ગંગૂબાઇ કાઠિયાવાડી Rakesh Thakkar દ્વારા પુષ્તક અને વાર્તા PDF

Featured Books
  • ભાગવત રહસ્ય - 117

    ભાગવત રહસ્ય-૧૧૭   જગતમાં શિવજી જેવો કોઈ ઉદાર થયો નથી. અને થવ...

  • શ્રાપિત પ્રેમ - 18

    વિભા એ એક બાળકને જન્મ આપ્યો છે અને તેનો જન્મ ઓપરેશનથી થયો છે...

  • ખજાનો - 84

    જોનીની હિંમત અને બહાદુરીની દાદ આપતા સૌ કોઈ તેને થંબ બતાવી વે...

  • લવ યુ યાર - ભાગ 69

    સાંવરીએ મનોમન નક્કી કરી લીધું કે, હું મારા મીતને એકલો નહીં પ...

  • નિતુ - પ્રકરણ 51

    નિતુ : ૫૧ (ધ ગેમ ઇજ ઓન) નિતુ અને કરુણા બીજા દિવસથી જાણે કશું...

શ્રેણી
શેયર કરો

ગંગૂબાઇ કાઠિયાવાડી

ગંગૂબાઇ કાઠિયાવાડી

- રાકેશ ઠક્કર

આલિયા ભટ્ટના ફિલ્મ 'ગંગૂબાઇ કાઠિયાવાડી' ના અભિનયથી દર્શકો રાજી થાય એમ છે! અત્યાર સુધી નિર્દેશક સંજય લીલા ભણશાલીની ફિલ્મો એમના નામ પર જ ઓળખાતી આવી છે. કદાચ પહેલી વખત એવું થયું છે કે આલિયાનો અભિનય તેમના નિર્દેશન પર ભારે પડ્યો છે. સંજયની અગાઉની ફિલ્મોની સરખામણીએ 'ગંગૂબાઇ કાઠિયાવાડી' ને સંગીત, વાર્તા કે જરૂરી ક્લાઇમેક્સ ન હોવાની બાબતોને કારણે નબળી ગણવામાં આવી હોવા છતાં આલિયાના નામ પર જોવા જેવી બની છે. સંજય ભણશાલીએ એક વાતનું ખાસ ધ્યાન રાખ્યું છે કે વેશ્યાના જીવનની વાર્તા હોવા છતાં એમાં કોઇ દ્રશ્ય કે સંવાદ અશ્લીલ ના લાગે. તેમણે ફિલ્મના દ્રશ્યોને વાસ્તવિક બનાવવાનો પ્રયત્ન કર્યો છે. આલિયાને પણ ગંગૂબાઇ તરીકે બરાબર રજૂ કરી શક્યા છે. મુંબઇના બદનામ વિસ્તાર કમાઠીપુરાની વાર્તા છે. ગંગા (આલિયા) કાઠિયાવાડના એક બેરિસ્ટરની પુત્રી હોય છે. એક છોકરાના પ્રેમમાં હીરોઇન બનવાની લાલચમાં ભાગીને મુંબઇ આવે છે. પ્રેમી તેને એક હજાર રૂપિયામાં કોઠા પર વેચી દે છે. થોડા દિવસ પછી તેણે ધંધા પર બેસવું પડે છે. પહેલો ગ્રાહક તેને 'ગંગુ' નામ આપે છે. તે પોતાની જૂની જિંદગીને ભૂલી જાય છે. આગળ જતાં તેને લોકોનો પ્રેમ અને સન્માન મળે છે. તે રેડલાઇટ વિસ્તારની હજારો સ્ત્રીઓ અને એમના બાળકો માટે લડાઇ લડે છે અને જીતે પણ છે.

ફિલ્મમાં સમાજ સામે પોતાના હક માટે લડતી એક સ્ત્રીની વાર્તા છે. વાર્તામાં ખાસ કોઇ વળાંક નથી. લાંબો ડ્રામા છે પણ કલાકારોનો અભિનય અને સંવાદો જલદી કંટાળો આવવા દેતા નથી. ગંગૂબાઇની રહીમ સાથેની મુલાકાત, રઝિયાબાઇ સાથેની લડાઇ, એક પત્રકાર સાથેની વાત વગેરે મુદ્દાને કારણે દર્શકોને થોડી નવીનતા મળે છે. આલિયાએ અગાઉ ફિલ્મ 'રાજી' માં સારું જ કામ કર્યું હતું છતાં 'ગંગૂબાઇ કાઠિયાવાડી' તરીકે અપેક્ષાથી વધુ સારું કામ કર્યું છે. ફિલ્મમાં આમ તો બોલિવૂડના ત્રણ હીરો છે. પરંતુ સાચો હીરો કે હીરોઇન જે ગણો એ આલિયા જ છે. નાજુક કાયાવાળી આલિયા માટે આ ભૂમિકા અનેક રીતે પડકારરૂપ હતી. તે ભોલી અને ક્યુટ દેખાય છે. એની ઉંમર જ નહીં ઊંચાઇ પણ ઓછી છે. તેમ છતાં ગંગૂબાઇના પાત્રમાં ઢળી ગઇ છે. સફેદ સાડીમાં પ્રવેશ કરતી કે કારમાં પગ પર પગ ચઢાવીને બેઠેલી આલિયા પ્રભાવ પાડે છે. શીતલ શર્માના કોસ્ચ્યુમમાં આલિયા સુંદર અને ગ્લેમરસ લાગી છે. આલિયાએ દમદાર સંવાદ અને રૂઆબદાર અંદાજ સાથે ચાલ –ઢાલ અપનાવીને ગંગૂબાઇના વિચારોને પણ પડદા પર ઉતાર્યા છે.

આલિયાના પાત્રને મજબૂત બનાવવામાં પ્રકાશ અને ઉત્કર્ષિનીના 'કુંવારી આપને રહને નહીં દિયા ઔર શ્રીમતિ કિસીને બનાયા નહીં' અને 'આપ સે જ્યાદા ઇજ્જત હૈ હમારે પાસ, પૂછો કૈસે? આપ કી ઇજ્જત એક બાર ગઇ તો ગઇ, હમ તો રોજ રાત કો ઇજ્જત બેચતી હૈ, યહ ખતમ નહીં હોતી' જેવા સંવાદોનો ફાળો રહ્યો છે. ગંગૂબાઇનું ભાષણ ફિલ્મના શ્રેષ્ઠ દ્રશ્યોમાં ગણાયું છે. ઘણા સંવાદો તાળીઓ પાડવા મજબૂર કરવા સાથે દિલને સ્પર્શી પણ જાય છે. વર્ષો પછી ગંગૂબાઇ ફોન પર પોતાની મા સાથે વાત કરે છે એ દ્રશ્ય આંખમાંથી પાણી લાવી દે એવું છે. આલિયાની વાતો દર્શકોને હસાવવા સાથે એની અસર મૂકી જાય છે. એવા અનેક દ્રશ્યો અને સંવાદ છે જે અહેસાસ કરાવે છે કે આ એક વેશ્યાની વાર્તા છે. અલબત્ત રેડલાઇટ વિસ્તારનો કાયાકલ્પ કરનારી ગંગૂબાઇના જીવનની વાર્તા બહુ સીધી સાદી છે.

આલિયા સાથે અજય દેવગનનો મહેમાન કલાકાર તરીકે અભિનય પણ દમદાર હોવાથી દર્શકો નિરાશ થતા નથી. અજયનો પ્રવેશ જબરદસ્ત છે. 'રહીમ લાલા' તરીકે અજયનું કામ કમાલનું છે. તે 'વન્સ અપોન અ ટાઇમ' ઝોનરના પાત્રમાં ફરી જામે છે. નિયમોનો પાકો રહીમ જ્યારે પોતાના જ માણસને મારીને સબક શીખવાડે છે એ દ્રશ્યમાં દર્શકો હચમચી જાય એવો અજયનો અભિનય છે. આલિયા પછી અજય એવો કલાકાર છે જે ફિલ્મ જોવાનું કારણ બને છે. ફિલ્મમાં ભૂમિકા લાંબી નહીં મોટી હોવી જોઇએ એનું તે ઉદાહરણ છે. સીમા પાહવાએ 'શીલા માસી' ને જીવી બતાવી છે. 'ન નર ન નારી, ફિર ભી સબ પે ભારી' સંવાદ સાથે એક ટ્રાન્સજેન્ડર તરીકે વિજય રાજ નાની ભૂમિકામાં પ્રભાવિત કરી જાય છે. જિમ સરભ પત્રકાર તરીકે સારું કામ કરી જાય છે. શાંતનુએ ગંગૂબાઇના પ્રેમી તરીકે દરજીના પાત્રમાં 'જબ સૈંયા' ગીત સાથે પ્રશંસા મેળવી છે. હુમા કુરેશીએ કવ્વાલીથી દર્શકોને મનોરંજન પૂરું પાડવામાં નાનો ફાળો આપ્યો છે. જોકે સહાયક તરીકે આવતા કલાકારો પોતાના અભિનયથી છવાઇ ગયા પછી તરત જ ગાયબ થઇ જાય છે એ ખટકે એવું છે. એમની ભૂમિકાને મહત્વ આપવાની જરૂર હતી. ગંગૂબાઇના જીવનની 'માફિયા ક્વીન' ની બાજુને બતાવવાનું ભણશાલીએ ટાળ્યું છે. તેની સારી બાજુને જ બતાવવામાં આવી હોવાથી વાર્તામાં કંઇક ખૂટતું લાગે છે. વેશ્યાના જીવન અંગેનો ક્લાઇમેક્સ પણ વિવાદાસ્પદ વિચારવાળો છે.

સંજય આ વખતે જાતે આપેલા સંગીતમાં થોડું ચૂકી ગયા છે. ઘણા ગીત ફિલ્મની લંબાઇ વધારવાનું જ કામ કરે છે. સંગીત એમની ફિલ્મનો પ્રાણ હોય છે ત્યારે 'ગંગૂબાઇ કાઠિયાવાડી' માં સામાન્ય છે. 'ઢોલિડા' અને 'મેરી જાન' નું ફિલ્માંકન સારું હોવાથી જોવાલાયક બન્યા છે. નવી ગાયિકા જહાનવીના સ્વરવાળા 'ઢોલિડા' ગીતમાં આલિયાનો ડાન્સ અદભૂત છે. અર્ચના ગોરેના સ્વરમાં 'ઝૂમે રે ગોરી' યાદ રહે એવું નથી. સમીક્ષકોએ માન્યું છે કે સંજય ભણશાલીની આ એવી ફિલ્મ નથી કે એને થિયેટરમાં જ જોવી પડે. ફિલ્મને OTT પર રજૂ થાય ત્યારે જોઇ શકાય છે. પરંતુ જો આલિયાના ચાહક છો તો એના અભિનય માટે મોટા પડદા પર જ જોવી જોઇએ.