ક્ષિતિજ...ગાથા વિરહથી મિલન સુધીની....- ભાગ 1 Dhruti Mehta અસમંજસ દ્વારા પુષ્તક અને વાર્તા PDF

Featured Books
  • નિતુ - પ્રકરણ 64

    નિતુ : ૬૪(નવીન)નિતુ મનોમન સહજ ખુશ હતી, કારણ કે તેનો એક ડર ઓછ...

  • સંઘર્ષ - પ્રકરણ 20

    સિંહાસન સિરીઝ સિદ્ધાર્થ છાયા Disclaimer: સિંહાસન સિરીઝની તમા...

  • પિતા

    માઁ આપણને જન્મ આપે છે,આપણુ જતન કરે છે,પરિવાર નું ધ્યાન રાખે...

  • રહસ્ય,રહસ્ય અને રહસ્ય

    આપણને હંમેશા રહસ્ય ગમતું હોય છે કારણકે તેમાં એવું તત્વ હોય છ...

  • હાસ્યના લાભ

    હાસ્યના લાભ- રાકેશ ઠક્કર હાસ્યના લાભ જ લાભ છે. તેનાથી ક્યારે...

શ્રેણી
શેયર કરો

ક્ષિતિજ...ગાથા વિરહથી મિલન સુધીની....- ભાગ 1

નાનકડી રાશિ પોતાના મહેલ જેવી હવેલીના ઝરુખામાં બેઠી બેઠી નીચે ચોગાનમાં પોતાની ભડભડ સળગતી સાઇકલ જોઈ રહી, હજુ બે દિવસ પહેલા જ પોતાના જન્મદિવસની ભેટ નિમિત્તે પિતાજીએ નવી નક્કોર અને ખૂબ સુંદર સાઇકલ અપાવી હતી. આટલી સુંદર અને મોંઘી સાઇકલ આખા ગામમાં કોઈની પાસે નહોતી. અને આજે પોતાની આ સુંદર સાઈકલની આવી હાલત કરવા પાછળ પણ પિતાજી જ હતા એ વાત માનવા રાશિનું દિલ જરાપણ તૈયાર નહોતું પણ એની આંખોએ આજે પિતાજીનું જે નવું અને સાચું સ્વરૂપ બતાવ્યું હતું તે જોઈ માસુમ રાશિના નાનકડા માનસપટલ ઉપર ખુબ ગહેરી અસર થઇ હતી.

રાશિના પિતાજી શ્રી સુમેરસિંહ ગામના જમીનદાર અને મુખિયા હતા. એમની પાસે બાપદાદાની ભરપૂર જમીન જાયદાદ હતી અને સાથે પોતાનો બિઝનેસ શામ દામ દંદભેડની નીતિ અપનાવીને ઘણાં બધા શહેરોમાં ફેલાવ્યો હતો. પોતાના માન, પ્રતિસ્થા અને પૈસાનું એમને ખુબ અભિમાન હતું. અને એટલેજ તે દરેક માણસને એની હેસિયતથી તોળતા.

આજે એક નોકરના નાનકડા છોકરાએ રાશિની સાઇકલને પાસે જઈ જોવાની બાળસહજ લાલચ થઇ આવી હતી, તે છોકરાને સાઇકલ પાસે જઈ તેને પોતાના નાનકડા હાથોનો સ્પર્શ કરતા સુમેરસિંહ જોઈ ગયા હતા અને એટલેજ એની સજા સ્વરૂપે પેલા છોકરાના પિતાને ૧૦૦ ચાબખા મારવાની ઘોષણા કરી, અને નીચી જાતિના માણસના સ્પર્શથી અસ્પૃશ્ય થયેલ રાશિની સાઇકલ એમણે પોતાના હાથોંએજ હવેલીના દરેક નોકર ચાકરની સામે સળગાવી દીધી. હંમેશા પિતાજીનું લાગણીભીનું વ્યક્તિત્વ જોતી આવેલ રાશિ, આજે આમ અચાનક આવી નાની અમથી વાતમાં પિતાજીને આટલા ગુસ્સે ભરાયેલ જોઈને થરથર કંપી રહી.

આ ઘટનાની રાશિ ઉપર એટલી ઊંડી અસર પડી હતી કે ત્યારબાદ તે હંમેશા પોતાના પિતાથી ઘબરાયેલ રહેવા લાગી. હસતી ખેલતી રાશિ હવે એકદમ શાંત અને પિતાથી દૂર રહેવા લાગી હતી. તેને બસ પુસ્તકોને સાથી બનાવી પોતાનું સમગ્ર ધ્યાન ભણવામાં લગાવી દીધું હતુ.

વર્ષો વીતી ગયા તે ઘટનાને, નાનકડી રાશિ હવે ખીલીને સુંદર ફૂલ બની ગઈ હતી. જેવી રૂપમાં સુંદર હતી તેવીજ સુંદર તે મન અને ગુણોથી પણ હતી. પિતાની જેમ એને ક્યારેય પોતાના પૈસા અને મોભાનું ગુમાન નહોતું. Hsc ના વિજ્ઞાન પ્રવાહમાં સમગ્ર જિલ્લામાં તે ટોપર આવતા ડૉક્ટર બનવાની આશા સાથે તેણે આગળનું ભણતર શહેરમાં જઈ પૂરું કરવાનું નક્કી કર્યું. સુમેરસિંહ પણ તેનાથી પોતાના ઘરાનાનો મોભો વધશે એવું વિચારી રાશિની વાત સાથે સહમત થઇ ગયા હતા. આજે વર્ષો પછી રાશિ ખૂબ ખુશ હતી, તે ખુશી ફક્ત ડૉક્ટર બનવાની જ નહિ પરંતુ આ હવેલીના કેદખાનાથી દૂર એક આઝાદીની જિંદગી મળશે તે વિચારથી જ આસમાનમાં ઉડી રહી હતી.

શહેરમાં પગ મુકતાની સાથેજ ખુલ્લી હવાના અહેસાસે રાશિનું મન પ્રફુલ્લિત કરી મૂક્યું. અહીં એને કોઈ સુમેરસિંહની દીકરી તરીકે નહોતું ઓળખતું, વળી અહીં હવેલીના કાયદા કાનૂન પણ નહોતા, હતો તો બસ ખુલ્લો શ્વાસ અને મનની મોકળાશ. મેડિકલ કોલેજ શરુ થવાના બે દિવસ પહેલાજ રાશિ કોલેજની જ હોસ્ટેલમાં રહેવા આવી ગઈ હતી. રાશિ પોતે એક સામાન્ય છોકરીની જેમજ કોઈ પણ જાતની વગ કે ઓળખાણ વગર આગળ પોતાના બળબૂતાથી ભણવા ઇચ્છતી હતી. માટેજ સુમેરસિંહના ખૂબ વિરોધ હોવા છતાં તેમણે રહેવા માટે કરેલ આલીશાન ઘરની વ્યવસ્થાને છોડી રાશિએ કોલેજ તરફતી ફાળવેલ હોસ્ટેલમાં જ રહેવાનું નક્કી કર્યું હતું.


કોલેજ શરુ થવાની આગલી સાંજે ચાલતી ચાલતી રાશિ શહેરમાં લટાર મારવા નીકળી પડી. લોકોને પ્રદૂષણયુક્ત અને ગૂંગળામણ આપતી શહેરની તે હવા રાશિને ગામમાં વર્તતી જાત ભાત અને રિતીરિવાજોનાં પાંગળા બંધનો કરતા વધારે શુદ્ધ અને શીતળતા આપી રહી હતી.


ચાલતા ચાલતા રાશિ શહેરના તે મોડ ઉપર આવી ઉભી હતી જ્યાં ઊંચા નીચા ઢોળાવો ફરતે સર્પાકાર સડકો શરૂ થઇ રહી હતી અને બીજી તરફ ઘુઘવાટા લેતો દરિયો હિલોળા લઇ રહ્યો હતો. દરિયા કિનારે વસેલું આ શહેર આ મોડ પરથી ખુબજ રમણીય લાગી રહ્યું હતું. શહેરના છેવાડે આવેલ આ દરિયો અને હરિયાળી ટેકરીઓ જાણે શહેરના માથા ઉપર શોભતો તાજ હતા.


રાશિ તે ઢોળાવથી એક તરફ ફંટાતા દરિયા કિનારા તરફ ચાલવા લાગી. તેના કિનારા તરફ વળતા કદમોની સાથે સંધ્યારાણી જાણે દરિયાના મોજાઓ ઉપર પોતાના સોનેરી ઝાંઝરો રણકાવતી આગળ અને આગળ દોડી રહી હતી, અને ઠંડા ઠંડા વાયરા જાણે રાશિની સપ્તરંગી ચુનરીની સાથે છેડખાની કરતા પોતાની પ્રિયતમા સંધ્યારાણીની પાછળ દોડી રહ્યા હતા.

** ક્રમશ:


-- ધ્રુતિ મેહતા (અસમંજસ)