અમે બેંક વાળા -1 SUNIL ANJARIA દ્વારા પુષ્તક અને વાર્તા PDF

Featured Books
શ્રેણી
શેયર કરો

અમે બેંક વાળા -1

1

ગૃહસ્થાશ્રમ ના 25 વર્ષ કહેલાં છે પણ એનો અર્થ કમાવા ધમાવાની જિંદગી ગણો તો મારો ગૃહસ્થાશ્રમ કેટલો લાં.. બો ચાલ્યો,ખબર છે? લગભગ 40 વર્ષ!! હા. એક બેંકમાં ક્લાર્ક તરીકે દોઢેક વર્ષ અને બીજી બેંકમાં ડાયરેકટ ઓફિસર થઈ 38 વર્ષ 11 મહિના અમુક દિવસ. પગાર કોઈને પુછાય નહીં કે કહેવાય નહીં પણ 175 બેઝિક પર 450 જેવો પહેલો અને 6 આંકડામાં છેલ્લો.

અનેક સારી,નરસી લાગણીઓ ઉમટી આવે છે બેંક પર લખતાં. કુલીનચંદ્ર યાજ્ઞિકની વહીવટની વાતો અને સુવિખ્યાત કોલમ ડોકટરની ડાયરી તો આપ સહુએ વાંચી હશે. બેંકના જીવન પર લખવાનો આ પ્રયાસ. એ સાથે વહેતું લોક જીવન પણ વણાઈ જશે.

મેં નક્કી કરેલું કે બસ બેંકનું બધું ભુલી જવું. પણ જ્યાં એક જિંદગી એને આપી હોય એ અંતરમાં, કહો શ્વાસ પ્રાણમાં વ્યાપી રહી હોય તો બહાર આવવા કુદી રહે એમાં શી નવાઈ! નિવૃત્ત થયે લખતાં લખતાં થયું લાવો બેંકને અડીને જતી મઝેદાર વાતોની નદીમાં આપ સહુંને છબછબિયાં કરાવું.

બેંકની બધી અંતરંગ વાતો ન લખાય પણ વાંચકોને મઝા પડશે એમ લાગતાં અલગ અલગ સમયના ટુકડાઓ સ્મૃતિમાંથી કે કોઈના જોયા સાંભળ્યા હોય એ મુકવા વિચાર છે. બેંકની વાતોનું તો સ્વાભાવિક રીતે પુર ઉમટે.પણ વાચકોને રુચિ પડે એવા પ્રસંગો અલેખવાનું ધ્યેય છે. કાઉન્ટર પાછળ બેઠેલો બેંકવાળો કેટલાકની ઇર્ષ્યાનું, કેટલાકનું રોષ કે મઝાક કે માન આદર કે પૂર્વગ્રહનું પાત્ર છે.

બેંક બહારથી જુઓ તો ચકચકિત કાઉન્ટરો, કાચની કેબીન, એટીએમ , અંદર બેઠેલા ક્યાંક એકદમ દેખાવડા યુવાન યુવતીઓ તો ક્યાંક ક્યાંક પાકટ લોકો દેખાય। લોકોને માટે બેંક એટલે પૈસાની લેવડદેવળનું સાધન। બેંક અર્થતંત્રની જીવાદોરી છે અને મારી જેવા કેટલાય લોકોની જીવાદોરી, કહો કેઅન્નદાતા. એક પેઢી હતી જયારેબેંકની નોકરી ડોક્ટર અને એન્જીનીયર પછી સામાજિક મોભામાં તુરતના ક્રમે આવતી. કેમ એવું હશે? એ વખતે કોઈ પાસે ઘર ન હતાં અને બેન્ક કર્મચારીને 3 વર્ષે હાઉસિંગ લોન મળતી. બેંકની નોકરી ખુબ મોભાદાર ગણાતી.

કન્યાઓને બેંકવાળો જલ્દી પસંદ પડતો કેમકે ડોક્ટર તો ડોક્ટરને પરણે, એન્જીનીયર આજની જેમ ઘણા ન હતા.

પહેલા બેંકો પોતાની એન્ટ્રન્સ પરીક્ષા લેતી પછી ૧૯૮૧ માં બી એસ આર બી રચાયું. તેજસ્વી વિદ્યાર્થીઓ છાપામાં જાહેરાત જુએ એટલે ૧૮ વર્ષની ઉંમરથી જ બેન્કની પરીક્ષા આપવા લાગે. જો પસંદ થયો તો સોનાના ઈંડા મુકતી મુર્ગી! એ વખતે પણ ક્લાસ ચાલતા. બેંકમાં પરિક્ષા આપવા S.S.C. લઘુત્તમ શૈક્ષણિક ધોરણ. સીધા ઓફિસર થવા માટે ગ્રેજ્યુએટ. એની પરીક્ષા અઘરી રહેતી. 1969માં રાષ્ટ્રીયકરણ થયું ત્યાં સુધી તો કોઈ અધિકારીના સગપણમાં કે કોઈની ભલામણ હોય એટલે ઇન્ટરવ્યૂ લેવાઈ ભરતી. પછી ૧૯૭૫ બાદ ખેતીને મહત્વ અપાતા અને સરકારી કાર્યો માટે બેન્કની અને એટલે એના કર્મચારીઓની એટલી તાતી જરૂરિયાત ઉભી થઇ કે દરેક બેંક દર વર્ષે ભરતી કરવા લાગી . એક મોટો બેચ તેવા ઓફીસરોનો ૭૭-૭૮ માં આવ્યો. B.SC. થઇ પણ બેંક જેવી સારી નોકરી ક્યાં એમ ગણી ખુબ મોટો, જે લોકો મેડિકલ કે એન્જી. માં થોડા માટે રહી ગયા હોય એવો વર્ગ બેંકમાં ભરતી થયો. એગ્રી. ઓફિસરો તો સરકારી ખાતા કરતાં ખુબ વધુ (એટલે કે ૨૦૦ થી ૨૫૦ જેટલા) રૂ. મળતા હોઈ બેન્ક તરફ આકર્ષાયો. એ આખી પેઢી બે ચાર વર્ષ પહેલાં રીટાયર થઇ. હું ડાયરેક્ટ ઓફિસર માં સિલેક્ટ થતા પહેલા એક બેન્કમાં ક્લાર્ક તરીકે પસંદ થઈ કામ કરી ચુકેલો.

તો આપું મારા અને મારી આસપાસના બેન્કની દુનિયાના અનુભવો। માણો અને પ્રતિભાવો આપો, ખરેખર બનેલા પ્રસંગો શેર કરો. નોકરીમાં ગ્રાહક સર્વેસર્વા હતો હવે મારા વાંચક.