Featured Books
શ્રેણી
શેયર કરો

અમે બેંક વાળા - 30. હરિ ના હાથની વાત..

હરિના હાથની વાત..

1972 ની સાલ. શ્રી એ. વી. માત્ર છ વર્ષની ક્લાર્ક તરીકેની સર્વિસ બાદ પ્રમોટ થયા. સામાન્ય રીતે લોકોને દસ બાર વર્ષ તો લાગતાં જ. તેમને આનંદ થયો કે ગ્રાહકોને સારી સેવાઓ આપી અને ખંતથી કામ કર્યું એનો સમયસર બદલો મળ્યો.

તેમને કચ્છમાં એક સારી બ્રાન્ચમાં પોસ્ટીંગ મળ્યું. ડાયરેક્ટ ઓફિસરો આવે તેની નજીકની ઉંમરે પ્રમોટ થઈને આવતા આ અધિકારીને અગત્યનાં કામોમાં પલટવા મેનેજર પણ રસ લેવા લાગ્યા.

શ્રી એ.વી. સોમ થી શુક્ર મોડી સાંજ સુધી કામ કરે. શનિવારે અર્ધો દિવસ હોય. અમુક મિત્રો બન્યા તેઓ ભુજ ફિલ્મ જોવા જાય સાથે તેઓ પણ જાય. એ સાથે અમુક મિત્રો તે શહેરની એલ.આઇ.સી. અને વિદ્યુત બોર્ડ કચેરીના પણ જોડાયા. ફિલ્મ મોડી કે વહેલી હોય અને જમીને પાછા ફરવાની વાર હોય ત્યારે અમુક મિત્રો સ્વામિનારાયણ પંથના હોઈ સત્સંગ માટે જવા લાગ્યા. "હું મારો શિવ પંથ (હાટકેશ્વર) છોડીશ નહીં. બે સારી વાતો સાંભળવા ચોક્કસ આવીશ" એ શરતે તેઓ આ યુવાન મિત્રો સાથે જવા લાગ્યા. સત્સંગ વખતે સ્વામી કોઈ મોટો ધાર્મિક ઉપદેશ આપતા નહીં પણ જીવનોપયોગી સારી અને સરળ વાતો કહેતા. તેમનું નામ ધ્યાની સ્વામી. આપણા મિત્ર એ.વી. ને સ્વામી કહે કે તું રોજ પાંચ માળા ઈશ્વરનું નામ લે, ઘણો ફાયદો થશે. મિત્ર કહે હું શિવપંથી છું. હા, તમારી વાતો મને ગમે છે એટલે આવતો રહું છું. સ્વામીજી કહે તમારી બધી બેન્કોના ઉપરી જેમ રિઝર્વ બેંક તેમ બધા જ ભગવાન દ્વારા કંટ્રોલ કરતી એક જ સુપ્રીમ શક્તિ છે. એટલે જે પણ ઈશ્વરને ભજીએ, જરૂર ભજીએ અને સાચા અંતરથી. બાકી કામમાં પ્રમાણિકતા, વ્યવહારમાં નિયમિતતા, સમયનું અનુશાસન એ બધું સુખ અપાવે જ છે. તું એ બધું કરે જ છે તો ચાલુ રાખ.

એ વખતે છાપામાં બે કરૂણ બનાવો આવ્યા. એક ક્લાર્ક ગોડાઉનમાંથી મોટાં લેજરોની થપ્પીઓમાંથી જોઈતું લેજર લેવા ગયો અને આખો ઊંચો ઢગલો તેની માથે પડતાં દટાઈને મૃત્યુ પામ્યો. એક શાખામાં વોલ્ટમાં કોઈ કારણે બંધ થવા સમયે બેંકના કામ અર્થે ક્લાર્ક ગયો અને બહારથી તેની હાજરી હવે નથી તેમ માની મેનેજર, કેશિયરે વોલ્ટ બંધ કરી દીધો. તે ક્લાર્ક ગુંગળાઈને રાત્રી દરમ્યાન મૃત્યુ પામ્યો. સત્સંગી મિત્રો અને બેન્કિંગ સર્કલોમાં અરેરાટી મચી ગઇ.

એવામાં સત્સંગીઓને પોતાની આસપાસ થતી પ્રવૃત્તિઓ પ્રત્યે સજાગ રહેવા, કામમાં એકાગ્ર થવા સાથે પણ અમુક બાહ્ય વાતાવરણનું ધ્યાન રાખતી ઇન્દ્રિયો સતેજ રાખવા દ્યાની સ્વામીએ કહ્યું. ઉમેર્યું કે એટલા માટે શતાવધાની થવાની જરૂર નથી. ઓચિંતું એ.વી. તરફ જોઈ, એમની આંખમાં આખ પરોવી કહે "ધ્યાન રાખવા ઉપરાંત જો કોઈ કટોકટી, કોઈ સંકટ આવી પડે તો બધી ઇન્દ્રિયો અંદર ખેંચી હરિ નું નામ લેવું. તમારા હાથની વાત નથી તો તે હરિ ના હાથની વાત છે. કેમ બરાબર ને એ.વી.? સમજ્યા ને? "

તેમણે હા તો પાડી પણ આ વાતને સત્સંગ સાથે શો સંબંધ એ પ્રશ્ન થયો.

નજીકના જ સમયમાં એમના મેનેજરે કહ્યું કે આજે શનિવાર છે. કંડલા પોર્ટ ટ્રસ્ટની ટ્રંકો ભરીને ફિક્સ ડિપોઝિટની રસીદો આવે છે જે તેઓ બેંકમાં સેફ કસ્ટડીમાં મૂકે છે. અમુક ટેંડર પૂરાં થતાં આ રસીદો તેમને પોતાના ખાતામાં લેવી છે એટલે આપણે ગાંધીધામ શાખા જઈ એ બધી રસીદો બેગો માંથી ગોતી લાવવાની છે. તમે મારી સાથે ચાલો. શ્રી. એ. વી. જીપમાં મેનેજર સાથે ગાંધીધામ ગયા. ત્યાંના સિનિયર મેનેજર ની કેબિનમાં બેસી ચા, બિસ્કીટ ની ફોર્મલ મહેમાનગતિ પછી મેનેજર અને એ.વી. એક સ્ટ્રોંગ રૂમ કહેવાતા ખૂબ સુરક્ષિત વોલ્ટમાં તેમનાં કામ માટે પ્રવેશ્યા. સાથે એ શાખાનો પિયુન ટ્રંક ઉતારવા ચડાવવા આવ્યો. ટ્રંક ઉતારે એટલે તે ખોલી બધી નંબરો સાથેની થપ્પીઓની ગાંસડીઓ બહાર કાઢી, જોઈતા નંબરોની થપ્પી ગોતી, જોઈતી રસીદો એક નોટ કરે બીજો કાઢીને પોર્ટફોલિયોમાં મૂકે. એમ ને એમ બાર સવાબાર થઈ ગયા.

ત્યાં એ બ્રાન્ચનો બીજો પીયુન અંદર આવીને મેનેજરને કહે કે તમારો ઝોનલ ઓફિસથી લાઈટનીંગ કોલ છે. (એ વખતે ટ્રંક કોલ કરવા પડતા. ટેલિફોન ઓપરેટર નંબર જોડી આપે એટલે બહારગામ વાત થાય. બહુ અર્જન્ટ હોય તો લાઈટનીંગ કોલ કરે, તેનો ચાર્જ કદાચ છ ગણો રહેતો. એસ.ટી. ડી. નો જન્મ થયો ન હતો.)

મેનેજર "તમે કામ ચાલુ રાખો, હું આવ્યો" કહી ગાંધીધામના મેનેજરની કેબિનમાં ફોન લેવા દોડ્યા. એ બ્રાન્ચનો પીયુન હવે પેટીઓ ઉતારવાની નથી ત્યાં જમી આવું કહેતો જમવા ચાલ્યો ગયો.

આ કીંમતી વસ્તુઓ રાખવાનાં લોકોનાં ખાનાં હોય એવો લોકર રૂમ નહીં, સ્ટ્રોંગ રૂમ હતો. તેને બહારથી પ્લગ ખેંચી અંદરની લાઈટો થાય અને બે ખાસ જાતની ચાવીઓ ખાસ રીતે ગોળ હેન્ડલ ફેરવો એટલે ખૂલે એવો હતો. બંધ કરવા ખાલી લાઈટનો પ્લગ ખેંચી લાઈટ બંધ કરી પેલું હેન્ડલ ફેરવવાનું અને ખાસ જાતની મોટી ચાવીઓ લગાવવાની.

બ્રાંચના બીજા પિયુન કે કોઈ કર્મચારી ટોઇલેટ જવા નીકળ્યો તેણે જોયું કે સ્ટ્રોંગ રૂમ ખુલ્લો છે અને કોઈ દેખાતું નથી. એ.વી. થોડા બહાર તરફ આવીને પણ અંદર એક ખૂણામાં બેઠેલા અને કામમાં એકધ્યાન હતા. પેલા કર્મચારીએ બહારથી લાઈટનો પ્લગ ખેંચ્યો, વોલ્ટ નું ડોર બંધ કર્યું અને…

અંદર ઘોર અંધકાર છવાઈ ગયો. એ.વી. પોતે પોતાના હાથ પગ પણ જોઈ ન શકે એવી સ્થિતિ હતી. તેમણે હાથ ફંફોસી થપ્પીઓમાંથી છૂટી પાડેલી રસીદો પહેલાં તો હાથ આમ તેમ ફેરવી એ લોખંડની ટ્રંક ગોતી તેમાં મૂકી દીધી. પોતાનું જે થાય એ, કરોડોની રસીદોમાંથી એક પણ બહાર નીચે ન રહેવી જોઈએ. તેઓ ઊભા થયા અને આમતેમ નજર ફેરવી. આ તો સ્ટ્રોંગ રૂમ! વેન્ટિલેટર પણ સીલ હોય. ક્યાંક ઉંદરની લીંડીની કે એવી ગંધ આવી. તેઓ નીચે સૂઈ લસરતા આગળ વધી એક કાણું દેખાયું ત્યાં ગયા. ગંદો ખાળ બહાર હશે, અહીં તો જાળી પણ સીલ અને આડી લોખંડની જાડી જાળી. તેમણે ક્યાંકથી પેપર વેઇટ જેવું હાથમાં આવ્યું એ નાની જાળી પર ટોચ્યું. કોણ સાંભળે? તેઓ દીવાલનો સહારો લેતા અડસટ્ટે મેઇન ડોર તરફ ગયા. આવામાં પણ તેમને લખચોર્યાસીના ફેરાની વાત યાદ આવી કે મુક્તિનું દ્વાર નજીક આવતાં જ મનુષ્ય હાથ લઈ લે છે અને ફરી એ ફેરો ચાલે છે. તેઓ તો પૂરા સતર્ક હતા. ગેઈટ હાથમાં આવ્યો. તેમણે લેજર, મહા મુશ્કેલીએ ઊંચકેલી લોખંડની પેટી, એ બધું દરવાજા સાથે અથડાવી બૂમો પાડી પણ વ્યર્થ. આવાં જાડાં ડોર માંથી અવાજ બહાર કેમ જાય? તેઓ બેસી ગયા.

ઓચિંતો તેમને ધ્યાની સ્વામીનો સંદેશ યાદ આવ્યો - "બધું ધ્યાન રાખવા છતાં જો કોઈ કટોકટી, કોઈ સંકટ આવી પડે તો બધી ઇન્દ્રિયો અંદર ખેંચી હરિનું નામ લેવું. તમારા હાથની વાત નથી તો તે હરિ ના હાથની વાત છે."

તેઓ સ્ટ્રોંગરૂમના ગેઈટ પાસે બેસી ગયા અને સંપૂર્ણ હળવા થઈ ગયા. હવે માત્ર ભગવાનનો સહારો. તેમને ક્ષણિક લાગ્યું કે દૂર બેઠાં દ્યાની સ્વામી કોઈ પ્રાર્થના કરે છે.

તેમના મેનેજર પેલા અરજન્ટ કોલની વાતમાં કદાચ ડિસ્ટર્બ થતાં એ.વી. અંદર છે એ ભૂલી ગયેલા અને મારતી જીપે પોતાની શાખાએ પાછા જતા રહેલા.

જમીને પાછા આવતા કે શનિવાર હોઈ ઘેર જઈ રહેલા પીયુનને ઓચિંતો ખ્યાલ આવ્યો કે સ્ટ્રોંગ રૂમમાં તો એક સાહેબ બેઠેલા ને રસીદો નોંધતા હતા! તેઓ જમ્યા હશે કે નહીં? અત્યારે તો જો ભૂલથી પુરાઈ ગયા હોય તો જીવતા હશે કે નહીં! તે ઝડપથી બેંકમાં પરત ફર્યો.

સાંજે ચાર નજીકનો સમય. શનિવાર હોઈ કેશ તો ક્યારની મુકાઈ ગયેલી. લોકર પણ બંધ. સ્ટાફ પોણા ત્રણે જતો રહેલો. સ્ટ્રોંગ રૂમ તો બંધ જ હતો તે ખાતરી કરી મેનેજર, એકાઉન્ટન્ટ ઘેર જવા નીકળતા હતા. તેમણે બન્નેએ સ્ટ્રોંગ રૂમની લાઈટનો પ્લગ નીચે છે અને ગેઈટનું ચક્કર બંધ છે તેની ખાતરી કરી અને બ્રાન્ચની લાઈટો બંધ કરતા હતા ત્યાં એ પીયુન દોડતો, હાંફતો આવ્યો અને એને યાદ હતું એ કહ્યું.

તરત જ સ્ટ્રોંગ રૂમ ખોલવામાં આવ્યો, લાઈટો થઈ અને.. મેઇન ડોર થી થોડે જ દૂર એ.વી. બેઠેલા! તેમણે અત્યાર સુધી બાજુમાં મૂકી રાખેલ ચશ્માં ચડાવ્યાં.

નવાઈની વાત, તેઓ આજે પણ કહે છે, એ હતી કે સાડા ચાર કલાક આવી બંધિયાર, ધૂળ ભરેલી જગ્યાએ, ખીચોખીચ પેટીઓ વચ્ચે સાવ થોડી ખુલ્લી જગ્યામાં બંધ રહેવા છતાં તેમને ન પરસેવો વળ્યો કે ન ગૂંગળામણ થઈ શ્વાસ રૂંધાયાનો અનુભવ થયો.

તેઓ ઘેર ત્યાંથી કોઈ સાથે જ સંદેશ મોકલી (તે વખતે ઘેર ઘેર ફોન ન હતા.) જાણ કરી સીધા ગાંધીધામથી ભુજ ધ્યાની સ્વામી પાસે દોડી ગયા અને તેમનાં ચરણોમાં પડી ગયા. સ્વામીનાં મોં પરથી લાગતું હતું કે આવું બનશે અને પોતે બચી જશે તે તેમને ખ્યાલ હતો.

બધા ભગવાનો અલગ અલગ બેન્કો ની જેમ છે, સહુની કંટ્રોલીંગ ઓથોરિટી એક જ છે, 'સ્વામી એ જ નારાયણ.' એ યાદ કરી તેઓ એ ક્ષણથી સ્વામિનારાયણી બની ગયા. શરૂમાં એક બીજાને 'જય હાટકેશ' કહેતી નાતમાં તેમની મશ્કરીઓ થઈ, વિરોધ થયો પણ તેઓ એ ધર્મ પાળવા સાથે હાટકેશ પુત્રો કહેવાતા શિવપંથીઓ વચ્ચે સહુના લોકપ્રિય બની રહ્યા .

શ્રી એ. વી. આજે 76 વર્ષ ઉપરના છે, સ્વસ્થ છે, સારા ગાયક અને કલાકાર છે.

***