ક્ષિતિજ...ગાથા વિરહથી મિલન સુધીની....- ભાગ 2 Dhruti Mehta અસમંજસ દ્વારા પુષ્તક અને વાર્તા PDF

Featured Books
શ્રેણી
શેયર કરો

ક્ષિતિજ...ગાથા વિરહથી મિલન સુધીની....- ભાગ 2

કુદરતના આટલા નયનરમ્ય દ્રશ્યો જાણે રાશિની આંખોમાં આંજણ બની પ્રસરી રહ્યા હતા. પ્રકૃતિના રસપાનમાં તલ્લીન રાશિ પોતાની ધૂનમાં ચાલી રહી હતી. ત્યાંજ રસ્તામાં કઈંક અવરોધ આવતા તે શું છે એની ગડમથલમાં રાશિ હજુ કઈ સમજી શકે, તે પહેલાજ ગોથું ખાઈ ગઈ અને ઊંધે માથે નીચેની તરફ ફેંકાઈ, ડરને કારણે રાશિની આંખો બંધ થઇ ગઈ. દરિયા કિનારે આરામથી બેસી ડૂબતા સૂરજને નિહાળવામાં મગ્ન એવા કોઈ યુવકના પગે અથડાઈ તે નીચે પડવાની હતી ત્યાજ પેલાનું ધ્યાન જતા તેણે પોતાના પગથી ડાબી તરફ જમીન ઉપર પડતી યુવતીને બચાવવા માટે પોતાના હાથોમાં ઝીલવાની કોશિશ કરી. પણ એવું કરવા જતા બંનેનું બેલેન્સ ગયું અને તે યુવક જમીન તરફ અને રાશિ તે યુવક ઉપર પડી.

ડરી ગયેલ રાશિએ તે યુવાનનું શર્ટ જોરથી પકડી લીધું હતું અને માથું પેલા યુવકની છાતી આગળ એવી રીતે ભરાવી દીધું હતું જાણે કોઈ નાનું બાળક. રાશિના રેશમી અને લાંબા વાળ પેલા યુવકના ચહેરા ઉપર પથરાઈ વળ્યા હતા જેમાંથી ભીની ભીની મહેક આવી રહી હતી. પોતાની જાતને સંભાળતા તે યુવકે તેને હળવેકથી પોતાનાથી અળગી કરી અને પહેલા પોતે ઊભો થયો અને પછી રાશિને પોતાનો હાથ આપી ઊભી કરવા પ્રયત્ન કરવા લાગ્યો.

રાશિ હવે થોડી સ્વસ્થ થઈ અને પોતાનો હાથ એ અજાણ્યા લંબાયેલા હાથોમાં મૂકી દીધો અને તે સાથેજ તે બંનેના પૂરા શરીરમાં જાણે ઝણઝણાટી પ્રસરી ગઇ. રાશિના વાળ હવે એના ચહેરા પરથી હટીને હવામાં ઉડી રહ્યા હતા. એ ચહેરો જોતાજ પેલા યુવકની દિલની ધડકનો જાણે રોકાઈ ગઈ, જાણે હમણાજ વાદળોમાંથી બહાર નીકળ્યો હોય એવો ચાંદ જેવો નિર્મળ અને શીતળ ચહેરો હતો તેનો. એના તામ્રવર્ણી રંગમાં દરિયાની માટી ભળીને એના ચહેરાને સોનેરી રંગથી ચળકાવી રહી હતી. એની સુંદર આંખો અને કપાળે લગાવેલ નાનકડી ચંદ્ર આકારની બિન્દી, જાણે સાક્ષાત ચાંદની જમીન ઉપર ઉતરી આવી હતી એવું લાગી રહ્યું હતુ.

બીજી તરફ જીવનમાં પહેલીવાર કોઈ પુરુષનો સ્પર્શ થતાં રાશિ અજીબ અહેસાસ પામી રહી હતી. એના ઉછેર દરમિયાન એણે હમેશા બહારી લોકો અને ખાસ કરીને પુરુષોથી દૂર રહેવા માટે શિખામણ આપવામાં આવતી. પણ આ અજાણ્યા યુવકની બદામી રંગની નિર્દોષતાથી ભરેલી આંખોમાં એને હૂંફ અને અજીબ લાગણી ડોકાઈ રહી હતી. પોતાના શરીરે થયેલા અજાણ્યા સ્પર્શથી પહેલીવાર ડરની જગ્યાએ વિશ્વાસ અને કોઈ અજીબ લાગણીઓ પેલા યુવક તરફ એને અનુભવાઈ હતી. બંનેની પહેલી મુલાકાતનો સાક્ષી એવો સૂરજ પણ જાણે શરમાઈને પીગળતો દરિયાની ક્ષિતિજે વિલીન થઈ રહ્યો હતો.

અચાનક તંદ્રામાંથી જાગી હોય એમ રાશિને હોશ આવતા તે પેલા યુવકનો હાથ છોડાવી અળગી થઈ અને બંને વચ્ચે કઈ શબ્દોની આપલે થાય તે પહેલાજ ત્યાંથી ભાગી ગઈ. આ ભગજડમાં પોતાની ચુનર પેલા યુવકની પાસે રહી ગઈ હતી તે લેવા પણ તે રોકાઈ નહિ.

"અજીબ છોકરી છે, મે એને પડતી બચાવી એના માટે મને થેંકયું કહેવાના બદલે ગભરાઈને દોડી ગઈ", તે વિચાર સાથે હળવી મુસ્કુરાહટ એનાં ચહેરા ઉપર છવાઈ ગઇ, સાથેજ એનું ધ્યાન હાથમાં વીંટળાઈ વળેલ પેલી યુવતીની ચુનરી ઉપર ગયું, અને ફરી પાછી એજ ભીની ભીની મહેક એના શ્વાસમાં ભરી ગઈ.

તે રાત્રે નાતો રાશિને ઊંઘ આવી નાતો પેલા યુવકને, બંને ભલે અલગ અલગ જગ્યાએ હતા પણ એક સરખી અનુભૂતિએ બંનેને પૂરી રાત ઘેરી લીધા હતા.

ક્રમશ: *

શું આં અજાણ્યા બે લોકોની આગળ જતાં મુલાકાત થશે? અને તે મુલાકાત બંનેના જીવનમાં કેટલા નવા મોડ લાવશે તે જાણવા જોડાઈ રહો મારી આં નવી ધારાવાહિક સાથે..


- ધ્રુતિ મેહતા (અસમંજસ)