પેપર વેઈટ..... વાર્તા. દિનેશ પરમાર 'નજર '
****************************************
બંધ મુઠ્ઠીમાં ગુમાવી ઝાકળ પતંગિયા ને ફૂલો
ખુલી હથેળીમાં આખરે શું ભરી જાય છે માણસ
- દિનેશ પરમાર નજર
***************************************
એક તો ઉનાળો... ઉપરથી સ્મશાનની બળતી નનામી ની ઝાળ...
શહેરના પૂર્વ તરફના સ્લમ-વિસ્તારમાંથી પોતાના ભાઈ રમાશંકરની અર્થી લઇ આવેલા દુલાર ત્થા સાથે આવેલા આડોશી પાડોશીઓએ અર્થી એક તરફ ઉત્તર બાજુ મસ્તક રાખી ભોંયશરણ મૂકી.
સાથે આવેલા લોકો પગે લાગીને પરસેવો લુછતા લુછતા સ્મશાનમાં ઝાડ નીચે ગોઠવવામાં આવેલા બાંકડા તરફ ફટાફટ જવા લાગ્યા..
દુલારના પડોશી અને દુરના સગા ત્રિલોક, દુલારને ઈશારો કરી ખુણામાં આવેલી કચેરી બાજુ લઈને ગયો. કચેરીમાં કેટલાય વર્ષોથી ચૂનો જ કર્યો ન હતો એવી કાળી પડી ગયેલી દિવાલો વચ્ચે સાવ આળસુની જેમ પરાણે ફરતો હોય તેવા પંખા નીચે બેઠેલા ભાવહીન ચહેરાવાળા ક્લાર્કે ટેબલ પર પડેલું રજીસ્ટર ઊઘાડ્યુ અને બોલ્યો, "મરનારનુ નામ?"
"રમાશંકર" દુલાર પરાણે બોલવું પડતુ હોય તેમ ધીરેથી બોલ્યો.
"ઉંમર? "
"૩૬ વરસ"
"રહેઠાણ? "
" સેવંતી સટ્ટોડીયાની ચાલી"
"મૃત્યુનુ કારણ? "
દુલારે અમસ્તું ત્રિલોક સામે જોયું અને કહ્યું, " સાહેબ ત્રણેક દિવસથી તાવ હતો આજે સવારે આંચકી આવી અને.."
"ઠીક છે... મૃત્યુનુ સ્થળ? "
" સાહેબ... ઘરે જ..." આગળ કંઈ બોલે તે પહેલા ક્લાર્કે હાથ ઉંચો કરી ઇશારો કરતા દુલાર ચૂપ થઈ ગયો.
" એ શના....?" ક્લાર્કે બુમ પાડી.
શંકર દોડતો આવ્યો"જી...."
રજીસ્ટરની નોંધ પરથી મરણની રસીદ બનાવતા ક્લાર્કે ઉંચુ જોયા વિના જ કહ્યું," લાકડા ગોઠવવાના છે. "
" એ.. હા" કહેતો શંકર લાકડાની લારી ઢગલા તરફ દોરી ગયો.
"જુઓ.. અહીંયા નગરપાલિકા તરફથી લાકડાનો કોઈ ચાર્જ લેવામાં આવતો નથી. પરંતુ.... તમારે.."
હજુ આગળ કંઈ બોલે તે પહેલાં ત્રિલોકે દુલાર બાજુ ફરી હાથની આંગળીઓથી ઈશારો કર્યો.
દુલારે પરસેવા વાળા હાથે મેલાદાટ બાંડીયાના ખૂણામાં ટુંટીયુ વાળીને પડેલી બે નોટમાંથી એક કાઢી.
ઉપર ઘ.. રરર.. ઘ.. રરર. અવાજ સાથે ફરતા પંખાની અને પાછળના ભાગે આવેલી નદી તરફથી આવતા હવામાં કાગળો ઉડી ન જાય એટલે ટેબલ પર ત્રણેક જેટલી સ્મશાનમાં ઠેબે ચઢેલી માટીની કુલડીઓ રાખેલી તેની તરફ ક્લાર્કે આંખથી ઈશારો કરતાં, નોટ ત્રિલોકે દુલારના હાથમાંથી લઈ લીધી અને તેની ગડીવાળી કુલડીમાં મૂકી ઉભો રહ્યો.
આટલા સમયે માંડ જરુર પુરતુ હસી, રસીદ દુલારના હાથમાં આપી બુમ પાડી, "શના... સાંભળ સૂકા વ્યવસ્થિત લાકડા લે જે."
દુરથી શનાનો અવાજ સંભળાયો, " એ હા..."
તેની સાથે જ ફેક્ટરીમાં મજુરીકામ કરતા રઘુવીરની બા ને અગ્નિ સંસ્કાર માટે લાવ્યા ત્યારે રઘુવીર, ક્લાર્કને કંઇ સમજ્યો નહતો. અને એટલે લાકડાના ધૂમાડાથી બળેલી આંખો અને વધુ પડતા લાગેલા સમયથી બધા ડાઘુઓ ખુબ કંટાળી ગયા હતા.
ઉપરની ગયા અઠવાડિએ બનેલી ઘટના મમળાવતો ત્રિલોક તથા દુલાર કેબિનની બહાર નીકળી રમાકાંતની નનામી તરફ ચાલવા લાગ્યા.
***********
લગભગ મરણના ત્રીજા દિવસે દુલાર પાલિકા કચેરીએ મરણનું પ્રમાણપત્ર લેવા ગયો ત્યારે ક્લાર્કે કહ્યું "સ્મશાનની રસીદ લાવ્યો છે?"
"એતો ઘરે રહી ગઈ છે."
"શું એમના એમ હાથ હલાવતા હેંડ્યા આવો છો? સ્મશાનની રસીદ લઈ આવ પછી અહીંથી તને ફોર્મ આપુ તે ભરી બે સાક્ષી અને આધારકાર્ડ સાથે અહીં રજુ કર્યા પછી આગળની વિધી થશે સમજ્યો?"
સ્મશાનની રસીદ આડીઅવળી મુકાઈ ગઈ હતી. દુલાર ટેન્શનમાં આવી ગયો. ભાઈની કામદાર વિમાની રકમ તથા ફંડ વિગેરેની રકમ મળે તો, તેના ભાઈની વિધવા અને નાના નાના ત્રણ બાળકોને રાહત મળી શકે તેમ હતી.
ઘર ઉપરતળે કરી ગમેતે રીતે રસીદ શોધી કાઢી ફટાફટ પાલિકા જઈ ફોર્મ ભરી ઉભો રહ્યો.
"ભાઈ સર્ટિફિકેટ તૈયાર થઈ જાય પછી તને ફોન કરીને જણાવશુ"
બે ત્રણ દિવસ સુધી કોઈ ફોન ન આવતા કંટાળી દુલાર પાલિકા કચેરી ગયો. "બોલાવ્યા વગર કેમ આવ્યો? બહુ કામ છે બે દિવસ પછી આવજે."
નિરાશ દુલાર જેવો બહાર આવ્યો તો મોટા સાહેબનો પટાવાળો સામે મળ્યો. તે દુલારને ઓળખી ગયો. દુલાર જે ચાલીમાં રહેતો હતો તેની બાજુની ચાલીમાં જ તે રહેતો હતો. દુલારે વાત કરતા તેણે ધીમે રહીને કાનમાં કહ્યું " હમણાં મહિના પહેલા જે મોટા સાહેબ આવ્યા છે તે ભલા અને સારા છે તેમને વાત કરો."
સાહેબને મળીને વિગત જણાવતા તેમણે જન્મ-મરણનું કામ સંભાળતા ક્લાર્કને બોલાવી ખખડાવ્યો અને કહ્યું,"હાલને હાલ સર્ટિફિકેટ તૈયાર કરી લાવ, અને મારી સહી કરાવી આજે ને આજે જ આમને આપી દે."
"જી... સર "કહી કટાણું મોઢુ કરીને પીઠ ફેરવેલા ક્લાર્કની પીઠ પર હૂકમ ફેંક્યો," અને.. હા.. આ સર્ટિફિકેટ મારી પાસે લાવ્યા વગર રિસેસમાં જવાનુ નથી"
પછી બે હાથ જોડીને ઉભેલા દુલાર તરફ જોઈ કહ્યું, " તમે ત્યાં સુધી બહાર રાહ જુઓ. "
" ભલે સાહેબ "કહેતા બહાર નિકળતા દુલારે ટેબલ પર અછડતી નજર નાંખી, ટેબલ સાવ ખાલી હતુ અને કોઈ વધારાની વસ્તુઓ પણ.. નહોતી..
અરે-
કેબીનની સિલીંગમાં પોતાની મસ્તીમાં એકધારા ફરતા પંખાની હવામાં કોઈ અગત્યના કાગળ ઉડી જવાની ચિંતાથી મુક્ત પેપર-વેઈટ પણ... નૈ...
થોડી જ વારમાં જિલ્લાના મુખ્ય મથક પરથી ફોન આવ્યો, અગત્યની મિટિંગ હોઈ સાહેબને મિટિંગમાંથી અચાનક જવાનુ થતા પટાવાળો આવી દુલારને કહી ગયો, "આમેય બે દિવસ કચેરી બંધ છે અને સાહેબને પરત આવતા રાત થઈ જશે તો પરમ દિવસે સવારે જ આવીને લઈ જજો."
નિરાશ દુલાર પરમ દિવસની આશ લઈ ધીરે ધીરે કચેરી છોડી ગયો.
*********
ઉઘડતી કચેરીએ દુલાર આવ્યો ત્યારે ગોઝારા સમાચાર સાંભળીને દુઃખી થયો. જીલ્લા કચેરીએ મિટિંગ પછી તરત સાહેબને બદલીનો ઓર્ડર પકડાવી દીધો હતો.
આજે સવારે નવા સાહેબે ચાર્જ સંભાળી લીધો હતો.
સાહેબને ચિઠ્ઠી મોકલી રુબરૂ મળી સઘળી હકીકત જણાવી.
"ભાઈ તારી વાત સાચી પણ વાર લાગશે મારે બધુ જોવુ પડશે... અને." ટેબલ પર નજર કરી આગળ બોલ્યા, " અને આ બધુ સમજવું પણ પડશે ને..? તારો ફોન નંબર જે તે ક્લાર્કને આપી ને જા કામ પત્યા પછી જાણ કરી બોલાવી લઈશુ."
પીઠ ફેરવી પરત ફરતા દુલારે ટેબલ પર અછડતી નજર નાખી, માથે ફરતા સિલીંગ-ફેનમાંથી , સાહેબ અને ટેબલ પર ફેંકાતા પવનમાં,ટેબલ પર ફરફરતા પેપર ઉડી ન જાય તે માટે શિસ્તબદ્ધ રીતે પેપર વેઈટ ગોઠવાઈ ગયા હતા.
એ કાગળોમાં પાંચ છ ડેથ સર્ટિફિકેટની એક થપ્પી પણ હતી.
દુલાર નિરાશ થઈ કેબીન છોડી, પહેરેલા મેલાઘેલા પહેરણના ગજવામાં હાથ નાખી, ચોળાઈ ગયેલી બે-ચાર નોટોને ફંફોસતો જન્મ-મરણનું કામ સંભાળતા ક્લાર્કના કાર્યાલય તરફ ચાલવા લાગ્યો....
****************************************