Featured Books
  • સિક્સર

    મેથ્યુ નામનો વ્યક્તિ હોય છે. તે દૈનિક ક્રિયા મુજબ ઓફિસથી આવત...

  • જીવન ચોર...ભાગ ૧ ( ભૂખ)

    ભાગ ૧  : ભૂખ મહાદેવી શેઠાણી: એ પકડો એને... પકડો.. મારા લાખો...

  • ડેટા સેન્ટર

    ડેટા સેન્ટર : ડિજિટલ યુગના પાવરહાઉસ એઆઇના વધતા ઉપયોગ વચ્ચે ભ...

  • સંઘર્ષ - પ્રકરણ 12

    સિદ્ધાર્થ છાયા Disclaimer: સિંહાસન સિરીઝની તમામ કથાઓ તેમાં દ...

  • એટૉમિક હૅબિટ્સ

    પુસ્તક: એટૉમિક હૅબિટ્સ, લેખક: જેમ્સ ક્લિયરપરિચય: રાકેશ ઠક્કર...

શ્રેણી
શેયર કરો

અમે બેંક વાળા - 28. જનરલ મેનેજર બોલ રહા હું

28. જનરલ મેનેજર બોલ રહા હું..
બેંકમાં ઘણાં ઘણાં કામ હોય છે. ઘણા ગ્રાહકો હોય છે અને દરેક ગ્રાહકને ઘણા ખરા કર્મચારીઓ ખાસ વ્યક્તિ જેવી ટ્રીટમેન્ટ આપતા હોય છે. હવે તો જેને ફૂટફોલ્સ કહે છે એ ગ્રાહકોની રૂબરૂ વિઝીટ્સ ઘટી ગઈ પણ મેં અગાઉનાં પ્રકરણોમાં લખેલું તેમ ગ્રાહકો સાથે મૈત્રીભર્યા સંબંધો રહેતા અને અમુક ગ્રાહકો કે તેના કર્મચારીઓ બેંકવાળા સાથે ટોળ ટપ્પા પણ મારી શકતા.
બેંકનાં કામ સરળ રીતે સીધે પાટે ગાડી ચાલે ત્યાં સુધી બેય પક્ષે ખબર પણ પડતી નથી કે કોનું કેટલું મુશ્કેલ કામ પણ ચપટી વગાડતાં થઈ ગયું. પણ ગાડી પાટેથી ખડે ત્યારે જ પરસ્પર ધીરજ અને સમજવાની જરૂર, કોઈ પણ માનવીય સંબંધોની જેમ રહે છે.
તો હું મણિનગર શાખામાં સિનિયર મેનેજર, બ્રાન્ચનો નં.2 હેડ. દોઢ બે વર્ષની ડાયરેકટ ઓફિસર તરીકે સર્વિસ કરેલા. એન્જીનીયરીંગ ગ્રેજ્યુએટ યુવાન અધિકારી વિપુલભાઈ મારી સાથે. તેઓ ઓફિસર ઓપરેશન્સ તરીકે વોલ્ટ, ડિપોઝીટ્સ, ડેબિટ કાર્ડ, નેટ બેન્કિંગ અને ઘણું પરચુરણ કામ એક સાથે સંભાળે. રોજની વીસેક ડેબિટ કાર્ડની વિવિધ એપ્લિકેશન મોકલે, એના મેઈલ કરે, આવે એટલે રજીસ્ટરમાં નોટ કરે અને સાંજે એ ન પહોંચી વળે તો બબડતાં ફફડતાં હું કરું અને ગ્રાહકોને લાંબા કે થોડા સમયથી પડી રહેલ કાર્ડઝ કે પાસવર્ડ લઈ જવા ફોનો પણ કરું. અમારી ટીમના બધા સભ્યો મારાથી ખાસ્સા નાના હોવા છતાં મારા અંગત મિત્રો બની ગયેલા.
એક યુવાન છોકરીનું ડેબિટ કાર્ડ, નેટ બેન્કિંગ પાસવર્ડ કે એવું અરજી મોકલ્યાના યોગ્ય સમય પછી આવતું ન હતું. એ એક બે વખત વિપુલભાઈને મળી ગઈ, તેમણે યોગ્ય જગ્યાએ મેઈલ વગેરે કર્યા પણ મેં ઉપર કહ્યું તેમ ગાડી પાટેથી ખડે ત્યારે જ સાચું જોવાનું થાય છે. એમાં અકળાઈને પેલીએ બારોબાર બીજી અરજી કરી નાખી. પણ કસ્ટમર આઈડી તો એક જ હોય એટલે એ બાવીનાં બેય બગડયાં. ન અગાઉનું લટકેલું આવ્યું ન નવું. કદાચ આગલું હવે બ્લોક થઈ
ગયું.
કેસ પેચીદો હતો. મેઈલથી કામ ચાલે તેમ ન હતું. એ છોકરી એક દિવસ ધુઆં પુઆં થતી પીક અવર્સમાં વિપુલભાઈને ટેબલે ઉભી ઘાંટા પાડી ગુસ્સામાં કાંઈક બોલવા લાગી. પછી કહે 'તમે બેંકવાળા સમજો છો શું? હું વકીલ છું. બેન્કિંગ લોકપાલમા અરજી કરી દઈશ. ફીટ કરી દઈશ.. એક્શન લેવાશે તો રોતાં નહીં આવડે..'
વિપૂલે પહેલાં તો એને સમજાવી કે કોઈ યોગ્ય કામ ન થયું હોય કે આર્થિક નુકસાન હોય તો જ લોકપાલ આવે અને એનું કામ હવે બીજી ઝડપી રીતે થશે જ. એ સમજવાના મૂડમાં ન હતી. આવે વખતે, એમાં પણ ભીડ હોય ત્યારે બળતામાં ઘી હોમી આનંદ લેવા તૈયાર નવરા 'ગ્રાહકો' હાજર હોય જ. એ પોતાની ચતુરાઈ બતાવવા લાગી. ખાલી એમ જ ઉભેલા ગ્રાહકો એને ચડાવી મઝા લેવા લાગ્યા.
અમારી, વખાણ સાથે ગાળો ખાઈ મોટી થયેલ પેઢી આવે વખતે કોઈ પ્રતિભાવ આપ્યા વગર મૂંગી થઈ રહે પણ નવી વધુ ફ્રી માઇન્ડેડ પેઢી અને યુવાન લોહી ન સાંભળી લે. (એવો જ એક બીજો કોઈ પ્રસંગ ભવિષ્ય માં લખીશ.)
વાત વધી પડે એ પહેલાં મારું તો કામ જ ફાયર ફાઇટિંગનું. હું વચ્ચે કુદી પડ્યો અને એને અંદર મારી પાસે બોલાવી.
'બાય ધ વે, તમે કઈ કોર્ટમાં વકીલ છો?' મેં પૂછ્યું.
'હું ક્રિમિનલ કોર્ટમાં છું. ગ્રાહક સુરક્ષાના કેસો પણ લડું છું. તમને લોકોને બતાવી દઈશ કે ડિજિટલ બેન્કિંગની સુવિધા મોડી આપવાથી મને નુકસાન થયું. તમારા બેય પાસેથી વળતર લઈશ..'
માતાજી કોપાયમાન થયેલાં. શ્રાપ આપવાનો જ બાકી હતો.
મેં એ સાડાબાર થી એક કે સવાનો કાયમી રશ પૂરો થાય તેની થોડી જ વાર હતી એટલે એને મારી પાસે બેસાડી. એણે વિગતો આપવામાં કોઈ ભૂલ કરી હશે કે ફોર્મમાં સહી ખોટી હશે, પહેલું કાર્ડ ઇસ્યુ થયું ન હતું. બીજું 'એપ્લી. ઓલરેડી ઇન પ્રોગ્રેસ ફોર કસ્ટમર'કહી લટકેલું. મેં બેય એપ્લિ. એના મોડ્યુલમાં જઈ રદ કરી અને એકાદ અઠવાડિયા પછી ફરી નવી એપ્લિ. મને બતાવી કરવા કહ્યું. હું એનું સ્પેશિયલ કુરિયર કરીશ એ પણ કહ્યું. એ ઠરી. પાણીબાણી મંગાવી પાયું. એનું વકીલ તરીકે પ્રેક્ટિસનું કાર્ડ જરૂર પડે તો સંપર્ક માટે માગ્યું. એણે ખાલી એક ચબરખી મારા ડેસ્ક કેલેન્ડરમાંથી જ ફાડી પોતાનો નંબર લખ્યો. વકીલ તરીકે તત પપ થવા લાગી. પણ શાંત થઈ મને થેંક્યું કહીને હાલ તો ગઈ.
વિપુલે મારી સામે જોઈ સૂચક સ્મિત કર્યું.
'તમે નકામી એને પંપાળો છો સર.' એમણે કહ્યું. કલ્પનામાં પણ એને પંપાળવા મળે એ વિચારે હું ખુશ તો થયો.
'આમાં એને ઉત્તેજન મળે છે હો હા કરવાનું.' એમણે કહ્યું.
વિપુલભાઈની વાત તો સાચી હતી. પણ આગ બુઝાવવાનો મારો ધર્મ હતો.
એની નવી એપ્લિકેશન આવી એ અમે બરાબર જોઈ મોકલી.
**
એક દિવસ સવારે દસ વાગે અમારે ફરજિયાત ગાવાની 'ઇતની શક્તિ હમેં દેના દાતા..' પ્રાર્થના પતી કે ફોન રણક્યો. મેં ઉપાડ્યો.
'મેં જનરલ મેનેજર મુંબઇ ઓફીસ સે બોલ રહા હું. કૌન અંજારીયા સા'બ?'
'યસ સર. ગુડ મોર્નિંગ. બોલીએ સર.'બત્રીસ તેત્રીસ વર્ષની નોકરીએ મેં આદત મુજબ હાથમાં રીસીવર રાખી સિનિયર સામે હોય તેમ ઝૂકતાં કહ્યું.
'આપ ઔર આપકે ઓફિસર વિરુદ્ધ કંપ્લેન હૈ. આપ … મેડમકા કાર્ડ ઔર નેટ બેન્કિંગ નહીં દેતે.'
'યસ સર. હમને નયા ફોર્મ .. બ્લા બ્લા..' મેં શરૂ કર્યું.
વિપુલભાઈ તરત ટેબલ છોડી મારી પાસે આવ્યા અને ફોન માંગ્યો.
' ગુડમોર્નિંગ સર. મે આઈ નો યોર ગુડ નેમ?' એમણે પૂછ્યું.
'ડીસીપ્લીન જેસી ચીજ હૈ કયા? જનરલ મેનેજર કા નામ પૂછતે હો?'
'કોઈ બાત નહીં. આપકા ડિપાર્ટમેન્ટ?' વિપુલભાઈએ આગળ પૂછ્યું.
'અરે જી.એમ. ઇ બેન્કિંગ હશે.' મેં ધીમેથી કહ્યું.
'સબ ડિપાર્ટમેન્ટ્સ કા હેડ હું. મેંને કહા ના, જનરલ મેનેજર મુંબઇ મેઈન ઓફીસ. સમજતે નહીં હો ક્યા? સસ્પેન્ડ હોના હૈ?' ફોનમાં પણ અવાજ ઊંચો થયો.
'પહલે આપકા ઇ.સી. નંબર બતાઈએ સર. મેં અભી સ્ટેટ્સ દું.' સહેજ પણ ગભરાયા કે ઢીલા પડયા વગર વિપુલભાઈએ કહ્યું.
'વો ઇ.સી. નંબર આપ જાનો. મેં તો કંપ્લેન મેં હૈ વો એકાઉન્ટ નંબર દું. આજ નહીં હુઆ તો કલ આપકી નોકરી ગઈ.' ફોનમાં કડક અવાજ.
ઠીક. ઇસી એટલે એમ્પ્લોયી કોડ એટલું પણ આ'જનરલ મેનેજર' ને ખબર નથી!
'આપકા ડિપાર્ટમેન્ટ ઔર એમ્પ્લોયી કોડ તો ચાહીએ ના?' ફરી વિપુલભાઈએ કહ્યું.
'તમીઝ તો હૈ ના! જનરલ મેનેજર સે નંબર પૂછતે હો?' સામેથી અતિ કડકાઈ ભર્યો અવાજ.
'સર, બીના એકશન ટેકર કે ઇ.સી. નંબર ઔર ડેઝીગ્નેશન કેસે કંપ્લેન સોલ્વ કરું?' વિપુલભાઈ એ ફેંકી.
'અ.. અર.. વો ડેબિટ કાર્ડ ડિપાર્ટમેન્ટ. નંબર.. અર.. xx695041. આપકો મેરે નંબરસે કયા લેના હૈ? કસ્ટમર કા કામ નહીં હોતા તો ઘર જા..'
વચ્ચેથી જ સામાન્ય રીતે હસમુખા વિપુલભાઈ એ બરાડો પાડ્યો - 'તોડીને ભડાકા કરી લે. હવે તારી ... આવશે તો પણ મદદ નહીં કરું.' સામાન્ય રીતે 'હેવ એ ગુડ ડે' કે 'બાય' કહી ફોન મુકતા વિપુલભાઈએ ફોન કટ કરી જોરથી મુક્યો. ટેબલે જઈ બોટલ કાઢી પાણી પીધું.
'તમારી લાડકી વકીલનો યાર હતો. એને ઇ.સી. નંબર એકલા આંકડાનો હોય એ પણ ખબર નહોતી. શું તમે પણ સર? આમ બ્હી જાઓ છો?' યુવાન લોહીએ કહ્યું.
જનરલ મેનેજર સીધો ફોન કરે નહીં અને કરે તો આવી ભાષા ન વાપરે એ વિપુલભાઈને ખ્યાલ આવી ગયેલો.
સાંજે હું એ એપ્લિ. નું ફેઈટ પૂછવા ફેક્સ કરતો હતો ત્યારે એમણે કહ્યું કે એમને તરત ડાઉટ ગયેલો કે આ ફેઈક માણસ છે. 'આપણે કસ્ટમરનું જલ્દી પતે એમ કરતા જ હોઈએ પણ જ્યારે કાંઈક ખોટું થાય ત્યારે ખોટો ગુસ્સો કે આવું ખોટું ન કરતા હોય લોકો તો?' એમણે કહ્યું.
ચારેક દિવસમાં એ છોકરીનું કાર્ડ કે નેટ બેન્કિંગનું આવી પણ ગયું.
'વકીલ'સાંજે કસ્ટમર અવર્સ પછી આવી. મિલિયન ડોલર સ્માઈલ આપતી વિપુલભાઈ સામે બેઠી. તેઓ એનો પાસવર્ડ એક્ટિવ કરાવી રહ્યા હતા. પેલી એમને ઘાયલ કરતી હોય એમ મોં માં મોં નાખી બેઠી હતી. બેય ઝુકેલાં હતાં એકમેક તરફ.
મેં મારી પાછળની તાલ પર હાથ ફેરવ્યો. હું તો પીળું થતું પાન ભાઈ. જુવાનીયાંઓ, મઝા કરો.
બેંક અધિકારીઓને આમેય ગ્રાહકો સાથે મીઠા સંબંધો રાખવા તો કહેવાય છે!
એ છોકરીના દોસ્ત કે જે હોય તે 'જનરલ મેનેજર' અત્યારે ક્યાં હશે? મેં વિચાર્યું.
***