Prem - Nafrat - 20 books and stories free download online pdf in Gujarati

પ્રેમ - નફરત - ૨૦

પ્રેમ-નફરત

- મિતલ ઠક્કર તથા રાકેશ ઠક્કર

પ્રકરણ-૨૦

લખમલભાઇએ જાતે આવીને આરવને રચના સાથેના પ્રેમનો પ્રશ્ન એકાંતમાં પૂછ્યો હતો. તેમના ચહેરા પર ગુસ્સાના કોઇ ભાવ ન હતા. તેમનો ચહેરો શાંત હતો. તેમને રચના પ્રત્યેની લાગણીનો કેવી રીતે ખ્યાલ આવી ગયો હશે? એમ વિચારતો આરવ શું જવાબ આપવો એનો નિર્ણય કરી શકતો ન હતો. પહેલા તો એણે પોતાના દિલને પ્રશ્ન પૂછવાનો હતો કે એ ખરેખર રચનાને પ્રેમ કરવા લાગ્યો હતો કે એના પ્રત્યે હજુ ખેંચાણ થઇ રહ્યું હતું? આરવે સ્પષ્ટ જ કહી દીધું:'પપ્પા, પ્રેમની તો મને ખબર નથી પણ એ છોકરી મને વ્યવસ્થિત લાગી છે. એના પર વિશ્વાસ કરી શકાય એમ છે...'

લખમલભાઇ હસી પડ્યા:'આરવ, તું તો નાનો હતો અને ગભરાતો હતો એમ ગભરાઇ ગયો! પ્રેમ કરતો હોય તો કહી દેવાનું. હવે એ ઉંમર નથી કે તને વઢી શકું. આજની પેઢી સ્વતંત્ર છે. અને મને ખબર છે કે તું સ્વચ્છંદ નથી. સમજી- વિચારીને નિર્ણય લે એવો છે. ખેર, રચના અંગે તું અંગત જે નિર્ણય લેવો હોય એ લઇ શકે છે પણ તમારે પહેલાં આપણા નવા મોબાઇલ મોડેલને લોન્ચ કરવા પર ધ્યાન આપવાનું છે. બે દિવસમાં તમે બંને આયોજન કરીને મને અહેવાલ આપશો... બોલ બેટા, બીજું કેમ ચાલે છે?'

આરવને તક મળી ગઇ હતી. સામાન્ય રીતે પરિવારના કોઇ સભ્યો ઘરની વાત કંપનીના પરિસરમાં ચર્ચતા ન હતા. અત્યારે આરવને એ નિયમ તોડવાનો અફસોસ ન હતો:'પપ્પા, બધું બરાબર છે. મમ્મીને કહેજો કે મારા લગ્ન માટે કોઇ છોકરી પ્રત્યે હકરાત્મક વલણ રાખવાની ઉતાવળ ના કરે...'

લખમલભાઇ સમજી ગયા કે રચના પ્રત્યે એને થોડો પ્રેમ જરૂર થઇ ગયો છે! તે મનમાં જ મલકાતા બોલ્યા:'ભાઇ! એ તારો અને તારી મમ્મીનો પ્રશ્ન છે! પણ તારે કોઇ છોકરીની ભલામણ તારી મમ્મીને કરવાની હોય તો મને કહેજે!'

લખમલભાઇ આરવના જવાબની કે પ્રતિભાવની રાહ જોયા વગર એની ઓફિસમાંથી બહાર નીકળી ગયા. આરવને એમનો સંકેત મળી ગયો હતો. એમણે આરવ તરફી અભિપ્રાય વ્યક્ત કરી દીધો હતો. તેનું મન રચના પર આવી રહ્યું હતું ત્યારે માતાએ શૈલી સાથે મુલાકાત કરાવી દીધી હતી અને શૈલીએ એની સાથે નક્કી થયા મુજબ ના પાડવાને બદલે પોતાની જ નહીં મારી પણ હા હોવાનો ઇશારો કરી દીધો હતો.

આરવને શૈલીએ લુચ્ચાઇ કરી એ ગમી ન હતી. એ તેના વિશે વિચારતો હતો અને એનો જ ફોન આવ્યો એટલે બબડ્યો:'એને હજુ યાદ કરી નથી ને ફોન આવી ગયો.' એક ક્ષણ તો થયું કે ફોન ના લે પણ પછી મમ્મીના સમાજના સ્થાનને ધ્યાનમાં રાખીને સૌજન્ય બતાવવા સિવાય છૂટકો ન હતો. તેણે ધીમેથી કહ્યું:'હલો...'

'હું શૈલી! કેમ છો?!' એ ફોન પર ટહુકી.

'જી, મજામાં છું. ફરમાવ, કેમ યાદ કર્યો?' આરવે એની સાથે વાત કરવામાં બહુ રસ ન હોય એમ પૂછ્યું.

'આજે અથવા કાલે તમે ફ્રી હોય તો કોફી શોપમાં મળીએ...' શૈલીએ પ્રશ્ન નહીં પણ આયોજન હોય એમ કહ્યું.

'જી...બે-ચાર દિવસ તો બહુ વ્યસ્ત છું. અમારી કંપનીનું નવું મોડેલ લોન્ચ કરવાની તૈયારી ચાલે છે એટલે હમણાં તો મુશ્કેલ છે...' આરવે સાચું કારણ રજૂ કરી દીધું. તેને થયું કે જૂઠું બોલવાની જરૂર ના પડી.

'કામ તો આખી જિંદગી રહેવાનું જ છે આરવ! સમય તો કાઢવો પડશે ને? જુઓ કંઇક એડજસ્ટ થતું હોય તો... આમ તો મારી મમ્મી તમારી મમ્મીને આગળ વાત કરવાના જ છે.' શૈલી એવી રીતે બોલી કે આરવ ગુંચવાઇ ગયો. શૈલી મમ્મીનું દિલ જીતી લે એવી છે. તેણે કંઇક વિચારીને કહ્યું:'ઓકે, હું તમને સાંજ સુધીમાં કહું છું...'

'હું તમારા ફોનની રાહ જોઇશ... નહીંતર તમારું ઘર બહુ દૂર પણ ક્યાં છે?!' એમ કહીને હસતાં હસતાં એણે ફોન મૂકી દીધો.

આરવને થયું કે તેની વાતનો શું અર્થ કાઢવો જોઇએ?

ક્રમશ:

બીજા રસપ્રદ વિકલ્પો

શેયર કરો

NEW REALESED