Popat books and stories free download online pdf in Gujarati

પોપટ

પોપટ..... વાર્તા.. દિનેશ પરમાર' નજર '
(MO 9924446502)
***********************************
રાતે બધીય ભીંતો ટહુકાય ચોતરફ
ભીંતો ઉપર કોનું ચિતરેલ ઝાડ છે?

પહેલી જ વાર ધ્રૂજી ઊઠ્યું છે પીંજરુ.
સળિયાએ સાંભળી તે પીંછાની ત્રાડ છે
- ધૂની માંડલિયા

***********************************
ટૂટેલી ખાટલીમાં માંદગીને લીધે છેલ્લા અઠવાડિયાથી પટકાયેલી રુખડી ડોશીએ પડ્યા પડ્યા જોયું. તેનો દિકરો હરજી વાંસને ઉભા ચિરીને પટ્ટીઓ છોલવામાં રત હતો.હરજીની ઘરવાળી જીવલી વાંસ સાફ કરી જરુરીયાત મુજબ ઊભા ટૂકડા કરી રહી હતી.
રૂખડીને ચા પીવાની ઈચ્છા હતી. હરજી સુધી અવાજ પહોંચે તે રીતે હતી એટલી તાકાતથી કરાંજી, " હરજી ચા મંગાવ ..."
કામ કરતા કરતા હરજીએ સામે મેદાનમાં જોયું,
કબિલાના બીજા છોકરાઓ રમી રહ્યા હતા, જ્યારે માંદલો ભીખો તેની દાદીથી આઘે પડેલી ખાટલીમાં બેસી કયારેક આકાશ સામે તો ક્યારેક બાજુમાં મુકેલા પિંજરામાં કુદાકુદ કરતા પોપટ સામે ચકળવકળ જોયા કરતો હતો. તેના છોકરાને બુમ પાડી, "એ પોપટ... સવજીની કિટલીથી એક ચા લેતો આવ."
પણ તેણે કોઈ જવાબ ન આપતા કામ પડતુ મૂકી બબડાટ કરતો હરજી ખુદ ચા લેવા ઉપાડ્યો.

**********

શહેરના ઉત્તર છેડે ખુલ્લા પડી રહેલા સરકારી પ્લોટના ખૂણા પર,દરવખતની જેમ પોતાના ડેરાતંબુ તાણીને હંગામી વસવાટ કરતા વાંસ-ફોડિયા કબિલાના લોકો ત્યાંજ વાંસમાંથી ઘર-ઘથ્થુ વસ્તુઓ બનાવી વેચતા.
અને તે રીતે જુદા જુદા શહેરોમાં પણ આ રીતે વિચરણ કરી બનાવેલી વસ્તુઓ વેચીને ગુજરાન ચલાવતા.
લગભગ એક જ વંશના પાંચેક કુટુંબના ભાઈ, કાકા, મા, ભાભી, પુત્ર, ભત્રીજા વિગેરે મળીને પચીસેક જેટલા સભ્યો હતા. જે આ કામ કરતા અને વેચતા હતા.
આ પૈકી હરજીના લગ્નને ત્રણેક વર્ષ થવા છતાં તેની પત્ની જીવલીએ પેટ માંડ્યું નહોતું. ત્યારે હરાજીની મા રુખડી ડોશીએ તેમની કુળદેવીની બાધા રાખી હતી. પણ કોઈ પરિણામ આવ્યું નહતું.
એકવાર તેમનો કબિલો બીજે ગામ જવા સાંજ ઢળી ગયા પછી વિચરણ કરી રહ્યો હતો. અન્ય સભ્યોના ગાડા આગળ નીકળી ગયા હતા.જે શહેરમાં જવાનુ હતુ તે નક્કી હોઈ કોઈ ઉચાટ વગર, પોતાની મા રુખડીને અને પત્ની જીવલીને ગાડામાં બેસાડી પોતાની ભાષામાં અને પોતાની મસ્તીમાં ગીત ગણગણતો હરજી બિન્દાસ મંથર ગતિએ આગળ વધી રહ્યો હતો.
ત્યાં...
અચાનક કોઈ નાના બાળકનું રુદન કાને પડતાં ત્રણે જણ ચમક્યા. આ સુમસામ વગડામાં બાળક..?
ગાડે લટકતા ફાનસના અજવાળે, નજીક જઈ ને જોયું તો ઝાડીની પડખે કપડાંમાં લપેટેલુ એક તાજુ જન્મેલ બાળક વલખાં મારતુ રડી રહ્યું હતું. આજુબાજુ નજર કરી, પણ ફેલાયેલા સન્નાટાને ખલેલ કરતા આ માસુમ રૂદન સિવાય કોઈ નહોતું.
આ પરિસ્થિતિમાં સાસુ, વહુ અને પતિ ત્રણે એકબીજા તરફ એ રીતે જોઈ રહ્યા, જાણે કુળદેવીએ પ્રસન્ન થઈને આ કૃપા કરી છે.
રુખડી ડોશી કશુંજ બોલ્યા વગર વાંકી વળી બાળકને ઉઠાવી જીવલી તરફ ફર્યા અને બાળક તેના હાથમાં આપતા બોલ્યા, "લો આ કુળદેવીએ આપેલો પ્રસાદ."
જીવલીએ ધણી તરફ જોયું એણે હકારમાં ડોકું હલાવતા, જીવલીએ બાળકને પોતાની છાતીએ ચાંપી દીધુ. તેની આંખોમાં વ્હાલનો મહેરામણ ઉમટી પડ્યો. તેના સાસુ ક્યાંય સુધી પીઠ પસવારતા રહ્યા.

************
આ બાળકને કોઈની નજર ના લાગે એટલે નામ રાખ્યું તુ ભીખો..
ભીખાને હરજી અને જીવલી તો આંખ માથા પર રાખતા... પણ.. રુખીડોશીનુ તો જાણે વ્યાજ હતુ.સવારે ઉઠે ત્યારથી લઈને રાત્રે થાકીને ભીખો સૂઈ ન જાય ત્યાં સુધી રુખીડોશીના હાથમાં ને હાથમાં જ હોય.
એક પળ માટે પણ ભીખો આઘોપાછો થાય તો રુખીનો જીવ તાળવે ચોંટી જતો. રુખીની શેષ પાછોતરી જીંદગીનો જાણે અમલ હતો ભીખો...
ભીખો રુખીદાદીના વધારે પડતા પ્રેમથી જીદ્દી હઠીલો થઈ ગયો હતો. તેના બા-બાપુજી તેને ધમકાવે તો તેની રુખીદાદી આડી આવી ઉભી રહી જતી.
સમય પસાર થતો રહ્યો....
ભીખો નવેક વરસનો હતો ત્યારે બીજા શહેરમાં વિચરણ કરતા, બપોરના સમયે રસ્તા પાસેના એક ઘટાટોપ વૃક્ષ નીચે રોંઢુ કરવા અને આરામ કરવા રોકાણ કર્યું.
વૃક્ષની ડાળી પર પોપટનો માળો હતો, તાજા જન્મેલા બચ્ચાનો અવાજ સાંભળીને ભીખાએ રમાડવાની હઠ પકડી.
રુખીએ હરજી તરફ જોઈ ઈશારો કર્યો ને હરજી બોલ્યા ચાલ્યા વગર ઝાડ પર ચડી ગયો અને પળવારમાં બચ્ચા સાથે પરત. ભીખો ખુશ એટલે તેની દાદી પણ ખુશ ખુશ...
પછી તો તેના માટે શહેરમાંથી લોખંડનુ પિંજરુ ખરીદી લીધુ. ભીખો તો આખો દિવસ પોપટને રમાડ્યા કરે. હવે તેના જીવનમાં પોપટનુ એક દોસ્ત કે એક ભાઈ જેટલુ જ સ્થાન થઈ પડયુ હતુ..
ભીખાને બુમ પાડે તો ભીખો પોપટ સાથે હાજર અને પિંજરામાં બુમો પાડતા પોપટને શાંત કરવા પોપટને બુમ પાડે તો.. તો પણ ભીખો પોપટ સાથે હાજર થઈ જાય...
પછી તો ભીખાનુ પેટનેમ (લાડકું નામ) પોપટ જ પડી ગયેલું.
આખો કબિલો તેને પોપટથી બોલાવતો.સમયનુ ચક્ર ફરતુ રહ્યું. હવે તેની સાથે ઉછરેલા કબિલાના છોકરાઓની જેમ, ભીખો તેના બાપુને વાંસ ખરીદીમાં અને વાંસની બનાવટો તૈયાર કરવામાં મદદ કરતો હતો.

**********

પરંતુ...
હમણાંથી ભીખો ઉદાસ રહેતો જમણ પણ ઓછુ અને અનિયમિત, તેની અસર ધીરે ધીરે તેના શરીર પર થઈ રહી હતી. તે શુષ્ક થઈ રહ્યો હતો.ઘરના બધાને આ બાબતની ચિંતા હતી પણ ભીખાને પૂછે તો તે કંઈ ન બોલતો.. તેની આંખો ભરાઈ આવતી. ઘરવાળા એમ સમજવા લાગ્યા હતા કે એક નો એક હોઈ, કાં નજર લાગી છે કાં કંઇ મંત્રેલુ ખવડાવી વળગાડમાં ભેરવી દીધો છે.
ભૂવા ડાકલાં કે દવા-દારુથી કોઈ ફરક નહોતો થઈ રહ્યો.
જોકે આ રોગ થવા પાછળના કારણથી, ભીખો અવગત હતો.
વરસો અગાઉ જીવલીને બાળકના એંધાણ ન હોઈ,પોતાની બા રુખીને ખુશ કરવા, શહેર છોડીને જવાનો છેલ્લો દિવસ હતો તે સાંજે હરજી ચોરી છુપી શહેરના સરકારી પ્રસુતિ વિભાગમાં જઈ લોકોની નજર ચૂકવી એક બાળક ઉઠાવી, તેમના પસાર થવાના રસ્તા પર ઝાડીમાં મૂકી આવ્યો હતો.
જ્યારે તે કબિલામાં પરત ફર્યો ત્યારે બા ગુસ્સે થઈ ગયેલા અને બોલી ઉઠેલા , તુ તો કેવો છે? રાહ જોઈ થાકી ગયેલા કબિલાના લોકોએ ધીરે ધીરે આગળ જવા શરુઆત કરી દીધી, ક્યાં હતો તુ અત્યાર લગી ?
થોડી ઉધરાણી બાકી હતી કહી હરજી જુઠ્ઠુ બોલેલો.
એકવાર રાત્રે ભીખો અચાનક જાગી ગયો ત્યારે તેના બા-બાપુ ઉપરની ઘટનાની ગુસપુસ કરતા હતા. તે કાન દઈ સાંભળી ગયો.

પોતાના મા-બાપની આ વાતચિત સાંભળી ગયેલો ભીખો આખેઆખો અંદરથી હલી ગયો હતો. તેને થઈ ગયું કે ઝાડ પરના માળામાંથી ઉઠાવેલ પોપટના બચ્ચા અને તે બંનેમાં કોઇ જ ફરક નથી.
રુખીડોશીની તબિયત હવે લથડી હતી. તેને ભીખાની ખુબ ચિંતા રહેતી હતી. તે હરજીને તેમના જ વગના, બીજા શહેરોમાં ફરીને આજ કામ કરતા કબિલાના મેઘજીની દિકરી ચંપા સાથે લગ્ન કરવા વારંવાર દબાણ કરતી હતી. હરજોએ તેની બાને આશ્વાસન આપ્યું હતું કે "બા આવતી અખાત્રીજ પહેલાં લગ્ન થઈ જાય તે રીતે નક્કી કરી લઈશ તુ ચિંતા ન કર."

*********

જ્યારે હરજી તેની બા માટે ચા લઈને આવ્યો ત્યારે ભીખો બબડતો હતો. "આવજે..આવજે.."
પિંજરુ ખુલ્લું અને ખાલી હતુ જ્યારે પોપટ પાંખો ફડફડાવી ઊડતો દુર જઈ રહ્યો હતો.
સહસા જ આ જોતા હરજી ઉંચા ઘાંટે બોલી ઉઠ્યો," બા, પોપટ ગયો.. પિંજરુ છોડી ઉડી ગયો. "
રુખીડોશી ભીખાને પોપટ કહી બોલાવતી હતી તેનો જીવ તેનામાં અટકેલો હતો અને તે માંદો હતો આથી રુખી ડોશી કંઈક અલગ સમજી.
આશાસ્પદ કુળદિપક ઓલવાઈ જતા પોતાના વંશમાં કાયમી અંધાર થઈ ગયો ના ગોઝારા વિચાર સાથે, હતી એટલી તાકાત એકઠી કરી હવાને ચિરતી "ઓ મારા પોપટ" ની કારમી ચીસ નાંખતા જ રુખીડોશીની આંખો ફાટી ગઈ અને ડચકુ ખાતાની સાથે ડોક એક તરફ નમી પડી.

****************************************

બીજા રસપ્રદ વિકલ્પો

શેયર કરો

NEW REALESED