બસ આ બે જ હવે એની જિંદગીમાં સૌથી વધુ મહત્ત્વ ધરાવતાં હતાં.

દીપને સારામાં સારું શિક્ષણ મળી રહે અને સારી કેળવણી મળી રહે એ વાતનું એ ખાસ ધ્યાન રાખતી હતી. દીપને કોઈ વસ્તુની કમી એ થવા દેતી નહોતી.

પરિતાની જિંદગી આ રીતની જ ચાલતી રહેશે કે પછી આવશે નવો કોઈ વળાંક એ જાણવા માટે તો વાંચવો પડશે આનાં પછીનો ભાગ.

(ક્રમશ:)