The wall speaks! books and stories free download online pdf in Gujarati

દીવાલ બોલે છે !

"દીવાલ બોલે છે !"

આધુનિક યુગના યંત્રવત સમયના શૈક્ષણિક માહોલમાં અદ્યતન તકનીકીને અપનાવી શિક્ષણ કાર્ય માટે એક અનુભવી પણ પ્રાચીન પદ્ધતિથી ટેવાયેલ એવા એક શિક્ષકની માનસિક સ્થિતિ વિશે કે જે આવનાર ભવિષ્યમાં થઈ શકે - ૨૦૩૦ પછી..


લગભગ અઠ્ઠાવનની ઉંમરે પહોંચેલા એવા મનુભાઈ શિક્ષક ધીમા ડગલે ચાલતા ચાલતા શાળાના દરવાજે પહોંચ્યા. ત્રિસેક વર્ષથી જે શાળામાં કામ કરતા હતા ત્યાં છેલ્લા દસેક વર્ષથી અસંખ્ય પરિવર્તનો થતાં જોયા ને અનુભવ્યા. પણ બાપળો શિક્ષક જીવ, કરે તોય બીજું શુ કરે? વિદ્યાર્થીઓ વચ્ચે જીવન વ્યતીત થાય અને શેર એક લોહી ચડે એવો એનો જીવ !


હવે તો વર્ષો વીત્યા, શાળાઓ સ્કૂલ બની, પછી ઇન્સ્ટિટ્યૂટ બની, અને હવે મલ્ટીટેક એડયું સેંટર જેવા નામ અપાઈ ગયા. એકવીસમી સદી પણ તેના મધ્યયુગમાં પહોંચી ! દરેક દેશ કે દેશનાં નાનાં-મોટાં સીમાડાય અદ્યતન ટેચનોલોજીનાં રંગમાં રંગાઈ ગયા.

મનુભાઈનું મન ચકડોળે ચડ્યું હતું. જૂની શિક્ષણરીતિ અને હવેની ! વીસ વર્ષ પહેલાંનું શિક્ષણ, પ્રાચીન શિક્ષા પદ્ધતિ, અને હવે સંપૂર્ણ ટેકનો કલ્ચર ! બાળકો પણ ડિજિટલ પેડ લઈને આવતા થયા. હાથમાં સ્માર્ટ વોચ તો ફરજીયાત! દરેક શિક્ષકને ખાસ પ્રકારનું શૂટ. ધોતી-ઝભ્ભાઓ ૧૯૭૦ પછી તો લગભગ ગાયબ થવા લાગ્યા'તા, પછી લેંઘા-ઝભ્ભાઓ, ને આવ્યા પેન્ટ-શર્ટ! એમાંય ટાઈ ઉમેરાઈ - જે ઇ.સ. 2030 પછી તો ભાગ્યે જ દેખાય! અને હવે, શિક્ષક જાણે સ્પેસમાં જવા નીકળ્યો હોય એવો લાગે ! ડિજિટલ જમાનો અને વળી રેડિએશન એબસોર્બ થાય એવા કાપડનો યુનિફોર્મ ! શાળાનાં એક દરવાજામાં પ્રવેશતા જ પૃથ્વીથી દૂર કોઈ સ્પેસ સેન્ટરમાં પહોંચ્યાંનો અનુભવ થઈ આવે! "મિસ્ટર મનુ. ગુડ મોર્નિંગ. વેલકમ ટુ એડયૂસેન્ટ. પ્લીઝ કીપ યોર થંબ હિઅર." મનુભાઈ દીવાલ તરફથી આવતા અવાજની સૂચના પ્રમાણે યંત્રવત અનુસર્યા. " નાવ, કીપ યોર આઈ સ્ટ્રેઇટ હિઅર. થેન્ક યુ. યુ કેન પ્રોસીડ." મનુભાઈ આગળ ચાલ્યા. અંદર પ્રવેશી પાછું બસ્સોએક મીટર જેવું ચાલવાનું. રસ્તામાં કોઈ વૃક્ષ નહીં, કે નહીં સૂર્ય પ્રકાશ ! એક સળંગ એવો રસ્તો ચોતરફ ડિજિટલ દિવાલોથી ઘેરાયેલો. જો વચ્ચે થોભ્યા તો "કીપ વોકિંગ, યુ આર નિયર ટુ યોર ડેસ્ટિનેશન" એવો અવાજ નજીકની દીવાલમાં લાગેલા કોઈ યંત્રમાંથી આવ્યા વગર રહેજ નહીં! અન્ય શિક્ષકો તેમજ વિદ્યાર્થીઓ પણ એ જ રસ્તે ચાલી ટ્રેનિંગ રૂમ તરફ જતા દેખાય. જાણે રોબોટિક દુનિયામાં પહોંચી ગયા હોય એમ મનુભાઈ નિત્યની જેમ પોતાની સ્માર્ટ ચેમ્બરમાં પહોંચ્યા. "ગેટ રેડી ફોર યોર કલાસ" અહીં પણ દીવાલ બોલતી હશે. મનુભાઈ માટે કાંઈ નવું નહોતું. એ પોતાની રોજની ટેવ પ્રમાણે એના કલાસ માં પહોંચ્યાં. ક્લાસમાં દસ જેવા વિદ્યાર્થીઓ- સરસ મજાની નાની નાની પાટલીઓ, જાણે ડિજિટલ ગ્લાસથી જડીત અને પારદર્શક હોય એવી. દરેક ડેસ્ક પર સ્માર્ટ પેન, સ્માર્ટ બુક, સ્માર્ટ સ્ક્રીન વગેરે - બધું જ ટેકનોલોથી ખચોખાચ. અદ્દભૂત ટેકનો-ખંડ ! મનુભાઈનું જીવન આ અદ્યતન જીવનમાં ચાલ્યા તો કરતું જ હતું, પણ એમના હૃદયમાં પ્રાચીન શિક્ષણશૈલી નાં વર્ગખંડ અને તેની અનુભૂતિ ક્યારેય વિસરાય એમ નહોતી. મનુભાઈ માનતા કે વિધાર્થી અને શિક્ષક વચ્ચે ના સંબંધને મૂલવાનાર એક રોબોટ કેવી રીતે હોઈ શકે?


ટેકનોલોજી ભલે ગમે તે કક્ષાએ પહોંચે, પરંતુ બાળકને માત્ર ટેકનોક્રેટ કે યંત્રવત્ત બનાવતી આ એકવીસમી સદીનો ઉત્તરાર્ધ માનવમૂલ્યોનું સાવ હનન કરે તેવો તો ન હોવો જોઈએ ! બાળકનો વિકાસ - જીવન, શરીર, સ્વાસ્થ્ય, કુટુંબ, સમાજ વગેરેના મૂલ્યો અને તેનું જતન વગેરે મનન, ચિંતન અને અનુભવથી કેળવાય તો જ ખરું કેવાય. આવું વિચારતાં વિચારતાં મનુભાઈને એક પ્રસંગ સ્મૃતિમાં સળવળી ઉઠ્યો. એક વાર એક બાળકને પ્રશ્નનો જવાબ નાં આવડવાથી એના ચહેરા પર થોડી ઉદાસી જણાઈ. એ સમયે મનુભાઈએ એની નજીક જઇ એના ખભ્ભા પર હાથ મુક્યો ને કહ્યું કે " ડોન્ટ વરી, યુ વીલ લર્ન ઇટ સુન." એજ સમયે દીવાલમાંથી અવાજ આવ્યો, "મી. મનુ. યુ કેન નોટ ટચ ધ સ્ટુડન્ટ. હી મે ગેટ ઇન્ફેકટેડ. યુ આર લુઝિંગ ફાઈવ પોઇન્ટ્સ ! " અધૂરામાં પૂરું તે 'ઇન્ફેકટેડ' સ્ટુડન્ટને અનુલક્ષીને સૂચના સંભળાઈ, "ગો ઍન્ડ ગેટ ક્લીન ઇન અલ્ટ્રા ચેમ્બર! " હળવા સ્મિત સાથે, મનુભાઈએ સ્મૃતિઓને ખંખેરી, નોકરીના છેલ્લા દિવસનું વર્ગ કાર્ય પ્રારંભ કર્યું. "સ્ટુડન્ટસ, ટુ ડે, વી આર ગોઇંગ ટુ ડિસ્કસ અબાઉટ એન્સીએન્ટ એડયુંકેશન સિસ્ટમ ઈન ઈન્ડિયા."


- કેતન વ્યાસ


બીજા રસપ્રદ વિકલ્પો

શેયર કરો

NEW REALESED