Our brown - the brown of the village books and stories free download online pdf in Gujarati

આપણી ભૂરી - ગામની ભૂરી

આપણી ભૂરી - ગામની ભૂરી

એ નાનાં ગામના પરા વિસ્તારના છેવાડાના થોડા નળિયાવાળા મકાનોની વચ્ચેના ફળિયામાં ગામના લોકોનાં ટોળે ટોળા ભેગા થયા હતા... શોર બકોર નો અવાજ ને સાથોસાથ હૃદય ચીરી નાંખે એવું આક્રંદ રુદન, જે અવાજે - ફળિયાના એક ખૂણામાંથી આખા ગામને શોકમાં ડુબાડી દીધા હતા... ! જોતજોતમાં ખીમજીકાકાની ડેલીએ માણસોના ટોળા ઉમટી પડ્યા હતા...! એક બાજુ ખીમજીકાકાને છ-સાત જણ એક સાથે જકડીને-પકડીને માંડ માંડ બેસાડી શાંત રાખવા પ્રયત્ન કરે ને બીજી બાજુ એની ઘરવાળી ખીમિકાકીનું હૈયાફાટ રુદન - ચીંસ, બરાડા, ચિત્કાર થી ભરેલું...! " મારી દીકરીને નરાધમ ભરખી ગયો...સાલા મૂઆ... તેર વર્ષની દીકરી હતી... જિંદગી... બગાડી...નાંખી..ને ભરખી ગયો...! તારું ઈણે શું બગાયડુતું. .., સાલા કલમુઆ..નખ્ખોદ જાય.. ગયઢે ગઢપણ તારી મતી મારી ગઈ....." ખીમીબેનના સ્વર જાણે ધરતીને ચીરી નાંખશે એમ સ્તબ્ધ ઉભેલા લોકો સાવ સુન્ન થઈ 'ન બનવાનું બની ગયાના ભાવ સાથે - ખોટું થયા ની વેદના સાથે' સાવ બાઘા થઈ શુન્ય એવા પૂતળા થઈ ગયેલા...


* * * * *

આખા વિસ્તારમાં શોક અને ગામગીનીનો માહોલ..
સામે ચાર ઘર છોડીને, એકોતેર વર્ષનાં નિવૃત માજી સરપંચ ના ઘરનાં ઉંબરે તેર વર્ષની ભૂરી અધમરી હાલતમાં, કપડાં લોહીથી ખરડાયેલા ને ઠેર-ઠેરથી લગભગ ફાટેલા જેવા..ને, બાજુમાં લોહીથી ખરડાયેલો એક લોખંડનો સળિયો...; ને થોડે દૂર પૂજામાં વપરાતો બાજોઠ - એક પાયો લગભગ તૂટેલો..! તૂટેલા બાજોઠની ઉપર લગભગ અડધો ને ઉંધે માથે પડેલો રકતરંજીત થયેલો એ ડોસલો..!
ટોળે વળેલા લોકોને એટલો તો ખ્યાલ આવી જ ગયો હતો કે ડોસાની વિકૃત બુદ્ધિએ ભૂરી હારે કાંઈક કુકર્મ સૂઝ્યું...પણ, ભુરીને પોતાનો જીવ બચાવવા બહુ જોર પડ્યું હશે... સળિયાનો છેડો ભુરીના હાથ નજીક હતો... ચોક્કસ ભુરીએ ડોસાને સળિયાના ઘા ફટકાર્યા હોવા જોઈએ... "ખીમજીભાઈની દીકરી -ભૂરી એટલે ભૂરી... , જબરી.. જેમતેમ પાછી નો પડે ઇ.. બહુ હિમ્મતવાળી હો.."ભુરીની વાતનું દુઃખ અને પીડાની વચ્ચે ભુરીના સાહસનીય વાતો લોકોને યાદ આવવા લાગી...


"આજે જેમ ડોસાને સળિયેથી ભોંય ભેગો કરી દીધો, તેમ તે'દી.. યાદ છે ને.. પેલા શામજીભાઈ સુથારના છોકરાને અડપલું કરતા જ સીધો બાવળમાં ધકેલી દીધેલો..!" .."તે દિવસે, જવા દો..પેલા કનુભાઈએ વજનકાંટામાં ઘલમેલ કરી'તી તો દુકાન પર ગામ ભેગું કરેલું..!' ભૂરી જેવી સાચા બોલી ને બળુકી છોકરી આખા ગામમાં દીવો લઈને શોધવા નિકળો તોય નો મળે હો..! .."પણ, આ ડોસાને.. આ શું સૂઝ્યું... આવળી નાની છોકરીનો વાંક-ગનો શું? આ નવરાત્રીના પેલા નોરતાના રાતે આઠ વાગ્યે આ ડોસાનું મગજ આમ ક્યાં બગડ્યું..??? એક બાજુ ટોળા અને ટોળાની વાતો...ને, બીજી બાજુ, ખીમજીભાઈનું અને ખીમીબેનનું આક્રંદ...બસ, ભૂરી તો ગઈ...જીવથી ગઈ..." અરે, પુજારીએ બાજોઠ લાવવા તો કહ્યું તું...., પેલો નરાધમ.., મને શી ખબર બાજોઠની કિંમત આવી ચુકવવાની હોય..એ ડોસાએ કહ્યું "..ચાલ, ભૂરી મારા ઘરે છે બાજોઠ, લઈ જા..!..." ખીમીબેનના શબ્દો વિખરાઈ વિખરાઈને અંધકારમાં અથળાતા હતા.....!


દાક્તર આવે નહીં, પોલીસ આવે નહીં ત્યાં સુધી કંઈજ નો થાય... આટલી ચીંસાચીંસ માં નાના એવા ગામમાં ગામનાજ દાક્તર બહેનને આવતા શું વાર..? ગામના બધા લોકોને ભૂરી દીકરી માટે માયા એવી જ...ભુરીની આવી દશા જોઈને જ ગામની બીજી બાયુએ ખીમીબેનને દૂર બેસાડી રાખ્યા... ! જેને જે સમજમાં આવ્યું તે કર્યું...! ચોકમાં થતી પહેલા નોરતાની આરતી હવે શાની.., ગામ વાળા એ ભૂરી જેવી દીકરી ખોઈ દીધી હોય ત્યારે ?.! નોરતાના ગરબા રમવા, સરસ રીતે તૈયાર થયેલી ભૂરી આમ લોહીમાં રગદોળાયેલી પડી હોય પછી કેવી નવરાત્રી ને કેવા ગરબા...?


"પાણી છાંટો મોઢા પર... જલ્દી, કોઈ પાણી લાવો...." દાક્તરની એક બુમે તો પાણી ની ડોલ અને લોટો હાજર થઈ ગયા... " એ... જીવતી છે...ધરપ રાખો..કાંઈ નથી થયું આપણી ભૂરી ને..." દાક્તર ના શબ્દો સાંભળી, છલાંગ મારી ને ભુરીના બા-બાપુ ઉંબરે આવી ભુરીની બાજુમાં ખડકાઈ ગયા..! હવે, કાળજું ક્યાંથી હાથમાં રયે - એક બાપનું, એક મા'નું..! કોઈક વડીલે ભુરીને અસપ્તાલ લઈ જવા સૂચન પણ કર્યું....પણ, દાક્તરે ભુરીને તપાસીને જાહેર કર્યું કે ભૂરી સલામત છે.. બસ, ભય અને ડર થી બેશુદ્ધ થઈ છે... થોડી વાર ધરપત રાખો..!


પણ, "ભુરી જીવ ખોઈ બેઠેલી, અમે હાથની નાડી જોઈ'તી....' ગામના મુખીની વાતથી દાક્તર મનોમન કુદરતની કરુણા પર વારી ગયા. ".. તો પછી, આ ચમત્કાર જ કહેવાય...આપણી ભૂરી મોતને હરાવી ને પાછી આવી છે....' આખા ગામને ખુશીની લહેર સ્પર્શી તો ખરી...નીરસ જેવી, કારણ, હજુ ભૂરી પર થયેલ કુકર્મની અસર લોકોના ચહેરાઓ પર પંકાયેલી હતી..!


થોડી જ વારમાં, દાક્તરનાં શબ્દો એ ગામના લોકોનો અચંબિત કરી દીધા...." ભુરીએ પોતાનો જીવ બચાવ્યો, નરાધમનું ઢીમ પણ ઢાળ્યું છે એટલું જ નહીં ભુરીએ લાજ રાખી છે, લાજ બચાવી લીધી છે - આપણી, ગામની અને પોતાની પણ.....!


-- કે. વ્યાસ


બીજા રસપ્રદ વિકલ્પો

શેયર કરો

NEW REALESED