લોહી તરસ્યું ભૂત Rakesh Thakkar દ્વારા પુષ્તક અને વાર્તા PDF

Featured Books
શ્રેણી
શેયર કરો

લોહી તરસ્યું ભૂત

લોહી તરસ્યું ભૂત

-રાકેશ ઠક્કર

"અનુલ, હવે શું કરશો તમે?" તેન્નીશાના સ્વરમાં ચિંતા હતી.

અનુલ પણ પહેલાં તો વિચારમાં પડી ગયો. પછી ખુશ થઇને બોલ્યો:"જંતેશ જિંદાબાદ!"

"આ એ જ જંતેશની વાત કરો છોને જેનો તમે લોહી આપીને જીવ બચાવ્યો હતો..." તેન્નીશા યાદ કરતાં બોલી.

"તેન્નીશા, કોઇનો જીવ બચાવનારો હું કોણ? એ તો એક રક્તદાતા તરીકે મારી ફરજ હતી..." અનુલ પોતાની જૂની ડાયરી શોધતાં બોલ્યો.

"રક્તદાતાઓની આ જ તો મહાનતા હોય છે..." તેન્નીશા તેનું એક રક્તદાતા તરીકે વધારે ગૌરવ લેતી હતી.

"તેન્નીશા! તેન્નીશા! બસ હવે, મારા કાર્યના વખાણ મને ગમતા નથી. મને આનંદ એ વાતનો છે કે જંતેશને મુશ્કેલીના સમયમાં મારું લોહી કામ આવ્યું હતું..." અનુલ પાંચ વર્ષ પહેલાંની ઘટનાને વાગોળતાં બોલ્યો.

કોલેજકાળમાં જંતેશ અને અનુલ એક જ વર્ગમાં હતા. ખાસ ઓળખાણ ન હતી. બંને એક સહાધ્યાયી તરીકેનો જ પરિચય ધરાવતા હતા. એક દિવસ જંતેશ કોલેજથી છૂટીને પોતાની બાઇક પર ઘરે જઇ રહ્યો હતો અને એને અકસ્માત નડ્યો. તેને લોહીની જરૂર હતી. પરંતુ રક્તદાતા મળી રહ્યો ન હતો. એ માટે લોકોની સંકુચિત વિચારસરણી જવાબદાર હતી. એ તો સારું થયું કે વર્ગના જ વિદ્યાર્થીના અકસ્માતની વાત હતી એટલે ઉડતી ઉડતી તેના કાને આવી અને એક ક્ષણનાય વિલંબ વગર તે હોસ્પિટલમાં પહોંચી ગયો. નાના શહેરની હોસ્પિટલના ડૉકટરે પણ તેનો ખાસ આભાર માન્યો.

જંતેશને નીચી જાતિનો ગણવામાં આવતો હોવાથી કોઇ રક્ત આપવા તૈયાર થતું ન હતું. રક્ત આપતી વખતે અનુલને ક્યારેય કોઇ જાતિ કે ધર્મનું બંધન માન્ય ન હતું. તેને મન દરેક વ્યક્તિ પહેલાં માનવી હતી. માનવતા પહેલો ધર્મ હતો. તેને લોકોની વિચારસરણી માટે બહુ દુ:ખ થતું હતું. જમાનો આધુનિક થઇ રહ્યો છે. લોકો કપડાં અને બીજા આધુનિક પ્રસાધનો વાપરી રહ્યા છે પરંતુ એમના મનમાં હજુ જૂના જમાનાની ખોટી માન્યતાઓ સબડી રહી છે. એની જાગૃતિ માટે પણ ત્યારે જ તેણે પ્રયત્ન શરૂ કરવાનું પ્રણ લીધું હતું. જ્યારે જંતેશ સ્વસ્થ થયો અને એને ખબર પડી કે અનુલને કારણે તેનો જીવ બચી ગયો છે ત્યારે તેના મનમાં આદરની લાગણી ઊભી થઇ અને તેની સાથે મિત્રતા થઇ ગઇ. અનુલે એને સ્પષ્ટ કહ્યું હતું કે મેં તારા પર કોઇ અહેસાન કર્યું છે એવું ક્યારેય માનતો નહીં. જંતેશ સાથે કોલેજના એ છેલ્લા જ દિવસો હતા.

કોલેજની પરીક્ષા પૂરી થઇ અને એ પોતાના વતન જતો હતો ત્યારે ફરી એકવખત આભાર માનીને એને પોતાનું સરનામું અને ફોન નંબર ખાસ આપી ગયો હતો. તેણે આગ્રહ કર્યો હતો કે જ્યારે પણ હિમાચલપ્રદેશ આવે ત્યારે જરૂર એને મળવું.

સમય વહેતો ગયો. શરૂઆતમાં બે-ચાર વખત ફોનથી સંપર્ક થયો અને વાતો થઇ. પછી તો બંને પોતાના જીવનમાં વ્યસ્ત થઇ ગયા.

આજે ત્રણેક વર્ષ પછી તે ફરી યાદ આવી ગયો હતો.

અનુલે ડાયરીમાં લખી રાખેલું જંતેશનું હિમાચલપ્રદેશનું સરનામું શોધી કાઢ્યું. તેને થયું કે અચાનક જવાનું થયું અને આ પ્રવાસની સીઝનમાં અનેક હોટલોમાં સંપર્ક કર્યા પછી રહેવાની જગ્યા ના મળી એટલે તે યાદ આવી ગયો.

અનુલે તેનો નંબર ડાયલ કર્યો પરંતુ લાગ્યો નહીં.

અનુલને સહેજ નિરાશ જોઇ તેન્નીશા બોલી:"હવે શું કરીશ?"

"તું ચિંતા શું કામ કરે છે? ફોન નહીં લાગે તો એને ત્યાં રૂબરૂ પહોંચી જઇશ..." અનુલે વિશ્વાસ સાથે કહ્યું.

"તમે આટલી લાંબી કાર મુસાફરી કરીને પહોંચશો તો થાકી જશો અને એ ના મળ્યો તો તમે ક્યાં આરામ કરશો?"

"હું ગમે ત્યાં જુગાડ કરી લઇશ..."

અનુલે બેગ તૈયાર કરી અને કારની સ્થિતિ જોઇ લીધી. લાંબી મુસાફરી માટે બધું બરાબર હતું. તે એક ઉત્સાહ સાથે નીકળી ગયો. કંપનીના કામથી તેણે રાત્રે જ નીકળવું યોગ્ય હતું. સવારે ત્યાં પહોંચીને આરામ કરીને બપોર પછી કામ પતાવી શકાય એમ હતું. તેન્નીશાએ તેને પોતાની સંભાળ લેવાની સૂચના આપી.

વહેલી સવારે સૂરજ ઉગતાની સાથે જ તે હિમાચલપ્રદેશમાં પ્રવેશી ગયો હતો. તેણે ગૂગલ મેપમાં જંતેશના ઘરનું સરનામું મૂકી દીધું હતું. કોઇને કંઇ પૂછવાની જરૂર જ ના રહી. તે સીધો જંતેશના ઘર નજીક પહોંચી ગયો. શહેરની હદ પૂરી થયા પછી એક ગ્રામ્ય વિસ્તારમાં તેનું નાના બંગલા જેવું ઘર દેખાયું. ઘર ઘણું જૂનું લાગ્યું. તેણે દરવાજો ખખડાવ્યો. ઘણીવાર સુધી કોઇ પ્રતિસાદ ના આવ્યો. ફરીથી ફોન લગાવ્યો. પણ લાગ્યો નહીં. ત્યાં દરવાજાની કડી ખોલવાનો અવાજ આવ્યો.

દરવાજો ખૂલ્યો અને સામે જંતેશને જોઇ અનુલને ખુશી સાથે હાશ થઇ.

"કેમ છે જંતેશ? હું અનુલ...યાદ છું ને?" અનુલે પોતાની ઓળખ આપી.

"તને કેવી રીતે ભૂલી શકું? આવ..." કહી જંતેશ તેને ઘરમાં લઇ આવ્યો.

અનુલ થાકી ગયો હતો એટલે તેણે વધારે વાત ના કરી. થોડા કલાક આરામ કરી બપોરે નીકળી જવાની વાત કરી. જંતેશે તરત જ વ્યવસ્થા કરી આપી અને એને મદદરૂપ થવા માટે પોતાને આભારી ગણાવ્યો. જંતેશ અત્યારે ખેતી કરતો હોવાનું કહી રહ્યો હતો. અને એકાકી જીવન જીવતો હતો. તેણે પોતાના પરિવાર વિશે કંઇપણ કહેવાનું ટાળ્યું. અનુલને એના અંગત પારિવારિક જીવન સાથે બહુ મતલબ ન હતો.

અનુલ બપોરે ઉઠ્યો ત્યારે તેણે જમવાની વ્યવસ્થા કરી રાખી હતી. તે જમ્યો નહીં. તેનું કહેવું હતું કે શરીર વધી ગયું હોવાથી તે એક જ સમય ભોજન લે છે.

અનુલે ભોજન કર્યું અને કહ્યું:"હું કંપનીના એક કામથી આવ્યો છું. રાત્રે કામ પતી જશે એટલે નીકળી જઇશ..."

"જો મોડું થાય તો રોકાવાની ચિંતા ના કરીશ. ભલે હું આજે રાત્રે અહીં નથી. અને મારો ફોન બગડી ગયો છે. પરંતુ તને મારા એક ઓળખીતાનું સરનામું અને ફોન નંબર આપું છું. તું એમનો સંપર્ક કરજે. એ તારી વ્યવસ્થા કરશે..." જંતેશ કંઇક વિચારીને બોલ્યો.

"ના-ના, એવી નોબત આવવાની નથી. હું નીકળી જ જવાનો છું." અનુલને વિશ્વાસ હતો કે પોતાનું કામ પતી જ જવાનું છે.

"ઠીક છે. પણ જો રાત્રે જવાનું થાય તો તું જે કાળી પહાડીના ટૂંકા રસ્તે આવ્યો હતો ત્યાંથી જ બહાર નીકળી જજે. જલદી નીકળી જવાશે. નહીંતર એક કલાકનો લાંબો ચકરાવો લેવો પડશે. કાળી પહાડીથી ડરવા જેવું કંઇ નથી..." જંતેશે સૂચન કર્યું.

"હા, ત્યાંથી જ જવાનો છું. એ કાળી પહાડી પાસેથી જ આવ્યો છું. એટલો પણ જોખમી વળાંક નથી..." અનુલે પોતાનો અનુભવ વ્યક્ત કર્યો.

બપોર પછી એ માર્કેટિંગના પોતાના કામમાં એટાલો વ્યસ્ત રહ્યો કે સારા ઓર્ડર મળ્યા અને ધક્કો સફળ રહ્યો. રાત ક્યારે પડી ગઇ એનો ખ્યાલ જ ના રહ્યો. ક્યાંય ફરવાની તક ના મળી એનો અફસોસ ના રહ્યો. તેણે એક ઓછી ભીડવાળી નાની હોટલમાં ભોજન લઇ લીધું અને મનોમન જંતેશને 'આવજો' કહીને નીકળ્યો. તેનો ફોન બગડેલો હતો એટલે સંપર્ક કરવાનો અર્થ ન હતો.

અનુલ કાળી પહાડી નજીક પહોંચ્યો ત્યારે આગળ માર્ગ પર બેરીકેડ લગાવી રસ્તો બંધ કરવામાં આવ્યો હતો. તેને થયું કે સવારે તો રસ્તો ચાલુ હતો. અચાનક રસ્તો બંધ કરવાનું શું કારણ હશે?

અનુલે કારમાંથી ઉતરી ત્યાં ઊભેલા સીક્યુરિટી ગાર્ડ જેવા લાગતા માણસને પૂછ્યું:"ભાઇ, આ રસ્તો કેમ બંધ કર્યો છે?"

"ભાઇ, એ બંધ જ રહે છે..."

"હું આજે સવારે તો આ જ રસ્તે આવ્યો હતો. અચાનક કેમ બંધ કરી દીધો?"

"ભાઇ, રોજ રાત્રે આ રસ્તો બંધ જ રહે છે. તમે બીજા રસ્તે જતા રહો. અહીંથી જવામાં જોખમ છે..."

"કેવું જોખમ ભાઇ? મને તો કાળી પહાડી પાસે એવો જોખમી મોટો વળાંક લાગતો નથી. કારની હેડલાઇટમાં બધું દેખાશે. મને જવા દો..."

"ભાઇ, એક વખત કહ્યું તો સમજ પડતી નથી? આ રસ્તા પર રાત્રે પ્રતિબંધ છે..."

"પ્રતિબંધનું સરકારી જાહેરનામું હોય તો બતાવ..."

"એવો કોઇ કાગળ નથી. જનતાની સલામતિ માટે રાત્રે આ માર્ગ રાત્રે બંધ કરવાનો આદેશ થયેલો છે..."

"અરે ભાઇ! મારા મિત્રએ કહ્યું છે કે આ રસ્તે જલદી બહાર નીકળી જવાય છે..."

"ભાઇ, આ રસ્તો સીધો સ્વર્ગ કે નરકમાં જ જાય છે..."

"શું બોલે છે તું? હું કંઇ દારૂ પીને ચલાવતો નથી કે પહાડી પરથી ગબડી જઇશ..."

"ભાઇ, આ રસ્તો સીધો સ્વર્ગ કે નરકમાં જ જાય છે..."

"શું બોલે છે તું? હું કંઇ દારૂ પીને ચલાવતો નથી કે પહાડી પરથી ગબડી જઇશ..."

"ભાઇ, તમે સમજવાના નથી ને? તો સાંભળી લો કે રાત્રે કાળી પહાડી પાસે ભૂત ફરે છે અને એ લોકોનું લોહી પી જાય છે...કેટલાક કિસ્સા પછી પ્રશાસને લોકહિતમાં રાત્રે આ માર્ગને બંધ રાખવાનો નિર્ણય લીધો હતો. સ્થાનિકોની એમાં સંમતિ છે. તમે બહારથી આવો છો એટલે કંઇ સમજતા નથી..."

"અ જમાનામાં ભૂત-બૂત જેવું કંઇ હોતું નથી. અને એને લોહી જ જોઇતું હશે તો હું એક રક્તદાતા જ છું. મારી કારમાં બાટલો, સિરિન્જ વગેરે રાખું જ છું. એને રક્ત કાઢીને આપી દઇશ!."

"સાહેબ, તમે વાતને મજાકમાં ના ઉડાવી દો. બહુ ગંભીર વાત છે. એક કલાક બચાવવા માટે જીવ શા માટે જોખમમાં મૂકો છો?"

"ભાઇ, મારા મિત્રએ મને ખોટું ના કહ્યું હોય..."

સીક્યુરિટી ગાર્ડની બધી જ વાતોને ખોટી ગણાવી અનુલ જાતે જ બેરીકેડ કાઢીને કાર લઇ નીકળી ગયો. સીક્યુરિટી ગાર્ડ પાછળ ચિંતાથી બૂમ પાડતો રહી ગયો.

થોડે દૂર ગયા પછી જ્યારે ઝાડી વિસ્તારનો રોડ શરૂ થયો ત્યારે વાતાવરણ જોઇને હમણાં કોઇ ભૂત તો નહીં નીકળે ને? એવી ચિંતામાં એસી કારમાં પણ અનુલના કપાળ પર પરસેવો નીતરવા લાગ્યો. તેણે હિંમત રાખીને કારને ચાલુ રાખી. એક જગ્યાએ ધુમ્મસ વધારે હતું. ફૂલ લાઇટમાં કંઇ દેખાતું ન હતું. તેને થયું કે આ કાળી પહાડીવાળો વળાંક તો નહીં હોય ને? અચાનક કારની લાઇટ ઓલવાઇ ગઇ. સામે કંઇ દેખાતું ન હતું. બહાર વાતા પવન સાથે ઝાડના ઉડતા પાંદડાઓમાં એક પડછાયો પસાર થયો હોય એવો તેને ભ્રમ થયો અને તેનો પગ બ્રેક પર મુકાઇ ગયો. એક ચિચિયારી સાથે કાર અટકી ગઇ. તેણે આસપાસમાં નજર નાખી. કંઇ દેખાતું ન હતું. તેણે લાઇટની સ્વીચ ચાલુ–બંધ કરી. તે કારનું એન્જીન બંધ કરી ફરી ચાલુ કરવાનું જોખમ લેવા માગતો ન હતો. તેના કાનમાં સીક્યુરિટી ગાર્ડની ચેતવણીના પડધા પડ્યા:" રાત્રે કાળી પહાડી પાસે ભૂત ફરે છે અને એ લોકોનું લોહી પી જાય છે..."

તે ચમક્યો. અચાનક કારની હેડલાઇટ ચાલુ થઇ ગઇ અને ધુમ્મસ વિખેરાવા લાગ્યું. તે જીવ લઇને ભાગતો હોય એમ કાર ઝડપથી સાવધાની સાથે ચલાવવા લાગ્યો. દસ મિનિટ પછી તે બહાર મુખ્ય રસ્તા પર આવ્યો ત્યારે તેને રાહત થઇ. તેની કાર જોઇને બીજી તરફ બેરીકેડ લગાવીને ચોકી કરતા સીક્યુરિટી ગાર્ડને ધ્રૂજતો જોયો. તેને લાગ્યું કે વાતાવરણની ઠંડક કરતાં પોતાને બહાર આવેલો જોઇને તે કોઇ ભયથી વધારે ધ્રૂજી રહ્યો છે.

અનુલ કારની બહાર આવ્યો ત્યારે એને કોઇ અજાયબીની જેમ સીક્યુરિટી ગાર્ડ જોઇ રહ્યો હતો. તેણે હિંમત કરીને પૂછ્યું:"તમે કેવી રીતે આ બાજુ આવ્યા? તમને રોક્યા નહીં કોઇએ?"

"ભાઇ, પેલી બાજુ મને અટકાવેલો પણ એની વાત ખોટી સાબિત કરવા જ હું આ માર્ગે આવ્યો અને તારી સામે ઊભો છું..." અનુલે તેના ખભા પર હાથ મૂકી વિશ્વાસ અપાવતાં કહ્યું.

સીક્યુરિટી ગાર્ડ તરત જ નજીકમાં મૂકેલું રજીસ્ટર લઇને આવ્યો. તેણે અનુલનું સરનામું અને સંપર્ક નંબર નોંધી લીધા.

અનુલ શાંતિથી ઘરે આવી ગયો. અડધો દિવસ આરામ કર્યો પછી જ્યારે તેન્નીશાને પોતાના પ્રવાસની અથથી ઇતિ વાત કરી ત્યારે એ પણ બધું સાંભળીને સ્થિર થઇ ગઇ. તે કંઇ બોલી જ ન શકી.

"ખોટી અફવાઓને કારણે જ આપણે ત્યાં આવું બધું ચાલતું રહે છે. બોલ, મને કંઇ ના થયું..." અનુલ પોતાની હિંમત પર ખુશ હતો.

"અનુલ, તેં મોટું સાહસ ખેડ્યું કહેવાય. કોઇ જતું ના હોય અને ભૂત મળતું હોય એવા રસ્તે જવાની તેં કેવી રીતે હિંમત મેળવી?" તેન્નીશાનું આશ્ચર્ય શમતું ન હતું.

"જંતેશના વિશ્વાસ પર. તેણે મને કહ્યું કે કાળી પહાડીવાળા રસ્તે જજે. એને અનુભવ હશે. અને એ ગયો જ હશે. એની પાસેનો ફોન ચાલતો નથી. નહીંતર મેં એની સાથે ગાર્ડની વાત કરાવી જ હોત...."

"અનુલ, જંતેશ કેમ છે? કેટલા વર્ષો પછી તું એને મળ્યો નહીં?" તેન્નીશા પૂછી રહી.

"હા, એનો ફોન પણ ચાલુ ન હતો. સારું થયું કે ઘર મળી ગયું...એ તો એવો જ છે. પણ થોડો ગામડિયો લાગ્યો. એને લોકો પ્રત્યે થોડો રોષ જોવા મળ્યો. કદાચ તેને કોઇ અન્યાય થયો હોવો જોઇએ. તે કહેતો હતો કે બધા તારા જેવા સારા અને દયાળુ નથી. તું રક્તદાન કરીને લોકોના જીવ બચાવે છે ત્યારે અહીં લોકો કામ કરતા માણસોનું લોહી ચૂસી લે છે. તેમને મહેનતના પ્રમાણમાં આમદની મળતી નથી. ગરીબોનું લોહી ચૂસીને માલિકો તગડા થઇ રહ્યા છે...મેં એને બહુ સમજાવ્યો કે આપણે દિલમાં કોઇ માટે ખરાબ ભાવના રાખવાની નહીં. ભગવાન સાચાનો હોય છે. તે સાચા માણસને ન્યાય આપે જ છે. હું રક્તદાન કરતી વખતે એમ વિચારતો નથી કે સામેની વ્યક્તિ પર કોઇ અહેસાન કરી રહ્યો છું. કુદરતની કૃપા છે કે નવું રક્ત શરીરમાં બનતું રહે છે. એમાંથી આપતા રહેવામાં કોઇ વાંધો નથી. આરોગ્યને પણ કોઇ નુકસાન નથી. હું અસંખ્ય વખત રક્તદાન કરી ચૂક્યો છું. કોઇ દિવસ મારી તબિયત બગડી નથી....મારી વાત સાંભળીને એ વિચારમાં પડી ગયો. એણે એના માટેના મારા રક્તદાનને ફરી સાંભર્યું અને આભાર માનતા કહ્યું કે હવે હું પણ એવું જ કરીશ. તેની સાથે બહુ સમય ના રહેવાયું પણ મને ગમ્યું..." અનુલ સંતોષ વ્યક્ત કરતાં બોલ્યો.

આ વાતને એક અઠવાડિયું વીતી ગયું.

અનુલ સવારે નોકરી પર જવાની તૈયારી કરતો હતો ત્યારે તેના મોબાઇલની રીંગ વાગી. નંબર અજાણ્યો હતો. પરંતુ હિમાચલપ્રદેશ લખેલું વાંચીને તેને જંતેશની યાદ આવી ગઇ.

"એનો જ ફોન હોવો જોઇએ" એમ મનોમન બોલી ખુશીથી 'હલો' બોલ્યો ત્યાં સામેથી પ્રશ્ન પૂછાયો:"હું અનુલભાઇ સાથે વાત કરી શકું?"

અવાજ અજાણ્યો હતો. જંતેશ જવાબમાં નવાઇથી બોલ્યો:"હા, તમે કોણ?"

"હું નાયબ મામલતદાર બોલું છું. તમે એક અઠવાડિયા પહેલાં કાળી પહાડીવાળા માર્ગે રાત્રિ દરમ્યાન પસાર થયા હતા ને?"

સરકારી અમલદારનો ફોન અને તેમનો આવો સવાલ સાંભળી અનુલ સહેજ ગભરાયો. તેણે નિયમ તોડ્યો હતો એ કારણે કોઇ પગલાં લેવાશે કે શું? ઉપર સુધી મારી ફરિયાદ થઇ હશે? એવો ભય તેને પજવવા લાગ્યો. તેણે થૂંક ગળીને અવાજને સ્વસ્થ રાખવાનો પ્રયત્ન કરતાં કહ્યું:"જી...જી..."

"અમે તમારો આભાર માનવા ફોન કર્યો છે. તમે રાત્રે એ રસ્તે હેમખેમ બહાર આવી ગયા પછી અમે અમારા નિર્ણય પર ફરી વિચારણા કરી અને બે દિવસ પોલીસની જીપ સાથે એ રસ્તે પસાર થયા. કોઇ ડરામણી ઘટના ના બની કે અજુગતું ના થયું એટલે હવે એ માર્ગ ખોલી નાખ્યો છે. અમે આશા રાખીએ છીએ કે એ લોહી તરસ્યું ભૂત હવે જતું રહ્યું હશે..." અમલદારના અવાજમાં ખુશી હતી.

"ચાલો સારું થયું. એ ભૂત જો ખરેખર હતું એમ માનતા હશો તો એ રસ્તો છોડી ગયું હશે. બાકી મને તો લાગતું ન હતું કે કોઇ ભૂત જેવું ત્યાં ફરતું હશે...અને મારા મિત્રએ મને સાચું જ કહ્યું હતું..." અનુલ હવે સામાન્ય સ્વરમાં બોલી રહ્યો હતો.

"ચાલો...ફરી આભાર!" કહી અમલદારે ફોન મૂકી દીધો.

અનુલ વિચારમાં પડી ગયો. પોતે કોઇ મોટી ધાડ મારી ન હતી. છતાં અમલદારે આભાર માનવા ફોન કર્યો એ સારી વાત કહેવાય. તેને થયું કે પોતે પણ જંતેશનો આ માટે આભાર માનવો જોઇએ. તેણે એક પ્રયત્ન કાર્યો. ફોન લાગ્યો જ નહીં. પછી જંતેશે લખાવેલો તેના ઓળખીતાનો નંબર લગાવ્યો. તેમના મારફત જંતેશનો સંપર્ક થઇ શકશે એવી આશા સાથે સામે જતી રીંગ સાંભળી રહ્યો.

કોઇએ ફોન ઉપાડીને 'હલો' કહ્યું.

તે બોલ્યો:"હું અનુલ બોલું છું. જંતેશનો મિત્ર. એણે તમારો નંબર આપ્યો હતો. એનો તમે સંપર્ક કરાવી આપશો?"

સામેના છેડે સોપો પડી ગયો હોય એમ કોઇ પ્રતિભાવ આવ્યો નહીં.

"હલો, તમે સાંભળો છો ને?" અનુલે ફોન ચાલુ છે એની ખાતરી કરવા પૂછ્યું.

"હં...હં... પણ જંતેશ તો..." એ બોલતાં અટકી ગયો.

"શું થયું જંતેશને? એ ઘર છોડી ગયો?" અનુલે કોઇ શંકાથી પૂછ્યું.

"ભાઇ, જંતેશ તો એનું ઘર જ નહીં આ દુનિયા છોડી ગયાને બેથી વધારે વર્ષ થઇ ગયા છે... તમે એને ક્યારે મળ્યા હતા?" સામેની વ્યક્તિનો અવાજ ધ્રૂજતો હતો.

હવે અનુલની બોલતી બંધ થઇ ગઇ હતી. થોડી ક્ષણો પછી સ્વસ્થ થતાં બોલ્યો:"શું બોલો છો તમે? એ આ જગતમાં નથી?"

"ના" સામેથી એકાક્ષરી જવાબ આવ્યો.

"એ...કેવી રીતે મૃત્યુ પામ્યો હતો?" અનુલે કંઇક વિચારીને માહિતી પૂછી.

"લગભગ બે વર્ષ પહેલાં એ કાળી પહાડી પાસેથી બાઇક લઇને પસાર થતો હતો ત્યારે વળાંક પર એક કાર ચાલકે બેફામ હંકારતાં તેને ટક્કર લાગી હતી. કાર ચાલક અકસ્માત કરીને ભાગી ગયો હતો. ભયંકર ઇજાને કારણે તેના માથામાંથી એટલું લોહી વહી ગયું કે ઘટના સ્થળે જ તેનું મોત થયું હતું. અને તે ભૂત બનીને લોકોનું લોહી પીતો હોવાની વાતો સાંભળવા મળ્યા પછી પ્રશાસને તકેદારીના ભાગરૂપે રસ્તો રાત્રે બંધ રાખવાનું નક્કી કર્યું હતું. પરંતુ ખબર છે કે હવે એ માર્ગ રાત્રે પણ ચાલુ રાખવામાં આવે છે. કદાચ જંતેશના આત્માને શાંતિ મળી ગઇ હશે..."

"ઓહ! આ વાત હતી. ચાલો વાંધો નહીં. પાંચ વર્ષ પહેલાં તે મારી સાથે ભણતો હતો. યાદ કરીને એને ફોન કર્યો પણ લાગ્યો નહીં એટલે એણે આપેલા બીજા નંબર પર ફોન લગાવ્યો. તમારો આભાર!" કહી અનુલે એક સપ્તાહ પહેલાં તેની આત્મા સાથે થયેલી મુલાકાતનો ઉલ્લેખ કરવાનું ટાળી ફોન મૂકી દીધો.

તેન્નીશા બધું જ સાંભળી રહી હતી.

અનુલ એટલું જ બોલ્યો:"એણે મારી વાત સાંભળીને મારા રક્તનું ઋણ ચૂકવી દીધું હોય એમ લાગે છે."

***