વિચિત્ર કેસ... DINESHKUMAR PARMAR NAJAR દ્વારા પુષ્તક અને વાર્તા PDF

Featured Books
શ્રેણી
શેયર કરો

વિચિત્ર કેસ...

વિચિત્ર કેસ..... વાર્તા... દિનેશ પરમાર નજર
**********************************
તુ કહે છે અશ્રુ ચાલ્યા જાય છે
હું કહું છું જિંદગી ધોવાય છે
હાથ મારો છોડી એ જાતા નથી
બેઉ દુનિયા હાથમાંથી જાય છે
- શયદા
**********************************
આજે શહેરની સિટી સિવિલ કોર્ટમાં એક એવો કેસ આવેલો કે લોકોમાં તે કેસ ચર્ચાનો વિષય બની ગયો હતો.
કોર્ટમાં પોતાના અન્ય કેસ માટે હાજર લોકો, વકીલો, અન્ય કામ કરતા લોકો વિગેરે કોર્ટ નંબર ૧૩ ની બહાર આતુરતા દર્શાવી રહ્યા હતા.
જ્યારે એક વાગ્યાની આસપાસ કોર્ટના હવાલદારે બુમ પાડી "કેસ નંબર ૦૦૦૦/૨૦ ૧૨ સુશીલાબેન વર્સિસ ગૌતમ"
લોકો કેસની પ્રોસિડીંગ સાંભળવા દરવાજા પાસે નજીક જઈને ઉભા રહી ગયા.

******

સુશીલાના લગ્ન આજથી દશેક વર્ષ પહેલાં ગૌતમ સાથે થયા હતા.
ગૌતમ નવો નવો આર્ટસમાં ગ્રેજ્યુએટ થયો હતો. તરત જ એક ગેસની સગડીના સ્પેરપાર્ટસ બનાવતી પ્રાઇવેટ કંપનીમાં નોકરી લાગી ગયો.
તેમના સમાજમાં બહુ ઓછા લોકો છોકરીઓને ભણાવતા હતા.
આથી તેમના જ સમાજમાં ગ્રેજ્યુએટ થઈ બેંકમાં નોકરી લાગેલી સુશીલા, રૂપાળી અને વળી નોકરી કરતી હોવાથી , ગૌતમના કુટુંબની તુલનામાં તેનુ કુટુંબ ગરીબ હોવા છતાં લગ્ન માટે રાજી થઈ ગયા.
લગ્નની શરુઆતનુ જીવન ખુબ આનંદ અને પ્રેમમાં વહેતુ રહ્યું.તેના સાસુ સસરા સુશીલાનુ ખુબ ધ્યાન રાખતા. મોટી નણંદના તો અગાઉ લગ્ન થઈ ગયા હતા અને તે સાસરીમાં હતા એટલે સરેરાશ લગ્ન જીવનમાં નણંદ ભાભીના અહંમ ટકરાઈ ને જે પ્રોબ્લેમ ઊભા થતા હોય છે તે બાબતે કદાચ સુશીલા નસીબદાર હતી .
સુખી લગ્નજીવનમાં પ્રથમ ખોળે દિકરીનો જન્મ થતાં 'લક્ષ્મી પધાર્યા' ના ઉચ્ચારોથી સમગ્ર ઘર અને કુટુંબ આનંદિત થઇ ઊઠ્યું.
પ્રથમ દિકરી નામે 'પ્રથમા' જ્યારે કિંન્ડર ગાર્ડનમાં પ્રવેશી ત્યારે સુશીલા પુનઃ પ્રેગ્નન્ટ હતી આ વખતે તેના સાસુ સસરા અને ગૌતમ પણ.. સ્કુલ જતી પ્રથમાને વ્હાલ કરતા કહેતા, "બેટા થોડા સમય પછી તને કંપની આપવા ભઇલાની પધરામણી થવાની છે."
પરંતુ કુદરતને કંઇક અલગ જ કરવુ હશે.
પુરા મહિને સુશીલાને બીજી દિકરી આવી.
આ સાથે જ , આનંદની વનરાજીમાંથી,દુઃખના સૂર્યની પ્રખર ગરમીમાં તપેલા ઉજ્જડ રણની રેતીની જેમ ઘરનુ વાતાવરણ અચાનક તબદીલ થવા લાગ્યુ.
પોતાના એકના એક પુત્ર ગૌતમના કુળદીપક તરીકે પુત્ર જોવા ઝંખતા સુશીલાના સાસુ સસરા નો તેના પ્રત્યેનો વહેવાર ધીરે ધીરે બદલાતો ગયો.
સુશીલાની ગેરહાજરીમાં કદાચ ગૌતમનુ બ્રેઇન વોશ કરવાને કારણે તેના વર્તનમાં થતો ફેરફાર સુશીલા અનુભવવા લાગી.
હદ તો ત્યારે થઈ જ્યારે સુશીલા ઘરે આવી પહોંચ્યાથી અજાણ, તેના સાસુ સસરા અને ગૌતમ, પુત્ર માટે ચર્ચા કરતાં હતા,
" ભાઈ, હું આજે ગુરુજીને આશ્રમ દર્શન કરવા ગઈ હતી અને વાત વાતમાં પૌત્ર પ્રાપ્તિ એટલે કે કુળદિપક માટે આજીજી કરી હતી" સુશીલાના સાસુ બોલ્યા.
"હેં...શું કહ્યું ગુરુજીએ ?" ગૌતમ અને સુશીલાના સસરા એકી સાથે પ્રશ્નાર્થ ચહેરે બોલી ઊઠ્યા.
"ગુરુજીએ ધ્યાન ધર્યા પછી ધ્યાનમાંથી બહાર આવી જણાવ્યું કે બીજા લગ્ન કરે તો શક્ય છે. "
ક્યાંય સુધી સૌ શાંત રહ્યા પછી ગૌતમની બા એ કહ્યું" ગૌતમ અમે દેહ મૂકીએ તે પહેલાં કુળદીપક નુ સુખ આપવુ કે ન આપવુ તે તારા ઉપર છે. "
ગૌતમ બોલ્યો," બા તુ ચિંતા ના કર, હું સુશીલાને બીજા લગ્ન કરવા મનાવી લઈશ."
" અને ધારો કે તે ના માને તો...? "સાસુ સસરા બંને જોડે બોલી ઉઠયા.
"તો શું.. ના માને તો છુટાછેડા અંગે વિચાર કરવાનો થાય... " ગૌતમ ઉશ્કેરાટમાં બોલી ઉઠ્યો.
સુશીલા આ બધુ સાંભળીને અચાનક રુમમાં પ્રગટ થઈ અને પછી તો આજુબાજુના પાડોશીઓ સાંભળે એટલો મોટો અને લાંબો ઝઘડો ચાલ્યો..
પરિણામ સ્વરૂપ સુશીલા બંને દીકરીઓ લઈ બીજે દિવસે ઘર છોડી બેંકના સ્ટાફ ક્વાર્ટર્સમાં રહેવા ચાલી ગઈ.
અને...
એક સારા વકિલને રોકી શહેરની સિટી સિવિલ કોર્ટમાં મંજુરી મેળવવાની દાદ માંગતી પીટીશન દાખલ કરી દીધી ત્થા એ પીટીશનનો નિકાલ ન થાય ત્યાં સુધી ગૌતમ છુટાછેડા ન લઈ શકે તે માટે મનાઈ હુકમ પણ મેળવી લીધો.

**********

સુશીલાના વકિલ દ્વારા કોર્ટમાં કેસની રજુઆત કરતા જણાવ્યું કે "મી લોર્ડ મારા અસીલ સુશીલાબેનના લગ્ન હિન્દુ વિધિથી સમાજની રૂએ આજથી દશ વર્ષ પહેલાં સામેવાળા સાથે થયા હતા અને લગ્ન જીવન દરમિયાન બે પુત્રીઓ થઈ છે.
સામેવાળા બે પુત્રીઓથી સંતુષ્ટ નથી અને પુત્રની અપેક્ષા છે આથી મારા અસીલ તેઓને પુત્ર આપવા માટે અન્ય પુરુષ સાથે સંબંધ બાંધવા માટે સામેવાળાની મંજુરી અપાવવા કોર્ટ સમક્ષ આવેલા છે તો વિનંતી સહ કોર્ટ જરુરી હુકમ કરે તેવી માંગ છે."
જજ સાહેબે ગૌતમના વકિલ તરફ જોયું.
ગૌતમના વકિલ ઉભા થયા," મી લોર્ડ આ તો કઈ રીતે શક્ય છે? આપણો દેશ પુરુષ પ્રધાન દેશ છે અને બાળક પાછળ હંમેશા પિતાનું નામ લાગે છે. આ સંજોગોમાં બીજા પુરુષના અંશમાથી જન્મેલ બાળકને કેવી રીતે મારા અસીલ સ્વિકારી શકે. એવું કઈ રીતે સ્વીકારી લેવાય?"
આ દરમિયાન ગૌતમ વકિલની નજીક સરકી કાનમા કંઇક કહેવા ગયો. જજ સાહેબનું ધ્યાન તેની તરફ જતા બોલ્યા," ભાઈ તમારે શું છે? જે રજુઆત કરવી હોય તે કઠેડામાં આવી ને કરો. "
વકિલ કંઈ કહે તે પહેલા ગૌતમ આગળ આવી ગયો.," સાહેબ મારા વૃધ્ધ માતા પિતા ની ઈચ્છાનો સવાલ છે હું તેમના પુત્ર તરીકે એકનો એક હોઈ તેઓ પૌત્રની ઈચ્છા રાખી રહ્યા છે."
સહેજ અટકી ગભરાતા ગભરાતા બોલ્યો, "અમારા ગુરુદેવની ભવિષ્યવાણી છે કે સુશીલાને પુત્ર થવાની શક્યતા નથી."
જજ સાહેબ ગુસ્સે થઈ ગયા "એ ભાઈ કઇ દુનિયામાં જીવો છો? તમારા ગુરુદેવ કુદરત અને ભગવાનથી પર છે? ખરેખર આ દેશને દુષિત કરવામાં, અંધશ્રદ્ધાની ખાઈમાં લોકોને ધકેલતા રહેવાની પ્રવૃત્તિ, ભગવાન બની બેઠેલા ખોટા સાધુસંતો, ગુરુઓ, મહંતો, ગાદીપતિઓ જેવા બનાવટી એજન્ટો કરી રહ્યા છે જે સમાજની ઉધઈથી વિષેશ કંઈ નથી. "
સુશીલા અશ્રુ ભરી આંખે આગળ આવી.જજ સાહેબે તેની સામે જોઈ કહેવા ઈશારો કર્યો.
"સાહેબ મને લગ્ન જીવન દરમિયાન બે દીકરીઓ પ્રાપ્ત થઈ છે.
મારા પતિ જણાવે છે કે હું પુત્ર આપી શકું તેમ નથી તે વાત બિલકુલ ખોટી છે. સાયન્સ મુજબ પુત્ર જન્મ લેશે કે પુત્રી જન્મ લેશે તેના માટે ફક્ત ને ફક્ત પુરુષ જ જવાબદાર છે. સ્ત્રી ફક્ત એક્સ રંગસૂત્ર ધરાવતી હોય છે જ્યારે પુરુષ એક્સ અને વાય બંને પ્રકારના રંગસૂત્ર ધરાવતો હોય છે. પુરુષના એક્સ રંગસુત્રના સંયોજનથી પુત્રી અને વાય રંગસુત્રના સંયોજનથી પુત્રનો જન્મ થતો હોય છે.
આથી પુત્ર કે પુત્રીના જન્મ માટે હું જવાબદાર નથી અને ફક્ત ને ફક્ત મારા મિસ્ટર જ એટલે કે પુરુષ જવાબદાર હોઈ અને તેમને પુત્રની ઈચ્છા હોઈ તેમની ઈચ્છા પૂરી કરવા હુ ભોગ આપવા અને અન્ય પાત્રથી પુત્ર મેળવવા તૈયાર છું તો નામદાર કોર્ટ મને મારા પતિથી જરૂરી સહમતિ અપાવે તેવી પ્રાર્થના કરુ છું. "
કોર્ટમાં સોપો પડી ગયો.
જજ સાહેબ ગૌતમના વકિલ તરફ જોઈ બોલ્યા, કંઇ કહેવુ છે કે પછી હું નિર્ણય લઉ?"થોડી વાર અટકી, ઘડિયાળ તરફ નજર નાખી બોલ્યા, " બપોર પછીના સેશનમાં મળીએ." તેમ કહી પોતાની ચેમ્બરમાં ચાલી ગયા.

*********

રીશેસમા બંને તરફના લોકો કેન્ટીનમાં ભેગા થયા.
ગૌતમ અને સુશીલા દૂર ખૂણામાં બેઠા.
ગૌતમ બોલ્યો," મને માફ કરી દે, આજે સમજાણુ કે પુત્રી કે પુત્રીના જન્મ માટે પુરુષ જ જવાબદાર ગણાય. હું આવેશમાં બા બાપુજીની વાતમાં આવી ગયો હતો."
આગળ બોલ્યો, "આ કેસ પછી, સમાજના લોકો તરફથી વારંવાર ઠપકો સાંભળી બા બાપુજીએ ગઇ કાલે જ મને કહ્યું હતું હવે તો આનો જે કંઈ અંત આવે તો સારું."
સુશીલા ધ્રુસકે ધ્રુસકે રડી પડી. ગૌતમ કયાંય સુધી પીઠ પસવારતો રહ્યો અને કહેતો રહ્યો," થવા કાળ જે કંઈ થયુ તે ભુલીને નવેસરથી સુખી જીવનમાં ફરી પાછા ફરીએ. "
છેવટે બંને તરફથી સમરી (જજ સાહેબ સામે સમાધાન કર્યાનુ લેખિત નિવેદન) આપતા કેસનો નિકાલ કરવામાં આવ્યો.
જો કે વર્ષો સુધી લોકો આ વિચિત્ર કેસ ને વાગોળતા રહ્યા.

************************************