વસુધા
પ્રકરણ-28
દુષ્યંતને બોલ બેટ
અપાવી પીતાંબર ઘરે આવ્યો. આવીને વસુધાનાં હાથમાં બેગ મૂકી કહ્યું આ તારાં માટે, વસુધાએ જોયું કેડબરી ચોકલેટ જોઇને
બોલી વાહ આજે તો કંઇ ખૂબ ખુશ છો ને ? પીતાંબરે કહ્યું સાસરે આવ્યો છું ખુશજ હોઊં ને પણ આજે બજારમાં
મારો ફ્રેન્ડ મળેલો મેં કહ્યું અહીં ક્યાથી એ કહે અહીં સાસરે આવ્યો છું મેં કીધું
તારું સાસરુ અહીંજ છે ? કહે હાં બાજુનાં ગામમાં પણ અહીં થોડી ખરીદી કરવા આવેલો.
વસુધાએ કહ્યું
તમને મિત્રો મળી જાય છે સારું કહેવાય શું નામ છે એમનું ? પીતાંબરે કહ્યું ભાર્ગવ જોષી મારી
સાથે સ્કૂલમાં હતો. થોડીવાર એની સાથે ઉભો રહ્યો તારી ચોકલેટ લીધી ઘરે આવ્યાં.
વસુધાએ કહ્યું મને ખૂબ ગમ્યું તમે મારાં માટે યાદ કરીને લાવ્યાં હું અને દુષ્યંત
બંન્ને ખાઇશું પીતાંબરે કહ્યું ભલે અને મનમાં વિચારવા લાગ્યો મેં સ્ટોરી તો સારી
બનાવી કામ લાગે તો સારું.
***********
સાંજ પડી એટલે પીતાંબરે કહ્યું ચાલ વસુધા ગાડીમાં ક્યાંક ફરીને
આવ્યો ઘરમાંને ઘરમાં કંટાળો આવે છે. ત્યાં વચ્ચે દુષ્યંત કૂદયો હું પણ આવીશ ફરવાં.
ત્યાં પાર્વતીબેને એને ટોક્યો બધે શું સાથે જવાનું ઘરમાં બેસ અને ભણવાનું કર બસ
આખો દિવસ રખડવુંજ ગમે છે.
વસુધા તું અને
કુમાર જાવ એને નથી લઇ જવાનો. દુષ્યંતનો ચહેરો પડી ગયો. પણ પીતાંબરને ગમ્યું જ્યારે
ત્યારે સાથે આવે છે ઘડીક એકલા જવાજ નથી દેતો અને એ અને વસુધા ગાડીમાં આટો મારવા
નીકળ્યાં. વસુધાએ ગામનાં પાદરે આવેલ હનુમાનજીનાં મંદિરે ઉભી રાખવા કહ્યું ચલોને
દર્શન કરી આવીએ આમ પણ આજે શનિવાર છે.
પીતાંબરે કહ્યું
સારુ ચાલ એમ કહી બંન્ને મંદિર દર્શન કરવા ગયાં. મંદિરમાં તેલ સિંદુર લવીંગ ચઢાવીને
પગે લાગ્યાં અને વસુધાએ મનોમન પ્રાર્થના કરી હે મહાબલી પીતાંબર પાસે કોઇ ખોટા કામ, નશો ના કરાવશો એમને સદબુદ્ધિ આપજો.
એમ કહી શ્રીફળનો સાંકરીયાનો પ્રસાદ લઇને બહાર આવ્યાં.
મંદિરની બહાર
નીકળ્યાં અને સામે વસુધાની બહેનપણીઓ મળી ગઇ. સવિતા, રંજના અને પારુલ એ બધી વસુધા પાસે
દોડી આવી. રંજનાએ કહ્યું તું ક્યારે આવી તું તો કહેતી પણ નથી નવાઇની સાસરીયાવાળી
થઇ ગઇ છે. ત્યાં પારુલ ટહુકી બોલી વસુધા તને ટોકે છે પણ એનાં વિવાહ નક્કી થઇ ગયાં.
એ પણ સાસરીયાવાળી થઇ જવાની તો રંજને કહ્યું આ બેઉ જણીઓનું જોવાનું ચાલે છે તારી
પાછળ બધાનું નક્કી થવાનું હવે.
પીતાંબરે કહ્યું
વસુ તું વાતો કર હું ગાડી પાસે ઉભો છું વસુધાએ કહ્યું
આ પ્રસાદ ગાડીમાં મૂકી દેજોને હું હમણાં આવું છું પીતાંબરે કહ્યું ભલે. એ ગાડી તરફ
ગયો.
ત્યાં સવિતાએ
કહ્યું અમે તો બનેવીલાલને બજારમાં જોઇનેજ સમજી ગયેલાં કે તું આવી લાગે છે.
બનેવીલાલ પૈસાવાળા અને શોખીન લાગે છે. વસુધાએ કહ્યું બધાં પુરુષો એવાંજ હોય શોખીન.
પણ તું આપણી વાત કરને. ત્યાં પારુલે સવિતા અને રંજનની સામે જોયું રંજને કહ્યું શોખીન
છે એટલેજ કીધું બજારમાં ગલ્લે ઉભા ઉભા સીગરેટનાં કસ મારતાં હતાં એમ કહીને હસી પડી.
વસુધાએ કહ્યું તું
ચિબાવલી છે તે એમને ઓળખી લીધેલાં ? એ સીગરેટ નથી પીતાં બીજુ કોઇ હશે.
તું શું પહેલીવાર મળી લગ્ન પછી અને ખોટી પંચાત કરે છે. ચાલ હું જઊં મારે મોડું થાય
છે ફરીથી મળીશું એમ કહી ગુસ્સે ભરાયેલી વસુધા પીતાંબર પાસે આવી ગઇ.
પીતાંબરે કહ્યું
એટલીવારમાં મળી લીધું ? ચાલ આગળ ફરવા જઇએ. વસુધાએ કહ્યું બધી ચીબાવલીજ છે. તમને એક
પ્રશ્ન પૂછું ? પીતાંબરે કહ્યું બોલને વસુ.
વસુધાએ કહ્યું
મારી બહેનપણી કહેતી હતી કે એકલા બજારમાં તમને સીગરેટ પીતાં જોયેલાં. મેં તો એ
લોકનું મોંજ તોડી લીધું કે તમે નાજ હોવ. બધી પંચાતીયણ છે.
પીતાંબરે હસતાં
હસતાં કહ્યું ખરી પંચાત કરે અરે હું ગલ્લે તારાં માટે ચોકલેટ લેવા ગયેલો ત્યાં
મારો મિત્ર ભાર્ગવ હતો એ સીગરેટ પીતો હતો. આ લોકોની જોવામાં ભૂલ થઇ હશે. જેને જે
કરવું હોય એ કરે આપણે શું ?
વસુધાએ પૂછ્યું
તમે સાચેજ સીગરેટ નથી પીતાં ને ? પીતાંબરે કહ્યું વસુ કેમ તને વિશ્વાસ નથી ? એક વાર ભૂલ થઇ એટલે કાયમ શંકા
કરવાની ? એમ કહીને એણે ચહેરો ઉતારી લીધો અને રીસાયો હોય એમ બેસી ગયો.
વસુધાએ કહ્યું તમે
એકવાર કીધું પતી ગયું મને પૂરો વિશ્વાસ છે આ બધી તો બોલ્યા કરે હું એમ કોઇનાં કીધા
ઉપર માની ના લઊં કાચા કાનની નથી. ચલો હવે મૂડ ના બગાડો આગળ ફરવા જઇએ.
************
બહાર આંટો મારીને પાછાં વળતાં પીતાંબરે વસુધાને કીધું ગામને
કેટલી પંચાત હોય છે કોણ શું કરે છે એ જાણવા અને એની વાતો કરવા નવરા પડી જાય છે. જે
માણસને જે કરવું હોય કરે એ એનાં પૈસે મોજશોખ કરે એમને શું ?
વસુધાએ કહ્યું
સાચીવાત છે મને કોઇની પંચાતમાં રસજ નથી મને મારાં વરમાં અને ઘરમાંજ રસ છે. ત્યાં
ઘર આવી ગયું અને વસુધાએ મંદિર પાસેથી ફળની લારીમાંથી ફળ ખરીદેલાં એ ઘરમાં આપ્યાં.
***********
રાત્રે બધાં જમી
પરવારીને વાતો કરતાં બેઠાં હતાં અને પુરષોત્તમભાઇએ કહ્યું ગુણવંતલાલ તમે આમ બધાં આવ્યાં
રોકાયા અમને ખૂબ ગમ્યું છે. પણ તમે આમ બધુ ખરીદીને સાથે લાવ્યાં એમાંય ત્રાંબાનો
ટંકાળેલો ઘડો -મીઠાઇ બધુ લાવવાની શું જરૂર ?
ગુણવંતભાઇએ કહ્યું
વેવાઇને ત્યાં લગ્ન પછી પહેલી વાર આવ્યા એમ ખાલી હાથે અવાય ? એમાં શું અમને ખૂબ આનંદ થયેલો મારી સરલાનાં ઘરે પણ મોકલ્યું છે.
પાર્વતીબેને
કહ્યું છોકરીને તો આપો એટલું ઓછું પણ અમારાં સુધી ના હોય. ભાનુબહેને કહ્યું મારાં
દીકરાનું સાસરુ પારકું છે ? અમને એવું ના ગમે.
વસુધા અને
પીતાંબરે બધી વાતો સાંભળતાં બેસી રહેલાં. પીતાંબરની સામે જોઇ વસુધા મલકાઇ રહી હતી
ત્યાં પીતાંબરે કહ્યું તમે લોકો બેસો હું પગ છૂટા કરીને આવું છું. આમ મંદિર સુધી
ચાલીને આવું છું.
ગુણવંતભાઇએ કહ્યું કંઇ
નહીં જઇ આવો આમે વાતો કરતાં બેઠાં છીએ. પીતાંબરે વસુધાને પૂછ્યું તારે આવવું છે ? વસુધાએ કહ્યું ના તમે જઇ આવો હું
અહીં બધાં સાથે બેઠી છું. પીતાંબરે કહ્યું ભલે. એને એટલી હાંશ થઇ કે વસુધા આવવા
તૈયાર ના થઇ.
પીતાંબર એનાં
રૂમમાં ગયો અને તરત પાછો વળી સેન્ડલ પહેરીને નીકળ્યો. દુષ્યંત જતા જોઇ રહ્યો એ કંઇ
બોલ્યો નહીં.
પીતાંબર ચાલતો
ચાલતો નીકળ્યો. વસુધાનું ઘર ઘણું પાછળ રહી ગયેલું. એણે ખીસામાંથી સીગરેટ બોક્ષ
કાઢ્યું અને એમાં રહેલી સીગરેટ સળગાવી અને કશ લેતો ચાલવા લાગ્યો.
આખી સીગરેટ પીધી
ત્યાં સુધી ચાલતો રહ્યો પછી ઠૂંઠુ ફેંકી એણે હોલ્સ મોઢામાં મૂકી અને ઘરે પાછો આવવા
નીકળ્યો. થોડે આગળ ગયો હશે ત્યાં સામેથી સરપંચકાકા આવતાં હતાં. એ પીતાંબરને ઓળખી
ગયાં. એમણે કહ્યું જમાઇ રાજ કેમ છો ? હાલવા નીકળ્યાં ?
પીતાંબરે વડીલને
કહ્યું રામ રામ કાકા હાં હમણાં જમીને પચાવવા નીકળ્યો તમારી તબીયત સારી છે ને ? કાકાએ કહ્યું સારી છે હું અહીં
ઓટલેજ બેઠો હતો તમને જતાં જોયેલાં પણ ઓળખાયા નહીં હવે સામે મળ્યાં તરત ઓળખાણ પડી
ગઇ. પછી ધીમે રહીને બોલ્યાં. કુમાર મારી દીકરી વસુધા બહુ ભોળી અને ડાહી છે એનું
ધ્યાન રાખજો. પ્રભુ તમને સુખી રાખે એમ કહી જવાબ સાંભળ્યાં વિના ચાલવા લાગ્યાં.
પીતાંબરને થયું
બધાં બહુ નજીકનાં થઇ જાય છે હું દૂર સુધી ગયેલો તોય ડોહાને દેખાઇ ગયો. ખબર નહીં
એમણે શું જોયું શું ના જોયું અહીં તો બહાર ફરવામાં અને... બધું જોખમજ છે.
પીતાંબર ઘરે આવ્યો
ત્યારે બધાં સૂવાની તૈયારીમાં હતાં. પીતાંબરે જોયું એની પથારી એનાં પાપા અને
સસરાની જોડે લાઇનમાં પાથરી હતી. એણે વસુધા પાસે પીવાનું પાણી માંગ્યું. વસુધા પાણી
લઇને આવી એટલે પૂછ્યું મારે આ વડીલો સાથે સૂવાનું છે ? તારી સાથે નહીં ?
વસુધાએ શરમાતાં
કહ્યું ખરા છો તમે અહી પાપા અને તમારાં પાપા બધાં છે એવી રીતે થોડું સૂવાય ? હું તો અંદર માં, ફોઈ અને તમારી મંમી સાથે સૂવાની... બહુ
લુચ્ચા છો.. હમણાં થોડો વખત એવુંજ રહેશે.
પીતાંબરે એને
પોતાની નજીક ખેંચતા કહ્યું મારે નહીં ચાલે હું રહું એટલો સમય મારી સાથેજ સૂવાનું
પછીતો તારે અહીં રોકાવાનુંજ છે ને ? હું ત્યારે એકલો શું કરીશ ? હું હમણાં સૂઇ જઊં છું પણ રાત્રે
તને બોલાવીશ તું આવી જજે આપણે ઉપર ધાબે જતાં રહીશું ત્યાં
વાતો કરીશું અને....
વસુધાએ કહ્યું
ચાલે સૂઇ જાવ હમણાં... રાતની વાત રાત્રે. થોડી શરમ સંકોચ રાખો આ લોકો જાણશે તો
આપણાં માટે કેવું વિચારશે ? પીતાંબરે કહ્યું...
આગળ આવતા અંકે - પ્રકરણ-29