પ્રેમ-નફરત
- મિતલ ઠક્કર તથા રાકેશ ઠક્કર
પ્રકરણ-૧૮
'હું સંમત નથી...' ક્યારનાય ચૂપ બેઠેલા લખમલભાઇ બોલ્યા.
આરવને થયું કે તેના દિલના શબ્દો પિતાના હોઠ પરથી સર્યા છે. મનોમન તેના દિલમાં ખુશીની લહેર ફેલાઇ ગઇ. મોટા ભાઇઓ સામે તે રચનાની તરફેણ કરે એ યોગ્ય ન હતું. એમ કરવાથી પોતે પણ આ કામમાં એમની નજરમાં ગુનેગાર ગણાય એમ હતો. રચનાએ ખોટું કામ કર્યું હતું એમ માનતો હતો પણ દિલના એક ખૂણામાં તેના પ્રત્યે પ્રેમ ઉછરી રહ્યો હોવાથી એ તેનું બૂરું ઇચ્છતો ન હતો. હિરેન અને કિરણ આશ્ચર્યચકિત થઇને પિતાની સામે જોઇ રહ્યા. એમને લખમલભાઇ સંમત નહીં થાય એવી કલ્પના ન હતી. તેમને રચનાને સજા અપાવવા કરતાં તેને નોકરી પર રાખવાનો આરવનો નિર્ણય ખોટો સાબિત થાય એવી ઇચ્છા વધારે હતી. પિતા અનુભવી હતા અને મોટાભાગના નિર્ણયો એ જ લેતા હતા. એમની વાતને સન્માન આપવું પડે એમ હતું. છતાં બંને ભાઇઓ જલદી પોતાની માગણી છોડવા માગતા ન હોય એમ એકબીજા સાથે ઇશારાથી વાત કરી લીધી.
'પપ્પા, એ છોકરીએ બધી રીતે આપણી કંપનીનું બૂરું કર્યું છે. જો આ વાતની ખબર 'સુપર ફાસ્ટ મોબાઇલ' કંપનીને થશે તો એ હોબાળો મચાવી દેશે. એ આપણી કંપનીને બદનામ કરશે. આપણે સ્વસ્થ સ્પર્ધાને બદલે ખોટી રીતે એમને પછાડવાનો પ્રયત્ન કરી રહ્યા છે એવું સાબિત થશે. મારો વિચાર છે કે રચના સામે કાર્યવાહી થવી જ જોઇએ. જો આમ નહીં કરીશું તો બીજા કર્મચારીઓ પર એની અવળી અસર થશે. આપણે કંપનીના ભલા માટે પણ રચના પર પોલીસ કેસ કરવો જ જોઇએ...' કિરણ દલીલ કરતાં બોલ્યો.
લખમલભાઇ હસ્યા:'દીકરા, કોઇપણ નિર્ણય ઉતાવળમાં અને વિચાર કર્યા વગર લેવો ના જોઇએ. રચનાએ ભૂલ કરી છે એ હકીકત છે. પણ એણે એ વાતને છુપાવી નથી. સામે ચાલીને કહી છે. એનો ઇરાદો કંપનીના ફાયદા માટેનો હતો. આરવ એની વાત કહી ચૂક્યો છે કે તે એક માહિતી આપીને બીજી માહિતી કઢાવવા માગે છે. અને આજના જમાનામાં મોબાઇલ કંપનીઓ વચ્ચે ગળાકાપ સ્પર્ધા ચાલતી હોય ત્યારે આ પ્રકારની રમત રમવામાં ખોટું કંઇ નથી...'
આરવને પિતાની વાત ગમી. પણ કિરણ પોતાની વાત છોડવા માગતો ન હતો:"પપ્પા, તમે આવી વાત કરી રહ્યા છો એની મને નવાઇ લાગે છે. આપણે ક્યારેય આવા ખોટા રસ્તા વિચાર્યા નથી. અને કંપનીની નવી સવી કર્મચારી પોતાની આંગળી પર આપણાને નચાવે એ વધારે પડતું છે...
'બેટા, તારી વાત સાચી છે. પણ મેં અગાઉ બે વખત આપણી કંપનીમાં આ પ્રકારની ઘટનાને જોઇ છે. એની તમને જાણ કરી નથી. અગાઉ બે વખત આપણી જ કંપનીના કર્મચારીએ આપણી હરીફ મોબાઇલ કંપનીઓને માહિતી આપતાં રંગેહાથ પકડયા હતા. તેમને કોઇ સજા આપવાને બદલે એમનો જ ઉપયોગ કરીને કંપનીને લાભ કરાવ્યો હતો. હવે જેવા સાથે તેવાનો જમાનો છે. માત્ર સારી પ્રોડક્ટ બનાવવાથી જ ધંધો ચલાવી શકાતો નથી. ઘણા બધા ખેલ કરવા પડે છે. જો એમ ના કરીએ તો આ ધંધામાં ટકી શકીએ નહીં...આપણે એન્ટમ કંપની સાથે મોબાઇલ વેચવાનો માત્ર કરાર કર્યો નથી. એમને 'સુપર ફાસ્ટ મોબાઇલ' કંપનીના મોબાઇલ વેચવામાં રસ ન બતાવવાનો પણ વણલખ્યો કરાર કર્યો છે. એમને એ બદલ અલગથી કમિશન ચૂકવવાનું છે. એ વાત મેં તમને કરી ન હતી. આવું તો ઘણું બધું મારે કરતા રહેવું પડે છે...'
પિતાની વાત સાંભળીને ત્રણેય પુત્ર નવાઇથી એમને જોઇ રહ્યા. પિતાએ સિધ્ધાંતનું પૂછડું પકડી રાખ્યું નથી. તે ચાલાકીથી કંપનીને ચલાવી રહ્યા છે.
'પપ્પા, તો હવે તમારો આગળનો પ્લાન શું છે?' હિરેન પિતા સામે શસ્ત્ર હેઠા મૂકતો હોય એમ બોલ્યો.
ત્યાં કિરણનો ફોન રણક્યો. તે બોલ્યો:'એક મિનિટ, એક અગત્યનો ફોન છે...'
કિરણ ફોન પરની વાત સાંભળી ચમકીને બોલ્યો:'શું? ખરેખર?'
પછી સામેવાળાની વાત સાંભળી ફોન મૂકતાં બોલ્યો:'પપ્પા, આપણી કંપનીના શેરના ભાવમાં કડાકો બોલી ગયો છે. આ છોકરીએ તો આપણાને બરબાદ કરી નાખ્યા...'
આરવને થયું કે રચનાએ બહુ મોટી ભૂલ કરી નાખી છે. પપ્પા હવે એને માફ કરશે નહીં. આરવના મનમાં કિશોરકુમારનું ગીત 'જિંદગી કે સફર મેં ગુજર જાતે હૈં જો મકામ, વો ફિર નહીં આતે, વો ફિર નહીં આતે...' ગુંજી રહ્યું.
ક્રમશ: