My price books and stories free download online pdf in Gujarati

મારી કિંમત

ઓહ, આજ તો સવારથી જ શરીર આખું દુઃખે છે, સુમીત ખબર નહિ શું થાય છે, પણ જીભ લથડીયા ખાય છે, આંખે અંધારા આવી જાય છે, ડાબો હાથ અને ડાબો પગ બન્ને એકદમ સુન થઈ ગયા છે, પ્લીઝ તમે જટ ઘરે આવો ને મારે ડૉક્ટર પાસે જવું છે, ને એકલી જઈ શકું એવી હાલત નથી.45 વર્ષની નીતાએ એના પતિને ફોન પર વાત કરી.

સુમીતનો જવાબ: શું છે નીતા તને ખબર છે ને આજ ઓફિસમાં બઉ કામ છે, એક વી આઇ પી મિટિંગ છે, છતાં પણ તું મને ફોન કરી જલદી બોલાવે છે, જો તું સામેવાળા કાકીને લઈને ડૉક્ટર પાસે જઈ આવ, મને આવતા મોડું થઈ જશે. ને હા વારે વારે ફોન ના કરતી, હું મિટિંગમાં જાઉં છું, ને ફોન સાયલેન્ટ પર છે. બાય ટેક કેર. ફોન કપાઈ ગયો.

નીતા સામેવાળા કાકીને બુમ પાડીને બોલાવે છે. રંજન કાકી તરત જ આવે છે ને નીતાને જુએ છે, પંચોતેર વર્ષની અનુભવી આંખો એ નીતાને જોઇને તરત જ અનુમાન લગાવ્યો. બેટા નીતા આ લકવાના લક્ષણ છે, ચલ જલ્દી બેટા શરીર જકડાઈ જાય એની પેલા ડૉક્ટર પાસે જા. સુમીતને ફોન કર.

નીતા: કા....કી, ( નીતાને બોલવામાં તકલીફ થાય છે ) સુમીત ન....હિ આ...વી શ..કે, તમે મ....ને લઈ જ...શો.

કાકી કંઈ જવાબ આપે ત્યાં સુધી એમના પતિ આવે છે, નીતાની હાલત જોતા જ એમ્બ્યુલ્સ બોલાવે છે. નીતાને હોસ્પિટલ ખસેડવામાં આવે છે. ડૉક્ટર તરત સારવારચાલુ કરે છે, પણ ત્યાં સુધી બઉ મોડુ થઈ જાય છે, ને નીતાનું શરીર લકવા ગ્રસ્ત થઈ જાય છે. હમેશા હસતી, બધાને મદદ કરતી નીતા, આજ પોતે ઓશિયાળી થઈ ગઈ. પોતાની આવી પરિસ્થિત જોતા આંસુ રોકી નથી શકતી. કાકા કાકી એને ઘરે લઈ આવે છે, વ્હીલચેર પર બેસેલી નીતા આજ એકદમ અસહાય મહેસુસ કરે છે.

રાતે આશરે બાર વાગે સુમીત ઘરે આવે છે, બેલ વગાડતા દરવાજો ન ખુલતા સામે કાકીનાં ઘરેથી બીજી ચાવી લઈને દરવાજો ખોલી અંદર જાય છે. સુમીત એ કાકીને નીતાના ખબર અંતર પણ ન પુછ્યા, જેથી કાકી ને પણ સામે ચાલીને બોલવું યોગ્ય ન લાગ્યું. પોતે મિટિંગમાં જમીને આવ્યો હોવાથી તરત પોતાના રૂમમાં જાય છે, જ્યાં નીતા સૂતી હતી. તબિયત બરોબર નહિ હોય એ વિચારીને પોતે સવારે વાત કરશે, એમ માનીને સુઈ ગયો. આખા દિવસનો થાકેલો હોવાથી ઘડી ભરમાં ઊંઘ પણ આવી ગયી. પણ નીતા....

નીતાનું શું?? એ ઊંઘી નોતી, એ તો સુમીતના ઇંતેજારમાં હતી, કે સુમીત એની ખબર પુછશે, એને સાંત્વના આપશે. પણ બધી આશા ઠગારી નીવડી. સુમીત તો નીતાને બોલાવ્યા વગર જ પડખું ફેરવીને સૂઈ ગયો. વિચારોમાં તલ્લીન નીતાને પણ ઊંઘે ક્યારે ઘેરી લીધી ખબર જ ન પડી. રોજની જેમ સવારે અલાર્મ વાગ્યું, પણ આજ એ અલાર્મ રોજની જેમ નીતના હાથે બંધ ન થયુ.

અલાર્મ વાગી વાગીને બંધ થઈ ગયું, પણ સુમીત ન જ ઉઠ્યો. અલાર્મ વાગતો રહ્યો, છેવટે કંટાળીને એણે નીતાને બોલાવી, નીતા તૂટક તૂટક શબ્દોમાં સુમીતને જવાબ આપે છે. નીતાનો આવો અવાજ સાંભળીને પોતે અચંબિત થઈને ઊઠે છે, નીતાને જુએ છે,એક ક્ષણ માટે પોતાનો સંતુલન ગુમાવી બેસે છે, પણ ફરી સ્વસ્થતા જાળવીને નીતાને જુએ છે, ને નીતા લકવાગ્રસ્ત થઈ ગયી છે. નીતાને વળગીને એને બધું ઠિક થઈ જશે એવો ઠાલો આશ્વાસન આપે છે, પણ હવે કંઈ ઠીક નહિ થાય એવી નીતા સાથે સુમીતને પણ ખબર હતી. પણ મનને સમજાવવા બધું ઠીક થશે એ કેહવુ જરુરી હતું.

આજ સુમીતે ઑફિસ પર નહિ આવું એવુ કહીને બધી મિટિંગ પોસ્પોન્ડ કરી. નીતાને શહેરનાં નંબર વન પેરાલિસિસનાં ડૉક્ટર પાસે લઈ જાય છે. ડૉક્ટર નીતાને તપાસીને કહે છે, હવે નીતા આજીવન આવીજ રહેશે. હા થોડી કસરત અને થોડું મેડિટેશન કરવાથી માનસિક સ્થિતિમાં થોડો ફરક પડશે. પણ હવે એ વ્હીલચેર વગર હરી ફરી નહિ શકે, અડધા શરીર સાથે બેલેન્સ કરવું ખુબ મુશ્કેલ પડશે, પણ ધીરે ધીરે આદત પડી જશે, ને પરિસ્થિતિ સ્વીકારી શકાશે. સુમીત નીતાને લઈને વિલે મોઢે ઘરે આવે છે. થોડીવાર વિચાર્યા બાદ ગામડે એનાં બા બાપુજી સાથે નીતાની વાત કરે છે, ને એમને હવે ગામડાનું ઘર બંધ કરી એમની જોડે આવીને રહેવાનું કહે છે. પણ બા બાપુજી આવવાની નાં પાડે છે, કે હવે આ ઉંમરમાં સેવા ચાકરી કરવી એમને અઘરી પડે. નીતાનાં પિયરે પણ વાત કરે છે, ત્યારે નીતનાં ભાઈએ પણ બા ને મોકલવાની નાં પાડી દીધી. હવે સુમીત એ નીતા માટે 24×7 માટે નર્સ એપોઈન્ટ કરી હતી. ઘરના બીજા કામ માટે પણ બે બાઈઓ આવતી હતી.

નર્સની કિચકિચ વધતી જતી હતી . કામવાળી નું કામ પણ અલર્ઢંગુ હતું. રસોઈયા ની રસોઈમાં પણ ક્યારેક મીઠું વધુ તો, ક્યારેક એકદમ નહિ, ક્યારેક બળેલી રોટલી, તો ક્યારેક કાચું પાકું શાક. સુમીતના ઑફિસ ગયા પછી બધાની રીત બદલાઈ જતી. નીતા પ્રત્યે જાણે કોઈ ઓરમાયું વર્તન હોય એવું કરતી. નીતની માનસિક સ્થિતિ પણ બગડતી જતી હોય, સુમીત સામે દીદી દીદી કરતી નર્સ અને મેડ સુમીતના જતાં જ નીતા જાણે કોઈ અછુત હોય એવું વર્તન કરતી. નીતા સુમીત ને ફરિયાદ કરતી, તો સુમીત આવુજ હોય બધે, તારે થોડુ લેટ ગો કરતા શીખવું પડશે, એવું કહીને વાત ટાળી દેતો. બાજુવાળા કાકી દિવસે એકાદ બે વખત નજર ફેર કરવા આવે, પણ નીતા પોતાના સ્વભાવ મુજબ એમને પણ કંઈ કેહતી ન હતી. જોતજોતામાં છ મહિના વીતી ગયા હશે. હવે નીતા શરીર સાથે મનથી પણ ભાંગી ગયી હતી. એ દિવસે સુમીતને બે દિવસ માટે કામથી બહાર જવું જરૂરી હતું. નીતા ઓલરેડી માનસિક રીતે પોતાની પરિસ્થિતિથી ત્રાસાઈ ગયી હતી. આજ એણે એક ન લેવાનો નિર્ણય કર્યો.

રોજની આદત મુજબ કાકી બપોરે નીતા પાસે આવ્યા, આજ નીતાએ કાકી જોડે ખુબ વાતો કરી, થોડી પોતાની લાચારી વ્યક્ત કરી, એણે કાકી પાસેથી ફ્રીઝમાંથી ફળ મંગાવ્યા, પણ કપાવ્યા નહિ. ફળોની ડીશ ને ચાકુ પોતાના રૂમમાં મૂકવા કહ્યું. કાકીને ક્યાં અંદાજ હતો કે નિયતિએ શા ખેલ રચ્યા છે. એ તો બિચારા નીતા ની મદદ કરવા એના કહ્યા પ્રમાણે કરતા હતા. થોડી વાતો બાદ નીતા કાકીને કહે છે, કાકી આજ મમ્મીની બઉ યાદ આવે છે, એમના ખોળે માથું મૂકવું છે, ખુબ રડવું છે, મને શાંતિ જોઈએ છે, મારું મગજ આ ત્રાસથી હવે થકી ગયો છે, શું આપ મને આપના ખોળામાં માથું મુકવા દેશો. કાકીને હળવેકથી નીતાને વ્હીલચેર પરથી પલંગ પર સુવડાવી ને પોતે એનું માથું ખોળામાં મુકાવીને માથે હાથ ફેરવા લાગ્યા. આજ નીતા ખુબ રડી. કેટલાય વર્ષોનો જ્વાળામુખી આજ આંસુ રૂપે કાકીના ખોળે છલકાયો હતો. કાકીને પેલાતો એને મન ભરીને રડવા દીધી. થોડી વારે નીતા શાંત થઈ, હવે કાકી એને મુકીને પોતાના ઘરે ગયા. આજ નીતા ઘણા સમયબાદ ખુદને હળવી મહેસુસ કરતી હતી. ટેબલ પર પડેલ ડાયરીમાં આજ પોતાના મનની વાત લખવી હતી. એનો જમણો હાથ હજુ વ્યવસ્થિત કામ કરતો હતો. એણે પોતાની વ્યથા કાગળે ઠાલવવાની શરૂ કરી.

પચીસ વર્ષ થયા તમને પરણી હું, તમે મને આટલા વખતમાં શું આપ્યું. મારી શું કિંમત કરી. અરે તમે મને એક સંતાન પણ ન આપી શક્યા. તમારી માટે બસ તમારો બિઝનેસ ને તમારી મિટિંગસ્ જ વધુ જરુરી હતી. તમે ક્યારે મારી કદર નથી કરી સુમીત, ને મે પણ આજસુધી કોઈદી તમારી સામે આર્ગ્યુમેન્ટ નથી કર્યું. તમે જે આપ્યું, જેટલું આપ્યું એ મેં સહર્ષ સ્વીકાર કર્યું. પણ હવે બઉ થયું, હવે હું તમને મારી કિંમત સમજાવીશ.
1. રસોઈ વાળી મહિને 8હજાર લે છે,
2. વાસણ કચરા પોતા મહિને 3 હજાર,
3. દસ્ટીંગ કપડાં ધોવા, એને પ્રેસ કરવાં મહીને 4 હજાર,
4. નર્સ મહિને 10 હજાર.
મહિને 25 હજાર થયા સુમીત. આતો હજુ ઉપરી હિસાબ છે,જે તમે છેલ્લા છ મહિને મારા લીધે ચૂકવ્યો છે, પણ એ હિસાબ નું શું જે હજુ મે ગણાવ્યો પણ નથી. મારો પ્રેમ, મારી લાગણીઓ, મારી ચિંતા, ઘર સાચવવાની જવાબદારી, આ પેઢી જો હિસાબે માંડું તો મહિને 50000 થી વધુ હું કમાતી હોઉં. પણ ના મે કોઈદી મારી કિંમત માંડી નથી, પણ આજ માંડું છું. ને હવે તમને પણ ખબર પડશે, કે આ નીતા, આ સ્ત્રી, જેને તમે અબળા સમજો છે એ અબળા નથી પણ સબળા છે. આ નીતા આજે કરોડપતિ હોત. ફકત નીતા જ નહિ દરેક સ્ત્રી આજની તારીખમાં પોતાની જાતમાં કરોડપતિ છે. પણ પુરૂષને એની કિંમત નથી. આટલું લખી નીતાએ બાજુની ફ્રુટ ડિશમાં પડેલી છરીથી પોતાનું પેટ ચિરી નાખ્યું. ગણતરીની મિનિટોમાં જ નીતાનુ પ્રાણ પંખેરું ઉડી ગયું. હવે આ અમુલખ, કરોડપતિ સ્ત્રીની કિંમત લોકો સમજશે. હવે એની પાછળ રડશે, દાન ધર્મ કરશે, પણ જ્યાં સુધી એ હતી, ત્યાં સુધી એની કિંમત ચપટી ધૂળની પણ નોતી.


ક્ષમા નોંધ:
આજ આટલું કડવું લખ્યું, એની માટે માફી માંગુ છું, ઘણા લોકો ફરિયાદ કરશે કે આ વાત ખોટી છે, આ વિચાર ખોટા છે, આવું ન હોય, પણ હું ફકત એકજ વાત કહીશ, હાથની બધી આંગળીઓ સરખી નથી હોતી, ને દરેક માણસના સ્વભાવ, ઘરની પરિસ્થિતિ, ને વ્યવહાર અલગ અલગ હોય છે, એટલે કોઈએ આ વાત પર્સનલ લેવી નહિ. જય શ્રી કૃષ્ણ 🙏🙏🙏


બીજા રસપ્રદ વિકલ્પો

શેયર કરો

NEW REALESED