જોને જિંદગીમાં ઘણા સબંધો મળ્યા,
દોસ્ત! જિંદગીનું સુકાન સાચવતા શીખવે એવા જૂજ મળ્યા.
મારી ડાયરીમાં આ પંક્તિઓ મેં લખી અને મારા ફઇબાનો ચહેરો મારી આંખ સામે તરી આવ્યો હતો. મારા ફઇબા મને મારી દરેક ઉલજનને દૂર કરવામાટે મદદરૂપ થતા હતા. એ હંમેશા સાચી અને સચોટ જ સલાહ આપતા હતા. ક્યારેય અધૂરી વાતે સલાહ ન આપતા, પુરી માહિતીની જાણકારી મેળવીને યોગ્ય ન્યાય આપતા હતા. મારા ફઇબા આ આધુનિક યુગના સ્વમાની અને સત્યના પથ પર કોઈનું અહીત ન થાય એ રીતે માર્ગ શોધી ચાલતા હતા. નારી તું નારાયણી કહેવત મને મારા ફઇબા માટે એકદમ બંધ બેસતી લાગતી હતી. મને એવું લાગતું એનું કારણ પણ મારો ભૂતકાળ છે.
વર્ષો વીતી જાય છતાં એવું જ લાગ્યા કરે કે જાણે કાલની જ વાત ન હોય!... હું મારી હતાશામાં મારા રૂમમાં તકિયા પર માથું રાખી ગુમસુમ પડી હતી. મારા ફઇબા આવ્યા અને એમણે મારી તન્દ્રા તોડી મને પાણી આપ્યું, પ્રેમથી મારી પાસે બેઠા અને કહેવા લાગ્યા કે, 'તું તારા દીકરાને યાદ કરે છે ને??' આટલું એમનું પૂછવું મારે માટે બસ હતું અને હું એમને ભેટીને રડવા લાગી હતી. મન ભરીને હું રડી હતી. થોડી વાર ફઇબાએ એમ જ રડવા દીધી, પછી મને સમજાવતા કહ્યું, 'જો બેટા! તે તારા પૂરતા પ્રયત્ન કર્યા બાદ જ આ કારમો ઘા તે તારે કલેજે લીધો છે, તો એ ઘા ને તારે જીલતા શીખવું જ પડશે. કોઈ પણ મા વિચાર્યા વગર ડિવોર્સ ન જ લે.. દીકરા તે સમજીને સાચો રસ્તો જ પસંદ કર્યો છે. તે કોઈ દબાણથી તો ડિવોર્સ લીધા નથી તો પછી તું આમ ઢીલી ન પડ અને હિમ્મત રાખ. તારો દીકરો અત્યારે તારે હસ્તક નહીં પણ જેમ સમયે તમને નોખા કર્યા એમ એ તને ભવિષ્યમાં અવશ્ય મળશે જ.. પણ ત્યાં સુધી તું આમ હતાશ નહીં થાય અને આગળના જીવનને કેમ જીવવું એ વિચારશે.. દીકરા તું જેટલા આસુંડા પાડે એટલું એ તારું બાળક પણ તારી એ આત્મીય વેદનાને સ્પર્શીને દુઃખી રહે, આથી તું બધું ભગવાનને હવાલે કર અને એમને પ્રાર્થના કર કે, તમે બંને એકબીજાને યાદ કરતા પોતાના જીવનને જલ્દીથી આગળ વધારી શકો. અને એ માટે હું તારી જોબનું સેટ કરી આવી છું. તારે ફક્ત હા જ પાડવાની છે.' શાંતિથી અને પૂરતી લાગણી જતાવતા ફઇબા મને બધું કહી રહ્યા હતા.
હું હજુ શું કહું એ વિચારમાં જ હતી, મારી મુશ્કેલી ફઇબા સમજી જ ગયા અને બોલ્યા, ' હું જાણું છું કે, તું ૩૬માં વર્ષમાં પ્રવેશી ચુકી છો અને વગર અનુભવે તને કોણ નોકરી આપે?.. વળી તે કોઈ અત્યારે લેવાતી એક્સટ્રા પરીક્ષા પણ આપી નથી તો ક્યાં જોબ મળે? તો આવી ચિંતા છોડ અને સાંભળ, મારા ઘરની બાજુમાં જીમ છે જ્યાં સ્ત્રીઓ માટે સ્ત્રી ટ્રેનરની જરૂર છે, એમને કોઈ અનુભવ ન હોય એવી સ્ત્રીઓ ને એ લોકો પેલા ટ્રેનિંગ આપશે વળી, ટ્રેનિંગ પણ એ લોકો સામેથી ફ્રી માં આપશે એ પણ જોબના પેલા દિવસથી... એટલે પગાર પણ મળશે. તું હા પાડી દે..
હું થોડી વાત સાંભળીને શાંત થઈ અને બોલી કે પપ્પાને અને ભાઈને કેમ હું મનાવીશ? એમને હું જીમમાં જાઉં એ કદાચ... હું આગળ બોલી જ ન શકી..
ફઇબાએ પ્રતિઉત્તર આપ્યો, આપણો સમાજ જેટલું જતું કરો એટલો ભાર આપે, એક વાર જવાબ આપતા થાવ એટલે ટોકતા પેલા વિચારશે, એટલે તું થોડું તારે માટે પણ વિચાર હું ભાઈને સમજાવીશ વળી, હું પણ તને એવી કોઈ એલફેલ જગ્યાએ થોડી પગ મુકવા દવ?.. બહુ સારા અને ખાનદાની લોકો ત્યાં આવે છે તારી જોબ સવારે ૭થી સાંજે ૬ સુધીની વળી બપોરે ૨ કલાક જમવાનો બ્રેક પણ આપે.. અને સેલેરી ૭હજાર.. પાછું તું પણ ત્યાં જીમ કરે એટલે તું આ માનસિક તાણ માંથી પણ બહાર આવે, અને ઘરની બહાર નીકળે તો તું આ તારો વસમો સમય દૂર તો ન કરી શકે પણ એની સાથે જીવતા ચોક્કસ શીખી જશે..
હું ફઇબાની વાતને સાંભળતી જ રહી.. મમ્મી તો પોતાની દીકરી માટે વિચારે જ પણ ફઇબાએ તો પોતાની ભત્રીજીની મુશ્કેલી સમયે એનો હાથ પકડ્યો, એ પણ શિક્ષિત ઘરમાં રહેતા જુનવાણી વિચાર ધરાવતા લોકોની વિરુદ્ધમાં.. કારણ કે મારા ડિવોર્સની વાત હજુ કોઈને પચી નહોતી ત્યાં જોબ!.. ખરેખર મારા ફઇબા ખુબ હિમ્મત દાખવી રહ્યા હતા અને મને પણ ખુબ સાથ આપવા તત્પર હતા. એ મને ઘણી વાર કહેતા કે, તું સાસરે આટલી મુસીબતો સહન કરતી હતી મને એકવાર વાત તો કરવી હતી હું તારે ડિવોર્સ લેવા પડે એવી હાલત ન થવા દેત. હશે જે થયું એ થયું પણ હવે તને ખુબ આગળ વધવાનું છે. એમના આ વાક્યો મને આજ સાચા દેખાઈ રહ્યા હતા. આખા પરિવાર માંથી મને કોઈ ખુબ સમજી શક્યું હતું તો એ મારા ફઇબા હતા.
મેં જોબ શરૂ પણ કરી અને મારી જિંદગીમાં આગળ પણ વધી. હા, દિકરાથી અલગ હતી એ દુઃખ ચોક્કસ હતું અને રહેશે પણ ખરું, છતાં સ્વમાન અને સત્યને પામતા હું મારા ફઇબા પાસેથી શીખી હતી. મારા માટે એ એવું કેન્દ્રં બની ગયા કે હું આ જીવન એમની ઋણી બની ગઇ હતી. આજના જમાનામાં નારી જ જો નારીને સાથ આપે તો કોઈ પરિવારની સ્ત્રીની લાગણી ન દુભાઈ એવી એમની વાત મને સાર્થક લાગતી હતી. ખરેખર મારા ફઇબા આધુનિક જીવનશૈલીને આવકારતા અને આ યુગમાં જીવન સ્વમાનથી કેમ જીવવું તથા સઁસ્કારને જાળવીને નારીત્વને કેમ કેળવવુંનું ઉદારણ રૂપ છે.. ધન્ય છું હું કે એ નારી મારા પરિવારની દીકરી સ્વરૂપે છે કે જે પોતાના પિયરની સાથોસાથ સાસરીનું પણ ગૌરવ વધારે છે. એ નારી નારાયણીને મારા કોટી કોટી નમન!