Happy Birthday books and stories free download online pdf in Gujarati

હેપ્પી બર્થડે

હેપ્પી બર્થડે


ડિસેમ્બર નો મહિનો હતો, ચારે તરફ ઠંડા પવનના સૂસવાટા નો અવાજ આવી રહ્યો હતો. સવારના ૬ વાગ્યા છતાં ઠંડી ને કારણે રસ્તાઓ પર પાંખી હાજરી દેખાતી હતી. ઉનાળામાં ખુશનુમા રહેતું ગાંધીનગર શિયાળામાં ઠંડુગાર થઈ ગયું હતું.


આજે પાયલ નો ખાસ દિવસ એટલે કે એનો બર્થડે હતો છતાંપણ પાયલને સહેજપણ એ વાતની ખુશી નહોંતી. એ હંમેશાની જેમ ઈચ્છતી હતી કે આ દિવસ પણ આવે ને જાય. જીવનમાં ઘટેલી ઘટનાઓ અને જૂના સંભારણા પાયલ ભૂલી નહોતી પણ યાદ કરવા નહોતી માંગતી. એટલે એ સવારે બેડ માં ઓઢીને સૂતી હતી.


આંખ ખૂલતાં જ એણે મોબાઈલ હાથમાં લીધો અને નેટ ઓન કરી એ મોબાઈલ જોવા બેઠી. એટલામાં જ ઇન્સ્ટામાં એક મેસેજ આવ્યો.


"હેપ્પી બર્થડે પાયલ"


નામ જોયું તો પૂજન હતું છતાં વિચારતા કે આ કોણ છે "આભાર"


"બસ આભાર, પાર્ટી નહીં મળે!"


પાયલને યાદ આવ્યું કે આ તો બહુ સમયથી એને ફોલો કરે છે ક્યારેક લાઈક, પણ કદાચ વાત નથી થઈ. "હું બર્થડે ઉજવતી નથી"


"અરે વાહ... પાર્ટી ના આપવી પડે એટલે આવું કહેવાનું?"


"ના... સાચેજ નથી ઉજવતી" મનમાં બોલાઈ જવાયું કે કોના માટે ઉજવું!


"અરે... તમારા માટે જ તો"


પાયલને પણ વાત કરવામાં રસ જાગ્યો કે આ શું કેવી વાતો કરે છે. "મારા માટે! એ વળી શું?"


"હા જ તો, પોતે પોતાનું ધ્યાન રાખવું અને પોતાને ખુશ રાખવા. હવે જરા તમે મને કહો તો તમને સ્વીટ કે ચોકલેટમાં શું ભાવે?"


વિચારતા પાયલ બોલી "હમમ... મને ફાઇવ સ્ટાર અને કીટકેટ. પણ હા, કીટકેટ મારી ફેવરીટ"


"આહા... મારી પણ કીટકેટ ફેવરિટ, તો કામ કરો સવારે તમારે તમારા માટે કીટકેટ લાવવાની ને ખાવાની એમ બપોરે ફાઇવ સ્ટાર લાવવાની ને ખાવાની. ક્યારેક પોતાના માટે પણ આવું કરવું. પોતાની ખુશી પણ મહત્વની છે."


પાયલને પણ લાગ્યું આ વાત તો જોરદાર કરી રહ્યો છે. ચાલ તો એવું કંઇક કરું. "હા, હું કરીશ."


"અરે પાયલ, તારું ફેવરીટ ફૂડ કયું?"


"આમ તો મને બહુ ફાવતું નથી પણ ચાઈનીઝ ભેળ વધુ ભાવે."


"ઓકે... તો થઈ ગયું ને ડિનર નું પ્લાનિંગ. સાંજે ચાઈનીઝ ભેળ."


"અચ્છા...એવું કરું એમ!, પણ તમે કહો એમ કેમ કરું?"


"અરે હું કહું એમ મારા માટે થોડું કરવાનું છે! તમારે તમારા માટે કરવાનું છે. તમારા માટે તમે આટલું તો કરી જ શકો ને?"


પાયલે પણ વિચાર કર્યો. આખી જિંદગી બધા માટે બધુજ કર્યું લાવને આજે હું મારા માટે કંઇક કરું. "હા, હું કરીશ"


"અરે વાહ... તો ચાલો થઈ જાઓ તૈયાર અને ખાસ મને ફોટા મોકલાવજે."


પાયલ એકદમ ચમકી "ફોટા!?.... કેમ?"


"અરે મેડમ તમારા નથી માંગતો. તું જે આજે કરીશ એના. મને પણ જોવો છે આ બર્થડે."


તંદ્રામાંથી જાગી હોય પાયલ એમ. "હા, ચોક્કસ."


"ઓકે... મળીએ ત્યારે. હેપ્પી બર્થડે અને હા તમારા માટે કોઈ સ્પેશિયલ ગિફ્ટ પણ લેજો."


પાયલને પણ થયું હા આ પણ કરી જોવું. "હા...હો, આવજો."


પૂજન પોતાના દિવસમાં વ્યસ્ત થઈ ગયો તો પાયલ પણ પૂજન સાથે વાત કરી કઈક અલગ જ ખુશી અનુભવી રહી હતી. પાયલને યાદ આવ્યું કે મેં તો એ પણ ના પૂછ્યું કે એ મને ઓળખે છે કે એમ જ વાત કરવા લાગ્યા હતા. પછી થયું જે હોય એ પણ મજા આવી ગઈ. વર્ષો પછી પાયલને કોઈ બર્થડે ઉજવવો છે એ પણ પોતાના માટે એક નવી રીતે. બહુ બધું મગજમાં દોડી રહ્યું હતું.


સવારના ૬ થી રાતના ૧૦ વાગ્યા છતાં પાયલનો કોઈ ફોટો કે કોઈ મેસેજ ના આવ્યો. પૂજન ને લાગ્યું કે પાયલે કદાચ હા એમ જ કહી પણ બર્થડે ઉજવ્યો નહિ હોય. એમ વિચારતા પૂજન લેપટોપ પર કામ કરવા બેઠો હતો. એટલામાં જ મોબાઈલ માં મેસેજ ટોન વાગી.


પૂજને જોયું તો થોડા ફોટા હતા. એક ફોટામાં હાથમાં ચોકલેટ્સ હતી. બીજા ફોટામાં ચાઈનીઝ ભેળ હતી. ત્રીજા ફોટામાં એક નવી બુક હતી.


થોડીવાર પૂજન બધું જોઈ રહ્યો અને પછી મેસેજ કર્યો "અરે વાહ, જોરદાર ઉજવાયો લાગે છે બર્થડે. ચોકલેટ, ચાઈનીઝ ભેળ અને આ બુક!"


પાયલ સમજી ગઈ આ પૂજન બુકનું પૂછે છે. "હા, બુક મને વાંચવી ગમે છે અને તને કહ્યું હતું કે ગિફ્ટ તો આનાથી સારી મારા માટે ગિફ્ટ હોઈ ના શકે."


"ઓહો, શું વાત છે! મને પણ મજા આવી તમે આમ કર્યું. મને અવઢવ હતી તમે કરશો કે નહીં!"


"હા, કર્યું. ખરેખર કહું તો મને પણ ગમ્યું. આમ અચાનક આટલા વર્ષો પછી મારા માટે કંઇક કરવું. પણ સાચું કહું તો તમારા લીધે જ શક્ય બન્યું. આ યાદગાર દિવસ રહેશે."


"અરે અરે... મારા નઈ તમારા લીધે. હવે પૂછો કેમ?"


"કહી જ દો, મારા રોકાયે થોડા રોકાવાના છો!"


"હા, એ પણ છે. જુવો પાયલ, સવાર સવારમાં કેટકેટલા મેસેજ, કેટલાયે સુવિચારો, કેટલાયે વિડિયો આવતા હશે શું બધાજ બધું ફોલો કરે છે? અને હા જો ફોલો કરતાં હોત તો બધા મહાન આત્મા બની ગયાં હોત."


પાયલ પણ આ વાતથી હસી પડી મહાન આત્મા. "હા એ તો છે જ બધા બધું કરે જ નઈ, ફોરવર્ડ કરે બસ. પણ એનાથી આ વાતનો શો સંબંધ!"


"અરે મેડમ, સંબંધ છે. સમજી લો સવારે મેં તમને સુવિચાર મોકલ્યો અને તમે અમલ કર્યો બસ. એટલે તમે તમારો આભાર માનો કે મેં આ કર્યું."


"વાહ... શું લોજીક છે!"


"એ જે હોય એ. પણ સાચું કહું તો મને ગમ્યું તમે મારું માન્યું અને તમે તમને હેપ્પી બર્થડે કહ્યું."


"હા, મને પણ ગમ્યું. મારો દિવસ યાદગાર બની ગયો. બહુ વર્ષો પછી આવો દિવસ મારો ગયો. મને પણ મજા આવી."


"બસ ત્યારે, જીવનમાં બીજું જોઈએ શું?"


"હા, એ જ તો. અરે... તમે મને જાણો છો? શું આપણી પહેલા વાત થઈ છે?"


"આમ ઓળખું છું કારણ હું તમને ફોલો કરું છું અને આમ કહીએ તો નથી ઓળખતો. વાત થઈ કે નથી થઈ એ પણ યાદ નથી. પણ એથી શું ફેર પડશે?"


"અરે એમ નહીં, આ તો જસ્ટ થયું પૂછી લઉં. તમે વારેવારે તમારા ડીપી બદલો છો એટલે ખબર નથી પડતી કે તમે કોણ છો. બાકી સાચેજ મજા આવી ગઈ."


"એ તો હું અસ્થિર છું એટલે તકલીફ રેવાની. બાકી તો બસ તમે એ આજની યાદો તાજી કરો ને હું સુઈ જાઉં."


"હા, ફરી મળશું." એમ કહી પાયલે ત્યાંજ વાતનો દોર અટકાવ્યો.


આ તરફ પાયલ અને બીજી તરફ પૂજન બંને આજનો દિવસ વાગોળતા ક્યારે સૂઈ ગયા ખબર જ ના રહી. બીજા દિવસે પણ બંને પોતાની રૂટિન જિંદગીમાં ખોવાઈ ગયા. બસ હંમેશા યાદ રહી ગયો તો આજનો યાદગાર હેપ્પી બર્થડે.


*****


તમે પણ આવું ક્યાંક અનુભવ્યું હશે. યાદગાર જન્મદિવસ આ રીતે પણ બની શકે કેવો રહ્યો વિચાર? વ્યક્તિ, સંબંધ કોઈપણ હોય લાગણીઓ સ્થિર છે. તોય અવિરત વહેવું, વરસવું લાગણીઓને ગમે છે. તમે આ વાર્તા માટે પ્રતિભાવ, સૂચન આપી શકો છો. જો તમારા જીવનમાં આવી કોઈ ઘટના, પ્રસંગ બન્યો હોય તો તમે Email :- feelingsacademy@gmail.com અને https://www.instagram.com/feelings.academy/ પર એ ઘટના, પ્રસંગ મોકલી શકો છો. હું તમારા નામ સાથે એ લાગણીઓ મારા શબ્દોમાં કંડારી અહી મૂકીશ જે તમને પણ વાંચવી, અનુભવવી ગમશે. આવી જ ટૂંકી વાર્તાઓ વાંચવા જોડાયેલા રહો.


જય ભોળાનાથ...


Feelings Academy...


બીજા રસપ્રદ વિકલ્પો

શેયર કરો

NEW REALESED