પ્રેમ - નફરત - ૧૯ Mital Thakkar દ્વારા પુષ્તક અને વાર્તા PDF

Featured Books
શ્રેણી
શેયર કરો

પ્રેમ - નફરત - ૧૯

પ્રેમ-નફરત

- મિતલ ઠક્કર તથા રાકેશ ઠક્કર

પ્રકરણ-૧૯

'ઓલ ઇન વન મોબાઇલ' કંપનીના શેરોના ભાવ ઘટી ગયા એ વાત મોટા આંચકા સમાન હતી. કિરણને રચના પર ગુસ્સો આવી રહ્યો હતો એ તેના શબ્દોમાં વ્યક્ત થતો હતો. હિરેન પણ જાણે આરવની ભૂલને મોટી બતાવવાનો મોકો મળી ગયો હોય એમ બોલ્યો:'પપ્પા, આપણી વર્ષોની મહેનત પર પાણી ફરી વળ્યું છે. આ છોકરીને કંપનીમાં લેતાં પહેલાં બહુ વિચાર કરવાની જરૂર હતી. એની મૂર્ખામી આપણાને ધંધામાં મૂરખ સાબિત કરી રહી છે. શેરબજારમાં આપણી મોબાઇલ કંપનીનું નામ હતું. ભાવ હંમેશા વધતા જ રહ્યા છે. આ બધું કંપનીની અણાઅવડત સિધ્ધ કરી રહ્યું છે...'

હિરેન અને કિરણ જાણે આરવને બોલવાની તક આપવા માગતા ન હતા. એમણે આરવની બોલતી બંધ કરી દીધી હતી. તેણે કંપનીની પ્રગતિમાં ઘણું યોગદાન આપ્યું છે. એ સતત એવા પ્રયત્નમાં રહ્યો છે કે 'ઓલ ઇન વન મોબાઇલ' નું નામ બીજી કંપનીઓથી વધુ થાય. રચનાને કારણે અત્યારે તો એણે સાંભળીને બેસી રહેવા સિવાય કંઇ થઇ શકે એમ નથી. બંને ભાઇઓએ એમની વાતોથી બોલતી બંધ કરી દીધી હતી એનો આરવને ખ્યાલ આવી ગયો હતો.

'તમે બંને શાંત થઇ જાવ. શેરબજારમાં આપણી કંપનીના ભાવ ગગડી ગયા છે પણ એ બધું આપણે ફરી પાછા ઊભા થઇ શકીએ એ માટે જ છે...' લખમલભાઇ બંનેને ધરપત આપતા બોલ્યા.

'પપ્પા, તમે આશાવાદી થઇને વિચારી શકો છો. એક વખત શેરના ભાવ નીચા જાય પછી જલદી ઉપર આવતા નથી. લોકોનો ભરોસો ઓછો થઇ જાય છે. આપણા નસીબ પણ અત્યારે તો સારા લાગતા નથી કે કોઇ ચમત્કાર થાય...' કિરણ નિરાશા વ્યક્ત કરી રહ્યો.

'દીકરાઓ, જો આપણે જ ભાવ ઘટાડ્યા હોય તો આપણે વધારી શકીએ ને?' લખમલભાઇ હસીને બોલ્યા.

હિરેન ચમકીને પૂછી રહ્યો:'પપ્પા, તમે શું કહેવા માગો છો? જરા સમજ પડે એમ કહો ને...'

'બેટા, શેરબજારમાં ભાવ મેં જ ઓછા કરાવ્યા છે...' લખમલભાઇ પોતાની ચાલ છતી કરતાં બોલ્યા.

'કેમ? એનું શું કારણ?' આરવ ઉત્સુક્તાથી પૂછી રહ્યો.

'જુઓ, કંપનીના શેરનો ભાવ સામાન્ય હતો. એ જલદી વધવાનો ન હતો. મેં શેરબજારના આપણા નિષ્ણાત સાથે ચર્ચા કરી ત્યારે એમણે મને સલાહ આપી કે તમે કોઇ પાર્ટી પાસે ઓછા ભાવે શેરની ખરીદી કરાવી લો. અને નવો મોબાઇલ એવો લોન્ચ કરો કે તમારું નામ થઇ જાય. ત્યારે લોકો શેર ખરીદવા પડાપડી કરશે અને આપણા શેરના ભાવ વધી જશે. એટલું જ નહીં આપણે ઓછા ભાવે ખરીદી લીધા હોવાથી એને વેચવાથી નફો આપણા જ ખિસ્સામાં આવશે...' લખમલભાઇએ પોતાની યોજના રજૂ કરી.

'પપ્પા, તમે તો કમાલ જ કરી દીધો...' આરવ ઉછળીને ખુશ બોલ્યો.

કિરણ અને હિરેન હેબતાઇ ગયા હોય એમ હતપ્રભ સ્થિતિમાં એમને જોઇ જ રહ્યા.

'દીકરા, આપણે પણ જમાના સાથે ચાલવું પડશે. રચનાએ સારા ઇરાદાથી કંપની માટે કામ કર્યું છે એવું મને લાગ્યું છે. આપણે એનો સાથ લઇને 'સુપર ફાસ્ટ મોબાઇલ' કંપનીના નવા મોબાઇલ પહેલાં એમની કંપનીમાંથી રચનાના આઇડિયા મુજબ માહિતી મેળવીને આપણો મોબાઇલ લોન્ચ કરીશું. મને વિશ્વાસ છે કે સૌના સહયોગથી આપણે સફળ રહીશું...' લખમલભાઇએ પોતાના બધા પત્તા ખોલી નાખ્યા.

હિરેન અને કિરણ પિતાની યોજનાથી ખુશ થયા. બંનેએ પિતાને અભિનંદન આપી આભાર માન્યો. આખરે કંપનીનો ફાયદો એમના જ લાભમાં હતો. પણ આરવ અને રચનાનું આ કારણે માન વધશે એ વાતનો અંદરથી ચચરાટ જરૂર રહ્યો.

'પપ્પા, તમારો અનુભવ જ કંપનીને આ સ્થાન પર લઇ આવ્યો છે અને હજુ વધુ ઊંચાઇ પર પહોંચાડશે એમાં કોઇને શંકા નથી...' હિરેન ખુશ થઇ બોલ્યો.

લખમલભાઇ આરવ તરફ જોઇને બોલ્યા:'તું આજથી જ રચના સાથે નવા મોબાઇલને લોન્ચ કરવાની તૈયારીમાં લાગી જા. હિરેન અને કિરણ સાથે પણ સંકલનમાં રહેજે. તમારે ત્રણેય જણે સાથે મળીને આપણી નાવને હંકારવાની છે...'

આરવની ખુશીની કોઇ સીમા ન હતી.

બધા છૂટા પડ્યા.

આરવ ખુશ મિજાજમાં પોતાની ઓફિસમાં જઇને બેઠો ત્યાં લખમલભાઇ એની પાસે આવ્યા. તે સહેજ આશ્ચર્ય પામ્યો:'પપ્પા! આવો આવો...!'

'રચના આપણ આયોજનને પાર પાડશે ને?' લખમલભાઇએ ખાતરી કરવા પૂછ્યું.

'હા, મને વિશ્વાસ છે...' આરવ આત્મવિશ્વાસથી બોલ્યો.

'અને પ્રેમ પણ છે ખરું ને?' લખમલભાઇએ બીજો સવાલ પૂછ્યો ત્યારે આરવ ચમકીને એમને જોઇ રહ્યો. એમના ચહેરા પરના ભાવને સમજવાનો પ્રયત્ન કરતા આરવને થયું કે પપ્પાને મારા દિલની વાતની ખબર કેવી રીતે પડી ગઇ? હું હા પાડીશ તો એમના પ્રત્યાઘાત કેવા હશે?

ક્રમશ: