અમે બેંક વાળા - 29 SUNIL ANJARIA દ્વારા પુષ્તક અને વાર્તા PDF

Featured Books
શ્રેણી
શેયર કરો

અમે બેંક વાળા - 29

બેંકવાળા 29

'બાપનો નોકર'

હમણાં હમણાં મારૂં નિરીક્ષણ છે કે વરિષ્ઠ નાગરિકોને કોઈ પ્રેમથી બોલાવે તો ઓળઘોળ થઈ જાય, ખૂબ આભારવશ થઈ જાય. પરંતું ઉંમર વધવા સાથે ઘણા લોકો ટચી થઈ જાય છે. સહેજ અમથી વાતમાં ખૂબ ખોટું તો લાગી જાય પણ ગુસ્સે પણ જરૂર કરતાં વધુ થઈ જાય. મૂળ અનેક લાગણીઓ ઘૂંટીઘૂંટીને હૃદયમાં ભરી રાખી હોય એ મન મુક્ત થતાં નીકળે, પોતાનો માર્ગ કરીને જ રહે. એટલે જ વયસ્કો સાથે ધીરજથી વર્તવું પડે અને ક્યારેક સહન પણ કરવું પડે. ક્યારેક એમની સાથેના લોકો પ્રત્યેનો એમનો વ્યવહાર પણ ક્યારેક એક માણસ બીજા સાથે ન કરે એવો હોય છે.

એક વાત યાદ આવી. મણિનગર શાખમાંથી મને ચીફ મેનેજર નું પ્રમોશન મળી ગયેલું. નવા ઓર્ડરની રાહ જોતો હતો. એ વખતે જૂન-જુલાઈમાં સ્ટેટ ગવર્નમેન્ટ પેંશનરોને લાઈફ સર્ટિમાં સહી કરવા આવવું પડે. એ બેન્કિંગ સેવા નથી પણ એડ ઓન છે. અમાંરી શાખામાં મોટું બે હજાર ઉપર લોકોનું લિસ્ટ આવે. કઈ રીતે સૉર્ટ કરી ટ્રેઝરી મોકલતી હશે, નામ મુજબ તો ન હતું. પીપીઓ મુજબ, રીટાયર થયા એ કચેરી મુજબ કે મનમાં આવે એમ પ્રિન્ટ લઈ, એ ખ્યાલ છેક સુધી નથી આવ્યો.

બેંકમાં જે પીક અવર્સ હોય છે તે બાર થી એક વચ્ચે, પીક નું પણ પીક હોય ત્યારે સાડાબાર આસપાસ એક માજી આવ્યાં. ક્લાર્ક પાસે નામનું લિસ્ટ હતું એ જોયું. એમનું નામ ન મળ્યું. કાઉન્ટર પર બેઠેલા સ્કેલ 2 એટલે મેનેજર કેટેગરીના અધિકારીએ 'સાહેબને મળો' કહી મારી પાસે મોકલ્યાં. હું સિનિયર મેનેજર, અને ચીફ મેનેજર થઈ ચુકેલો. મેં લિસ્ટમાં એમની અટક મુજબ (પરીખ હતી. કમભાગ્યે નામ પણ યાદ રહી ગયું છે જે અહીં લખતો નથી), પછી નામ મુજબ ફટાફટ નજર નાખી. ન મળ્યું. મેં કહ્યું કે જો તેમનો પેંશન એકાઉન્ટ આ શાખા થી બીજે ગયો હોય કે બીજેથી હમણાં અહીં આવ્યો હોય પણ ટ્રેઝરીના રેકોર્ડમાં બ્રાન્ચ બદલાઈ ન હોય તો જ આ બને. બેન તો શરૂ થઈ ગયાં મારી ઇન એફિશિઅનસી વિશે ને બેંક ઓફ બરોડા ના સમગ્ર તંત્રને, અમારી જેવા નિવૃત્તિ ને આરે આવેલાઓને બધાને જેમ તેમ કહ્યું. મને તદ્દન નક્કામો કહ્યો.

મેં રિકવેસ્ટ કરી કે કાં તો 4 વાગ્યા પછી આવો કાં તો ટ્રેઝરીમાં પૂછો કે ક્યાં તેનું નામ મોકલ્યું. નામ હોય તો લાઈફ સર્ટિમાં પીપીઓ નંબર નાખી સહી લઉં ને કોમ્પ્યુટરમાં રેકોર્ડ નાખી દઉં પણ નામ જ ન મળે ત્યાં સુધી કાંઈ ન થાય. મારી આસપાસ ખૂબ ભીડ હોઈ મેં તેમને લિસ્ટમાં નજર ફેરવવા વિનંતી કરી. એમણે ધરાર પોતે માંદી, નિઃસહાય હોય એમ અત્યંત ધીમેધીમે, એકદમ મુશ્કેલી પડતી હોય એમ જોવું શરૂ કર્યું. એ પહેલાં એમણે જે વાંચ્યું હતું એ પરથી હું કળી શકેલો કે એ બરાબર વાંચી શકે છે. મેં એટલું જ કહ્યું કે આમ નીચે જોઈ ધીમેધીમે જોવાથી નામ નહી મળે. બીજાઓ પંણ લિસ્ટ માંગે છે. માજી 'આ "કાકા" મને સહકાર આપતા નથી, કોઈ ધ્યાન આપતા નથી એમ બબડતાં ચાલ્યાં ગયાં.

બીજે દિવસે એનો 50 વર્ષ આસપાસનો દીકરો આવ્યો. એવી જ લાઈન. એવો જ રશ. બપોરે પોણા વાગે. મને બાવડે હાથ મૂકી કહે "ડોસા, કામ ન થતું હોય તો ચાલ્યા જાઓ ઘેર"!!

હું કોઈને અગત્યની સલાહ આપતો હતો ને સાથે મહત્વનો કોઈ નોન રેસિડેન્ટનો મેઇલ જોતો હતો. અપમાન ગળી જઈ હું બીજા ગ્રાહકને સહેજ બેસવા કહી ઉભો થઇ કામચલાઉ જતો રહ્યો.

માજીનો દિકરો તો મારાથી ઉપર ચીફ બ્રાન્ચ મેનેજરની કેબિનનું ડોર ધક્કો મારી અંદર ગયો ને કહે આ કાકાનું નામ અત્યારે જ આપો. મારે અહીથી જ હેડઓફિસ ફોન કરી એમની ફરિયાદ કરવી છે કે એ કામ નથી કરતા. મેનેજરે તેમને ઉભરો ઠાલવવા દીધા પછી કહ્યું કે એક તો આ સરકારી પેંશનરની સહી લેવી બેંકનું કામ નથી, અમે તમારી સગવડ માટે કરીએ છીએ. બીજું, કેમ નામ આવ્યું નથી એ આ સાહેબને પણ ખબર ન પડે.

એ ભાઈએ મેનેજરે મારૂં નામ ન આપ્યું તો એટીએમ ના ગાર્ડ પાસેથી પણ નામ લીઘું.

પછી ખબર પડી કે એ માજીનો નજીકની ભૈરવનાથ શાખામાં એકાઉન્ટ હતો અને અહીં ટ્રાન્સફર કરેલો પણ ટ્રેઝરીમાં જણાવેલું નહીં.

મને કાંઈ થયેલું નહીં કેમ કે એ ચીફ મેનેજરે યોગ્ય જવાબ જો ફરિયાદ આવી હોય તો આપેલો હશે. પણ બીજા ગ્રાહકો સામે બાવડે ધક્કો મારી 'ડોસા, હમણાં ઘેર ચાલ્યા જાઓ' વગેરે કહ્યું એ એક દુઃખદ મેમરી બની રહી. પાછી બાઇ હોંશિયાર હતી. કોઈને કહે અમે વાણિયા બીજા પાસે કામ કરાવીએ, કરીએ નહીં ને આ સાહેબે મને લિસ્ટ જોઈ જવા કહેલું. આવા લોકો પણ હોય છે! વૃદ્ધોમાં તો વધુ.

તો આવો એક બીજો પ્રસંગ કહું. હું તો પેલા પ્રસંગ વખતે નવો પ્રમોટેડ ચીફ મેનેજર હતો, જનરલ મેનેજર ને પણ અમૂક લોકો ગણકારે નહીં.


અમારી એ વખતે લો ગાર્ડન પાસે આવેલી સ્ટાફ કોલેજમાં કોઈ ફંક્શન હતું. કોઈ બહારના ડીગ્નિટરી પધારેલા. એ સાથે અમૂક વ્યક્તિઓનું ઇનામ કે સન્માન હતું. મને પણ કોઈક સર્ટિ. અને એપ્રિશીએશન લેટર મળવાનો હતો. હું તે વખતે સિનિયર મેનેજર એટલે નંબર 2. મારી શાખા મણિનગરના ચીફ મેનેજર પણ હતા. હોલ છલોછલ ભરેલો હતો. ડિગ્નિટરીનાં પ્રવચન અગાઉ બેંકના અગત્યના ઓફિસરે તેમને બુકે આપ્યો અને જનરલ મેનેજર ઉદ્દબોધન કરે તે અગાઉ તેમનાથી સહેજ જુનિયર રિજિયન હેડ ડીજીએમ માઇક પર હતા.

ઓચિંતા એક વરિષ્ઠ નાગરીક મોટેથી બુમ પાડતા હોલમાં દાખલ થયા.

"Where is the general manager? Ask him to come to me. I want to talk to him right now". તેમણે મોટા અવાજે બૂમ પાડી. હોલ એ બુમથી ગાજી રહયો. ઓડિયન્સ સ્તબ્ધ થઈ ગયું. ડાયાસ પર બેઠેલા મહાનુભાવો એ વૃદ્ધ સામે જોઈ રહ્યા. ડીજીએમ સાહેબે પ્રવચન અટકાવી માઇક પર હાથ રાખી આસી. જન. મેનેજર રાજેશકુમારને આ ગુસ્સામાં આવી ચડેલા વૃદ્ધને મળવા ને હમણાં બેસાડવા કહ્યું. રાજેશકુમાર તેમની નજીક ગયા અને 'પ્લીઝ બી સીટેડ સર. ફંક્શન પુરા હોતે આપ જીએમ સાબ સે મિલ સકતે હો' કહ્યું.

"What do you mean by be seated? હું ફરવા નથી આવ્યો. હમણાં ને હમણાં જનરલ મેનેજર ને કહો કે નીચે આવે ને મને મળે."

રાજેશ કુમારે કહ્યું કે આ ફંક્શન ચાલુ છે એ અર્ધા કલાકમાં પૂરું થશે પછી જોઈએ તો કોઈ રૂમમાં તમારી મુલાકાત કરાવી દઈશ. પણ તમારે કામ શું છે?

વૃદ્ધ કહે "તમને નથી કહેવું. I am not going to wait. Ask him to come to me."

રાજેશકુમાર કહે "એમ કરો, મને કામ કહો. જરૂર લાગે તો એમનું પ્રવચન પૂરું થાય એટલે તમે તેમની પાસે જાઓ."

"એમની પાસે જાઓ એટલે શું? હું એમના બાપનો નોકર છું? ગમે એવડો મોટો માણસ હોય, he should come to me near the gate, right now. હું એના બાપનો નોકર નથી કે એની પાછળ જાઉં."

હદ થઈ. સિક્યોરિટી તેમને ખભેથી પકડે તો બહારના ડીગનીટરી સામે દેખાવ થાય. રાજેશ કુમારે એટલું જ કહ્યું "sir, kindly mind your language. અને જીએમ ને મળવા આમ તો પીએ પાસે એપોઇન્ટમેન્ટ લેવી પડે. Tell me your grievance. Nothing more I can do till then."

એમ કહેતાં તેઓ બહાર નીકળી ગયા અને વૃદ્ધને તેમની પાછળ જવું પડ્યું.

વૃદ્ધએ પહેલાં તો બેન્કને ભાંડી. પછી એ બ્રાન્ચના સમગ્ર સ્ટાફને જ્યાં કોઈ તકલીફ થયેલી. કોઈ ઇન્ટરેસ્ટ પર ટેક્સ કપાયાનો કે વ્યાજનો કે એવો ટેક્નિકલ પ્રોબ્લેમ મૂળમાં હતો. તેમના મતે ક્લાર્કએ યોગ્ય જવાબ ન આપ્યો ન મેનેજરે.

તેઓ વાત કરતાં અતિ ભાવુક થઈ હવે રડતા અવાજે બોલવા લાગ્યા. 'મને કોઈ સાંભળતું ન હતું'

એવો એમનો સુર હતો. ગુસ્સાનું સ્થાન ડૂમો ભરેલી વાણીએ લઈ લીધેલું. એ શાખાના મેનેજર એ ફંક્શનમાં હાજર હતા. તેમને રાજેશ કુમારે તરત પીયૂનને કહી બહાર બોલાવ્યા. એમણે પોતે શું કહેલું, શું થઇ શકે કે ન થઈ શકે તે જે 'કહેલું એ બધું' કહ્યું. તેઓ સાવ ખોટા ન હતા. અને અનુભવી સિનિયર બ્રાન્ચ મેનેજર હતા.

વાતનો નિવેડો ત્યાં જ આવી ગયો. મેનેજર કે કલાર્કની વર્તણુંક તોછડી હોય તો ફરિયાદ કરવા પણ વૃદ્ધને કહેવાયું પણ એ શરતે કે બીજો સ્ટાફ કે ગ્રાહક આમ બનેલું એની સાક્ષી આપશે.

વૃદ્ધ 'મારે કાંઈ નથી કહેવું. મારૂં કામ કરી આપો. મને ઇન્સલ્ટ લાગ્યું એટલે અહીં દોડી આવેલો' કહી જતા રહેલા. હું વૉશરૂમ જવા ઉભો થઈ બહાર આવેલો એટલે એ અંતિમ ક્ષણોનો સાક્ષી હતો.

પછી શું? હું તો મારૂં એપ્રિશીએશન સર્ટિ. લઈ, સાચવી, ડિનર લઈ ઘેર આવ્યો. ચીફ મેનેજરે એ બ્રાન્ચ મેનેજરને પછી શું થયું એ પૂછેલું. એ કહેકાંઈ નહીં. વૃદ્ધ એનું કામ તો પતાવી આજનો ફાયદો ઉઠાવી બીજું કેટલુંક કામ પણ કરાવી જતા રહ્યા. વહેલો આવે એમનો નેક્સટ અસંતોષનો પ્રસંગ.

બેંકના કર્મચારીઓ 'બાપના નોકર' નથી, બેંકના તો ખરા ને? અને એ ગમે તે મુડમાં, બેન્કનો ગ્રાહક એટલે આડકતરી રીતે એના નોકર થયા એમ એ માનતા હતા. વાત એટલી જ કે નોકરને પણ 'તું મારા બાપનો નોકર છો' એમ ન કહેવાય. દરેક સંબંધોમાં ખોટું લાગે તો કહેવાના શબ્દો હોય. એ મર્યાદા ઉંમર થાય એમ વધવી જોઈએ, ઘટવી નહીં.

વૃદ્ધો ઉંમર થવા સાથે વધુ ટચી ને સેન્સિટિવ બનતા જાય છે, તેમની સાથે થાય એટલો પ્રેમ પૂર્વકનો વ્યવહાર કરીએ અને એટલીસ્ટ તેમને સાંભળીએ. એમને કોઈ સાંભળતું નથી એમ લાગે એમાં જ વધુ ઉકળતા હોય છે.

**