બિચારો જીવ છૂટે તો સારું! Ketan Vyas દ્વારા પુષ્તક અને વાર્તા PDF

Featured Books
શ્રેણી
શેયર કરો

બિચારો જીવ છૂટે તો સારું!

આજે વાત કરવી છે કાજલબહેન વિશે - તેમના જીવનમાં આવી પડેલ સંઘર્ષની - અચાનક આવી પડેલ બીમારી અને સુખી લગ્નજીવનને વેરવિખેર કરી પતિના તરછોડ્યા પછી જીવન-મરણ વચ્ચે ઝઝુમી રહેલ વ્યક્તિની. છ વર્ષનાં લગ્ન જીવનને એવી પાનખર લાગી જ્યાં વસંતના અરમાન રાખવાની પણ હિંમત ન થાય! આવી એક સત્ય ઘટનાને આજે અહીં નોંધવાનો સામાન્ય પ્રયાસ કરૂ છું.

કાજલબહેનની આપવીતી જાણવા ચાલો અમારી સાથે - તેમના ઘરે!

*****

અહીં વાત છે કાજલબેનની. મારા મિત્રની સાથે તેમનાં ઘરે જવાનું થયું. તેમનું ઘર આણંદ જિલ્લામાં નડિયાદ નજીકનાં એક ગામમાં આવેલું. તે બેન મારા મિત્રના કુટુંબમાં કંઈ દૂર સગામાં થાય. તેમનાં જીવનનો દુઃખદ વૃતાંત સાંભળીને મારુ કાળજુ કંપી ઉઠ્યું. આમતો તેની ઉંમર પણ ખાસ વધારે નહીં. ચોવીસની ઉંમરે લગ્ન થયા હતા અને છ વર્ષનું લગ્ન જીવન હજુંય પત્યું નહીં હોય અને બધું જ - બેન પોતે અને જીવવાના ઉમળકા - ખાટલે ધરબાયું. તેમનાં જીવનમાં આવી પડેલ શારીરિક બીમારીએ ઘર અને સંસાર એવી રીતે ભૂંસી નાંખ્યો જેમ એક વાવાઝોડાંની થાપટમાં મોટા તોતિંગ વૃક્ષો અને મકાનો ધરાશાયી થઈ જાય.

મિત્રએ વાત ઉખેળી, તેમના ખબર અંતર પૂછ્યા, દવા વિશે વાત કરી અને મારો પરિચય પણ આપ્યો. તેમના જીવન સંઘર્ષ વિશે જાણ્યા પછી મારી રૂબરૂ મુલાકાતની જિજ્ઞાસા અને કારણ વિશે વાત કરી.

મારે કંઈ પૂછવું ન પડ્યું, કારણ કે એમનાં ચહેરા પર ઉપસેલી ચમકમાં ઝખમનો ભાર થોડો ઉપસી આવતો હતો. જેમ જેમ તેમની વાતને સાંભળતા ગયા તેમ તેમ એવું લાગ્યું કે ઉપરવાળો માણસની કપરી પરીક્ષા લેવાનું નક્કી કરે પછી વિસામો ખાવાનો વિચાર સુધ્ધાં નહીં કરતો હોય કે શું! કાજલબેનના લગ્નને હજું ત્રણ વર્ષ નહીં થયા હોય ત્યાં અચાનક શ્વાસની તકલીફ અને પછી ફેફસાની પીડાએ પોતાનો કેર પાથરવા શરૂ કરી દીધું. શ્વાસની તકલીફને લઈને કેટલાય ડોક્ટરોએ જાત જાતના ટેસ્ટ કરાવીને પોતાની લેબોરેટરી આધીન આવડતને અજમાવી જોઈ. એકાદ વર્ષ સુધી પોતાની ચહિતી ફાર્મા કંપનીઓની દવાઓને પણ અજમાવીને નિષ્ફળ સાબિત કરી દીધી. એકાદ વર્ષ પછી તકલીફ વધવા લાગી. થોડું હલન ચલન કે કામકાજ થાય ને હાંફી જવાય એવી સ્થિતિમાં આખરે ફેફસાંની બીમારી સુધી પહોંચાડ્યા. આમતો ફેફસા જ હાંફી ગયા હતા. છેલ્લે થયેલા રિપોર્ટમાં બેઉ ફેફસાં સિત્તેર ટકાની આસપાસ નિષ્ફળ થઈ ગયા હતા.

કાજલબેનના પતિ આમતો વ્યવસાયે વેપારી, પણ આખરે સ્વભાવે પણ વેપારી જ રહ્યા. અઢી વર્ષનાં અંતે માઉતરે દેખરેખ વધારે સારી થાય એમ કહી પત્નીને વળાવી દીધી હતી. એક-બે વર્ષ સેવા કર્યા પછી બીજું લગ્ન કરવાનું નસીબમાં લખ્યું જ હોય તો પછી સેવાની પળોજણ કે ખર્ચાનાં ખાડામાં શું પડવું?

કાજલબેનને અગ્નિની સાક્ષીએ લીધેલા સાતફેરાના માત્ર વચનોનું નહીં પરંતુ ઈશ્વરની ભક્તિનું મૂલ્ય પણ જાણે સાવ સમજાઈ ગયું હતું. પોતે પણ બધી આશા છોડી દીધી હતી. વીસ પચીસ લાખનાં ખર્ચનો વિચાર કરવો નહોતો અને ચમત્કારની આશા શેષ નહોતી. પીડાને ટાળવા દવા ચાલતી રહી, નવું જીવન મળે તેવી આશા તો ડોકટરે પણ નહોતી આપી. ફેફસાં લગભગ એંસી ટકા જેવા નિષ્ફળ થયા. કાજલબેન હવે તો સાવ પથારીમાં ધરબાયા. ચાલવું કે દોડવું તો બાજુ એ મુકો, હલન ચલન પણ એટલું કઠિન થવા લાગ્યું હતું. પતિએ પણ જાણે વેપારી બુદ્ધિ વાપરીને હલન ચલન પૂરતાં બચેલા શરીર પાસેથી છુટાછેડામાં સહી લઈ લીધી. પોતાની પત્ની હવે વધારે જીવવાની નથી પછી છૂટાછેડાના કાગળીયાનો કજીયો કેમ એ તો એ જ જાણે! રખે એમને વિધુરનો થપ્પો ધંધામાં નડતો હશે!

ખેર, જીવનની આશા ન હોય પછી લગ્ન ભાંગે તેનું દુઃખનો ભાર માથે લઇ શું કરવાનું?

જીવનનો એક કપરો કાળ પૂરો થયો. હવે પિયરમાં રહીને સમય કાઢવાનો હતો. છૂટી જવાનો પ્રયાસ ન કરવો એટલી હિંમત બચી હતી. દવા પીવા માટે પાણી પીવાય કે થોડું થોડું જ્યુસ પીવાય તેટલી શક્તિ બચી હોય ત્યારે લોકો પણ એક જ દુઆ કરે, "બિચારો જીવ છૂટે તો સારું!"

જીવ છૂટે શાનો? કુટુંબનાં પારખાં થાય, પતિ પરખાયો, મનોબળની માપણી થઈ ગઈ. ઉપરવાળો પણ કાંઈ ઓછું ન આંકે! છ વર્ષની પીડાનાં અંતે એવો દેવદૂત મોકલ્યો કે તેણે યમરાજના દ્વારે જવાની તૈયારીમાં ઉભેલી આત્માને રોકી લીધી! બસ, બીજા બે વર્ષ! હજુય કેટલાં વર્ષનું બોનસ લખ્યું છે તે તો ઈશ્વર જ જાણે! પણ એ બહેન જે છેલ્લા દિવસો કે કલાકો ગણતા હતાં, એ આજે બે વર્ષ પછી મારી નજર સામે હતા, એકદમ હરતા ફરતાં!

મારી મુલાકાતના એક વર્ષ પહેલાં મેં સાંભળ્યું હતું કે તેઓ જાતે કાર ચલાવી થિયેટર ગયા હતા. એમની હિંમત અને ચમત્કાર બેઉં ગજબ હતા. મારા મિત્રએ ખાસ મશરૂમની બનાવટ વાળી ઔષધી શરૂ કરાવેલ. શરૂઆતમાં માત્ર ચમચીથી પાણી પી શકાય તેવી કફોડી હાલત હતી ત્યારે આ પ્રયોગ શરૂ કર્યો હતો. દવાની અને ચમચીઓની માત્ર પણ વધતી ગઈ અને ખર્ચ પણ વધતો ગયો; પણ આશા બંધાતી ગઈ, વિશ્વાસ પ્રબળ થવા લાગ્યો. રોજની એક કેપશ્યુલનું પાણી લીંબૂના રસ સાથે દિવસ માં ત્રણ વારથી શરૂ થઈને રોજની એક-એક માત્રામાં કેપિસ્યુલની સંખ્યા વધતી રહી. રોજ ની ચોવીસ કેપશ્યુલનું પ્રવાહી દિવસમાં ત્રણ વાર પીવાનું ચાલુ થયું. બધું સરસ થવા માંડ્યું. ફેફસાંમાં ચમત્કારીક સુધારો તબીબો માટે સંશોધનનો વિષય હોય જે અચંબિત થઈને ઠુઠવાઈ ગયો, પરંતુ કાજલબેનની વસંત ખીલવા લાગી.

ભૂતકાળમાંથી લેવા જેવું કંઈ હતું નહીં ને ભવિષ્ય બાથ ફેલાવી કાજલબેનનું સ્વાગત કરી રહ્યું હતું. હવે તેમના માટે સામે સુંદર જીવન હતું. મૃત્યુની ચિંતા કે ભય મન પર હાવી થાય તેવી સ્થિતિને કોઈ સ્થાન નહોતું. બસ, મૃત્યુને માત આપી દીધી અને હારનારા હારી ગયા!

આ છે કાજલ બહેનની વાત. તેમણે જે વાત કરી, જે ભાવમાં ટિપ્પણી કરી તેને હું અહીં થોડા શાબ્દિક ફેરફારો સાથે લખી રહ્યું છું. મારી એમની સાથેની મુલાકાતને પંદર વર્ષ જેવું તો થયું જ હશે. ચાર વર્ષ પહેલાં તેમનાં તંદુરસ્ત જીવનના વાવડ સાંભળેલા.

માણસ ધારે છે કંઈક ને ઇશ્વર કરે છે કૈક. એક આશાનું કિરણ અને દ્રઢ થતો આત્મવિશ્વાસ વ્યક્તિને જીરોમાંથી હીરો બનાવી શકે છે. જ્યારે ઈંડુ અંદરનાં દબાણથી ખુલે છે ત્યારે જીવ જન્મ લે છે, જે બહાર થી લાગેલા ફોર્સથી નથી થતું. કાજલબેનના કિસ્સામાં પણ આવું જ કંઈક થયું. બહારના પરિબળોએ પછાડ્યા પણ ખરા અને અમુક પરિબળોએ ઉદીપક બની આત્મવિશ્વાસનું જોમ ભર્યું, દિશા આપી; આખરે તો વ્યક્તિએ પોતે જ સંભાળવાનું હોય છે. તેમણે એવું જ કર્યું. કાજલબેન કપરો જંગ જીતી ગયા - મનથી, હૃદયથી, શરીરથી!

નોંધઃ વ્યક્તિ તેમજ સ્થળનાં નામ અંગે ફેરફાર કરેલ છે.

મને આશા છે કે વાંચકમિત્રોને આ લેખ ગમશે. યોગ્ય પ્રતિભાવ આપી લેખન કાર્યને પ્રેરણા પુરી પાડશે તેવી આશા.

-- કે. વ્યાસ