ક્ષિતિજ...ગાથા વિરહથી મિલન સુધીની... - ભાગ 16 Dhruti Mehta અસમંજસ દ્વારા પુષ્તક અને વાર્તા PDF

Featured Books
શ્રેણી
શેયર કરો

ક્ષિતિજ...ગાથા વિરહથી મિલન સુધીની... - ભાગ 16

રાશિની આવી હાલત પાછળ તેમને અનુરાગ જવાબદાર લાગી રહ્યો હતો અને તે આજે નહિ તો કાલે રાશિને શોધતો જરૂર ઘરે આવશે એમ માની ઘરે ગયા. અને તેમની ધારણા પ્રમાણેજ અનુરાગ ત્યા આવ્યો, પણ સુમેરસિંહે ખુબજ સિફતાપૂર્વક રાશિના લગ્નની વાત ઘડી કાઢી અને રાશિ એ તેને દગો આપ્યો છે એવો વિશ્વાસ અપાવી દીધો અને તેને રાશિના જીવનમાંથી કાયમ માટે બહાર કરી દીધો.

બીજી તરફ ઘણી સારવાર કરવા છતા રાશિ ભાનમા આવી નહિ અને ડૉક્ટરના કહેવા પ્રમાણે તેના મગજ ઉપર ઊંડી અસર થવાના કારણે તે કોમામા જતી રહી.

દિવસો વીતી રહ્યા પણ રાશિની હાલતમા કોઈ ફરક નહોતો આવી રહ્યો. એમજ મહિના અને વર્ષો વીતી રહ્યા હતા. દિવસે ને દિવસે પોતાની દીકરીની આવી હાલત જોઈ સુમેરસિંહ હવે પસ્તાઈ રહ્યા હતા. એમને પોતે કરેલી ભૂલ સમજાઈ ગઈ હતી. અને જાણે ભગવાને એમની પ્રાર્થના સાંભળી હોય એમ રાશિ પૂરા ૪ વર્ષે આજે ભાનમાં આવી હતી.

ડરતી રાશિને પોતાની પાસે ખેંચી છાતીએ વળગાળતો સુમેરસિંહ નાના બાળકની જેમ રડી પડ્યો.

"મને માફ કરીદે દીકરી, એક પિતા થઈને હું તારી ખુશીઓનો દુશ્મન બની બેઠો હતો. મારી સત્તા અને અહંકારે મને આંધળો બનાવી મુક્યો હતો", સુમેરસિંહ રાશિ પાસે હાથજોડી પોતાના ગુન્હાની માફી માંગી રહ્યો. બાપ દીકરી આજે ઘણા વર્ષે જાણે બંને વચ્ચે ચણાઈ ગયેલ દીવાલ ઉખેડી રહ્યા.

સાથેજ સુમેરસિંહે રાશિની માફી માંગતા તેનો એકસિડન્ટ થયો ત્યાંથી લઈને અનુરાગ એને મળવા આવ્યા સુધીની તમામ વિગત કહી.

"દીકરી પણ હવે તારી આંખોમા હું આંસુ નહિ આવવા દઉં. તારી દરેક ઈચ્છા ને હું પૂરી કરીશ પણ તુ હવે જલ્દી સાજી થઇ જા", અને બાપ દીકરી ક્યાંય સુધી રડતા હસતા એકબીજા સાથે વાતો કરી રહ્યા.

આખરે રાશિની હિમ્મત અને સુમેરસિંહની કાળજીથી થોડાજ સમયમા રાશિ એકદમ સ્વસ્થ થતા એને હોસ્પિટલમાંથી રજા આપી દેવામા આવી.

રાશિને હોસ્પિટલમાથી રજા આપવાના દિવસે ત્યાંનો પૂરો સ્ટાફ રડી રહ્યો હતો. ૪ વર્ષોથી ત્યા ચાલી રહેલ સારવાર દરમ્યાન રાશિ સાથે બધાને એક લાગણી બંધાઈ ગઈ હતી.

રાશિ ઘરે જવા ખુબ અધીરી હતી પણ હોસ્પિટલથી ઘરે જવાની જગ્યાએ જયારે એની કાર રેલ્વે સ્ટેશન જઈને ઉભી રહી ત્યારે એની આંખોમા આશ્ચર્યના ભાવ જોઈ સુમેરસિંહે એના હાથોમા ટિકિટ પકડાવી દીધી.

"આ શુ છે પિતાજી, અને આપણે અહીં કેમ આવ્યા છીએ? આપણે ઘરે જવાની જગ્યાએ ક્યાં જઈ રહ્યા છીએ?", એકીસાથે કઈ સવાલો એના હોઠો ઉપર આવી ગયા.

"આપણે નહિ તું. તું તારી મેડિકલ કોલેજથી થોડે દૂર આવેલ વિલાસપુર ગામ જઈ રહી છે", હોઠો ઉપર મુસ્કાન સાથે સુમેરસિંહ બોલ્યો.

"હા દીકરા, તે ગામમાં તારો અનુરાગ છે. મેં તારી કોલેજમાં અનુરાગ વિશે તપાસ કરાવતા તે વિલાસપુર ગામની હોસ્પિટલમા ફરજ બજાવી રહ્યો છે તે જાણવા મળ્યું છે માટે હવે વધારે સમય બગાડ નહિ અને જા દીકરી તારું અધૂરું વચન પૂરું કર."

રાશિ હર્શાશ્રુ સાથે સુમેરસિંહને ભેટી પડી.

ટ્રેનમા બેસેલ રાશિ પૂરા સફર દરમિયાન અનુરાગ સાથેના વિતાવેલ એક એક પળ ફરીથી યાદ કરી રહી. અનુરાગના વર્તમાનની સચ્ચાઈથી બેખબર, આટલા વર્ષો પછી પોતાને જોઈ અનુરાગ કેટલો ખુશ થશે તે જોવા રાશિની આંખો અધીરી બની ગઈ હતી. ક્યારે વિલાસપુર આવે અને ક્યારે જઈ અનુરાગની માફી માંગી પોતાની વીતક કથા કહે તેની રાહ જોઈ રહી.

આખરે તે ક્ષણ પણ આવી ગઈ. વિલાસપુર આવતાજ રાશિ ટ્રેનમાંથી ઉતરી અને સ્ટેશન બહાર ઉભી રહેલ ઓટો રીક્ષામા બેસી સીધી ગામમાં એકમાત્ર આવેલ હોસ્પિટલ જવા નીકળી.

* ક્રમશ

- ધ્રુતિ મેહતા (અસમંજસ)