Jeno jetlo khap books and stories free download online pdf in Gujarati

જેનો જેટલો ખપ..!

દિવ્ય અને અલૌકિક પરિસર એવા મંદિરના સ્થળ પર, ઈશ્વરની પૂજા કે પ્રાર્થના જેના દ્વારા થાય છે એ વ્યક્તિ એટલે પૂજારી. આમતો, પૂજાની વિધિ કરે તે પૂજારી છે, અને જે પૂજા-અર્ચનાની સાથે સાથે બોધ-પાઠ કે પ્રવચન કરે તે પુરોહિત છે. એક ચોક્કસ વિસ્તારમાં બનેલા પ્રભુનાં ઘરનાં પ્રતિક સમા દિવ્ય સ્થળને સંભાળનાર, પૂજા-અર્ચનાનો નિત્યક્રમ સાચવનાર, ભક્તોને એ સુંદર પરિસરમાં અપ્રતિમ શાંતિની અનુભૂતિ કરાવનાર, અને પોતાનાં જીવનને ઇશ્વરમય રાખનાર વ્યક્તિ એટલે પૂજારી.

મંદિરના પરિસરમાં આવતાની સાથે; શુદ્ધ, સાત્વિક, અને શાંતિનો અનુભવ થાય તો એ છે મંદિરની ભૌતિક રચના, સ્થળનું વાતાવરણ , પૂજારીનું આયોજન અને સાથોસાથ પૂજારીનો ભક્તો સાથેનો નિસ્વાર્થ ભાવ. ભક્તોને માત્ર મંદીર સાથે કે નિત્યક્રમ સાથે જ નહીં, બલ્કે, ઈશ્વરના ભાવમાં અને ઈશ્વરની અનુભૂતિ સાથે જો કોઈ જોડી રાખવાનું કામ કરે છે તો એ છે પૂજારી અને પુરોહિત.

સમાજમાં, લોકોમાં અને ભક્તોનાં હૃદયમાં પૂજારીનું સ્થાન ખૂબ વિશિષ્ટ હોય છે. એ સ્થાન કે કર્મ ક્યારેક વિભિન્ન રૂપ ધારણ કરીને ભક્તોનાં અનુભવમાં કાર્યાન્વિત થતું હોય છે - ખાસ કરીને આજનાં યુગમાં.

એ પૂજારી અને ભક્તનો નાતો અહીં બે-ત્રણ પ્રસંગ દ્વારા અમૂક અંશે અનુભવ કરી શકાય તેમ છે.

પ્રસંગ એક. એક નાના સરખા ગમમાં આવેલું મહાદેવનું મંદિર. ત્યાંના પૂજારીજી ખૂબ સેવાભાવી. નિયમિત રીતે મંદિરનું સેવા કર્યા કરે. તે ગામની વસ્તી લગભગ બેએક હજાર. ગામના દરેક લોકોને એ પોતે નામથી તો ઓળખે ને સાથે સ્વભાવથી પણ. ગામનાં લોકોનાં હૃદયમાં પણ પૂજારીની વૃત્તિ-પ્રવૃત્તિ તરફ આદરનો ભાવ. અમુક લોકો નિયમિત પણે મંદિરે આવે - કોઈ સવારે તો કોઈ સાંજે ને કોઈ સંધ્યા સમયે. ગામનાં વૃદ્ધ લોકો સાંજના સમયે પૂજારી સાથે બેસે અને સતસંગ ચાલે. ગામનાં લોકોની, ગામની ઘટનાઓની ચર્ચાઓમાં પણ પૂજારી પોતાનાં વિચારો રજુ કરે. ગામનાં લોકોને કોઈ પણ સારા અને સકારાત્મક કાર્ય માટે પ્રોત્સાહિત પણ કરે. ગામની કોઈ વ્યક્તિ કે કુટુંબ પર દુઃખ કે આપદા આવી પડી હોય એવી જાણ થાય તો તુરંત એમના ઘરે પહોંચી જાય - થોડું બેસે, વાત કરે, સાંભળે - સહારો બની જાય. એ વ્યક્તિને મદદ થાય તે માટે મંદિરના પરિસરમાં આવતા લોકોની સહાયથી પોતાનાથી શક્ય પ્રયાસ કરે. ને, આમ ઘણું બધું. ક્યારેક શાળાની મુલાકાત લઈ, બાળકોની વચ્ચે જઈ, ઈશ્વરની ગાથા કહી આવે. એક વખત સાંજની આરતીના સમયે, એક અણધારી અને વિચિત્ર ઘટના બની ગઈ. આરતી પુરી થતા સૌ કોઈને મંદિરના પરિસરની પાછળના ભાગેથી કોઈ નવજાત શિશુનાં રડવાનાં અવાજની જાણ થઈ. ગામનાં લોકોમાં ઉભી થયેલ ભાત-ભાત ની લાગણીઓ અને આક્રોસને સભાળી સૌને શાંત તો કર્યા જ, પણ બીજે દિવસે કાયદાકીય કાર્યવાહી કરી એ તરછોડાયેલ શિશુને મંદિર પરિસરનો હિસ્સો બનાવી દીધો. એટલુંજ નહીં, લોકો તરફથી વધારાની આર્થિક સહાયને ઠુકરાવતાં કહ્યું, " પ્રભુની સેવા માટે જીવન છે, અને જીવવા માટે ખપ પૂરતું પ્રભુ આપે છે.."

પ્રસંગ બે. એક નાના વિસ્તારમાં આવેલું મહાદેવનું મંદિર. મંદિરની દિવ્યતાએ એ વિસ્તાર કે ગામને પર્યટક સ્થળના શિખરે પહોંચાડી દીધું. ગામેં પણ એક નગરનું રૂપ લઈ લીધું. અમુક દિવસે તો મંદિરે દર્શન માટે માનવ મહેરામણ ઉમટી પડે. ક્યારેક તો દર્શન માટે લાંબી કતાર લાગી જાય. એવી કતાર કે બે-ત્રણ કલાકે તો પ્રભુનાં દર્શનનો અવકાશ ઉભો થાય. ગર્ભગૃહમાં જઈને દર્શન કરવા હોય તો પૂજાની સામગ્રી અને નોંધણી અગાઉથી કરાવવી પડે. એય સ્વાભાવિક જ છે. આટલી માનવમેદનીમાં વ્યક્તિગતરીતે મુલાકાત આપવાનું કદાચ ભગવાનનેય ન ફાવે એટલે પૂજારીજી દ્વારા કરાયેલી વ્યવસ્થા એજ ભગવાનની ઈચ્છા ગણવી જોઇએ. ખાસ પ્રકારનાં દર્શન કરવા ઇચ્છુક ભક્તો વી.આઈ.પી. પાસ કે પૂજા-અર્ચના પાસ મેળવીને મંદિરનાં ગર્ભગૃહમાં જઈને; અલૌકીક શાંતી માટે, પૂજારીજીનાં માર્ગદર્શનનો તેમજ પૂજા-અર્ચનાનો લાભ મેળવી શકે. અમુક, માત્ર પ્રભુ દર્શનની કે એક ઝલકની જ અભિલાષા વાળા દર્શનાર્થીઓ સીમાંચિહ્નનની બાંધેલી સાંકળ સુધી પહોંચી દર્શન કરી લ્યે અને અમુક ભક્તજનો, મંદિર પરિસરની બહાર લગાવેલ લાઈવ ટીવીમાં દર્શન કરી લ્યે. આવી જગ્યાએ, આટલા બધા ભક્તોને 'ભક્તિ માર્ગની અનુભૂતિ કરાવવા' એક પૂજારી પહોંચી ન વળે એટલે મંદિર પરિસરમાં એક હરોળમાં બેઠેલા બીજા દશ-વીસ બ્રાહ્મણ પૂજારી અને પુરોહિતો પૂજા-અર્ચનામાં સહાયક બની જાય. પૂજા-અર્ચના માટે સામાન્ય મૂલ્ય - યથાશક્તિ મૂલ્ય અથવા પૂજારી દ્વારા નિર્ધારીત મૂલ્ય - ચૂકવી દેવાનું, તેથી કોઈ ખાસ પ્રકારના પાસની જરૂર નહીં. ભક્ત એમનો સંપર્ક પોતે જ કરી લ્યે તો ચાલે, નહીંતો એ લોકો જ ભક્તની ભાવના, શક્તિ, જરૂરિયાત અને અભિલાષાને પારખીને દોરવણી પુરી પાડી દેતા હોય છે. આથી, ભક્તોનાં દુઃખોએ બહુ ગર્વ કરવાની જરૂર નથી. ઈશ્વરનાં અલૌકિક રૂપ, શક્તિ, તેજ તેમજ શાંતિની અનુભૂતિ દ્વારા દુઃખોને નાથવા કોઈતો છે જે માર્ગદર્શન આપવા તત્પર છે. આ મંદિર પરિસરમાં, પૂજા-અર્ચનાનો એક રોચક પ્રસંગ બને છે. પ્રસંગ આ પ્રમાણે છે.

એક કુટુંબ મંદિરમાં પ્રવશે છે. એક યુવાન દીકરો અને સાથે છે સિત્તેરની આસપાસની ઉંમરે પહોંચેલા માતા-પિતા. પિતાને ચાલવામાં તકલીફ હોય એટલે મંદિરની વ્હીલચેર લઈને મંદીર પરિસરમાં પહોંચ્યાં. ભીડ વધારે હોય તેથી મંદિરના પાછળનાં ભાગ તરફના રસ્તે ચાલ્યા. મંદિરની એકબાજુની દીવાલે ગૌમુખ સ્થાન. ભક્તોને મન એ પણ પવિત્ર સ્થાનક - સ્પર્શ અને અર્ચના માટે. ત્યાં એક પુરોહિત ઉભેલા. ત્યાંથી પસાર થતા, ખાસ કરીને અશક્ત હોય તેવા ભક્તોને, તે સ્થાને દર્શન કરવા અને પૂજન કરવા માટે આમંત્રિત કરે. "આ સ્થાન ખૂબ પવિત્ર હોય, અહીં પૂજા કરવાથી સર્વ બીમારી કે દુઃખમાંથી મુક્તિ મળી શકે.." ગૌમુખનું સ્થાન એટલે દરેક ભક્ત ત્યાં સ્પર્શ કરવા કે અંજલિ લેવા અચૂક જવાનો જ. એ ત્રણ વ્યક્તિનું કુટુંબ પણ ત્યાં પહોંચ્યું. ત્રણેય ભક્ત કોઈની સહાય વિના અંજલિ લઈ કે અર્ચના કર્યા વગર ચાલ્યા જાય તો એ પૂજારીજીનાં કર્તવ્યને લાંછન લાગે. આમતો, ગૌમુખ એ ભક્તો માટે સ્વતંત્ર પસંદગીનું સ્થાનક. કોઈ પુરીહિત ન હોય તોય ચાલે. ઈશ્વરે આપેલા વરસાદમાં ન્હાવું કે ખુલ્લી હવાને ઊંડા શ્વાસમાં ભરવી એ વ્યક્તિનો પોતાનો નિર્ણય અને પસંદગી હોય શકે, પણ મંદિરની દીવાલની ખુશ્બુને અનુભવવા માટે પુરોહિત જોઈએ; એવા ભાવ સાથે પુરોહિતજીએ બે-ચાર શ્લોકનું ઉચ્ચારણ કરી, ત્રણેય ભક્તોનાં કપાળ પર તિલક કરીને કહ્યું, " સૌનું કલ્યાણ થાવ, અને આપનું શરીર ઈશ્વરનાં આશિર્વાદથી ઝડપથી તંદુરસ્ત બને..! બ્રાહ્મણ માટે આપ યથાશક્તિ દાન કરી શકો છો...!" યુવાનનાં હાથમાં વીસ રૂપિયા ની નોટ જોઈને એમણે યુવાનના પિતાજી નાં કપાળ પર હાથ મુક્યા, બે - ચાર શ્લોક પુરા કર્યા અને કહ્યું, " બીમારી એવી છે, પચાસ - સો રૂપિયા - જે યથાશક્તિ આપી શકાય. મંદિરમાં અંદરની પૂજામાં નાહકના પાંચસો ખર્ચવાની જરૂર નથી. તમે ઈશ્વર પાસેથી ખપ પૂરતું માંગો છો, ઈશ્વર એનાથી વધારે તમને આપશે..!" ઊંડી ઊતરી ગયેલી આંખોમાંથી હલેસા લેતી ઝંખનાઓ એક આંસુ બની, પૈડાંવાળી ખુરશીમાં બેઠેલ, વૃદ્ધની આંખનો એક ખૂણો ભીંજવી ગઈ, અને એમણે સો રૂપિયાની એક નોટ કાઢીને પુરોહિતનાં હાથમાં મૂકી.

કતાર લાંબી હતી. અંદર જવાય તેમ નહોતું. એ કુટુંબ પરિસરના છાંયડાવાળા વિસ્તારમાં જ બેસીને તૃપ્ત હતું. એટલું તો ખપ પૂરતું જ હતું. જેનો જેટલો ખપ...!


બીજા રસપ્રદ વિકલ્પો

શેયર કરો

NEW REALESED