રાશિ પાસેથી એનો ફોન પણ સુમેરસિંહે ગામ જતા સુધી લઈ લીધો હતો અને એમણે અનુરાગે કરેલ મેસેજ પણ વાંચી લીધો હતો. માટે ઘરે જતા પહેલાજ રાતોરાત સુમેરસિંહે રાશિના લગ્નની બધીજ તૈયારીઓ આરંભી દીધી હતી.
બધી વાતથી અજાણ રાશિએ પોતાનો મોબાઈલ ચોરી છૂપીથી લઈને અનુરાગ સાથે વાત કરવાથી લઈને એને ગામની બહાર બોલાવીને મળવા સુધીની દરેક બાબતની સુમેરસિંહને જાણ હતી.
તે રાત્રે બધા સૂઈ ગયા ત્યારબાદ રાશિ ધીમે પગલે રૂમની બહાર નીકળી. અને...
"છોડો મને, જવાદો અહીંથી. તે મારી રાહ જોઈ રહ્યો હશે." અચાનક મચેલા શોરથી આઇસીયુ રૂમની બહાર બેઠેલા સુમેરસિંહ વર્તમાનમા પાછા ફર્યા. એમણે જોયુ તો રૂમમા રાશિ એ ધમાલ મચાવી હતી. તેણે પોતાના શરીર સાથે જોડાયેલ તમામ નળીઓ નીકાળી દીધી હતી અને બેડ ઉપરથી નીચે ઉતરવા કોશિશ કરી રહી હતી. ત્યાં હાજર બે નર્સ એને પકડી રાખવા પ્રયત્ન કરી રહી હતી પણ તે એમની પકડથી છૂટવા કોશિશ કરી રહી હતી.
અચાનક રાશિનુ શરીર ઢીલુ અને શિથિલ પડવા લાગ્યુ. બબ્બે નર્સોથી સંભાળી ન શકાતી તે એકદમ શાંત પડવા લાગી. એનુ કારણ બીજું કઈ નહિ પણ એની સામે આવીને ઉભા રહેલ એના પિતા હતા. એમને જોઈ તે ડરીને નર્સને પકડીને એની પાછળ લપાઈ ગઈ. રાશિની ડરથી ભરેલ આંખોમા સુમેરસિંહને ફરી તે કાળરાત્રિ દેખાવા લાગી.
ઘરમા બધા સુઈ ગયા છે તેની પૂરી ખાતરી કરીને રાશિ પોતે અનુરાગ સાથે ભાગી જઈને નવી દુનિયા વસાવવાના સપના જોતી ધીરે પગલે પોતાના રૂમની બહાર નીકળી અને સીડીઓ ઉતારવા જઈ રહી હતી ત્યાંજ પાછળથી કોઈએ એનો હાથ પકડ્યો. તે હાથોનો સ્પર્શ ઓળખતી રાશિ થરથર કાંપતી પાછળ ફરી.
"મને ખબર જ હતી તુ મારુ નાક કપાવીને જ રહીશ.કાલે તારા લગ્ન છે અને આજે તુ અમને બધાને દગો કરી અહીંથી તારા પેલા યાર સાથે ભાગી જવા નીકળી છે. પણ હું તારો બાપ છુ, અને તારા એક એક શ્વાસની ખબર રાખુ છું, તો તને શુ લાગે છે આટલી મોટી વાત મને નહિ ખબર હોય? હુ બસ તને રંગે હાથો પકડવા માંગતો હતો", ક્રોધથી ભભૂકતી આંખો સાથે રાશિના હાથોની પકડ વધારે મજબૂત કરતા સુમેરસિંહ બોલ્યા.
"પિતાજી, મને જવા દો. અનુરાગ બહુ સારો છોકરો છે. મારે કોઈ બીજા સાથે લગ્ન નથી કરવા", પિતાના હાથોની પકડમાંથી વ્યર્થ પ્રયાસ કરતી રાશિ સુમેરસિંહને મનાવવાની કોશિશ કરી રહી.
"તારે આપણા ખાનદાનની ઈજ્જત પાણીમા મેળવી દેવી છે.
કોઈ અનાથ ફકીર એવા છોકરા સાથે તને પરણવા દઈ હું વર્ષોની જમાપૂંજી એવી આપણા ખાનદાનની આબરૂને નીલામ નહિ જ થવા દઉં."
સુમેરસિંહ હવે વધારે ઉગ્ર બનતા રાશિને ખેંચી રૂમમાં લઇ જવા માટે એને ઢસડવા લાગ્યા.
ત્યાંજ ઝપાઝપીમા રાશિનો હાથ એના હાથોમાંથી છટકી ગયો અને રાશિ સીડીઓ ઉપરથી ગબડવા લાગી. તેનુ માથું સીડીની ધારદાર કોર સાથે અથડાતા એના કપાળમાં ઊંડો ઘા થયો અને એમાંથી લોહીની ધાર વહી રહી. તેની પછડાટ એટલી વધારે હતી કે એના શરીરે ઠેકઠેકાણે ઘા પડ્યા હતા અને તે ત્યાંજ બેભાન થઇને ઢળી પડી.
ઘભરાતો સુમેરસિંહ એને તરત ગાડીમા નાખી હોસ્પિટલમાં લઇ ગયો, અને ત્યાંના ડોક્ટરોએ એની તાત્કાલિત સારવાર શરૂ કરી દીધી. પણ તેનું લોહી વધારે વહી જવાના કારણે તે ભાનમાં નહોતી આવી રહી. તેની સારવાર માટે શહેરથી પણ મોટા ડોક્ટરને બોલાવવામાં આવ્યા.
"રાશિના કપાળ પર ઊંડો ઘા થયાના કારણે એના દિમાગમાં ઇન્ટરનલ ઇજા થઈ છે, અમે એની સર્જરી કરીને અમારી તરફથી બનતી કોશિશ કરી છે પણ જો ૪૮ કલાકમા તેની પરિસ્થિતિ નહિ સુધરે તો એને કઈ પણ થઇ શકે છે. માટે ભગવાનને પ્રાર્થના કરો તમારી દીકરી માટે", ડૉક્ટર પાસેથી દીકરીની હાલત વિષે જાણી સુમેરસિંહ ભાંગી પડ્યા. તે ખૂબ અભિમાની અને ખાનદાનની આબરૂ બાબતે ખુબ ઉગ્ર હતા પણ પોતાની એકલૌતી સંતાન એવી રાશિને ખુબ પ્રેમ પણ કરતા હતા.
* ક્રમશ
- ધ્રુતિ મેહતા (અસમંજસ)