સમર્થનાં મધમીઠા જેવા આ શબ્દોનાં જાદૂથી પરિતા હવે ઘરનાં કામોમાં મન પરોવવાનો પ્રયત્ન કરી રહી હતી. થોડા દિવસ માટે પોતાનાં ભણતરને અને નોકરી કરવાની વાતને બાજુ પર મૂકી દીધી હતી.
એક દિવસ સવારે રસોઈ બનાવતાં - બનાવતાં એને અચાનક ચક્કર આવ્યાં અને એ જમીન પર પડી ગઈ. ડૉક્ટરને ઘરે બોલાવવામાં આવ્યાં. તપાસ કરતાં ખબર પડી કે 'ગુડ ન્યૂઝ' છે, પરિતા ગર્ભવતી હતી, એ સમર્થ અને પોતાનાં બાળકની માતા બનવાની હતી! ઘરમાં ખુશીનું મોજું ફરી વળ્યું. ઘરમાં આનંદનો માહોલ છવાઈ ગયો હતો. બધાં બહુ જ ખુશ હતાં પણ પરિતાનાં મોઢાં પર ખુશી નહોતી પણ ઉપરછલ્લી ખુશી દેખાઈ રહી હતી. એ વધારે ખુશ નહોતી. એનાં મનમાં કંઈક મૂંઝવણ ચાલી રહી હતી. એ મૂંઝવણની વાત એણે પોતાની મમ્મી સાથે કરવી હતી એટલે એણે સમર્થ અને સાસુ - સસરા પાસે થોડા દિવસ માટે પિયરે જવાની રજા માંગી, એ લોકોએ ખુશી - ખુશી એને થોડાં દિવસ માટે પિયર રહેવા જવા માટેની પરવાનગી આપી પણ દીધી.
"મમ્મી......, મારે આટલા જલ્દી માતા નથી બનવું...., હું એ માટે હજી સુધી તૈયાર નથી....,"
"ગાંડી થઈ ગઈ છે તું.....! અરે..., સારું છે કે તારાં ઘરે સમયસર પારણું બંધાવવાનું છે..., નહિ તો ઘણાંને તો લગ્નનાં કેટલાંય વર્ષો વીતી ગયાં હોવા છતાંય સારાં સમાચાર સાંભળવા નસીબમાં નથી હોતા! ને તું એમ કહે છે કે તું હજી સુધી બાળક માટે તૈયાર નથી....!"
"મમ્મી તું સમજતી કેમ નથી....?! મેં એવું નથી કીધું કે હું બાળક માટે તૈયાર નથી...., હું તો લગ્ન પછી આટલા ઓછા સમયમાં જ આટલું જલ્દી બાળક થઈ જાય એ માટે તૈયાર નથી..., હજી તો મેં સમર્થને બરાબર ઓળખ્યો પણ નથી....., હું એને બરાબર રીતે જાણતી પણ નથી થઈ, ને આ બાળક....!"
"લે હજી તારે સમર્થને વળી કેટલો ઓળખવો છે...., ને કેટલો જાણવો છે....! એ તારો પતિ છે બસ એ જ વાત તારાં અને આવનાર બાળક માટે એને ઓળખવા અને જાણવા માટે પૂરતી છે..., સમજી..."
"પણ...., મમ્મી.....,"
"એક બાળક થઈ જવા દે....., જોજે ને તારી બધી જે આ ખોટી ચિંતા..., ઉપાધિ ને બીજું એવું કંઈ પણ છે ને એ બધું દૂર થઈ જશે....ને...હા.., આવા દિવસોમાં સદા ખુશ જ રહેવાનું...."
આ વખતે પરિતાએ કોઈ દલીલ કરી નહિ અને મમ્મીની વાત સામે ખાલી માથું ધૂણાવ્યું. આમ તો પોતાનાં અને સમર્થ વચ્ચે કોઈ જ અણબનાવ નહોતો છતાં એને અંદરથી એમ જ થયાં કરતું હતું કે હજી એ સમર્થને બરાબરથી ઓળખતી નથી...., જાણતી નથી....!"
થોડાં દિવસ એ પોતાનાં પિયર મમ્મી પાસે રહી..., એને એમ હતું કે મમ્મી પાસે મનની વાત ઠાલવી મનને હલકું કરી નાંખશે પણ ના તો એ મમ્મીને પોતાનાં મનની વાત બરાબર રીતે કહી શકી કે ના એનાં મનનો ઉભરો બહાર ઠલવાઈ ગયો હતો..., પણ હા થોડા સમય માટે શાંત જરૂર થઈ ગયો હતો.
સમર્થ અને એનાં સાસુ - સસરા એનાં આવા દિવસોમાં એનું વિશેષ ધ્યાન રાખી રહ્યાં હતાં, એ ખુશ રહે એવી વાતો સંભળાવતા હતાં, એનાં પર કામનું વધારે દબાણ ન રહે એ બાબતે પણ એ લોકો સાવધાન રહેતાં હતાં. જો કે ક્યારેક ક્યારેક પરિતાને એ લોકોની વાતો, એ લોકોનાં વિચારો, એ લોકોની રીત, એ લોકોની ઢબ, એ લોકોની પધ્ધતિ, વગેરે પોતાનાંથી જુદી લાગતી હતી પણ એ ત્રણની સામે પોતે એકલી હોવાને કારણે એણે એ લોકોની જ વાત માની લેવી પડતી હતી. એનાં માટે નવાઈની વાત તો એ હતી કે સમર્થ આટલો ભણેલો - ગણેલો અને આધુનિક હોવા છતાં અમુક જુનવાણી ને બિનજરૂરિયાત વિચારો ને માન્યતાઓ ધરાવતો હતો.
(ક્રમશ:)