ઉજાસની યાત્રા Ketan Vyas દ્વારા પુષ્તક અને વાર્તા PDF

Featured Books
શ્રેણી
શેયર કરો

ઉજાસની યાત્રા

ઊંડી ઊતરી ગયેલી ને ચકળ-વકળ ફરતી આંખોથી છેલ્લાં શ્વાસને પારખી ગયેલ ડોસાએ આજુબાજુ જોવા પ્રયત્ન કર્યો. પથારીમાંથી ઉભું થવાય એવી સ્થિતિ તો હતી નહીં. ઉંમર અને કથળી ગયેલું શરીર અને હીબકાં ભરતો શ્વાસ; પુત્ર અને પુત્રવધુની જેમ મોં વાંકુ કરીને રોજની જેમ વર્તાવ કરી રહ્યા હતાં.

હિમ્મત ભેગી કરીને તે ડોસાએ ઘરમાં નજર દોડવવા ડોક ફેરવી. આંખનું તેજ સાથ આપે તેવું લાગતું નહોતું. આંખની દ્રષ્ટિ અને ગળામાં ઘૂંટાતા શ્વાસને જાણે ઘરમાં ધુમાડો થયો હોય કે કોઈ વરસાદી વાદળ ઘેરાયું હોય તેવું લાગતું હતું. બેઠકરૂમ બાજું થોડું અજવાળું હોય એવું લાગ્યું હતું, પણ તે દ્રશ્ય ઝાંખું થઈ રહ્યું હતું. ઝુલા પર હાથમાં 'ચા'ના કપ સાથે દેખાતી બે વ્યક્તિની આકૃતિને ઓળખવા મનની ટેવાયેલી આંખો માટે અનુમાન કરવું મુશ્કેલ નહોતું. સવારનો સમય હતો એ નક્કી હતું.

ગળું સુકાતું હતું. ગળામાં જાણે કોઈએ દેવતાં મુક્યો હોય તેવી પીડા થતી હતી. સવારની ચા માટે કોઈ પૂછે એ બીજી વાત હતી. પણ, અવાજ નીકળે તો બે ઘૂંટ પાણી મળી જાય તો થોડી ટાઢક થાય. સામે ઝૂલતો ઝુલો જાણે આંખમાં આવીને અથડાતો હતો અને તેનાં બેરીંગમાં તેલનાં અભાવે 'કિચુડ-કિચુડ' નો અવાજ તમરાની જેમ કાનમાં સણકા મારી રહ્યો હોય એવું તે ડોસાને લાગતું હોય; તેણે પોતાની ડોક અને નજર ફેરવી લીધી. હિંચકાના ઘાથી બચી જવાશે એવું વિચારી તેણે નિસ્તેજ ને કોરી જેવી આંખોને બંધ કરવા કરચલીઓનાં પડ બનેલી પાંપણોને ઢાળી દીધી.

"દાદા..! દાદા...!' અવાજ ખૂબ પરિચિત હતો. આંખો ઊંચકીને બાજુમાં જોવા પ્રયાસ કર્યો. પાંચ વર્ષની પૌત્રી રોજની જેમ બાજુમાં આવીને ઉભી હતી. દાદાનાં ચહેરા પર વસંતઋતુની હવાની લહેર જાણે પ્રસરી ગઈ. ઝુલાની હવાથી બરછટ બનેલી આંખનો ખૂણો ભીનો થયો. આજુબાજુનું દ્રશ્ય વધારે ધૂંધળું લાગ્યું. પોતાની વ્હાલી પૌત્રીને જોવા પાંપણોને ઊંચકવા કરેલી મહેનતમાં જાણે શ્વાસ રૂંધાઇ જતો હોય એવું તેનાં ચહેરા પર દેખાય આવતું હતું.

"પાણી..!" શબ્દ બોલવા માટેનો પ્રયાસતો નિષ્ફળ થયો પણ આંખમાં કંઈક અનેરી ચમક પ્રસરવા લાગી. ડોસાને એમ લાગ્યું કે ખોવાઈ ગયેલું આંખનું તેજ હમણાં જ પાછું આવી જશે! પૌત્રીનાં શબ્દોની મીઠાશ, તેનાં ચહેરા પરનું નિર્દોશ સ્મિત અને તેનાં કોમળ હાથની નાજુક આંગળીઓનો સ્પર્શ કોઈ મીઠા ઝરણાંની અનુભૂતિ કરાવી રહ્યા હતા. જીવનયાત્રામાં પડેલ દરેક ઘાવ અને પીડાને તે ઝરણું જાણે વહાવી જતું હોય એવું લાગ્યું.

"દાદા..! જુઓ.. મેં તમારા માટે સરબત બનાવ્યું"
તેનાં હાથમાં રમકડાંનો નાનો એવો એક ગ્લાસ હતો. તેમાં માંડ એક-બે ચમચી જેટલું પાણી હતું. તેણે 'સરબત.. સરબત' કહી દાદાનાં હોઠે તે ગ્લાસ લગાવી દીધો. જાણે વર્ષો પછી પાણી પીધું હોય તેમ તે ડોસાનાં હોઠ વર્તી રહ્યા હતાં ! મીઠાં પાણીનો વિવડો થયાની અનુભૂતિ થઈ તેના ચહેરા પર ચમકી રહી હતી. આખો ઉનાળો તપ્યા પછી પહેલાં વરસાદે થતી માટીની મહેક જાણે દાદા અનુભવી રહ્યા હતાં. તેની આંખોમાં ચમક વધી રહી હોય તેમ તે પૌત્રીની સામે તાકી રહ્યા હતાં. ધુમાડો જાણે સાવ લુપ્ત થઈ ગયો હોય તેમ તેનાં ચહેરા પર પણ આનંદનો ઉજાશ પથરાય રહ્યો હતો. ચહેરા પરની કરચલીઓ પણ સ્મિત કરી રહી હતી.

ઉજાસની યાત્રા શરૂ કરવા એક હડસેલો બાકી હતો... ! એ પણ મળી ગયો. "મંદીરની શીશી કોણે ઢોળી?" શબ્દો અને પૌત્રીનો મરક મરક થતો મસ્તીખોર ચહેરો અને તેણે પોતાનાં નાક પર આંગળી મૂકીને 'ચૂપ રહેવા' કરેલ ઈશારો જોઈ; એ ડોસાએ વીજળીના ઝબકારા જેવા સ્મિતને આંખોમાં કેદ કરી દીધું. તે ઉજાસની કાયમી છાપ ચહેરા પર ગુલાબી ઝાંય વેરતી હતી.
~~~~~~~~~~~~~


~|~ કેતન વ્યાસ

આશા છે કે આપને વાર્તા ગમશે. વાર્તા વિશે આપનો અમૂલ્ય પ્રતિભાવ આપશો.. મારી અન્ય વાર્તાઓના 'updates', મારી પ્રોફાઈલમાં follow કરવાથી મળતાં રહેશે.

આ ઉપરાંત મારી અગાઉની વાર્તાઓ માટે સૌ વાંચકમિત્રો તેમજ શુભેચ્છકોનો ખૂબ ખૂબ આભાર.