બદલાવ Falguni Dost દ્વારા પુષ્તક અને વાર્તા PDF

Featured Books
શ્રેણી
શેયર કરો

બદલાવ

મારુ મન મારા કાબુમાં ન હોય ત્યારે હું એક જ કામ કરું, અને મારા બધા જ દુઃખ, સુખ, લાગણી, બેચેની, પ્રેમ, અજમ્પો બધું જ મારી ડાયરીમાં ઉતારું...ક્યારેક પહેલા ઉતારેલ હોય તેને ફક્ત વાંચીને પણ હું મારા મનને બધી જ બાજુથી સમેટીને મારી ડાયરીમાં જ બંધ કરી દઉં... આજ એમ જ મન વધુ આકુળવ્યાકુળ હતું. કારણ કોઈ ચોક્કસ સમજી જ નહોતી શકતી પણ કઈ જ ગમતું નહોતું. આથી મેં મારી ડાયરી ખોલી અને મારા મનની ઉલજનોને બહાર કાઢવા લાગી હતી.

દર્દ સરે છે,
અને કવિતા રચે,
દર્દે વાહ થૈ!

મેં આ હાઈકુ મારી ડાયરીમાં લખ્યું અને ત્યારબાદ એક પછી એક વિચારો આપોઆપ લખાતા જ ગયા. મનમાં આજ કેટલાય પ્રશ્નો ઉદ્દભવી રહ્યા હતા. હું ઘણી વાર અચાનક ઘણા સમય બાદ મળ્યા હોય એમને પૂછતી હોઉં છું, શું તમે મને જાણો છો??

આજ મેં મારી જાતને જ પ્રશ્ન કર્યો શું હું મને જાણું છું? શું હું જે વ્યક્તિત્વ ધરાવું છું, હું એજ વ્યક્તિ બનવા ઈચ્છતી હતી? મેં મારુ આવું વ્યક્તિત્વ હું બનાવું એવું ઇચ્છયું હતું?? શું હું મારા આ વ્યક્તિત્વથી ખુશ છું??

આ બધા જ પ્રશ્નનો મને જવાબ ના જ મળતો હતો. હા, હું બીજાના મોઢે એવું કદાચ કહી પણ દઉં કે, હું બરાબર જ છું... પણ અંતરાત્મા મને ખોટી પાડે છે.

હા, એ તો ઠીક જ છે કે હું નોર્મલ છું પણ મારી સામે કોઈનું અહીત થાય તો પણ હું નોર્મલ જ રહું એ શું યોગ્ય છે?? ના નથી જ... આથી જ આજ મને મારા પર હદ થી વધુ ગુસ્સો આવી રહ્યો હતો.

રસ્તામાં જતી હોઉં અને કોઈ એલફેલ બોલી જાય તો ઝગડો ન થાય એ માટે હું જતું કરું.. હું એક ક્ષણનો ઝગડો રોકી ને સામે ની વ્યક્તિને લીલું સિગ્નલ આપી દઉં કે તું સાચો છે.. કર તું ... પણ જો હું ત્યારે જ એક તમાચો એના ગાલ પર લગાડી દઉં તો એ મારી સામે તો ઠીક પણ બીજા સાથે પણ ગેરવર્તન કરતા પહેલા વિચારશે જરૂર...

ક્યારેક કોઈ મિત્રની સાસરીમાં કોઈ તકલીફ હોય તો હું એને એ સાચી હોય છતાં સલાહ એમ જ આપું, હોય બધેય એવું જ.. જતું કરવું... સાસરિવારા પણ જ્યાં સુધી વહુ ચુપચાપ સહન કરે ત્યાં સુધી એના પર કામ ને મેણાનો ભાર થોપ્યા જ કરે... પણ જો હું મારી મિત્રને એમ કહું કે, તારે ફરજ અવશ્ય બજાવવી પણ ખોટો ઉપયોગ તારી મર્યાદાનો થતો હોય તો એકવાર અન્યાય સામે અચૂક અવાજ ઉઠાવવો.. તો કદાચ એક જીવ નું શોષણ થતું ન અટકે??

શેરી કે ઘરની આસપાસ ગાયને એઠવાડ ખવડાવતી મારા સહીત મેં બધી જ મહિલાઓને જોઈ છે. શું એ આમ અનુસરવું યોગ્ય જ છે?? ના ગાયમાં ૩૩કરોડ દેવી દેવતાનો એમાં વાસ છે એમ કહી એની હિન્દૂ ધર્મમાં પૂજા થાય છે તો શું ખોરાક ખરાબ થઈ ગયો હોય તો ગાયને આપી દેવું એમ સાંભળી લેવું યોગ્ય છે? એક વાર હું મારા ઘરમાં જ ના પાડું તો મારા પરિવાર માંથી આવું ગાયમાતાનું અપમાન બીજી વાર ન થાય ને??

લેટેસ્ટ યુગમાં રહી આખું પ્રાચીન વર્તણુક અમલમાં લઈને બાળકોમાં ધર્મના નામે કોઈ જ શિક્ષણ આપવાને બદલે મોબાઈલ હાથમાં આપી ટિક્ટોક અને ઈન્સ્ટામાં વિડિઓ અપલોડ કરતા ૩વર્ષના બાળકને પણ લેટેસ્ટ મોમ શીખડાવે છે.. પણ એ લેટેસ્ટ રીતભાત ઘડપણે પાણીનો ગ્લાસ આપે એવો ઉછેર બાળકોમાં કરી શકશે?? કદાચ હું મારા જ દીકરાની સામે નવરાશના સમયે વગર મોબાઈલ બેસું તો એનો પણ રસ ઓછો ન રહે મોબાઈલ માટે??

આવા તો અનેક પ્રશ્ન મને મારી આંખ સામે આવી મને મારુ વ્યક્તિત્વ દેખાડી શર્મિદગી ઉપજાવી ગયા.

શું તમે આ વાંચતા આવા પ્રશ્નો તમારી જાતને કરો તો તમને શું જવાબ મળે?? કદાચ એક સેકન્ડ માટે પણ એવું લાગે કે વાત તો સાચી છે, તો શું આપણે આપણામાં રહેલી નકારાત્મકતાને દૂર કરી એક હકારાત્મકતાવારી માનવતા, કે જે આપણી સંસ્કૃતિનુ પણ ઉતરોતર પેઢીને અર્પણ કરાવતા શીખવીએ એવું વ્યક્તિત્વ આપણુ ન બનવું જોઈએ??

ભલે બદલાવ થોડો જ લાવવો પડે પણ એ ખુબ મોટી હકારાત્મક અસર આપે એ નક્કી છે.

આટલું લખીને મેં મારુ મન મારી જાતને વચન આપી હળવું કર્યું કે મારો પ્રયાસ જરૂર હશે એક બદલાવ માટે...