Ordini othe books and stories free download online pdf in Gujarati

ઓરડીની ઓથે..

એક શહેર ના રેલવે-સ્ટેશનની થોડે દુર એક નાની વસાહત. આમતો નાના-મોટા ઘર ઘણા, પણ એ વસાહત માં એક ઘરની નાની ઓરડીમાંથી ચાલીસના વૉટના બલ્બનું અજવાળું થોડું થોડું બારી-બારણાની તિરાડોમાંથી બહારની દિશામાં જણાતું હતું. મનુકાકા એક તપેલીમાંથી મીઠાવાળા પાણીના ભીના કપડાંની પટ્ટી કરીને જીવીકાકી ના કપાળ પર મુકતા, ને પટ્ટી સુકાઈ એટલે ફરી તપેલીમાંથી બીજી પટ્ટી- વારાફરતી બદલાતા રહેતા. "ચાલશે હવે, રહેવા દો ને ! લોકો જોશે તો કહેશેકે આ પતિ પાસેથી સેવા લ્યે છે !" મનુ કાકા એમ તો હઠીલા - જીવીનો તાવ ન ઉતારે ત્યાં સુધી મેદાન છોડે તેમ નહોતા ! " "લોકોની ચિંતા શું કર્યા કરે? લોકો નાં બોલવા - વિચારવાથી તાવ થોડો ઉતરી જવાનો? બસ, તું સાઝી થઈ જા ! ૬૨ વર્ષના નિવૃત મનુકાકાએ એની પત્ની જીવીને સમજાવી દીધું.

બે દીકરાઓ, વહુઓ ને નાનાં કિલ્લોલ કરતા બાળકો વાળા બે ઘરથી તરછોડાયેલા આ દંપતી (ડોસા-ડોસી)ની નાની ઓરડી - બલ્બનો પીળો પ્રકાશ અને, મનુકાકા ના હાથમાંની ભીંજવેલી પટ્ટીથી - ઉજાસ ને હૂંફ થી ભરેલી હતી. પતિ-પત્નીની ભૂલ કહો કે પુત્રો માટે નો અતિશય વિશ્વાસ કે પછી માં-બાપનો પ્રેમ કહો - બધી જ મિલકત બાળકોના ના નામે કરી દીધી હતી! બે દીકરાઓ - લગ્ન થઈ ગયા, બાળકો છે - માં-બાપને તો સાચવી જ લેશેને ! - તો ચિંતા શાની? મિલકત માં-બાપના નામે હોય કે વહાલસોયા દિકરાઓના નામે - શું ફર્ક પાડવાનો છે? - ઘણો ફર્ક પડે ! સાથે રહેતા હોત તો પૌત્રી-પૌત્રો માં ઉલઝાયેલા જીવીકાકીને ક્યારેય ખબર જ ન પડત કે મનુકાકા ને ભીના કપડાથી તાવ ઉતારતાય આવડે છે !

જીવીકાકીની દવા તો લઈ આવેલા - સરકારી દવાખાનામાંથી ! વધારે ખર્ચ પોષાય નહીં. બેઉ દીકરા હઝાર-હઝાર રૂપિયા આપે મહિને - બે મહીને, ત્રણ.. ! ઘણી વાર પડોશનાં લોકો ની મદદ મળી જાય - ગાડું ચાલ્યા કરે ! પાણીથી ભીની ને ખારી પટ્ટી થી તાવ તો ઉતરી જાય, પેટનો ખાડો થોડો પુરાવાનો ! ભીની પટ્ટી બદલતા રહી; તુવેરદાળની- છૂટ્ટા દાણાની ખીચડી અને ડુંગળી-બટાકાનું રસા વાળું શાક - સહાયરૂપે મળેલા પ્રાયમસ (કેરોસીનથી ચાલતો સ્ટવ) પર બનાવી બેઉ દંપતી જમ્યા. ને.., આમ ચારેક દિવસ ચાલ્યું !

જીવીકાકીની તબિયતમાં ઘણો સુધાર હતો - કાકાના ભીના પોતાએ અને ખીચડીએ કામ કર્યું - ફરી તાવે કદી દેખા ન દીધા. બીમારી દરમિયાન કાકીની મુલાકાતે પણ કોઈ નો'તું આવ્યું. ઓરડી ની જગ્યા પણ બહારનાં જગતથી તમને સાવ વિખૂટાં તો ન જ પડવા દયે એવી ! અમદાવાદ - મુંબઈ ની મુખ્ય રેલવે લાઇન નજીકમાંથી પસાર થાય; નિશાળે જતા બાળકોનો અવાજ પણ પાછળ ની બાજુએ આવેલા મેદાન વાળા રસ્તા પરથી રોજેય સંભળાય; ને સાંજે તે જ મેદાનમાંથી બાળકોનો રમવાનો-બાખડવાનો-કીકીયારીનો આવાજ; ને અમુક ઘરમાંથી બકરીઓનો અવાજ - વૃદ્ધ દંપતીને 'કોઈની' હયાતીનો અહેસાસ કરાવ્યા કરે !

કાકા-કાકી, કોઈ પ્રેમી પંખીડા તો નહીં જ, પણ બેઉ વચ્ચે નો માનસિક-આત્મિક સેતુ એવો ગાઢ કે આજકાલ ના લબર-મૂચ્છીયા લવેરીયાઓને પ્રેમની-હૂંફની-સંબંધની શીખ આપી જાય - જો સમજાય તો ! બેઉનું લગ્ન સામાન્ય રીતે જ થયેલું - પરંપરાગત શૈલીથી, રીતિ-રિવાજ પ્રમાણે. પણ લગ્ન થયા ત્યારથીજ સાવ સાદું જ એમનું જીવન - નોકરી, ઘર-સંસાર, નહીં કોઈ રોક-ઝોક ને ન કોઈ વાસણ ખખડવાનો આવાજ ! જો કાંઈ થાય - ખખડે, ભાંગે, તૂટે કે છૂટે - તો એની જાણ એ બેનેજ હોય - એકબીજાની - એકબીજાનાં દુઃખની ! છત્રીસ વર્ષનું લગ્ન જીવન - સાવ સરળ ને સાદું જીવન - એકમેક નો સાથ ને સંગાથ - વ્યવહારમાં કે સામજિક કાર્યો માં ક્યાંય પણ જવાનું થાય એટલે બેઉં સાથે ને સાથે ! કાકીના હાથમાં એક નાની થેલી ને કાકાના ખભ્ભા પર લટકતો એક બગલ-થેલો. અત્યારે પણ બે ઘર છોડી ઘણા સાગા-વ્હાલોને મળવા - આશીર્વાદ આપવા પહોંચી જાય - સાથે જ ! બે વ્યક્તિ વચ્ચે અનન્ય પ્રેમ-હૂંફ - સહકાર હોય ત્યારે કુદરત દ્વારા પરીક્ષાઓ અને પેટા-પરિક્ષાઓય વધી જતી હોય છે ! એમાંય કહેવાતા 'પોતાના' તો પરીક્ષા લેવાથી વંચિત રહે તો 'પોતાના' શાના? ત્રણ ફૂટનાં ઘોડિયાની ખોઈ માંથી માણસે ત્રણસો સ્કવેર ફુટ ના 'પોતાના ઘર' સુધીની ફલાંગ લગાવ્યા પછી; છ ફૂટની કબર માં જતા પહેલા દસ-બાય-છ ની ઓરડીનો અનુભવ કરી લેવો જોઈએ એવું કદાચ ઠરીઠામ થયેલી નવી પેઢી માનતી હશે ! એટલે જ, કદાચ કાકા-કાકી, આ ઓરડીમાં હશે - એક પ્રેમની પરીક્ષાના ભાગરૂપે - વિપસ્યના ખંડમાં !

એજ ઓરડીમાં, છએક મહિના બાદ, મનુકાકા પથારી ગ્રસ્ત હાલતમાં; કોઈક અજાણ્યા શખ્સ - યુવાન પ્રેમી- ની બાઇકની ટકકરે ! બાઇક પર પાછલી સીટ પર પ્રેમિકાને બેસાડી, બાઇકની રફતાર થી પ્રેમયુક્ત કરતબ દેખાડવાના ઈરાદાથી - કદાચ કાંઈ છાપ પાડવા કે પ્રેમિકાને આશ્ચર્યચકિત કરવા ! એને શું ખબર કે 'પ્રેમ' રફતારમાં જ નહીં, બલ્કે, મનુકાકાના મીઠાના પાણીમાં ભીંજવેલ કાપડના ટુકડામાંય ઝરતો હોય છે ! કાકાની ઈજાઓ તો રૂઝાઈ ન રૂઝાઈ પણ શરીરની લકવાગ્રસ્ત થતું કાકી ન રોકી શક્યા ! ઉપકારમાં મળેલી ખોલી (ઓરડી), મિત્રો કે સગા-વહાલાઓ તરફથી મળતી નાની-મોટી સહાય અને પથારીમાં સુતેલા પોતાના જીવન-સંગાથી માટે હૃદયમાંનો ઊંડો-અપ્રતિમ પ્રેમે - કાકીની હિમ્મત ને તૂટવા ના દીધી. એમની સેવા - નાની ઓરડીમાંય એવી કે મલ્ટી-સ્પેશ્યાલિટી દવાખાનાઓનાં તબીબો કે પરિચારિકોઓને એક વખત તો શરમાવી દયે ! કોઈ સગાઓ ક્યારેક છ-છ મહિનાનું અનાજ ભરી દયે, કોઈ પૈસાથી સહાય કરી જાય ને કોઈ હાજરી આપી જાય ! કાકીનું હૃદય પાછું બહુ વિશાળ ! કોઈ ઘરે આવે ને ચા પીધા વગર જાય તે કેમ ચાલે ? નજીકની દુકાનમાં દોડી જાય ને રૂપિયા પાંચ નું દૂધ લાવી મહેમાનને ચા પીવડાવે - ને કાકા તો પથારીમાં પડ્યા પડ્યા ગદ્ ગદ્ થાય - શબ્દોનું કામ આંખના આંસુ કરે ! ચાર દિવસ માથામાં મુકેલી ભીના-ખારા પાણીની પોટલીની સામે કાકીએ ચાર વર્ષ કાકાની માવજત કરવી - એ વળી ક્યાંનો ન્યાય ! આવો પ્રેમ એક લાખ રૂપિયાના બાઇકની રફતાર પર નક્કી થઈ જતો હોય તો શું જોઈએ !? મનુકાકાએ ક્યારેય કાકીને 'આઈ લવ યુ' તો ચોક્કસ નહીં કીધું હોય; પણ પાંચ રૂપિયાના દૂધમાંથી બનાવેલ ચા જ્યારે મહેમાને પીધી હશે અને થોડી ચા ચમચી માં લઇ, ફૂંક મારી-મારીને કાકાને મોંએથી પીવડાવવાના નાં એ પ્રયત્નોમાં કાકા મનોમન ચોક્કસ બોલ્યા હશે , ' બસ કર ! આટલો પ્રેમ જતાવીશ તો જીવવાનો મોહ નહીં છૂટે !"

સ્ત્રી તો સ્ત્રી જ હોય ! એની સામે બાઇક પ્રેમીઓની કે અન્યની શું વિસાત? એક ભવ કોઈને સમર્પિત કર્યું - પત્ની તરીકે સ્થાન લીધું - પછી યમરાજનુંય કંઈ ન ચાલે ! સ્ત્રીના પ્રેમની - પરિશુદ્ધ પ્રેમની વિશેષતા જ એવી - પતિ પ્રેમ, માતૃ પ્રેમ કે ઈશ્વર પ્રેમ - બસ ગળાડૂબ ને અનન્ય પ્રેમ - જીવન સંપૂર્ણ ન્યોછાવર કરી દેવું ! પછી, કોઈ પણ કાર્ય કેમ ન હોય - કોઈ પણ ક્ષેત્ર કેમ ન હોય; ઘરનું કામ હોય, બાળકોનો ઉછેર હોય (આજના યુગમાં વન-વે, કદાચ!), માતા-પિતાની સરભરા (સાસુ-સસરા ? એ વર્તમાનમાં અરસપરસના તાલમેલ પર નિર્ભર હોય છે!) કે પોતાનો અભ્યાસ હોય કે અન્ય કંઈ પણ..., સ્ત્રી ની નિષ્ઠા, હિમ્મત ને 'પોતાના'ઓની કાળજી અને પ્રેમ; જેની તુલનામાં કાંઈ ન આવે !

એ જ પ્રેમે - કાકીના પ્રેમે - મનુકાકા માટેના અનન્ય પ્રેમે - ભલે, નાની ઓરડીની દિવાલોમાંથી ભેજ, બારી-બારણાંની તિરાડોમાંથી પ્રકાશ અને હવા તેમજ છાપરાંમાંનાં બારીક કાણાઓમાંથી વરસાદનું પાણી ટપકી આવે; - પણ, યમરાજાને ચાર વર્ષ સુધી રૂમનો ઉંબરો ઓળંગવા ન દીધા ! અનન્ય ને અત્યંત કઠીન સેવા ! લકવાની હાલત - ચાલવાની વાત જ ક્યાં કરવી જ્યારે પથારીમાંથી ઉભા થવાની જ નોબત ન હોય ! ચાર વર્ષ પથારીમાં! લોકોના ત્રણસોએક કે છસ્સોએક ફુટ ના ઊંડા-પહોળા મકાનમાં વપરાશના વિવિધ ખંડો - બેઠક, શયન, વાંચન, સ્નાન, ઈત્યાદિ...,હોય, પણ કાકાને તો છ બાય ત્રણ ના ખાટલામાં જ બધા ખંડ; ને કાકીનું તો સંપૂર્ણ વિશ્વ !! રોજિંદી ક્રિયાઓ - ચમચીથી ખવડાવવું, નવડાવવા, શરીરની સફાઈ, કુદરતી હાજતની ક્રિયા, દવાઓ, માલિશ, અને આદિ...! કાકા એક જ કાર્ય, કદાચ વગર મહેનતે અને પોતે, કરી શકતા હશે - એ પણ, ઊંડી ખુંપી ગયેલી આંખોથી કાકીને જોવાનું ને હૃદયમાં એની હાજરી અને પ્રેમને અનુભવવાનું !

કાકાની ઝીણી, ટગર-ટગર થતી, સતત આંસુ વહાવતી અને ઝાંખી થતી આંખોની રોશની એમના મનમાં ચાલતી એક વાતની તો બેશક ચાડી ખાતી હોય એવું લાગે કે પાંચેક વાતોનો ઇલાઝ એમના હાથમાં નથી - એક: દીકરાઓને જઈ ને કહી દયે કે "માં" ને સાચવજો ! બીજું: બાઇક વાળા ને જઈને કહી દે કે એવી જ 'રફતાર' માત્ર બાઇકમાં નહીં 'પ્રેમ'માય રાખે ! ત્રીજું: લકવાને કહી દે કે હવે 'બહુ થયું', શાંતિ થી જીવવા દયે ! ચોથું: પત્નીને કહી દયે કે 'સેવા' બહુ થઈ, થોડો 'આરામ' પણ કર ! ને પાંચમું કાળને કહી દયે કે 'ભાઈ, પાછો જા', ચાર દિવસની ભીની પોટલીઓ સામે ચડેલું 'આટ-આટલું ઋણ' હું ક્યારે ચૂકવીશ? !!!

છએક મહિનાથી સતત વહેતા કાકાની આંખના અશ્રુઓ - લાચારીના, દયાના, વિરહના કે પ્રેમના - હવે કાકીની આંખમાં વહી રહ્યા હતા !


--@ કે. વ્યાસ

નોંધ : કલ્પનાઓ મિશ્રિત હોવા છતાં, પતિ-પત્ની, પ્રસંગ કે પરિસ્થિ સંપૂર્ણ અવાસ્તવિક કે સંપૂર્ણ કાલ્પનિક નથી. નામ બદલેલ હોઈ, પણ આવા અસંખ્ય દંપતિ - આધેડ કે વૃદ્ધ - આપણી આસપાસ જ હોય છે - ઘરમાં, પડોશમાં, વૃદ્ધાશ્રમમાં કે કોઈ તૂટેલ-ફુટેલ ઝૂંપડીમાં; એકબીજાના સાથી-સંગાથી-પ્રેમી - 'કહેવાતા પ્રેમીઓથીય વિશેષ' !!


બીજા રસપ્રદ વિકલ્પો

શેયર કરો

NEW REALESED